સંસ્પર્શ-૨૭

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો, 

ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં જળહળતી રહી છે, તેનું શ્રેય ભારતીય ઇતિહાસની નારીચેતનાઓ મૈત્રેયી,ગાર્ગી ,અનસૂયા,મીરાંબાઈ,રાણી લક્ષ્મીબાઈ,ગંગાસતી છે.ધ્રુવદાદા ચોક્કસ આ વાત સાથે સંમત હોય તેમ લાગે છે. નારીચેતના અને સ્ત્રીશક્તિ જ સમગ્ર સમાજને ઉજાગર કરી પુરુષોનાં પૌરુષત્વને પણ પોષણ આપી ,સમાજને અનેરું બળ પૂરું પાડે છે. એટલે તો આપણાં શાસ્ત્રોમાં પણ લખાયું,

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે,રમન્તે તત્ર દેવતા”

એટલે જ દાદાની બધી નવલકથાનાં સ્ત્રીપાત્રો સશક્ત અને તેજસ્વી છે.લવલી પાન હાઉસમાં પણ બધી કૂલી સ્ત્રીઓ જ સાથે મળીને ગોરીયાને ઉછેરવાનો નિર્ણય લે છે અને તેને પોલીસ કે અનાથાશ્રમમાં મોકલવાની ના પાડે છે. રાબિયા,રીદા,ઈરા કે અમ્મી દરેક પાત્રોનાં ચરિત્રની ઊંચાઈ અભરાઈ પર.બધી જ સ્ત્રીઓ સાફ દિલ અને આગવી વિશિષ્ટતાઓથી સજ્જ.

નવલકથામાં સંવાદો તો પાત્રોનાં મુખે બોલાયાં છે પણ તેમાં દાદાની નોખી જ વિચારધારા તેમના જીવન તરફ જોવાનો હકારાત્મક અભિગમ,નોખી ફિલસુફી ક્યારેક તમને અચંબિત કરી દે છે. એ તો ઉદાહરણથી જ સમજાશે.આતંકવાદી વિચારઘારા ધરાવતાં ,બંદૂકની અણીએ કોઈનો જાન લેનારને માટે પણ દાદા લખે છે.

“શસ્ત્રો જેટલી કાયરતા બીજા કોઈમાં નથી.એને લઈને ફરનારાને અંદરથી તો આપણી જેમ પ્રેમ અને શાંતિની શોધ જ છે. પણ બંદૂકો અને તલવારોની કાયરતા એમને રસ્તો ભૂલવાડી દે છે.”

અને એટલે જ 

ગન ઉપાડવાની ના કહેતાં વહુ ,રીદાને કહે છે,ગન ન ઉપાડ” ગન કાયર છે ગન”

દાદાનાં જીવન ફિલસૂફીનાં એક બે સંવાદ જે હું તમારી સમક્ષ વહેંચ્યાં વગર નથી રહી શકતી,

“ પૃથ્વી પર આવનારું દરેક માણસ રહસ્યો લઈને જન્મે છે.રહસ્યો ઉકેલવાની મથામણમાં નવા રહસ્યો મેળવે છે અને રહસ્યો સાથે વિદાય લે છે.”

“ભૂલાઈ જવાની બીક તો બધાંને લાગે છે.” કેટલી સાચી અને સૌનાં મનની વાત!!!

માણસમાં દ્વેષ અને પ્રેમ બંને હોય જ છે. પરતું શ્રેષ્ઠ તો પ્રેમ જ છે”

સ્પર્શ વેદના ઓગાળવા સમર્થ હોય છે.”

“પોતાના વિશે લગભગ કોઈને ખબર નથી હોતી.જાદુ તો એ છે કે બીજા લોકો એ તરત શોધી કાઢે.”

“જિંદગી એકવાત બરાબર ઘૂંટવીને શીખવે છે. ગમે તેટલી બુધ્ધિ,ગમે તેટલી વફાદારી,ગમે તેટલી આવડત,નસીબનાં વારથી આપણને બચાવી નહીં શકે.ખરાબ કે સારું જે સામે આવ્યું તે સ્વીકારીને લઈ જ લેવું પડે.”

