રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન”શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો એક નવીન પ્રકારની રચનાને જાણીએ અને માણીએ. આપણે જાણીએ છીએ તેમ ગુરુદેવ તેમની કલમ દ્વારા માનવીની ભીતર ની સંવેદનાઓને શબ્દોમાં તદરૂપે અક્ષરઃશ વણી લેતા. રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવ માનવીને એક અરીસો ધરે છે – પોતાના મનને કોઈક અનોખી રચના દ્વારા મળવાનો, ઓળખવાનો. રબીન્દ્રસંગીતના ખજાનામાંથી માનવીની દરેકે દરેક મન:સ્થિતિ સાથે તાલ મિલાવતી એક રચનાતો તમને મળશે જ.
ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે. પોતાની ભીતરમાં રહેલા એ પરમ ચૈતન્ય, એ પ્રખર ઉજાસનું અહર્નિશ સાંનિધ્ય અને સામીપ્ય તેઓ સતત અનુભવતા. અને જયારે માનવીને ભીતરના ઉજાસની અનુભૂતિ થઇ જાય પછી એ ઉજાસના તેજને સથવારે તેનું સમગ્ર વિશ્વ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય. આવાજ ભાવ દર્શાવતી એક ખુબ સુંદર,પ્રતીકાત્મક અને પ્રચલિત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1911માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আলো আমার আলো ওগো | (Aalo Amar Aalo Ogo) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અંતરનો ઉજાસ …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ઇમાનમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે “બિચિત્રો” વિભાગ એટલે કે પ્રકીર્ણ વિભાગમાં વર્ગીકૃત કરી છે.

અંતરનો ઉજાસ એટલે કે inner light – આ રચનામાં કવિવરે નિજ અંતરમાં રહેલા ઉજાસને શબ્દદેહ આપ્યો છે. જયારે ભીતરે ઝળહળતો પ્રકાશ હોય ત્યારે આજુબાજુ બધુજ ઝળહળી ઉઠે એ કવિવરે અલગ અલગ રૂપકો દ્વારા સમજાવ્યું છે. આ અંતરનો ઉજાસ એ નરી આંખે જોવાનો પ્રકાશ નથી પણ ભીતરની અનુભૂતિનો અહેસાસ છે. મારા, તમારા, સૌમાં એ પરમ ચૈતન્ય રહેલું છે જેની કૃપાથી આપણા શ્વાસની લયબદ્ધ ગતિ ચાલુ છે. પરમ ચૈતન્યનું અસ્તિત્વ આપણી ભીતરની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખે છે અને એજ જ્યોત આપણને જીવનમાં સાચી દિશા પણ દેખાડે છે, એજ જ્યોત દ્વારા આપણે અન્યને પણ માર્ગ દેખાડવાનો હોય છે. પણ ઘણી વાર આપણા ખુદના લૌકિક આગ્રહો જેવાકે મોહ, ક્રોધ, ઈર્ષા આ જ્યોતને ગ્રહી લે છે અને અંતરનો ઉજાસ ક્ષીણ થઇ રહી જાય છે.શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે
योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव य: ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।। 24।।
અર્થાત જે મનુષ્ય પોતાની ભીતરના ચૈતન્ય સાથે, અંતરના ઉજાસ સાથે એકાકાર થઇ હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે, તે યોગી સમાન મનુષ્ય મોક્ષના માર્ગ પર ગતિ કરી રહ્યા છે.
When your inner light is shining bright, you find everything illuminated within your sight. જે પોતે અંદરથી સંતુષ્ટ હોય, ખુશ હોય તેમને સર્વત્ર ઝળહળ જ દેખાય. જયારે અંતરનો ઉજાસ પારદર્શકતા થી પ્રજ્વલિત હોય ત્યારે પંતગિયાની પાંખમાં પણ પ્રકાશનો પમરાટ અનુભવાય. જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આ વીરલાઓ સતત આનંદમાં રહે અને આજુબાજુ પણ આનંદ પ્રસરાવે. Do you know about the book Pollyanna? Pollyanna is a 1913 novel by American author Eleanor H. Porter, considered a classic of children’s literature. આ પુસ્તકમાં નાનકડી અનાથ બાળકી Pollyanna – આ અંતરના ઉજાસના સથવારે જીવનના અતિ વિષમ સંજોગોનો સામનો તો કરે જ છે પણ સાથે સાથે તેની આજુ બાજુ સૌને પણ જીવન નિજાનંદના સહારે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો!! તો ચાલો, આ અંતરના ઉજાસની જ્યોતને વધાવતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,
–અલ્પા શાહ
ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે
બહુ જ સાચી વાત .. સરસ આલેખન👌👍
LikeLike
Thank you so much Jayshreeben
LikeLike