હેલીના માણસ – 37 |ભાગ્ય રેખાઓ| રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-37 ‘ભાગ્ય રેખાઓ’ એની 36મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

મારી આ આંખો, મારો ચહેરો રિયાસત પારકી, 

દિલની આ જાગીરમાં ચાલે હકૂમત પારકી!

 

ભાગ્ય રેખાઓય મારી મારા કહેવામાં નથી, 

છે હથેળી મારી પોતાની ને કિસ્મત પારકી! 

 

વાયદા કરતો રહ્યો મારી જરૂરતને સદા, 

ધ્યાનમાં રાખી હંમેશાં મે જરૂરત પારકી! 

 

એ રીતે હું પણ પરોપકારી ગણાઉં કે નહીં, 

મેં વસાવી છે મારા દિલમાં મહોબ્બત પારકી! 

 

આંખ લગ પહોંચું છું દિલમાં ડોકિયું કરતો નથી, 

જાણીને શું કરવી છે મારે હકીકત પારકી! 

 

કોઈને થોડી મદદ કરવાની જ્યાં કોશિશ કરું, 

કે તરત માથે પડે આખી મુસીબત પારકી! 

 

પણ ખલીલ આ જિંદગીમાં મારો હિસ્સો કેટલો, 

શ્વાસ મારા, જિંદગી મારી ને મિલકત પારકી! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

આપણી આંખો આપણાં કહ્યામાં ખરી? જે જોવા કહીએ તે જ જુએ? ના એતો ગમી જાય તેને જુએ. નજર એક વાર પડે પછી ઈચ્છા મુજબ પાછી પણ ના ફરે. ચહેરો પણ મનના ભાવોને પ્રતિબિંબીત કરે. આપણે ધારીએ તેવા ભાવ ન લાવી શકાય. મન દુઃખી હોય, રડતું હોય, ત્યારે હસવાનો પ્રયત્ન કરીએ તો એ હાસ્ય તો રૂદન કરતાં ય કરૂણ બની રહે. આ બધા પર આપણો કાબુ છે જ ક્યા એ બધું તો પારકી માલિકીનું! દિલ આપણું પણ એના પર રાજ ચાલે બીજાનું! 

મારી આ આંખો, મારો ચહેરો રિયાસત પારકી, 

દિલની આ જાગીરમાં ચાલે હકૂમત પારકી!

કિસ્મતનાં લેખાંની છાપ એટલે આપણી હથેળીની રેખાઓ. એ રેખાઓ ક્યાં બદલી શકાય છે! રેખા તો કદાચ પેનથી બીજી દોરી શકો. પણ એમ કરવાથી કિસ્મતના લખેલા લેખમાં કોઈ ફેરફાર નથી થતો. એ લેખને નસીબ ગણવામાં આવે છે. હથેળીની રેખાઓ આપણી પણ કિસ્મત લખનાર કોઈ બીજું જ છે. એને લખવું હોય તેવું લખશે એટલે કિસ્મત પણ પારકું જ ને! 

ભાગ્ય રેખાઓય મારી મારા કહેવામાં નથી, 

છે હથેળી મારી પોતાની ને કિસ્મત પારકી! 

દરેક મનુષ્યની પોતાની એક ફિતરત હોય છે. પરોપકારી સ્વભાવના કારણે અમુક લોકો પોતાના કરતાં બીજાની જરૂરીયાતનું વધારે ધ્યાન રાખશે. પોતાની પાસેની વસ્તુની જરૂર બીજાને પડે તો એ આપી દેશે. વિચારશે કે, હમણાં મારે જરૂર નથી તો ભલે એ વાપરે! અને પછી પાછળથી જ્યારે પોતાને જરૂર પડે ત્યારે વિચારે કે, એનું કામ પતશે એટલે આપશે. આમ પોતાને વાયદો કરશે પણ બીજાનું ધ્યાન રાખશે. દિલમાં જે પ્રેમ હોય તે તો બીજાને માટેનો હોય એટલે પોતાના દિલમાં પારકાનો સ્નેહ રાખ્યો તો એ પણ પરોપકાર જ ગણાય ને! 

વાયદા કરતો રહ્યો મારી જરૂરતને સદા, 

ધ્યાનમાં રાખી હંમેશાં મે જરૂરત પારકી! 

આંખોથી આંખો મળે ત્યારે સામેવાળાના દિલમાં શું ચાલી રહ્યું છે તેની ખબર ન પડે. એમ દિલમાં ડોકીયું કરીને બીજા વિશેની જાણકારી મેળવવાની જરૂર પણ શું હોય? કેટલીક વાર આપણને ‘આંગળી આપતાં પહોંચો-પંજો પકડ્યો’ એ કહેવત સાર્થક થતી લાગે. કોઈ મુશ્કેલીમાં હોય તેને મદદ કરવા જઈએ ત્યારે સંજોગો એવા સર્જાય કે, આખેઆખી એની મુસિબત આપણી બનીને ઉભી રહે. પછી એમાંથી છટકવું પણ શક્ય ન હોય. 

આંખ લગ પહોંચું છું દિલમાં ડોકિયું કરતો નથી, 

જાણીને શું કરવી છે મારે હકીકત પારકી! 

જીવનભર માણસ મિલ્કત ભેગી કરવામાં અને એમાં સતત વૃધ્ધિ થતી રહે તે માટે મથતો રહે છે. પોતાના સ્વાસ્થ્યનું, પોતાનાં બાળકોનું, માબાપનું ને સગાસંબંધીઓનું પણ ઓછું ધ્યાન રાખે છે. બધો સમય, બધી શક્તિ, ધન કમાવવામાં વાપરે છે. પરિણામે શરીર જ્યારે સાથ ન આપે ત્યારે સમજાય છે કે, શ્વાસ અને જિંદગી તો પોતાનાં છે પણ મિલ્કત? એ તો હું છું ત્યાં સુધી મારી પોતાની પણ પછી તો પારકી! 

પણ ખલીલ આ જિંદગીમાં મારો હિસ્સો કેટલો, 

શ્વાસ મારા, જિંદગી મારી ને મિલકત પારકી

જેને માટે આપણે જિંદગી નિછાવર કરીને બેંકોમાં ખાતાં ભર્યાં તે મિલકત તો છેવટે પારકી હોય છે. કેટલી ઉંડી સમજ! મિત્રો, કેવી લાગી આ ગઝલ? આવી મઝાની બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપીસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.