સંસ્પર્શ -૩૨

jigisha -સંસ્પર્શ -youtube

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન ।

યમેવૈષ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ ।।

આત્મા પ્રવચનોથી નથી મળતો,મેધા(બુધ્ધિ) થી નથી મળતો

બહુશ્રવણ કરવાથી પણ મળતો નથી.

આત્મા પોતે જેનું વરણ કરે છે તેને જ તે પ્રાપ્ત થાય છે.

(કઠોપનિષદ)

ધ્રુવ ગીત

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા,

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા.

એવા સમતળનાં રહેનારા અમે એકલે પંડે,

રિક્ત છલકતા અંધકારના સદા અખંડિત ખંડે

હવે અચાનક ઊર્ધ્વ અધોના પટમાં આવી રહેતા થઈ ગ્યા.

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

નામ ન’તુ કોઈ ઠામ વગરના હતા અમે હંમેશ,

તમે ગણ્યું જે અંતરીક્ષ તે હતો અમારો વેશ.

અવ ઓચિંતા અમે અમારું નામ જગતને કહેતાં થઈ ગ્યા,

એમ અમે અચરજને મારગ સાવ અચાનક વહેતા થઈ ગ્યા.

ઉપનિષદનાં રહસ્ય ખોલતું અને ધ્રુવદાદાનાં ગહન આધ્યાત્મિક અવલોકનનો ઉઘાડ કરતું આ ગીત એક નવા જ વિચારને આપણાં દ્રષ્ટિપટલ પર લઈ આવે છે.કઠોપનિષદની વાત રજૂ કરતા દાદા કહે છે કે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો એ એક મોટી અચરજની વાત છે.કઠોપનિષદનાં શ્લોક પ્રમાણે આત્માએ આપણા શરીરની પસંદગી કરી અને આત્મા અને શરીર એક થઈ ગયા.એટલે દાદાએ ગાયું- ‘ હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગયા’ આ અચરજ કેટલું મોટું છે! 

તો આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ આજ કલ્પનાને પોતાની રીતે આલેખે છે,

“ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,

બહુ એકલો હતો એને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીધો અફાળી,

કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી

કરતા અકરતા બંને છે ,ને નથી કશું યે,

વીંટળાઈ ખુદ રહ્યો છે,છે ખુદ રહ્યો વીંટાળી.”

આપણા ધ્રુવદાદા તેમજ ઋષિકવિ જેવા વિદ્વાન કવિઓએ તેમની કવિતાઓમાં વેદ અને ઉપનિષદોનો રસ ઘોળીને આપણને પીવડાવ્યો છે. 

આગળ ગીતમાં દાદા કહે છે,અવકાશનાં અંધકારમાં એકલો આત્મા સમતળમાં રહેતો હોય છે. અવકાશમાં કશું ઊંચું નીચું કે દૂર સુદૂર નથી.પરતું પરમશક્તિનો અંશ જેવો આત્મા ,શરીર નક્કી કરી તેમાં પ્રવેશે છે અને આ પૃથ્વીનાં ઊર્ધ્વ પટમાં આવીને રહેતો થઈ જાય છે.આ એક અચરજ નથી તો શું છે? અને આ અચરજના મુગ્ધ ભ્રમણને ઋષિ કવિ વર્ણવે છે,

નિરુદેશે

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

પાંશુમલિન વેશે 

(પાંશુ-ધૂળ)

અને ધ્રુવદાદા કહે છે અવકાશમાં અમારું કોઈ નામ ઠામ કે સરનામું હતું નહીં અને જેવા પૃથ્વી પર નામધારી બન્યા કે તરત તારું મારું શરૂ થઈ ગયું.અને અમારા નામનાં ગર્વ સાથે જીવતાં થઈ ગયાં.આમ ઓચિંતા અચરજને માર્ગે આપણે સૌ વહેતા થઈ ગયાં.પ્રકૃતિએ કે પરમે રચેલી આ જીવનની રચનાથી વધીને બીજું મોટું અચરજ શું હોઈ શકે?

આજ વાતને આપણા અશરફભાઈ ડબાવાલા ગઝલમાં આવીરીતે વર્ણવે,

આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,

સ્વપ્ન ક્યાં ચાલ્યું ગયું આ વાણીપતનો જંગ દઈ.

આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર ! આપણે,

તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ.

આ સૌ કવિએ આપણા પૃથ્વી પરનાં અવતરણનાં અને મૃત્યુ પછી આત્માનાં અવકાશ ભ્રમણની વાતને પોતપોતાનાં અંદાજમાં રજૂ કરી છે. પણ આ એક ઓચિંતું મળેલ અચરજ તો દાદાનાં કહેવા મુજબ છે જ ! તેની ખરી સચ્ચાઈ તો કોઈ જાણતું નથી. બધાંએ પોતપોતાની રીતે કરેલ અટકળો જ છે! એવું મને ચોક્કસ લાગે છે. તમારા મંતવ્ય લોજીકલ પુરાવા સાથે જાણવા જરુર ગમશે.

જિગીષા દિલીપ 

૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ -૩૨

  1. “અવકાશમાં અમારું કોઈ નામ ઠામ કે સરનામું હતું નહીં અને જેવા પૃથ્વી પર નામધારી બન્યા કે તરત તારું મારું શરૂ થઈ ગયું.અને અમારા નામનાં ગર્વ સાથે જીવતાં થઈ ગયાં” વાહ વાત સરળ પણ મોટી

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.