વિસ્તૃતિ..૧૮
નવવિધાન શરદબાબુની આ નાની નવલકથા નવલકથાઓમાં શ્રેષ્ઠ નવલકથા ગણાય છે .નાનકડી આ નવલકથામાં તેમણે અતિ આધુનિક જીવનચર્ચાનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે. તેમણે એ પણ નોંધ્યું છે કે પ્રાચીન પરિપાટી પર બને તેટલું અનુકૂળ બની ચાલવું વધારે સારું છે .તો એમા જ વ્યવહારિક ડહાપણ પણ છે.નવવિધાન નવલકથાનો અનુવાદ શ્રી રમણલાલ સોની દ્વારા થયો છે. શીર્ષકમાં જ આપણે જોઈ શકીએ છે કે નવી રીતનું કે ક્રિયાનું આચરણ કે વિધિ રીતનાં આચરણનો નવીન પ્રકાર.
નવવિધાન વાર્તા શૈલેશ્વર ઘોષાલના પત્નીનું મૃત્યુ થયા પછી તેમનો ઘરસંસાર બાવરચી,સઈસ કોચમેન જેવા સાત-આઠ નોકર-ચાકર પર ચાલતો હતો. તેઓ કોલેજમાં દર્શનશાસ્ત્રનાં પ્રોફેસર હતાં. વિલાયતથી પદવી મેળવી હતી ઉંમર બત્રીસ વર્ષની હતી .પગાર તે જમાનામાં ૮૦૦રૂપિયા હતો. તેમણે સૌપ્રથમ લગ્ન ઉષા નામક સ્ત્રી સાથે કર્યા હતાં.કોઈ કારણસર તેમના પિતા તેઓ વિલાયત ગયા ત્યારે તેને પાછી મોકલી દીધી હતી પાછા ફર્યા ત્યારે બીજા લગ્ન કર્યા.તે સ્ત્રી પણ નવેક વર્ષના છોકરાને મૂકી મૃત્યુ પામી હતી . મિત્રોની મેહફીલ રચવાના અને ચાના શોખીન તેથી વારંવાર શૈલેષને ત્યાં મિત્રો આવતાં. ભેગા થયેલા મિત્રોમાંથી કોઈએ ત્રીજી વારના લગ્ન ભુપેન બાંડુજ્જેની વચલી છોકરી જે મેટ્રિક પાસ થઈ હતી તેની સાથે કરવાની સલાહ આપી. તેમનો એક મિત્ર હતો જે પ્રોફેસર હતો ઘણો અતરંગી હતો તેને તેઓ બધાં મજાકમાં દિગ્ગજ કહી બોલાવતા. તેણે સચોટ વાત કરી કે મેટ્રિક થયેલી અને અંગ્રેજી જાણતી યુવતી કરતાં પહેલીવારની પત્નીએ શું ગુનો કર્યો ?તેને લઈ આવો. બીજા મિત્રો ત્રીજા લગ્ન માટે ટેકો ના આપી ઉલ્ટો તિરસ્કાર કર્યો .અઢાર વર્ષે લગ્ન થયાં ત્યારે તેઓની પહેલીવારની પત્ની ઉષાની ઉંમર માત્ર અગિયાર વર્ષ હતી. દેખાવે સુંદર હતી તેથી પિતા કપિલ બાપુ ઓછી કિંમતે તેમના દીકરા શૈલેષને વેચવા તૈયાર થયાં હતા .પણ શૈલેષના વિલાયત ગયા પછી લેવાદેવાની રકમ માટે બંને પિતા વચ્ચે બોલાચાલી થઇ .આ વાંકે સસરાએ ઉષા ને પિયર ધકેલી દીધી હતી ઉષાનાં પિતા પણ અભિમાની પ્રકૃતિનાં હતા આથી ઉષા પછી કદી સાસરે ન આવી . ચારેક વર્ષ પછી શૈલેષ જ્યારે વિલાયતથી પાછો આવ્યો ત્યારે તેની પ્રકૃતિમાં પણ બહુ જ બદલાવ આવી ગયો હતો. તે વિલાયતી બની ગયો હતો એમ કહીએ તો ચાલે. જુઓ મિત્ર ,લેખકે તે જમાનાની વાત કરી છે જ્યારે અંગ્રેજોનું રાજ હતું .ધીરે-ધીરે હિન્દુઓ અંગ્રેજોનાં પગપથ પર ચાલવા લાગ્યાં હતાં. શૈલેષ આથી વિલાયતી વિચારધારા વાળી યુવતી જોડે પરણે, એમ પિતાની ઇચ્છાને માન આપી લગ્ન કરી લીધાં.ઘણાં સમય પછી તેના પિતા અને ઉષાનાં પિતા મૃત્યુ પામ્યા. ઉષા પોતાના ભાઈઓ સાથે રહેતી શૈલેષ જાણતો હતો તે પૂજા અર્ચના ,જપ-તપ ,ગંગાજળ અને ગોબરમાં દિવસો પૂરા કરતી. એનું આ ગાંડપણ પણ જોઈને તેનાં ભાઈઓ પણ હેરાન થઇ રહ્યાં છે આ જાણ્યા પછી શૈલેષને જરાપણ સુખકર નહોતું લાગતું કે તે પાછી આવે.તે જરૂર વિચારતો કે આવી સ્ત્રીનાં ચારિત્ર પર કોઈ દોષ કે ડાઘ લગાવી શકે તેમ નહોતું .
