કમળ પત્ર પરથી સરી પડતું ઝાકળબિંદુ સરોવરમાં ભળી જાય છે તો કોઈને લાગે કે ઝાકળબિંદુએ પોતાની ઓળખ ગુમાવી દીધી. તો કોઈને લાગે કે તેણે કશું ગુમાવ્યું નથી, એ તો સરોવર જેટલું વિશાળ બની ગયું છે. આ સમજ, આ પરિપક્વતા, આ સભાનતા, આ જાગૃતિ ક્યારે આવે? જો કોઈ એમ માને કે વયની વૃદ્ધિ સાથે પરિપક્વતા પણ આવે તો એવું હંમેશાં બનતું નથી. સામાન્ય રીતે લોકો વયમાં તો મોટા થાય છે, પણ ઉત્ક્રાંત થતાં નથી, વૃદ્ધિ પામતા નથી, સમજદાર બનતા નથી, પરિપક્વ બનતાં નથી. તેમની બુદ્ધિ અને માનસિકતા બાલિશ જ રહે છે.
પરિપક્વતા, સમજદારીનો અર્થ છે એક વ્યક્તિ હોવાનું ઉત્તરદાયિત્વ સ્વીકારવું. કોઈપણ કિંમતે સર્વસ્વ હોડમાં મૂકી એ વ્યક્તિ બનવું, જે આપણે છીએ. એ જ છે પરિપક્વતા. આપણું અસ્તિત્વ હંમેશા આપણને કોઈ ઈશારો કરતું રહે છે, ભલે તેનો અવાજ ખુબ ધીમો હોય. પરંતુ જો આપણે થોડા શાંત અને મૌન રહીશું, તો જાતે જ એ માર્ગનો અનુભવ કરીશું. તમે જે છો એ વ્યક્તિ બનો, અન્ય વ્યક્તિ બનવાની કોશિશ ક્યારેય ન કરો -ત્યારે તમે સમજદાર અને પરિપક્વ બની જશો.
પરિપક્વતા પુનર્જન્મ છે, એક આધ્યાત્મિક જન્મ છે. તમારી ગુમાવેલી નિર્દોષતા પાછી મેળવવી, તમારા સ્વર્ગીય બાગને પુન:પ્રાપ્ત કરવો, ફરીથી બાળક બનવું, તમારા અંતરતમ હાર્દમાં પ્રવેશવું, વિચારો અને ભાવનાઓની પાર જવું અને કેવળ ‘હોવાપણું’ બનવું એટલે જ પરિપક્વતા.
મૃત્યુની ફિલોસોફી સમજાવતા ઓશો કહે છે કે જે માણસ વર્તમાનમાં, આ ક્ષણમાં જીવે છે તે ભૂતકાળ કે ભવિષ્યને વળગેલો રહેતો નથી. તે બોજારહિત જીવન જીવે છે. વાસ્તવમાં તે ચાલતો નથી, એ ઊડે છે. એ મૃત્યુના બરાબર નવ માસ પહેલા સભાન બની જાય છે કે મૃત્યુ આવી રહ્યું છે. એ આનંદ ઉત્સવ મનાવી લોકોને કહેશે કે આ કાંઠા પર હું બહુ થોડા સમય પૂરતો છું. આ જીવન ખૂબ સુંદર હતું. એક અદ્ભુત અનુભવ રહ્યો. મેં પ્રેમ કર્યો છે, શીખ્યો છું, સમૃદ્ધ થયો છું, હું અહીં કશું લઈને આવ્યો ન હતો અને ઘણા અનુભવો અને પરિપક્વતા સાથે જઈ રહ્યો છું. જે કાંઈ- સારું, ખરાબ, સાચું, ખોટું સંભવ્યું છે એ બધાં પ્રત્યે તે કૃતજ્ઞ હશે. જ્યારે માણસ બધાનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માની મૃત્યુ પામવા તૈયાર થાય છે, આ તક મળી તેનો ઉત્સવ મનાવે છે, ત્યારે મૃત્યુ અતિશય સુંદર બની જાય છે. ત્યારે મૃત્યુ એ મહાનતમ મિત્ર છે, કારણ કે એ જીવનનો ફુવારો છે, જીવનનું સર્વોચ્ચ શિખર છે. એ જીવનનો અંત નથી, ચરમસીમા છે, સંતોષ છે. એક અંત હોય તેવું લાગે છે, કારણ કે તમે જીવનને ક્યારેય જાણ્યું જ નથી. જેણે જીવનને જાણી લીધું છે, તેને તે સર્વોચ્ચ શિખર લાગે છે. વાસ્તવમાં તેમાં જ જીવન પાંગરે છે, ખીલે છે. પરંતુ મૃત્યુના સૌંદર્યની જાણવા માટે માણસે તેના માટે તૈયાર રહેવું પડે છે, તેની કળા શીખવી પડે છે.
