સંસ્પર્શ-૨૩

jigisha -સંસ્પર્શ -youtube

તત્વમસિ એટલે “તે તું જ છે.” આ તે એટલે કોણ? આ તે એટલે ઈશ્વર,જીવ,પ્રકૃતિનું એક એક સજીવ,નિર્જીવ સર્જન.વૃક્ષ,પહાડ,નદી,સૂરજ,ચંદ્ર,તારા,ગગન,ધરા,લીલી હરિયાળીમાં વાતો પવન,આ બધાં સાથે એકાત્મ,એકરુપતાનું દર્શન એટલે “તે તું જ છે.”હા,ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથા દ્વારા સામવેદનાં આ વાક્યને આપણને સરળતાથી સમજાવી દીધું છે ,કે આ સમગ્ર બ્રહ્માંડની દરેક સૃષ્ટિમાં તું જ સમાયેલો છે ,જો તને તે જોતાં અને પામતા આવડે તો! માત્ર ‘અહમ્ બ્રહ્માસ્મિ’એટલે ‘હું જ બ્રહ્મ છું’ નહીં ,કે “અયમાત્મા બ્રહ્મ “એટલે ‘આત્મા જ બ્રહ્મ છે ‘પણ નહીં પરતું સમગ્ર બ્રહ્માંડની દરેક વસ્તુમાં તું છે.માણસનો જીવ જો પરમનો અંશ હોય તો આપણી આસપાસની સૃષ્ટિનાં તત્વો,સમગ્ર જીવો,પશુ-પંખી પણ પરમનાં જ તત્વ કહેવાય,એટલે તેમાં પણ આપણે સમાએલા છીએ,તે સામવેદની વાત નવલકથા દ્વારા દાદાએ સમજાવી છે.અને યાદ આવે નરસૈંયાની પંક્તિઓ

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

તે જ હું તે જ હું શબ્દ બોલે

અને 

શ્યામ શોભા ઘણી ,

બુધ્ધિ ના શકે કળી

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી

જડ ને ચૈતન્ય રસ કરી જાણવો

પકડી પ્રેમે સજીવન મૂળી….

નવલકથાની શરુઆત પરદેશમાં રહેતા નાયકને તેના પ્રોફેસર ભારત જઈને નર્મદા તટે વસતાં આદિવાસીઓ પાસે રહીને તેના પર રીસર્ચ કરવા જવાનું સૂચવે છે ,જે નાયકને ગમતું નથી.પરદેશમાં રહીને ત્યાંની સંસ્કૃતિને જ સભ્ય સંસ્કૃતિ માનતો નાયક ભારતના નર્મદા તટે રહેતા આદિવાસીઓ સાથે રહી આપણે સંસ્કૃતમાં જેને એતિહ્ય એટલે સંસ્કૃતિ કે પરંપરા કહીએ તેને જાણે છે અને તેને સંપૂર્ણ રીતે સ્વીકારે છે.દાદાએ આ વાત ડાયરીરૂપે તબક્કાવાર નવલકથામાં સરસ રીતે પીરસી છે.

ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા કેવીરીતે સમાએલ છે, તે દાદાએ ખૂબ જીણવટપૂર્વક આલેખ્યું છે.

ટ્રેઈનમાં બેઠેલો નાયક ,પોતાની નીચેની બર્થ પર એક માજીને એકબાજુ બેસી માળા કરતાં અને તે જ બર્થનાં બીજા છેડે બીજો પ્રવાસી કપડું પાથરી નમાજ પડતા જૂવે છે.એક જ બર્થ પર,સામસામે છેડે બેસીને જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે.ભારતમાં જુદા ધર્મો,જુદી ભાષા, અલગ રીત-રિવાજો,સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર છતાં બધામાં કંઈક સામ્ય હોવાનો આભાસ નાયકને થાય છે.ટ્રેનમાં સાવ અજાણ્યા સહપ્રવાસીને નાતજાત,ધર્મ-ભાષાનાં વાડા ભૂલી,હળીમળી કુંટુંબીજનની જેમ એક જ નાસ્તાનાં ડબ્બામાંથી વહેંચીને ખાતો જોઈ અને પોતાના અંગત કુંટુંબીઓની વાત સ્વજન હોય તેમ કરતો જોઈ નાયક વિસ્મિત થઈ જાય છે.અમેરિકામાં એકલો રહેતો માણસ,સભ્યતાનું મ્હોરું પહેરી ,પોતાની સમસ્યાઓને એકલપંડે ઘુંટાઈને વેઠી જીવતો જોતો,નાયક ,વિચારમાં પડી જાય છે! ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આફરીન થઈ જાય છે! નાની નાની અનેક હ્રદયસ્પર્શી વાતો નાયકને પોતાના સાચા અસ્તિત્વની ઓળખ કરાવે છે. અનેક પ્રશ્નો,ઝઘડાઓ,અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આપણો દેશ હજારો વર્ષોથી કેવીરીતે અખંડ રહી શક્યો છે ,તેનું રહસ્ય નાયકને ધીરેધીરે સમજાતું જાય છે.

