સંસ્પર્શ-૩૦

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

નંઈને એ ક્યાંક સાવ સચોસાચ આયના જેવો કોક દી ઊભો થાય તો સાલું પંડની સામે પછડાયાની

થાય એને કે અમથો ક્યારેક ઊંઘમાં સરી જાઉં ને ઓલો પડછાયો જો જીવતે જાગતો ફરે તો

દુનિયા ભેગી થાય ને પાછી આપણી સામે હાથની ઉપર હાથ પછાડી કેય કે બારો આવ્ય ને હવે કો

આમ ટાણે શું કરવું એની રામલાને એક ચંત્યા બાકી આમ તો એની ભડની છાતી જેમ ઘેલાશા બરવાળાની

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

એટલે તો આ રામલો રોજેય હાથ જોડીને પ્રાર્થના કરે રામ કે મને રાખજો અડીખમ તે જગે હાંકલા નાખું

હેય તારું નામ લીધે હું જટ તરી જાંવ દરિયા આખા સાત ને તારા નામનું છોગું ફરતું રાખું 

પ્રાર્થના હજી સાવ પૂરી થઈ છે કે નથી રામલાને એક લાગણી જાગે માગણીમાં ક્યાંક સલવાયાની

આમ જૂઓ તો રામલાને કોઈ વાતનો નથી ડર હા ખાલી બીક છે એને સાવ પોતાના પડછાયાની

નંઈને એ ક્યાંક સાવ સાચોસાચ આયના જેવો કોક દી ઊભો થાય તો સાલું પંડની સામે પછડાયાની

મિત્રો, 

આ કવિતામાં ધ્રુવદાદાએ આપણી સૌની અંદર રહેલા આપણી જાતને, રામલો કહી, આપણાં બધાંની એક સાવ સાચી વાતને ઉઘાડી પાડી છે. આ ઢાકપિછોડો ઉઘાડી જે રહસ્ય ખુલ્લું કર્યું છે ,તે સૌએ સ્વીકારવું જ રહ્યું. આપણી સૌની ડબલ પર્સનાલિટીની વાત દાદાએ અહીં ચોંટદાર રીતે કહી છે. રામલો એટલે આપણા સૌનું પોતાપણું કે પોતાની જાત અને આપણો પડછાયો એટલે આપણે જે ખરેખર છીએ તે. જગતનો દરેકે દરેક માનવ અહીં દોરંગીની જેમ જીવતો હોય છે. પેલી કહેવત લખાઈ ભલે હાથી માટે હોય ,પણ લાગુ બધાંને પડે છે.

હાથીનાં ચાવવાનાં જુદા અને દેખાડવાનાં જુદા”

આપણે અંદરથી જુદા હોઈએ છીએ ને દુનિયાને આપણે આપણું જુદું જ રૂપ બતાવીએ છીએ.દંભનો અંચળો ઓઢીને આપણે જીવીએ છીએ.પડછાયો એ માણસનાં સાચા સ્વરૂપનું પ્રતિબિંબ છે. આપણે સૌ ખોટા આડંબર સાથે છાતી કાઢીને ફરીએ છીએ,આપણે જૂઠની ચાદર ઓઢીને ફરીએ છીએ પણ જો આપણા પડછાયા જેવું આપણું સાચું સ્વરૂપ લોકો સમક્ષ બહાર આવી જાય તો આપણો ભાંડો ફૂટી જાય ,તેનાથી બહુ જ ડરીએ છીએ ,એટલે દરેકને પોતાના પડછાયાનો જ ડર લાગે છે. આપણી અંદર રહેલો આપણો અંતરાત્મા જ આપણાં કાળાધોળાની બધી જ વાત જાણતો હોય છે. એટલે આપણા મન રૂપી એ આયનો કોઈક વાર આપણી સામે જ ઊભો થઈ જાય અને આપણો સાચો ચહેરો આપણને બતાવે તો આપણે લાજી મરીએ તેનો સતત ભય માણસને સતાવે છે. રખેને દુનિયા આપણી સચ્ચાઈ જાણી જાય! 

દાદાએ આ બીજી પંક્તિમાં

પોતાની સામે પોતાનો પડછાયો આવી જાય તો વાટ લાગી જાય! આપણી સૌની જૂઠની ચાદર ઓઢી જીવાતી જિંદગી સામે દાદાએ અખાનાં છપ્પા જેવો ચાબખો માર્યો છે. પોતાનો પડછાયો પોતાની સામે આવી જાય તો તમે તમારી સચ્ચાઈ તમારી સામે આવી જાય ત્યારે તમે જ તમારી જાત સાથે અથડાઈ પછડાઈ જાવ છો . તમારો ટકરાવ તમારી સાથે જ થાય અને પંડના ટકરાવમાં ,તમારા પછડાઈને ભુક્કા થઈ જાય છે. પણ લોકો સામે તો તમે તમારું જુદું જ રૂપ બતાવો છો! અને રામલાને પોતાની જાત સાથે ટકરાવનો જ ડર લાગે છે.