ઓશો સમજદારી વાળા સંબંધો પર ભાર મૂકીને સંબંધોમાં પ્રેમની વાત કરે છે. પ્રેમના ત્રણ પરિમાણ હોઇ શકે છે. એક પરાવલંબન, જેમાં બંને વ્યક્તિ એકબીજા પર પ્રભુત્વ દાખવે છે, એક બીજાનું શોષણ કરે છે, દુનિયામાં મોટાભાગે આવું જ જોવા મળે છે. બીજું પરિમાણ છે બે સ્વતંત્ર વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ, જેમાં સંબંધો ઉપરછલ્લા હોય એવું લાગે છે. કારણ કે તેમને પ્રેમ કરતાં પોતાની સ્વતંત્રતા વધુ વહાલી છે. ત્રીજી સંભાવના પરસ્પરાવલંબનની છે. જ્યારે પણ તે સંભવે છે, ત્યારે બે વ્યક્તિઓ વચ્ચે અનહદ સંવાદિતાપૂર્ણ સંબંધ હોય છે. જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય એવું લાગે છે.
જંગલનું ફૂલ ખિલતું જ રહે છે અને પોતાની સુગંધ હવામાં રેલાવતું જ રહે છે. કોઈ વટેમાર્ગુ ત્યાંથી પસાર થાય, તેની પ્રશંસા કરે, તેને સુંદર કહે તેની સાથે તેને કોઈ નિસ્બત નથી. ત્યારે ફૂલને શું થતું હોય છે? તે મૃત્યુ પામે છે? વેદના અનુભવે છે? ડરી જાય છે? આત્મહત્યા કરે છે? ના…ના… એ તો સતત ખિલતું અને મહેકતું રહે છે, આનંદ આપતું રહે છે. એ જ રીતે જ્યારે મનુષ્ય પણ પ્રેમ ઝંખવાને બદલે પ્રેમ કરવાનું શરૂ કરે તે સાથે જ તે સમજદાર અને પરિપક્વ બને છે. શી રીતે આપવું, વધુ આપવું અને બિન શરતી આપવું તેના પર ભાર હોય ત્યારે વૃદ્ધિ, પરિપક્વતા અને સમજદારી આવે છે. નદી પણ એમ જ વહે છે. એના પાણીથી તમે તમારી તૃષા છીપાવો, ખેતરમાં પાક ઉગાડો કે તમે ત્યાંથી પસાર પણ ન થાવ તો પણ એ વહેતી જ રહે છે. સાચો પ્રેમ પણ એવો જ હોય. પ્રેમ એ વિપુલતા છે, ઐશ્વર્ય છે, તમારા હૃદયમાં એના ગીતો છે, ભલે કોઈ સાંભળે કે ન સાંભળે પણ તમે તમારો પ્રેમ વહેંચો છો. એને અવલંબનની જરૂર નથી. પ્રેમ એ સ્વતંત્રતાનું પુષ્પ છે. પ્રેમ ત્યારે સંભવે જ્યારે તમે સમજદાર અને પરિપક્વ હોય. પ્રેમની માગણી કરવી એ તો ભિખારી હાથ ફેલાવીને ઊભા હોય એવું લાગે. પ્રેમ એ તો લાઈટના બલ્બ જેવો છે. તમે બલ્બ સળગાવો અને પ્રકાશના કિરણો ચોમેર પ્રસરી જાય, તેમ તમે છો તો તમારી આસપાસ પ્રેમની આભા પ્રસરી જાય. જ્યારે પરાવલંબન સાથે પ્રેમ રહે છે, ત્યારે એમાં કુરૂપતા હોય છે. અણસમજુ પ્રેમ એક બીજાની સ્વતંત્રતાને ખતમ કરી નાખે છે, એક બંધન, એક કેદખાનું ઊભું કરે છે. એથી વિપરીત જ્યારે સ્વતંત્રતા સાથે પ્રેમ વહે છે, ત્યારે તેમાં સુંદરતા હોય છે. પ્રેમ આવેગ કે લાગણી નથી, પણ એક ઊંડી સમજ છે કે કોઈક વ્યક્તિ કોઈક રીતે તમને પૂર્ણ બનાવે છે. આવો પ્રેમ શાશ્વત છે અને સતત વૃદ્ધિ પામતો રહે છે.
