સંસ્પર્શ-૩૧


સપનું સ્વપ્ન પરીનું સ્મિત

સપનું હાર્યા જણની જીત

સપનું બાળકની આંખોમાં 

સપનું ફૂટી રહ્યું પાંખોમાં

સપનું ચરકલડીનો માળો

સપનું પર્વતનો પડછાયો

સપનું ધરતી ભીતર પેસે

સપનું નીકળે અંકુર વેશે

સપનું તળિયેથી ઊંચકાય

સપનું નળિયા ચીરી જાય

સપનું હાલક ડોલક નાવ

સપનું મનમાં જાગ્યો ભાવ

સપનું સપનાનો પડકાર

સપનું બેધારી તલવાર

સપનું ઓણસાલ વરસાદ

સપનું હીરાઘસુના હાથ

સપનું જુએ એનું થાય

સપનું ક્યાંય નહીં સમાય 

સપનું સ્વયં બ્રહ્મનું રૂપ

સપનું ભ્રમણાઓનો સ્તૂપ

સપનું દરમાં બેઠો સાપ

સપનું જોગંદરનો જાપ

સપનું એક બિલાડી પાળે 

સપનું પોપટને પંપાળે

સપનું એકડે મીંડે સો

સપનું તરત મળેલી ખો

સપનું નહીં પાટી નહીં પેન

સપનું સરસ્વતીનાં બેન

મિત્રો,

ધ્રુવદાદાએ આ કવિતામાં એમનાં મનમાં રમતાં સપનાંના અનેક મેઘધનુષી રંગોનો લસરકો આપણા વિચારપટલ પર પ્રસરાવી દીધો છે.તેની શરૂઆત જ સપનાંને સ્વપ્ન પરીનું સ્મિત કહીને કરી છે. અને પછી તરતજ કહ્યું ,સપનું હાર્યા જણની જીત. બે લીટીમાં કેટલી મોટી વાત કહી દીધી. માણસ જીવનમાં અનેક અભીપ્સાઓને પામવા હવાતિયાં મારતો હોય છે. પોતાની ઇચ્છાની ટોપલી ભરાતી નથી ત્યારે તે પૂરી કરવાનાં વિચારોમાં સૂઈ જાય છે. તેની બધી ઈચ્છાઓ તેને સપનામાં પૂરી થતી દેખાય છે. અને તે તેને સ્વપ્ન પરીનાં સ્મિત જેવું ભાસે છે અને જીવનમાં જે નહીં મેળવતાં હારી ગયો હોય છે તે સપનામાં મળી જતાં જીતનો અનુભવ કરતો ,પોતાની જાતને ભાસે છે.આ સાથે યાદ આવે મુકુલ ચોકસીની કવિતાની પંક્તિઓ,

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઈએ,

ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઈએ.

આગળની પંક્તિમાં બાળકની આંખોમાં પાંખો થઈ ફૂટતું સપનું દાદાને દેખાય છે તો સપનું ચકલીનાં માળા જેવું અને ક્યારેક પર્વતના પડછાયા જેટલું વિશાળ પણ દાદાની કલ્પનામાં આવે છે.સપનું ધરતી ભીતર પેસે અને નીકળે અંકુર વેશે – આ પંકિત મને જાણે આપણા અંતરરૂપી ધરતીની ભીતરમાં પેસી ,અનહદનાં તારના એક અંકુરનો અનુભવ કરીને પરમને પામવા ઈચ્છતો માણસ,સપનામાં તેવો વિચાર કરતો હોય તેવું મને લાગે છે. પરમ હાજરાહજૂર ન મળે તો સપનામાં તેને મળવાનો એક ક્ષણિક આનંદ તો માણસ લે. જેમ રમેશ પારેખ કહે છે તેમ,

મારા સપનામાં આવ્યાં હરિ,મને બોલાવી ,ઝુલાવી વ્હાલી કરી.

સામે મર્કટ મર્કટ ઊભાં,મારી મનની દ્વારિકાનાં સૂબા,

મારાં આંસુંને લૂછ્યાં જરી…..

અને આવું ભીતરથી અંકુર સમું ફૂટેલું સપનું તળિયેથી ઊચકાઈને ઘરનાં છતનાં નળિયાંને ચીરીને ઉપર ઊઠી જાય છે.સપનું

મનમાં જાગેલો હાલક ડોલક નાવ જેવો ભાવ છે કારણકે સપનું સ્થાયી નથી. હાલક ડોલક થતી નાવને સ્થિર રાખવા આપણે સમતોલન જાળવવું પડે ,તેવીરીતે સપનામાંથી જાગી જઈએ તો સપનું તૂટી જાય અને દાદાને સપનામાં મજા માણતાં સપનું સપનાને જ પડકાર આપતું બેધારી તલવાર જેવું લાગે છે. બે બાજુથી ધારવાળી તલવારને જરાપણ કોઈપણ બાજુથી અડવા જાઓ તો હાથ કપાઈ જાય તેમ ,સપનું એક અવસ્થા જ છે જેવા ઊંઘમાંથી જાગ્યા કે સપનું તૂટી જાય અને બધું હતું નહતું થઈ જાય.

