.
પલ્લીસમાજ શરદબાબુની આ વાર્તાનો અનુવાદ શ્રી નગીનદાસ પારેખે કર્યો છે. શરદબાબુની નાની આ નવલકથામાં સમાજ જીવનનું એક વિવિધ રૂપ આપણને જોવા મળે છે. સમાજ જીવનનાં તમામ પાસાઓને ખૂબ જ સચોટ રીતે અહીં નાના સમાજમાં(પલ્લી સમાજ) ઉપસાવ્યા છે. વાસ્તવિકતાની તદ્દન નજીક રહીને કરેલું આ સર્જન વાચકને સ્પર્શી જાય છે. વાચક તેમાં સહેલાઈથી સરી જઈ કથારસમાં લીન થઈ જાય છે .
આ વાર્તા આખી કે ટૂંકી કરી વર્ણવીએ તો ત્રણ જ લીટીમાં પતી જાય તેમ છે .લેખકનું માનવું છે કે માત્ર ટેવને લીધે હિન્દુ સમાજ અનેક દૂષણો ઊભા કરી અનિષ્ટોને સહે છે.પોતાનાં અનિષ્ટને આશ્વત કરવા બીજે બધે પણ અનિષ્ટ હોય એવી ઈચ્છા માનવમાં પેદા થાય છે અને તેથી ઈર્ષાનું ઝેર આખા સમાજમાં વ્યાપી જાય છે. એવા જ અનિષ્ટોમાં રચ્યાંપચ્યાં રહેલા હિન્દુ વસ્તી વાળા ગામડાનાં (ગામડું એટલે પલ્લી)સમાજનું આ વાર્તામાં વર્ણન છે
રમા અને રમેશ બે પાત્રોનો સંબંધ આવા સમાજમાં ખૂબ જ સુકુમાર અને કરુણ છે.રમેશ પિતાના કારજ માટે ગામડે આવ્યો છે અને તેની સમક્ષ તેનો કાકાનો દીકરો મોટાભાઈ વેણીના કાવાદાવાનો ભોગ બને છે. ગામડાની દશા જોઈ જેવા કે રસ્તા શાળા કે તળાવ બધું જ તે સુધારવા માંગે છે. તેનામાં અન્યાયની લાગણી ને અસાધારણ તીવ્રતા છે સાથે સુધારક અને આવશ્યક દ્રઢતા છે , કાર્યદક્ષતા અને સહનશીલતા છે . આ તેનો સમભાવ દ્રષ્ટિકોણ છે તેની ભલમનસાઈ નો ઉપયોગ ગામનાં ગરીબ કે ભાઈની આજુબાજુ મંડરાતા દૂષિત તત્વો લે છે .આ તત્વો નાના મોટા સારાં નરસા પ્રસંગોમાં ઉપદ્રવ ઊભા કરે છે. રમેશ આવા ઝઘડાળું વાતાવરણથી ટેવાયેલો નથી. તે સશક્ત ને સારો લાઠીબાજ છે. તે ઇચ્છે છે કે તેને લાઠીનો ઉપયોગ ન કરવો પડે. રમાને તે રાણી કહેતો હોય છે .જ્યારે તે પણ તેના વિરુદ્ધ ખોટી જુબાની આપી તેને જેલમાં મોકલે છે ત્યારે તે હતાશ ને નિરાશ થાય છે .તેના જીવનમાં એક જ વ્યક્તિ આ ગામડામાં તેને આ સુધારાવાદી કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે .તે છે તેના જેઠાઈમા વિશ્વેશ્વરી .
વિશ્વેશ્વરી એ શરદબાબુના નારી પાત્રોમાંનું એક પ્રભાવશાળી પાત્ર છે. તેઓએ ખૂબ જ પ્રભાવવાન પ્રતિભાશાળી ને તેજસ્વી પાત્ર રચ્યું છે. તેનો દીકરો વેણી ગામની દૂષિત ઘટનાઓનું મૂળ છે. વિશ્વેશ્વરી પક્ષપાત કે નબળાઈ બતાવતી નથી.તેની અને રમેશની અંતિમ ચરણે જે વાતચીત થાય છે તે આખી નવલકથાનાં રહસ્ય રૂપ છે. હિન્દુ સમાજ પરની ટીકા રૂપ છે,તો ભવિષ્યનાં કર્તવ્યની દિશા પણ સ્પષ્ટ કરે છે કે રમેશ જેવા કર્તવ્યનિષ્ઠ કર્મવીરની ગામે ગામ જરૂર છે. તે તીર્થ માટે નીકળી પડે છે અને કદી પાછા ન આવવાના નિર્ધારે. રમેશ કારણ જાણવા માંગે છે તો કહી દે છે કે વેણી જેવો એક માત્ર પુત્ર તેની આશ છે તો પણ તે તેના શરીરને અગ્નિદાહ આપે તે તેને મંજૂર નથી .જુઓ મિત્રો ,એક માતા જો આવો વિચાર કરી શકતી હોય તેવું પાત્ર રચવું એ આખા સમાજનો નિચોડ જ અહીં દર્શાવે છે.