‘જનરેશન ગેપ’ દૂર કરવાની માસ્ટર કી આપતા ઓશો કહે છે કે જો દરેક પેઢી બાળકો પ્રત્યે પ્રેમ અને આદર સાથે વર્તે, ઉછેરવાની સ્વતંત્રતા આપે, બાળકને તે જે છે તે બનવાની છૂટ આપે, તો એ પણ તમને પ્રેમ અને આદર આપશે. માતા-પિતા જ્યારે બાળકમાં પોતાની કાર્બન કૉપી તૈયાર કરવા માંગે, તેમની મૌલિકતાને ન સ્વીકારે ત્યારે બાળક ધૂંધવાઇને વિરોધ અને અસંતોષ દર્શાવે છે. ધીરે ધીરે આ અંતર મોટું થતું જાય છે અને બંને વચ્ચે કોઈ સેતુ રહેતો નથી. બાળકને અનન્ય બનાવવા માટે, તેની ક્ષમતાને ઉત્તેજન આપે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો તો બાળક પણ તમારા પ્રત્યે કૃતજ્ઞ રહેશે.
જીવનમાં કાંઈ પણ વિનામૂલ્યે મળતું નથી. જેટલી વધુ કિંમત ચૂકવશો તેટલી વધુ સિદ્ધિ પ્રાપ્ત થશે. સફર, યાત્રા, મંઝિલ એ ધ્યેય ઊભું કરે છે. યાત્રા એ જ ધ્યેય છે. ધ્યેય સફરના અંત પર નથી. તમામ સાધનોમાં સાધ્ય રહેલું હોય છે. માટે ડર છોડી જીવનનો મુકાબલો કરો. જીવંત રહેવાની જવાબદારી નિભાવવાની, પ્રતિબદ્ધ બનવાની એક પણ તક ગુમાવશો નહીં, તો તમને સિદ્ધિની ઝાંખી જરૂર થશે.
‘સાધના પથ’ની પ્રસ્તાવનામાં ડો.નરેન્દ્ર તિવારી કહે છે તેમ ઓશો એક દુર્લભ ઉપસ્થિતિ છે. એમની હાજરી એવી છે જાણે ફૂલોની દુર્ગમ ઘાટીમાં થઈને વહેતું ઝરણું. એમનું હોવું એ છે જીવન પ્રવાહનું અનવરત સંકીર્તન! ઓશો આપણી આંખો ખોલવાના દૂસાધ્ય કાર્યમાં સંલગ્ન છે. નિજતા સુધી પહોંચવાનો માર્ગ તેઓ આપણને બતાવી રહ્યા છે. સત્યની સાધનામાં પ્રકાશ તરફ ગમન કરવામાં ઉપયોગી એવું ઓશોનું પરિપક્વતા અંગેનું દર્શન આજે આપણે જોયું. આ જ વિષય પર વધુ ચિંતન સાથે મળીશું આવતા અંકે….
રીટા જાની
03/06/22
ઓશો સમજદારી વાળા સંબંધો પર ભાર મૂકીને સંબંધોમાં પ્રેમની વાત કરે છે.
કેટલું સુંદર આલેંખન છે.👌
જયશ્રી પટેલ
LikeLike
આભાર, જયશ્રીબેન.
LikeLike