રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગતછે. રબીન્દ્રસંગીતની આપણી સફર આગળ ધપાવતા, આજે આપણે પ્રેમ પારજોયની ખુબ નજાકત ભરેલી રચનાને જાણીશું અને માણીશું.
આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં “પડવું” એ એક અવર્ણીય અનુભૂતિ છે અને ખાસ કરીને વિજાતીય પ્રેમમાં પડવાની અનુભૂતિ તો જે ખરેખર પ્રેમમાં પડ્યું હોય તેજ સમજી શકે અને સમજાવી શકે. ક્યારેક અચાનક કોઈકના હૃદયના ટુકડાની સાથે આપણા હૈયાનો ટુકડો પેલા jigsaw puzzleની જેમ જડબેસલાક જોડાઈ જાય એટલે કે it just clicks – ત્યારે બને પક્ષે આ પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય…પ્રેમ અને આકર્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રેમ આપીને ખુશ થાય અને આકર્ષણ પામીને ખુશ થાય.. પ્રેમ ઉડવાને મુક્ત આકાશ પૂરું પડે જયારે આકર્ષણ ઉડાનને આંતરે…જોકે આજકાલ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે તે જુદી વાત છે…
જયારે બે પાત્રો વચ્ચે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય ત્યાર બાદ હંમેશા એકબીજાના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આવાજ કોઈક પાત્રની લાગણીઓને ગુરુદેવે આ રચનામાં ખુબ નજાકત પૂર્વક વાચા આપી છે.1897માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ভালোবেসে সখী নিভৃতে যতনে | (Bhalobashi Sokhi nibrite jatone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “તારા મન મંદિરે…”
જેનું સ્વરાંકન કવિવરે કીર્તન પદ્ધતિ પરથી કર્યું છે અને તેને દાદરા તાલ પરતાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

આ રચનામાં કવિવરે ખુબ નાજુકતાથી એક પ્રેમી હૃદયની ઈચ્છા અને મહેચ્છાને વાચા આપેલ છે. પોતાના પ્રિયપાત્રને સાંનિધ્ય, સામીપ્ય અને સાયુજ્યને પામવું એજ એક પ્રેમીની અભિલાષા હોય છે જે દરેકે દરેક પંક્તિમાં કવિવરે શૃંગારિક રીતે વ્યક્ત કરેલ છે. કદાચ તનથી સમીપે રહેવું શક્ય ના હોયતો પણ મનથી એકબીજાની નજીક રહેવાની આકાંક્ષા વ્યક્ત કરેલી છે. રબીન્દ્રસંગીતની આ રચના પ્રેમ પારજોયની એક અતિ વિખ્યાત રચના છે જેને બંગાળી સંગીતના અનેક ધુરંધરોએ પોતાના સુમધૂર સ્વરમાં રજુ કરી છે.
આ રચનાને જયારે હું સમજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ફરકી ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ રાધા-કૃષ્ણ વચ્ચેના પ્રેમને પ્રેમની પરાકાષ્ટા કે પ્રેમની ચરમસીમા કહી શકાય. જેમ રાધાજીના રોમમાં રોમમાં શ્રી કૃષ્ણનો વાસ હતો તેમ શ્રી કૃષ્ણ માટે પણ રાધાજી તેમનો શ્વાસ જ હતાને! રાધાજી માટે શ્રી કૃષ્ણ તેમના હૈયાનો ધબકાર હતા તો શ્રી કૃષ્ણ પણ રાધાજીમાં એકાકારજ હતાને! રાધાજીના શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની ઉર્મિઓને શબ્દો દ્વારા પ્રાચીન કાળથી ઘણા બધા સાહિત્યકારો એ વાચા આપી છે પણ શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને વર્ણવતી રચનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે….શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને કદાચ આ રચના દ્વારા વ્યક્ત કરી શકાય એટલી નજાકત આ રચનામાં રહેલી છે.
તો ચાલો, આ દિવ્ય પ્રેમની પવિત્રતાને માણતા માણતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
–અલ્પા શાહ