તેથી પણ આગળ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ, અછતો,પૂરતાં કપડાં કે ખોરાકનો અભાવ છતાં પોતાની મસ્તીમાં મસ્ત થઈ સુખ સંતોષથી આનંદમાં જીવતા આદિવાસીઓને જોઈ નાયકની સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે.સુખ એટલે ભૌતિક સુખ સગવડો એમ માનતો નાયક ,સુખ આપણી પોતાની વૈચારિક અવસ્થા છે. તે સમજી જાય છે.અમેરિકામાં અઢળક સુખ સાહ્યબીમાં જીવતાં માનવીઓને પણ આટલા સંતોષ અને બેફિકરાઈથી જીવી શકતા નથી તે સત્ય નાયક પામી જાય છે.આદિવાસીઓ સાથે જીવતાં ,જીવન વિશેના વિચારોની નાયકની પરિભાષા બદલાઈ જાય છે. ભૌતિક સમૃદ્ધિ અને આંતરિક સમૃદ્ધિનાં ભેદ ને પામી જતો નાયક પોતાની પરંપરા,નર્મદાનાં તટવાસીઓ અને અભાવમાં પણ આનંદિત જીવન જીવતાં આદિવાસીઓ સાથે જ જીવવાનો નિર્ણય લે છે તે આખી યાત્રા વાચકને પણ આશ્ચર્ય સાથે આહલાદકતાનો અનુભવ કરાવે છે.

આ સાથે જ આ જ વાતની સાબિત કરતું ધ્રુવગીત પણ સાંભળીએ 

બાર બાય બાર જેવી બાથરુમ હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું 

તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું

બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલ દોરડાં

મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણા તાળી લઈ જાય છે

કેમનું જિવાય કેમ રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે

એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધાં મોરલા 

મારાં ચાર-પાંચ નળિયાનાં ખોરડાં

ધ્રુવદાદાએ બાર બાય બારની બાથરુમ અને પચ્ચી બાય ચોવીનાં મસ મોટા રુમો અને બાથરુમ હોય તેવા મહેલ જેવાં ઘરને સંતોષ અને સુખોથી સમૃદ્ધ ચાર પાંચ નળિયાંથી ઢંકાએલ ઝૂંપડી ટક્કર મારે તેમ લાગે છે. તેમની આ નાનકડાં ખોરડામાં એટલે કે છાપરા જેવા ઘરમાં ચારેબાજુ ફરતી દિવાલ નથી કે નથી જાળી સાથેનાં બારી બારણાં. આ નાનકડી ઝૂંપડીમાં બહાર નામની બંગલાઓમાં લગાવી હોય તેવી નામની તક્તિ પણ નથી. પરતું ચોપન દિશાઓમાંથી વાતો પવન તેમની કુદરતની પવનની બારીઓમાંથી અનેરી ઠંડક રેલાવે છે. ઘરમાં બેસે તોય સૂરજનાં કિરણોનું તેજ અને ચંદ્રની ચાંદની તેમને તાળી દેતી હોય તેમ તેમની પર રેલાય છે. જીવન મરણની વાતો કરતાં મીઠાં વાયરા સાથે ઘરમાં રહી તે વાતો કરે છે અને આ મીઠા વાર્તાલાપમાં જાણે એક વાર હોઠ ફફડે ત્યાંતો ભીંતે ચીતરેલાં બધાં મોરલા ગહેકીને ટહુકો કરતાં સંભળાય છે. જ્યારે માણસ ભીતરથી આનંદિત હોય તો તેને બહારની દુન્યવી સંપત્તિનો કોઈ મોહ હોતો નથી. તે તો તેના નિજાનંદમાં મસ્ત હોય છે.આમ આ ધ્રુવગીતમાં દાદાએ નિજાનંદ જ સાચું સુખ છે તે સમજાવ્યું છે.

જિગીષા દિલીપ

૬ઠ્ઠી જુલાઈ ૨૦૨૨

from my iPad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.