વિસ્તૃતિ …૨૭-જયશ્રી પટેલ.*

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદ બાબુની એકાદશી વેરાગી નામની લઘુનવલકથાનો આ એક એવો અંશ છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી. પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ કર્યો છે.આપણી સમક્ષ એક તો નામ જ અજુગતું લાગે તેવું મૂક્યું છે તો વાર્તા પણ શરદબાબુએ બે પેઢીની કરી છે.જેમાં વાતચીત દરમિયાન જ આપણને એક અનોખો અનુભવ થાય છે. બે પાત્રોને ગામનાં લોકો ને જુવાનિયા મિત્રો વચ્ચે શરદ બાબુએ તે જમાનાનો એક અદભૂત ચિતાર ઊભો કર્યો છે.
કાલીદહ ગામમાં અન્ય જ્ઞાતિ કરતાં વધુ બ્રાહ્મણોની વસ્તી હતી. ગોપાલ મુખોપાધ્યાયનો પુત્ર અપૂર્વ નાનપણથી જ કલકત્તા જતો રહ્યો હતો અને ત્યાં જ ઓનર્સ સાથે બીએ થઈ પાછો આવ્યો હતો.આમેય તે નાનપણથી જ ગામનાં છોકરાઓનો અગ્રણી હતો. ભણી ગણીને આવ્યો હતો, પણ હિન્દુ ધર્મનું પાલન કરતો હતો.આજની પેઢીનાં યુવાનોની જેમ કોઈ ઠાઠમાઠ ન કરતો .સીધો સાદો અને નમ્ર આચાર વિચાર ધરાવતો હતો. આમ ગામમાં અપૂર્વ એક અપૂર્વ યુવક ગણાતો. તેણે માયામય માથામાં ચોટલી પણ રાખી હતી.
ગામમાં થતાં વારંવાર પ્રસંગોમાંના દુરાચાર , વ્યભિચાર તેની નજર સમક્ષ આવવા લાગ્યાં, તેને દારૂ તમાકુ અફીણ જેવા નશા કરતા બધાંની શાન ઠેકાણે લાવી દીધી હતી.તેણે અનીતિનાશીનીની સભાઓ ભરી અને કાલીદહ ગામને શુદ્ધ હિંદુ ધર્મી બનાવ્યું હતું.
ધીરે-ધીરે બૌદ્ધિક ઉન્નતિ તરફ તેની નજર પડી ગામની શાળા અને તેમાં ભણતા બાળકો વગેરેને તે સારામાં સારું શિક્ષણ અને વાંચન મળે તે પ્રયત્ન કરવા લાગ્યો. ગ્રંથાલય ખોલવા ફંડ ભેગું કરવા લાગ્યો. ગામનાં લોકો તેનાંથી આંખ મિંચોણાં કરવા લાગ્યાં. તેમાં તેની નજર એક ખંડેર જેવું મકાન જે ગામમાં અવાવરું પડ્યું હતું. તેની ઉપર ગઈ તે મકાન એકાદશી વેરાગીનું હતું.
એકાદશી વેરાગી નામ થોડું વિચિત્ર અસંગતિત લાગતું હતું કહેવાય છે કે કશોક નિંદનીય સામાજિક ગુનો કરવા બદલ ગામનાં બ્રાહ્મણોએ તેને નાત બહાર કર્યો અને મળતી બધી સગવડ જેમ ધોબી હજામ મોદી વગેરે બંધ કરી દઈ, દસેક વર્ષ પૂર્વે ગામમાંથી હાંકી કાઢ્યો હતો.
મિત્રો, શરદબાબુએ જુઓ અહીં એવા સમાજનો પરિચય કરાવ્યો છે કે માણસને ગામ છોડવું પડે એવું સમાજનું વલણ કેટલું વિચિત્ર હશે ! ત્યારે ગામથી સાત આઠ કિલોમીટર દૂર આવેલા બારુઈપુરમાં તે જઈ વસ્યો હતો. ત્યાં ઠીક ઠાક ધિરાણની લેવડદેવડમાં કમાયો અને ત્યાં જ તેની શાખ ઊભી કરી હતી.અપૂર્વને આશા હતી કે ગામનો હોવાથી અને સારું કમાયો હોવાથી તેની દુઃખતી રગ દાબી ધાકધમકીથી તેની પાસે મોટો ફાળો ઉઘરાવી શકાશે. એકાદશીને ત્યાં પોતાની ટોળી લઈ અપૂર્વ પહોંચી ગયો ત્યાં તેણે ધીરધાર કરનારા એકાદશી વેરાગીને પહેલી વાર જોયો મહાચિંગુસ અને પોતાનાં વ્યાજનાં પૈસા ધાકધમકીથી વસૂલ કરતો જોઈ તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેમાં પણ જ્યારે તેણે ફક્ત ચાર કે પાંચ આના ફાળો આપવાનું કહ્યું ત્યારે તો અપૂર્વ અને તેની ટોળીએ તો તેને ધમકી જ આપી દીધી. એકાદશી વેરાગીની એક વિધવાબેન ગૌરી હતી. માંડ ૧૭/ ૧૮ વર્ષની હશે બ્રાહ્મણો આવ્યાંનું જાણીને અને અપૂર્વે પાણી માંગ્યું હતું તે લઈને તે બહાર આવી. ગમે તેમ ટકોર ને બોલાચાલીમાં તેને અપૂર્વના મિત્રોએ અપ્સરાની ટીપ્પણી કરી તે બિચારીની કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ.હાથમાંની રકાબી પડી ગઈ .તે શરમની મારી પાછી ઓરડામાં ચાલી ગઈ. આ છોકરી એકાદશી વેરાગીની બહેન હતી. બાળ વિધવા થતાં તે ભૂલ કરી બેઠી હતી અને કોઈની સાથે ગામ થોડી અને ચાલી ગઈ હતી. ભાઈ એકાદશી તેને પાછી લઈ આવ્યો હતો આથી પછી તેને નાત બહાર કરાયો હતો .નાત બહાર કરાયો તો પણ તેણે બેનને ના કાઢી મુકતા પોતે ગામ છોડી ચાલ્યો ગયો હતો. દિલની સાફ અને નેક હતી તેની બેન!
