સંસ્પર્શ-૨૫

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે,કુદરત સાથે,લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે.વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની,સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે.નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા,યમુના,નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નથી ,તે એક સંસ્કૃતિના પરિવહનનું,પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.

નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે.નવલકથાની શરુઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે.તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરુપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હ્રદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.

બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું,કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતા પૂર્વક આલેખી છે.અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી પણ સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.

નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી ,નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે” અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રધ્ધા ,કેટકેટલી સાંત્વના,કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે.એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.” પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!

નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે,જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.

નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે.તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુધ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે.કારણ “ભૂખ્યો તરસ્યો,જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા ફશે.સંન્યાસ શુંછે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે.નવલકથાનાં બધાં જ પાત્રો શરુઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે.આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ.ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે ,કારણ કુદરત તેમના અસ્તિત્વ નો એક ભાગ છે.

આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-

ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ.

માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.

એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી

શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.

સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે.

પણ બધાંની દ્રષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.

જિગીષા દિલીપ

ર૦ મી જુલાઈ ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૨૫

  1. ‘તત્વમસિ’ નવલક્થાના અંતે નાયકને કાબા લૂંટે છે. એ લૂંટ માત્ર વસ્ત્રની ક્યાં છે? ભૂખ, તરસ અને જીવનનિર્વાહ માટે હવાતિયાં કે વસ્ત્રવિહિન અવસ્થા બાહ્ય અવસ્થા છે, મૂળ વાત અંદરથી અંતરથી ખાલી થવાની છે.

    ઐશ્વર્યનો ત્યાગ ક્યાં સહજ હોય છે? એના માટે મનથીય સહજ થવું પડે.

    નવલકથાનો સાર જાણે આજની આ પંક્તિ …. “સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે.” પણ જો પોતાની જાતને વિસારે પાડી શકાય તો તો સંસારમાં રહીને સંન્યસ્ત અવસ્થાએ પહોંચાય.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.