રમા બાળપણથી જ રમેશદાના પ્રભાવશાળીપણાં અને તેના કાર્યોથી પ્રભાવિત હતી .રમેશ તેને રાણી કહી સંબોધતો પલ્લી સમાજના આચરણથી તે ખૂબ જ ડરતી તે વિધવા સ્ત્રી હતી નાનાભાઈ જતીનની મિલકતની રખેવાળ હતી .વેણીના દુષ્કર્મોની તે માહિતગાર હતી. છતાં રમેશના ગામમાં આવ્યા પછી તે તેના રાહત કાર્યોથી અંદરથી ખુશ હતી. પોતે પણ ઈચ્છતી કે રમેશ સાથે તેનું નામ પણ સારા કાર્યોમાં લેવાય.ખોટી જુબાની આપી ગામ વાળા ભદ્ર લોકોનો સાથ આપી દુષ્કર્મની ભાગીદાર બની ગઈ હતી. આ પછી તેના મોટા ભાઈ જોડે ભાગીદારી નિભાવતી સ્ત્રી હોવા છતાં છળકપટ કરતી થઇ પણ અંતમાં એ જ ખટપટિયાઓની તે કલંક રૂપી નિશાન બની ગઈ. રમેશના જેલમાં ગયા પછી વેણીને રમેશના હિતેચ્છુઓ એ માર માર્યો ત્યારે તે બધો દોષ રમા પર ઢોળી ,રમેશ જેલમાંથી છૂટ્યા બાદ સ્વાગત કરવા ગયો અને રમા વિરુદ્ધના કાન ભંભેર્યા જેઠાઈમાએ જ્યારે જવાના સમયે રમા માટેની ચોખવટ કરી ત્યારે તેને પસ્તાવો થયો.રમા અંતે જેઠાઈમા વિશ્વેશ્વરી સાથે તીર્થ કરવા નીકળી ગઈ.
રમાએ જતીનની બધી જ સંભાળ રાખવાનું ને તેની બધી મિલકત તે રમેશના નામે કરી જવાની ઇચ્છા પ્રગટ કરી .જતીનને તે રમેશ જેવો બનાવવા ઈચ્છે છે .રમેશ માટેની તેની શ્રદ્ધા છે કે રમેશની પેટાવેલી સદ્ કાર્યોની જ્યોત રોજ રોજ ઉજ્જ્વળ બનશે .એ પણ કહી જાય છે કે તેને માટે વેણી સાથે કદી પણ ઝઘડો નહીં કરે અને તેના અપરાધો જે પલ્લી સમાજના ડરથી કર્યા હતાં છતાં પણ કલંકનો ભોગ બની સજા ભોગવી રહી છે તે જાણી માફ કરી દેશે.
જેઠાઈમા વિશ્વેશ્વરી પાસે સત્ય જાણ્યા પછી તે રમા માટે તેમને કહી દે છે કે તેને કહેજો કે તેણે કહ્યું છે તેમ જ થશે. આમ એક મૌન પ્રેમનો અંત આવે છે અને છતાં ઉજ્જવળ સમાજ ઘડાશે તેનું સ્વપ્ન પણ વાચકને મળે છે.
મિત્રો આપણે રમેશ માટે એટલું જરૂર કહી શકીએ કે ઈશ્વરને જો આ જગતમાં કંઈ કાર્ય કરવું હોય તો તે રમેશ જેવા મનુષ્યને તેના કાર્યનું દર્શન કરાવી જ દે છે. ત્યારે આપણામાં ઈશ્વર આસ્થા વધી જાય છે એટલે જ જે ઇસ્ટ માર્ગ સૂઝે તેમાં કાર્યરત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.શરદબાબુની આખી વાર્તામાંથી એટલું તારવી શકીએ કે પૃથ્વી પર ભલું કરવાનો ભાર જેણે જેણે પોતાની ઉપર લીધો છે તેના શત્રુઓની સંખ્યા હંમેશા વધતી જ જાય છે . તેનું મારણ પણ તે વ્યક્તિનાં સક્ષમ વ્યક્તિત્વમાં જ રહેલું હોય છે .
મિત્રો, આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.
અસ્તુ
જયશ્રી પટેલ
જયશ્રીબેન, શરદબાબુની અનોખી શૈલીની ફરીથી સહેલ કરાવી દીધી. આખી વાર્તા તાજી થઈ ગઈ. મઝા આવી.
LikeLike