
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-24 ‘પોત પોતાની વ્યથા’ એની 23મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.
કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.
જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.
મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.
તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ
આખું ઘર ભરેલું હોય, સૌ સ્વજનો આસપાસમાં જ હોય. દરેકની સામે નજર કરીએ તો લાગે કે, તેઓ સૌ મારાં જ છે. કોઈ દીકરો, કોઈ દીકરી, કોઈ પત્ની, કોઈ ભાઈ, કોઈ ભાભી. પણ કેટલીક વાર એવું બને છે કે, આટલાં બધાં સગા સંબંધીઓ હોવા છતાં જ્યારે આપણે જરૂર પડે ત્યારે આમાનું કોઈ કહેતાં કોઈ કામ ન લાગે! આવા સમયે કેવું લાગે? આંગણે ઊગેલું ઝાડ જાણે કહેતું ન હોય કે, ડાળી મારી પાંદડાં મારા પણ હવા મારી નથી. બિલકુલ ઝાડ જેટલી જ વ્યથા આપણી હોય છે.
ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.
જે તકલીફ ઝાડને છે તે જ તકલીફ ત્યારે આપણી પણ હોય છે. સૌ સાથે સગપણ ખરું પણ કોઈ પોતાનું નહીં! પીંજરે પુરાયેલ પંખી અને સોસાયટીનો પહેરેદાર, બન્ને પરતંત્ર. એકેયને મરજી મુજબ કશું કરવાનું ના હોય છતાં પંખીને એટલો ફાયદો કે, માલિક કહે તે સાંભળીને કંઈ કરવું ના પડે. જ્યારે પહેરેદાર તો પુરો ગુલામ!
ગઝલકારોની ગઝલમાં એવી વાત વણી લેવાય છે કે, દરેકને તેમાં પોતાની વાત લાગે, દરેકને તેમાં પોતાની છબી દેખાય. આલા ગજાના શાયરને તો થાય કે, તેવું ન થાય તો એ મારી ગઝલ ન હોઈ શકે. સારા વાર્તાકાર અને ગઝલકારોની એ ખાસિયત હોય છે. કવિ આ શેરમાં કહે છે કે, મને મારવાની ઈચ્છા હોય તો ભલે મારો પણ સતત તડકે ઉભો રાખીને હરગીઝ નહીં, એમ કરવાની જરૂર નહીં પડે હું તો અમસ્તો ડુબીને જ મરી જઈશ! તે પણ તમારી આંખોમાં!
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.
ઘેટાંની જેમ ટોળાને અનુસરવું એ માણસનું કામ નથી. તમે નવી જ દશામાં, નવી કેડી કંડારી શકો છો. એકવાર મક્કમ થઈને પ્રથમ પગલું માંડો એટલે આગળ વધવા માટે અનેક રસ્તા મળી આવતા હોય છે. કેટલાક રોગ એવા હોય જેની દવા ન તો વૈદ્ય પાસે હોય ન ડોક્ટર પાસે. ન મટે તે ન જ મટે અને મટે તો ચપટી ધૂળથી! કોઈ ટુચકાથી કે પછી નજર વાળવાથી મટે. આ દર્દ એટલે પ્રેમરોગ? કવિ પ્રેયસિને જ કહે છે કે, મારો રોગ જરા જુદો છે એની દવા ન તો વૈદ્ય પાસે છે કે ન તો ડોક્ટર પાસે. કદાચ તારા ટુચકાથી એ મટે.
તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.
સાંજ પડે ને અંધારાં અવનિ પર ઉતરી આવે ત્યારે અંધારામાં બેસી રહેવું ઉચિત નથી તો વળી આકાશમાં ચાંદની બિછાવતા ચંદ્રને પણ અજવાળું આપવા ઘરમાં થોડો બોલાવાય? અજવાળું જોઈતું હોય તો દીપ પ્રગટાવીને કામ ચલાવવું પડે.
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.
આપણાં પોતાના પણ પરાયા બની જાય અને તકલીફમાં સાથ ન આપે ત્યારે થતી વ્યથા તો જેણે ભોગવી હોય તે જ જાણે! ખરું ને મિત્રો, અને એટલે જ કોઈની અપેક્ષા રાખ્યા વગર સૌ જતા હોય તે માર્ગે જવા કરતાં પોતે નવી કેડી કંડારીને ચાલવું જોઈએ તો કદી નિરાશ થવાનો વારો ના આવે. સાચી વાત ને મિત્રો? આવી જ મઝાની બીજી એક ગઝલ માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો, ખુશ રહો.
નમસ્કાર.
રશ્મિ જાગીરદાર