રામલાને બીજી કોઈ વાતનો ડર નથી એની છાતી તો ઘેલાશા બરવાળા જેવી છે અને એતો દુનિયાની સામે છાતી કાઢીને ફરે છે પણ એને એક જ બીક છે કે એ ક્યાંક ઊંઘી ગયો હોય ,ક્યાંક ગાફેલિયતમાં એનો સાચો ચહેરો દુનિયા સમક્ષ દેખાઈ જાય ! અને પેલા કોર્ટનાં જજની જેમ લોકો હાથ પર હાથ પછાડી તેની સચ્ચાઈ જાણી તે અંગે સવાલ પૂછે તો એવા સમયે તેની ચોરી પકડાઈ જશે ,તો તે શું કરશે? માત્ર તે જ ચિંતા રામલાને ઉર્ફ આપણને સૌને છે.દાદાએ આપણી સૌની અંદરથી કંઈ ઓર અને બહારથી કંઈ ઓર જેવી દંભી અને અપારદર્શક જિંદગી સૌ કેવીરીતે જીવી રહ્યાં છીએ તેનું તાદ્રશ્ય ચિત્ર રજૂ કર્યું છે. 

આગળ વાત કરતાં દાદા કહે છે કે આપણે ખોટી રીતે જીવીએ તો છીએ અને પાછા મંદિરમાં જઈને ભગવાન પાસે પ્રાર્થના કરીને માંગીએ છીએ કે ભગવાન મારા દંભનાં આંચળાંને અંકબંધ રાખજે.મારી ચોરી પકડાઈ ન જાય, સત્ય દુનિયા સામે બહાર ન આવી જાય ,પ્રભુ તેનું તું ધ્યાન રાખજે એટલે લોકો સામે હું કોલર ઊંચા રાખીને ગુમાન સાથે ફરી શકું. ભગવાનને પણ લાલચ આપતો માનવ પ્રભુને પણ છેતરવાની વાત કરે છે કે હું તારા નામનું સ્મરણ કરીશ ,પણ તું મારી સચ્ચાઈનો ઢાંકપીછોડો કરતો રહેજે ,તો હું સાતે દરિયા પાર કરી શકીશ અને તારું નામ સ્મરણ કરી તારું છોગું ફરકાવતો ફરીશ. આમ પ્રાર્થના કરી ભગવાનને પણ છેતરવાની વાત કરતાં માણસ શરમાતો નથી. પોતે પ્રાર્થના કરે છે ત્યારે પણ એને પોતે જે માંગી રહ્યો છે તે ખોટું છે તેની પણ ખબર જ હોય છે એટલે જ પ્રાર્થનામાં ખોટી માંગણી કરી પોતે ખોટું કર્યાનાં ભાવ સાથે ,સલવાઈ ગયો હોય તેવો અનુભવ કરે છે.!કેટલી સરસ !અને સચ્ચાઈ ભરેલી અને જે સમજે તેને હાડોહાડ લાગી જાય તેવી વાત દાદાએ સલુકાઈથી રજૂ કરી છે.

આપણે સૌ દંભભર્યું જીવન જીવી રહ્યાં છીએ. આપણો અંતરાત્મા જ આપણો આયનો છે તે આપણને આપણે ખોટું કરતા હોય ત્યારે રોકે પણ છે ,છતાં આપણે તેની સામે આંખ આડા કાન કરીએ છીએ. એટલે જ આપણે આપણા પ્રતિબિંબથી ડરીએ છીએ.કારણ તે આપણને આપણી સચ્ચાઈ દર્શાવે છે. અને જો માણસ ખરેખર પોતાની જાતને ઢંઢોળીને જૂવે તો તે સંત જ હોય અને કબીર જેવા સંત જ્યારે પોતાની જાતને જૂવેતો ગાય,

બુરા જો દેખન મેં ચલા,બુરા ન મિલિયા કોય,

જો દિલ ખોજા આપના,મુજસા બુરા ન કોય.

આમ કહી દાદા આપણને સમજાવે છે કે તમારે ક્યાંય જવાની કે કોઈને કંઈ પૂછવાની જરુર નથી,માત્ર તમારા અંતરાત્માનાં અવાજને સાંભળશો તો તમે પારદર્શક જીવન જીવી શકશો. અને જો તમે પારદર્શક જીવન જીવશો તો તમને કોઈનો ડર નહીં રહે અને ભગવાનને પ્રાર્થવાની પણ જરૂર નહીં રહે. આપણી ભીતર પરમનો જ વાસ છે અને તે હંમેશા આપણને સત્યની રાહ પર ચાલવા કહે છે પણ આપણે તેની વાત સાંભળ્યા વગર આપણે જે કરવું હોય તે જ કરીએ છીએ. તો આપણે આપણાં અંતરાત્માની વાત સાંભળીને સચ્ચાઈથી દંભ વગરનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવો ગુઢાર્થ આ કાવ્યમાં સમાએલ છે. 

જિગીષા દિલીપ

૭મી સપ્ટેમ્બર ૨૦૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.