ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૮: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.

આપણે જાણીએ છીએ તેમ કવિવરની કવિતાઓ આધ્યાત્મિકતાના આધાર પર રચાયેલી હતી. પ્રકૃતિ અને પરમેશ્વરને સતત કેન્દ્રમાં રાખીને જીવન પસાર કરનાર કવિવરની રચનાઓમાં પરમેશ્વર પરત્વેની આસક્તિની સાથે સાથે શરણાગતિનો ભાવ પણ સ્પષ્ટ પણે ફલિત થાય છે. કવિવરની પૂજા પારજોયની લગભગ મોટાભાગની રચનાઓમાં દીનતાના ભાવ સાથે કવિવર પરમેશ્વરના સતત  સામીપ્યની ઝંખના કરે છે. આ રચનાઓમાં માનવસહજ સ્વભાવની પોતાની વક્રતાઓની કબૂલાત કરવામાં કવિવર ક્યારેય અચકાયા નથી. આવીજ એક દીનતા અને નમ્રતાના ભાવ સાથે પ્રભુના સતત સાંનિધ્યની પ્રાર્થના કરતી એક રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1901માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે যদি এ আমার হৃদয়দুয়ার  (jadi e amar hridayduyar) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “હરિવર, હાથ મારો સદા…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ કાફીમાં  કર્યું છે અને તેને ઝપતાલ  દ્વારા તાલબદ્ધ કરેલ છે. આ રચનાનીબંગાળી પંક્તિઓની ગોઠવણ  કવિવરે શાસ્ત્રીય સંગીતની દ્રુપદ શૈલી પ્રમાણેકરી છે.  મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  આ રચનાને કવિવરે પૂજા  વિભાગમાં વર્ગીકૃત કરી  છે.

ગુરુદેવની પૂજા પારજોયની દરેક રચનામાં તેમના હૃદયની પારદર્શિતા (transparency) ના દર્શન થાય છે. ખુબ સરળ શબ્દોમાં હરિવર સાથેની એક નિખાલસ પ્રાર્થના આ રચનામાં રજુ કરેલ છે.આ પ્રાર્થના, તેમનો અને તેમની અંતરમાં રહેલ પરમાત્મા વચ્ચે છે. તેઓ અહંકારનો અંચળો બાજુમાં મૂકીને પોતાનામાં રહેલી માનવ સહજ વક્રતાઓને સહજ રીતે સ્વીકારે છે અને એક દ્રઢ વિશ્વાસ સાથે પ્રભુને પોતાનો સાથ ન છોડવા વિનંતી કરે છે.  

આવી જ કોઈક  અરજી  કદાચ હું, તમે, આપણે સૌ – આપણામાં રહેલા પરમાત્મા સાથે કરતા હોઈશું, આવી જ કોઈક પ્રાર્થના આપણે સૌ પણ આપણી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે આપણા ઈષ્ટને કરતા હોઈશું. પરમાત્માનો પ્રેમતો સમગ્ર સૃષ્ટિ માટે એક સમાન અને અનંત છે તેની પ્રતીતિ આપણે ક્ષણે ક્ષણે કરી રહ્યા છીએ.

कुपुत्रो जायेत क्वचिदपि कुमाता  भवतिના નાતે પરમાત્માતો આપણા સર્વ અપરાધોની પર જઈને આપણને સ્વીકારવા તૈયાર છે. આપણે પરમાત્માને જે પ્રમાણે સાદ કરીશું તેવો અને તેટલો પ્રતિસાદ આપણને સાપંડશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે 

 ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |

मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:

અર્થાત પ્રત્યેક જીવ જે રીતે મને સાધશે તેજ રીતે હું પણ તેમને માટે હાજર થઈશ. જો આપણે મોહ, મદ અને અહંકારનો અંચળો ઓઢીને પ્રભુને બોદો સાદ કરીશું તો પ્રભુ પણ બોદો પ્રતિસાદ આપશે. પણ જો આપણે સ્વચ્છ અને ખુલ્લા મન અને હૃદયથી પ્રભુને પોકારીશું તો પ્રભુ પણ ખુલ્લા હાથે આપણને આલિંગન આપવા દોડી આવશે…નરસિંહ મહેતા અને મીરાંબાઈના જીવન ચરિત્ર આ હકીકતનું સમર્થન કરે છે અને એટલેજ કદાચ નરસિંહ મેહતાએ આ સુપ્રસિદ્ધ પદમાં લખ્યું છે કે 

પ્રાણ થકી મુને વૈષ્ણવ વા’લા, અહર્નિશ એને ધ્યાવું રે;

જપ તપ તીરથ વૈકુંઠ પદ મેલી, ભક્ત બોલાવે ત્યાં જાવું રે…

તો ચાલો, આજે આ રચનામાં કવિવરે પરમાત્માને કરેલી પ્રાર્થનાનું ચિંતન કરતાં કરતાં  હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

4 thoughts on “ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૮: અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.