લવલી પાન હાઉસમાં વાત તો માનવસંબંધોની કરી પણ પ્રકૃતિપ્રેમી દાદાને જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં કુદરતનું આગવી અદામાં કરેલ વર્ણન અને કલ્પન મનને ન ડોલાવે તો જ નવાઈ! લો જૂઓ– 

“ દરિયા કિનારાની ભીની સવાર કેટકેટલું ભુલાવી દે છે! ઊતરતી ભરતીનો મંદ રવ. ધીમેધીમે ઉપર આવી રહેલો સૂર્ય.નાળિયેરીનાં પાનની અણી પર,સમુદ્ર મંથનમાંથી જાણે અત્યારે જ નીકળેલા કૌસ્તુભ જેવાં,વીખરાતી રાત્રિનાં મનોરમ રહસ્ય સમાં ઓસબિદું.”

સવાર સીધી ઝળહળી નહીં,તિરાડમાંથી સંતાઈને આવી.”

ધ્રુવદાદાએ લવલી પાન હાઉસ નવલકથામાં એક સાથે ગોરીયા-યાત્રિક નાયકની આગલી અને પાછલી જિંદગીની વાત એક સાથે જ વહેતી કરી છે. તેમની તે નાયકની આગલી જિંદગી અને પાછલા જીવનની વાર્તા ગંગા-જમના બે નદી એક સાથે વહે અને છેલ્લે ક્યારે એકબીજામાં એકાકાર થઈ જાય ,તેવીરીતે વાર્તા કહેવાની પણ એક નોખી રીત દર્શાવે છે.એક અનાથ છોકરો સ્ટેશન પર ઉછરી,લવલી પાન હાઉસમાં માલિકને મદદનીશનું કામ કરી ,કેવીરીતે ચિત્રકાર,ફિલ્મ મેકર અને ફિલ્મ ડિરેક્ટર બની જાય છે તેની સરસ વાત અવનવા વળાંકો સાથે સાંકળી છે.નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે કે પછી કોઈ અજાણી શક્તિ,અગોચરમાંથી પ્રગટતું બળ છે કે જે જગતના મોટાભાગનાં વ્યવહારો ચલાવે છે. તેમ પણ જરુર કહી શકાય! માનવ સંબંધોને અને નિર્મળ પ્રેમને ઘર્મનાં વાડા ક્યાંય નડતાં નથી તે વાત વાર્તામાં સહજ રીતે સાંકળી મૌન સંદેશ આપી જાય છે.

વાર્તા સાથે વણી લેવાતાં” માણસ વિશે તેની પોતાની જાત અને તેના પોતાના ઓરડાની દીવાલ સિવાય ત્રીજું કોઈ કંઈ જ જાણી શકતું નથી.”જેવા અનેક વિચારશીલ વક્તવ્યો વાચકને વિચારતાં કરી દે.

તો તમારા વિચારોને વિચારતાં કરવા વાંચો લવલી પાન હાઉસ અને તેવું જ વિચારતા કરી દે એવું ધ્રુવગીત,

એમ અમે અચરજને મારગ સાવ વહેતા થઈ ગ્યા.

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા.

એવા સમતળના રહેનારા અમે એકલેપંડે

રિક્ત છલકાતા અંધકારના સદા અખંડિત ખંડે

હવે અચાનક ઊર્ધ્વ -અધોના પટમાં આવી રહેતા થઈ ગ્યા

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

નામ ન’તું કોઈ ઠામ વગરના હતા અમે હંમેશ 

તમે ગણ્યું જે અંતરીક્ષ તે હતો અમારો વેશ

અવ ઓચિંતા અમે અમારું નામ જગતને કહેતા થઈ ગ્યા

હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

જિગીષા દિલીપ

૩જી ઑગસ્ટ ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૨૭

 1. વાહ! ધ્રુવદાદાની વાતમાં કેટલું તથ્ય!

  “ પૃથ્વી પર આવનારું દરેક માણસ રહસ્યો લઈને જન્મે છે.રહસ્યો ઉકેલવાની મથામણમાં નવા રહસ્યો મેળવે છે અને રહસ્યો સાથે વિદાય લે છે.”

  અને ….
  એમ અમે અચરજને મારગ સાવ વહેતા થઈ ગ્યા.

  હું ને મારી આવરદા એકાદ મુકામે ભેગા થઈ ગ્યા.

  જીવનમાં જયારે આ ક્ષણ આવે ત્યારે જ અચાનક ઊર્ધ્વ -અધોના પટમાં આવી રહેતા થઈ જતા હોઈશું ????
  આ પણ એક રહસ્ય .
  ધ્રુવદાદાને વાંચીને આપણે વિચારતા તો થઈ જ જઈએ ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.