સંસ્પર્શ-૨૪

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

આજે સંસ્પર્શની યાત્રાના અડધા મુકામે પહોંચી છું, ત્યારે દાદાની આ નવલકથાઓમાં રજૂ થયેલ તેમની નોખી વિચારસરણીની એક સાવ જુદીજ સ્વાનુભવની વાત કરવી છે. દાદાની બધી જ નવલકથા,તેના પાત્રો,સંવાદો,ધ્રુવગીત આ બધું વાંચતાં જ અને ધ્રુવગીત સાંભળતાં જ હ્રદય સોંસરવું કેમ ઉતરી જાય છે ખબર છે? તો ચાલો, મને લખતાં લખતાં થયેલા મારા અનુભવની સરસ વાત કરું. મારાં દરેક આર્ટિકલમાં હું મારા આલેખન સાથે એક ધ્રુવગીત પણ મૂકું છું. આર્ટિકલ લખાઈ જાય એટલે ધ્રુવદાદાને પણ વાંચવા અને સાંભળવાં મોકલું.એક આર્ટિકલમાં જે ધ્રુવગીત મૂકેલું તે ઈન્ટરનેટ પર કોઈએ દાદાનાં ફોટા સાથે મૂકેલું,મારી ભૂલ કે મેં વધુ તપાસ કર્યા વગર આર્ટિકલ સાથે ધ્રુવગીત માની તે ગીત મૂકી દીધું. દાદાએ સાંભળીને તરત મેસેજ કર્યો ,બહેન આ મારું ગીત નથી. તે ગીતમાં માણસની વાત હતી. પંક્તિ હતી,

“કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય 

બહારથી પોતાનો ,અંદરથી બીજાનો નીકળે”

દાદાએ કહ્યું ,બહેન ,”આ ગીત મારું નથી કારણ મને જીવનમાં આવો કોઈ માણસ મળ્યો જ નથી, તો હું આવું લખું જ કેવીરીતે?”

કેટલી મોટી વાત દાદાએ મને સમજાવી દીધી!!!!! તેમની લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષની જીવનયાત્રામાં તેમને કોઈ આવો માણસ મળ્યો જ નહીં????

સૌથી પહેલાં તો મેં તપાસ કર્યા વગર દાદાનો ફોટો જોઈ ગીત ધ્રુવદાદાનાં નામે લખી દીધું તે પહેલી ભૂલ,એટલે કાન પકડ્યા કે પૂરતી ખાતરી વગર દાદા જેવી વ્યક્તિને નામે ગીત ન મૂકાય. તે માટે સૌ વાચકોની પણ ક્ષમા માંગું. અને બીજી મોટી વાત કે દાદાની દરેક માણસને જોવાની દ્રષ્ટિ જ અલગ છે. “જેમ કમળો હોય એને બધે પીળું દેખાય “ તેવી કહેવત છે. દાદાની વાત સાંભળી એક નવી કહેવત રચવાનું મન થાય કે,” જેની દ્રષ્ટિ નિર્મલ તેને દરેક માણસની સારપ જ ઝીલાય.”

આજે ગુરુપૂર્ણિમાનાં દિવસે મને દાદાએ કેટલી સુંદર શીખ આપી!

એટલે જ દાદાને જીવનભર કોઈ એવો માણસ મળ્યો જ નહીં હોય તેનાં કરતાં દાદાને કોઈનાંમાં દુર્ગુણ દેખાતાં જ નથી,તેમને દરેક માનવમાંથી માત્રને માત્ર સારી વાત કે સદ્ગુણ જ દેખાય છે.આ વિચાર અને વાતે મને જીવનની ખૂબ મોટી શીખ આપી દીધી કે સામેની વ્યક્તિ ગમે તે હોય તેમાંથી સારામાં સારી વાત શોધતાં,જોતાં તું શીખ.હા, એટલે જ દાદાને અકૂપારનાં ગીરવાસીઓમાં,સમુદ્રાન્તિકેનાં દરિયાનિવાસીઓમાં,અરે! તત્વમસિનાં જંગલમાં રહેતાં અભણ આદિવાસીઓમાં ઉત્તમ ઉપનિષદ,પુરાણો,વેદોની વાણીનાં ભણકારા જ સંભળાય છે.તેમનાં દરેક સ્ત્રી પાત્રો પણ કેટલાં સશક્ત,સબળ અને કૌવતસભર છે. તેમનાં સ્ત્રી પાત્રોને દાદાએ હંમેશા શક્તિ અને જગદંબા જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉપસાવીને જ નવલકથામાં નિરૂપ્યાં 

છે.તે અકૂપારની સાંસાઈ હોય,તત્વમસિની સુપ્રિયા હોય કે અગ્નિકન્યાની દ્રૌપદી હોય! દાદા જાણે આપણને સમજાવી રહ્યાં છે કે “કોઈના પણ અવગુણ ચિત્ત ન ધરો.”

