હેલીના માણસ – 35 | સાચી મૈત્રી | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-35 ‘સાચી મૈત્રી’ એની 34મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ :

મળવું હો તો આનાકાની નહીં કરવાની, 

આમ મહોબત છાનીમાની નહિ કરવાની. 

 

આગનું કારણ ચિનગારીને પૂછી આવો, 

ખાલી ખોટી વાત હવાની નહિ કરવાની. 

 

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, 

કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની. 

 

ગઝલબઝલ તો ભલે લખો પણ, મારી માફક, 

આખી આ બરબાદ જવાની નહિ કરવાની. 

 

જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું, 

મિત્રતામાં પાછી પાની નહિ કરવાની. 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

ઘણીવાર કેટલીક શોગાતો આપણાં પાલવમાં અનાયાસ આવી મળતી હોય છે. આવા સમયે આનાકાની કરવી તો ઠીક નથી. કોઈ યુવકને કોઈ મુગ્ધા યુવતી ગમી જાય ને એ તેને ચાહવા લાગે તેવું બને. પણ આ વાત ક્યાં સુધી ગુપ્ત રહી શકે? અને શકે પણ ક્યાંથી? સ્નેહ તો આંખોની પ્યાલીમાંથી સતત છલકાયા કરે! અને યોગ્ય સરનામે મળી જ જાય! પછી તો ન કશું અજાણ્યું રહે ન કશું અછતું! આવામાં છાનુંમાનું કશું ના ચાલે, એટલે તો કવિ કહે છે, 

મળવું હો તો આનાકાની નહિ કરવાની, 

આમ મહોબત છાનીમાની નહિ કરવાની. 

કોઈ એક ઘટના બને ત્યારે આસપાસ અનેક લોકો ટોળે વળી જાય. દરેક જણ પોતપોતાના મનમાં આવે તે રીતે તેનાં કારણો શોધીને તે બાબત ચર્ચા કરવા લાગે. ખરેખર તો ઘટના માટે જવાબદાર કોણ છે? તેનું કારણ શું હશે? તેની જાણકારી મેળવવી જ હોય તો ચર્ચા કરવાને બદલે યોગ્ય વ્યક્તિને પૂછવામાં આવે તો કંઈક સાચી વાત સમજાય. કવિ પણ આ શેરમાં કહે છે કે, આગ લાગી હોય તો ખાલી હવાને પૂછપરછ કરવાથી કશું નહીં મળે. તેનું કારણ તો ખુદ ચિનગારીને જ ખબર હોય. 

આગનું કારણ ચિનગારીને પૂછી આવો, 

ખાલી ખોટી વાત હવાની નહિ કરવાની. 

કોઈ બાગમાં પ્રવેશ કરીએ અને મીઠી મધુરી મહેક આપણને આવકારે તો તરત જ સમજાય કે, બાગમાં ગુલાબનાં પુષ્પો હોવાં જોઈએ કે પછી મોગરાનાં! સુગધ પરથી જ ક્યાં ફુલો હશે તે ઓળખાઈ જાય એના માટે છોડની નજીક જઈને કયું ફુલ છે તે જોવાની જરૂર નથી પડતી. એવું જ માશુકાની મહેકનું પણ હોવાનું. એની ઓળખ માટે કોઈ નિશાનીની શું જરૂર? 

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, 

કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની. 

યુવાવસ્થામાં ઘણાં યુવાનો પાગલપણાંની હદે માશુકાને ચાહવા લાગે છે. પણ કહ્યું છે ને કે, અતિ સર્વત્ર વર્જયેત. એ સમજણ રાખીને દુનિયાનાં બીજાં બધાં કાર્યોની જેમ પ્રેમ પણ માઝામાં રહી ને કરવો જોઈએ. ઠીક છે, તમે માશુકાને રિઝવવા કોઈ ગઝલ કે પ્રેમગીત લખી નાખો કે, ગાઈ પણ નાખો પણ એના માટે રોજીંદા કામો પણ છોડીને, મજનુ બનીને, પુરી યુવાવસ્થા વેડફી નાખો તે ન ચાલે. એ વખતે કરવાનાં કામો, જેવાં કે, ભણવું, ઉંચી લાયકાત મેળવવી, કમાવું વગેરે ચૂકી જાવ પછી આગળની જિંદગી દોહ્યલી થઈ પડે. 

ગઝલબઝલ તો ભલે લખો પણ, મારી માફક, 

આખી આ બરબાદ જવાની નહિ કરવાની. 

અંતીમ શેરમાં ખલીલ સાહેબ મિત્રતાની સાચી સમજ આપે છે. આપણી આસપાસ જુદા જુદા મિત્રો રહેતા હોય છે. કેટલાક આપણું કામ પડે ત્યારે મિત્ર બની જાય અને કામ પત્યા પછી ગાયબ થઈ જાય. એને જો ખબર પડે કે, આપણને તેની જરૂર પડશે તો તો બિલકુલ ભૂગર્ભમાં! ઘણા તાલીમિત્રો હોય. વાતચિત કરે આગળ કશું નહીં. પણ શેરમાં કવિ કહે છે કે, મિત્રતા તો એવી કરવાની જો મિત્રને જરૂર પડે તો માથું આપી દેવામાં પણ પાછી પાની નહીં કરવાની. 

જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું, 

મિત્રતામાં પાછી પાની નહિ કરવાની. 

આ ગઝલમાં કવિ કહે છે કે, તાલી મિત્રો તો અનેક મળી આવે પણ એ બધામાં ખરો દોસ્ત મુશ્કેલ સમયમાં ઓળખાતો હોય છે. બધા જ્યારે સાથ છોડવા લાગે ત્યારે સાચો મિત્ર જ ટકી રહેશે અને સાથ આપશે. આવા મિત્રો મળવા એ તો ભાગ્યની વાત છે. પણ તમે કોઈના આવા સાચા દોસ્ત જરૂર બની શકો. ખરુને? આવી જ મજેદાર ગઝલ સાથે ફરી મળીશું આવતા એપીસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.