અપૂર્વ નીકળી રહ્યો હતો ત્યારે એક વિધવા તેના નાના પુત્રને લઈ એકાદશી વેરાગી પાસે મુકેલા સસરાના રૂપિયા લેવા આવી હતી.તેની પાસે કોઈ લખાણ કે દાખલો નહોતો.ઘોષાલબાબુ તેને પાછી મોકલી રહ્યાં હતાં, ત્યારે એકાદશી વેરાગીએ યાદ કરતારૂપિયા ૫૦૦ કોઈ મૂકી ગયાનું યાદ આવ્યું અને ત્યારે વાત સાંભળતા ગૌરીએ સાલની ગણતરી કરી ને ૧૩૦૧ની સાલની વાત કરી અને તે સાલનો ચોપડો ખોલતા ખરેખર તે રામ લોચન ચાટુજ્જેના નામે જમા મળ્યાં. ગૌરીનાં આ જ્ઞાનને કોણ જાણે કેમ ઘોસાલબાબુએ વખાણ્યું. એકાદશી વેરાગીએ તે વિધવા ને રૂપિયા ૫૦૦ ,તેમજ આજ સુધીના વ્યાજ સાથે અઢીસો રૂપિયા ઉમેરી રૂપિયા ૭૫૦ આપવાની તૈયારી બતાવી.બધાં રૂપિયા ન લઈ જતા એ સ્ત્રી ફક્ત રૂપિયા ૫૦ જ માંગ્યા. તો બીજાં પોતાના હસ્તાક્ષર સાથે તેણે જમા કર્યા.
ઘોષાલબાબુ ગુસ્સે થઈ પૈસા આપી અપૂર્વ અને તેના મિત્રો સાથે પોતાને ત્યાં લઈ જવા તૈયાર થયાં. આમ જોવા જાવ તો એકાદશી વેરાગી પોતે હલકાકુળનો હતો તેથી તેની બેન પણ હલકાકુળની જ થઈ .તેવા કુળનાં લોકોનાં હાથનું પાણી હિંદુ બ્રાહ્મણ કેવી રીતે પીવે? અહીં જુઓ મિત્રો શરદબાબુએ બે વર્ણોના તે જમાનાના ભેદભાવને સચોટ રીતે બતાવ્યાં છે.
અડધે રસ્તે પહોંચતા જ અપૂર્વના મનનાં દરવાજે ટકોર થઈ ,તે મિત્રોથી છૂટો પડી પેલાં શુદ્ધ મનનાં વિધવા ને સચોટ ન્યાય કરનારા હલકામનનાં એકાદશી વેરાગીના ઘર તરફ પાણી પીવા વળ્યો. મિત્રોએ તેને સમજાવ્યો કે પ્રાયશ્ચિત કરવું પડશે ,તે છતાં તે ગૌરીનાં હાથનું અને એકાદશી વેરાગીના ઘરનું પાણી પીવા રાજી થઈ ગયો.
મિત્રો, જો સમજાય તો અહીં શરદબાબુએ સુધારાવાદી યુવા પેઢીનું પાત્ર લઈ અપૂર્વ દ્વારા વાચકને સમજાવ્યું છે કે સુધારાવાદનો પાયો નંખાય ગયો હતો. બાળવિધવા ને હલકાકુળનો એકાદશી વેરાગી અને તેના ઘરનું જળ પ્રાયશ્ચિતનાં ડર વગર સ્વીકારાયું હતું. અહીં અંતમાં બે સ્ત્રીઓનાં પાત્રો આવ્યાં પણ બંનેની ગૌણ હાજરી છે છતાંય બે સમાજ અને બે પેઢીનો સુંદર દાખલો એકાદશી અને અપૂર્વ અને તેની ટોળીનો બતાવી એક શરદબાબુએ અંધશ્રદ્ધા અને અંધકારમય વિચારસરણી બદલવાનો પ્રયત્ન સુંદર રીતે કર્યો છે.
મિત્રો, આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું .

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૮/૮/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.