આ વાત કોઈને કહેવા માટે બહુ સહેલી છે પણ જીવનમાં જીવવા માટે બહુ અઘરી છે. પરતું દાદા તેને સતત જીવતા હોય તેવું અનુભવાય છે કારણ તેમનાં આ જ વિચારોની છાયા તેમની બધી નવલકથામાં અને ધ્રુવગીતોમાં દેખાય છે અને અનુભવાય છે.

દાદાને નાનામાં નાના માણસની સામાન્ય વાતમાં પણ જીવન જીવવાની જડીબુટ્ટીઓ જ દેખાય છે. તત્વમસિનો લક્ષ્મણ મધપૂડાનાં મધ ઉતારવાની સેવા કરતો હતો ,તે પોતાનાં ગયા જન્મની વાત કરી કેવીરીતે મધમાખીઓની સેવાનાં વ્યવસાયમાં પડ્યો તેની વાત કરે છે. ત્યારે નાયક, લક્ષ્મણને ,તે ગયા જન્મમાં માને છે ?તેમ પૂછ છે.જવાબમાં લક્ષ્મણ પૂછે છે,” તમે આ જન્મમાં માનો છો?”અને આ પ્રશ્ન ભલે નવલકથાનાં નાયકનાં સંવાદમાં છે ,પણ તે પોતાના મનના વિચારને દાદાએ સુંદર રીતે દર્શાવ્યો છે.

લક્ષ્મણનો આ પ્રશ્ન નાયકનાં હ્રદયને ખળભળાવી મૂકે છે. તે પોતાની જાતને પૂછે છે,હું આ જન્મમાં માનું છું?અચાનક એને નવો જ અનુભવ થાયછે. ઝરણાં જાણે થંભી ગયાં છે.હવા જાણે સ્થિર થઈ છે. પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે.આ ખીણ નથી.આ પર્વતો નથી. આ અરણ્યો નથી તો ,આ શું છે?અને નાયકનાં મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે. 

“હું કોણ છું? કદાચ આ પ્રશ્ન ,આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ ,આ દેખાય છે તેશું છે તે સમજવાની વૃત્તિ અને પોતે જન્મ જન્માંતરમાં ,માયામાં,ઈશ્વરમાં,પામરમાં અપરમમાં માને છે કે નહીં ? માને છે ,તો તે સત્ય છે કે નહીં તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે? આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ,ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદીસીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે.કોઈક જન્મમાં કરેલાં કર્મો ,નામ ઋણ સાથે લઈને જન્મતી ,જીવતી – આ પ્રજા હજારો વર્ષોથી એકધારી ટકી રહી છે તેનું રહસ્ય પણ શું આ પ્રશ્ન જ હશે?

આમ કહી દાદાએ ભારતનાં નાના ગ્રામવાસી લોકોનાં મનોજગતનું પણ અતિ ઉમદા વર્ણન કર્યું છે.કે દરેક ભારતવાસી તે અભણ કે નાના ગામનો કે જંગલવાસી આદિવાસી કેમ નહોય! પણ તેનામાં આ માણસાઈ ભારોભાર ભરેલી છે. અને બીજા કોઈને દેખાય કે ન દેખાય , દાદાને તો તે દેખાય જ છે. કારણ તેમને દરેક માણસનું ઊજળું પાસું જ દેખાય છે.

આવા ઉમદા વિચારો સાથેનું જ એક ઉમદા ધ્રુવગીત જે બંગાળી બાઉલ પરંપરાનાં ઢાળમાં ખૂબ સુંદર રીતે ગવાયું છે. જીવનની બધી જંજાળમાંથી મુક્ત થઈ ક્યારેક પ્રકૃતિની ગોદમાં જઈને મુક્તજીવન જીવવાની મોજ લેવાની વાત છે.

કદી તું ઘર તજીને રે….ઓ ..

વગડે લીલાં ઘાસમાં ઊગ્યા ફૂલમાં ઊડેલી ધૂળમાં તારી જાતને ખોને રે….

સુખ મોટું કે નામ નથી કાંઈ રે,

બાગ બગીચા ગામ નથી કાંઈ રે,

આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ;

અમે છંઈં એમ તું હોને રે….

કેટલા સૂરજ કેટલા ચાંદા,

ગણવા તારે કેટલા દહાડા,ઓ રે..

સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે,ગણવા જા મા ટેકરા ખાડા રે;

જાગ્યો ‘તો એમ તું સોને રે….

જિગીષા દિલીપ

૧૩મી જુલાઈ ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૨૪

  1. દાદાની વાતો અને વાર્તાઓ વાંચીને, આત્મસાત કરીને
    કોઈની પણ મનોસ્થિતિ, વિચારોમાં આમૂલ પરિવર્તન આવે તો એ પુસ્તકો કોઈ ધર્મગ્રંથ સમાન જ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.