પછી આગળ જે વાત કરી છે તે ખૂબ સરસ છે. સપનું ઓણસાલ વરસાદ – એટલે ભારત ખેતીપ્રધાન દેશ અને ખેડૂતોની ફસલનો આધાર અને આશા,વરસાદ કેટલો સારો પડે તેના પર હોય ,એટલે દાદાએ તેમની નોખી અદાથી લખ્યું કે જેમ ઓણસાલ વરસાદ સારો થશે તો ફસલ સરસ થશે એવી આસ ખેડુતને હોય ,તેમ સપનાં જોઈને માનવ માત્ર સારું સપનું જોઈ એટલો સમય પૂરતો ખુશ રહે છે. હીરાઘસુનાં હાથમાં હીરા હોય છે તે તરાશે એટલો સમય હીરા એના હાથમાં હોય છે.પછી એ હીરાને અને હીરાઘસુને હીરા સાથે કંઈ લેવાદેવા હોતી નથી. હીરાઘસુનાં હાથને તો થોડીવાર હીરા ઘસ્યાં ત્યાં સુધી તેનાં હાથમાં તે હતાં અને જોયાં તેનો ક્ષણિક જ આનંદ લેવાનો છે ,સપનાનું પણ સૌ માટે તેવું જ છે.સપનું જે જૂવે એનું જ હોય.બીજા કોઈને તે અંગે કંઈજ ખબર ન હોય.એટલે દાદાએ કહ્યું ,” સપનું જૂવે એનું થાય,સપનું ક્યાંય નહીં સમાય.”

દાદા સપનાને બ્રહ્મસ્વરૂપ આલેખતાં કહે છે સપનાઓ ભ્રમણાઓનો સ્તૂપ છે.અહીં દાદાએ ઉપનિષદની બહુ મોટી વાત કહી દીધી. જગતમાં માયાના આવરણમાં અને મોહજાળની ભ્રમણામાં આપણે સૌ ફસાયેલા છીએ. કાથીની વળ વાળેલી દોરી અંધારામાં આપણને સાપનો ભ્રમ કરાવે છે. પરતું અજવાળું થતાં સમજાય કે આ દોરી છે. તેમ જ્યારે મોહમાયાનું આવરણ જ્ઞાનનાં અજવાળાંથી તૂટે છે. એટલે સપનું બ્રહ્મ સ્વરુપ દાદાએ આલેખ્યું અને ભ્રમણાઓનો સ્તૂપ સપનું છે એટલે સપનું તૂટે એટલે ભ્રમણાઓનો સ્તૂપ કડડડભૂસ કરતો તૂટે તો જીવનની સચ્ચાઈનું સ્વરૂપ ઊઘડે. જેમ માયાનું આવરણ તૂટે તો ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કે ‘શિવોહમ’સમજાય તેમ.

સપનાને દાદા દરમાં બેઠેલા સાપ સાથે સરખાવે છે.અને આપણી અંદર બેસીને સપના રુપી જોગંદર જાણે જાપ જપતો બેસી રહ્યો છે તેમ કહે છે.આપણે જેવા ઊંઘનાં દરમાં જઈએ કે સાપ સારા ખરાબ સપનાં લઈ ડોલવા લાગે છે. સપનાંની ગુફામાં જાપ જપતાં જોગીની જેમ દુનિયાથી સાવ અજાણ્યો અને અલખનાં ઓટલે એકાંતમાં એકલા અટૂલા જોગી સાથે દાદા સપનાને સરખાવે છે કારણ આપણાં સપનાંને આપણા સિવાય કોઈ જોઈ કે જાણી શકતું નથી. કેટલી સુંદર કલ્પના!

સપનું એક બિલાડી પાળે અને પોપટને પણ પંપાળે.એટલે આપણને આવતા સારા નરસા બંને સપનાંની બિલાડી અને પોપટનાં ઉદાહરણ દ્વારા વાત કરી છે.સપનું એકડે મીંડે સો એટલે અનેક જાતનાં સારાં-નરસા , ભયંકર,રોમાન્ટિક તો ક્યારેક સાત્વિક સપનાંઓ આપણે જોતાં હોઈએ છીએ. ખોની રમત સાથે સરખાવતાં દાદા કહે છે. ખોની રમતમાં રમતવીર ક્યારે આપણી પાછળ આવીને ઊભો રહી જશે તેવી રમનારને ખબર નથી હોતી,તેમ સપનું તરત મળેલ ખોની જેમ આપણને ખબર વગર ગમે ત્યારે ગમે તે સારું કે ખરાબ સ્વપ્ન આપણી નીંદરમાં આવી વસી જાય છે.સપનું પાટીમાં પેનથી લખાએલું નથી હોતું કે આપણે ફરી તેને વાંચી શકીએ.અને સપનાને અનેકવિધ ઉપમાઓ આપીને છેલ્લે તેને સરસ્વતીનાં બેન તરીકે દાદા બિરદાવે છે.

જિગીષા દિલીપ

૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૩૧

  1. સ્વપ્નાં ઉપરનો સુંદર આર્ટિકલ ! સાચવવા જેવો ! કેવી કેવી અજીબ અજબ ગજબની વાતો કરી છે ! ધ્રુવ ભટ્ટ ના કવ્યો મધુર અને સરળ છે જ , પણ અન્ય કવિઓ રમેશ પારેખ અને મુકુલ ચોકસીને યાદ કર્યા ને આ લેખ વધુ રમ્ય , ગમી બન્યો ! સરસ રિસર્ચ કરીને લખાયેલ લેખ !👌👍

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.