મિત્રો ,ભણેલી-ગણેલી સુશિક્ષિત યુવતી સામે ૨૫/૨૬ વર્ષની આ સુચિતા સ્ત્રીને તે પણ ગામડાંગામથી પાછી લઈ આવે એ તો ઘર સંસારમાં દક્ષયજ્ઞ જેવું તોફાન ઉમટી જાય તેવું હતું .વાત હતી નવ વર્ષના પુત્ર સોમેનની જો ઉષા તેને ઝેરીલી નજરે જોશે તો ?આ શંકાથી તેનું મન ભરાઈ ગયું.
એક બહેન હતી શૈલેષને ,એનું નામ હતું વિભા .તે ગામમાં જ પરણી હતી .તેમના પતિ શેત્રમોહન શૈલેષના મિત્ર જેવા જ હતાં .વિભા પણ ભણેલી ને બેરિસ્ટર હતી તેનો સ્વભાવ પણ થોડો આકરો હતો. વિલાયતી ઢંગને અપનાવી ચૂકી હતી. શૈલેષને આપણે મિત્રો ખરાબ તો નહીં જ કહીએ પણ તે દુર્બળ પ્રકૃતિનો અને સમાજથી ડરીને ચાલનારો વિદ્યાભિમાની હતો ,બીજું અભિમાન એને એ હતું કે એવી વિચારધારા રાખતો કે તે કોઈને અન્યાય કરતો જ નથી .અંતે તેણે નક્કી કર્યું કે ઉષા ને બોલાવવા મોકલું. ખાત્રી છે કે તે આવવાની નથી તેથી તે હાથ ઉંચો રાખી શકશે કે તેણે પ્રયત્ન કર્યો હતો અને જો આવશે ઘરનો મલેચ્છાચાર જોઈ ભાગી જશે .આમ તે બંને તરફથી બચી જશે અને તેનો વાંક કોઈ કાઢી શકશે નહીં. સોમેનને બેનને ઘરે મોકલી દેશે અને પોતે ક્યાંક બીજે ભરાઈ જશે. આમ નક્કી કરીને તેણે પોતાનાં મામાત ભાઈ ભૂતો જે મેસમાં રહીને નોકરી કરતો હતો તેને ઉષા ને તેડવા મોકલ્યો.પેલો પણ ડરતા ડરતા હા કહી ગયો. તે દરમિયાન ઘરનાં કબાટમાં ઘર ખર્ચના પૈસા મૂકી પોતે અલ્હાબાદ છ-સાત દિવસ માટે જતો રહ્યો બેનને ચિઠ્ઠીમાં જાણ કરી દીધી અને ઉષા આવે તો સોમેનને લઈ જવાની જવાબદારી સોંપી દીધી.
ઉષા આખી વાર્તાનો હાર્દ છે તો તેની જીવન સંવેદના પર વાર્તા ધબકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રૂપે તે હંમેશા વાર્તાનાં ઘટનાચક્રને પ્રભાવિત કરે છે .તેના સ્વભાવમાં જ ગૃહિણીપણું છે . વ્યવહારું બુદ્ધિ છે અને સાથે સાથે આત્મવિશ્વાસ છે .મિત્રો , શરદ ચંદ્ર તેના પાત્ર દ્વારા ભારતીય ગૃહિણીનો આદર્શ વાચક સમક્ષ મુક્યો છે . એક અનોખું સ્ત્રીપાત્ર રચ્યું છે .ત્યગતા છે પણ દર્શાવતી નથી .વિષમ પરિસ્થિતિમાં પણ તેની મનની શાંતિ અને વાણીનો સંયમ ખૂબ ધ્યાન ખેંચે છે .આઘાત પ્રત્યાઘાતને ધીરજથી સહન કરે છે .તે ભાવુક નથી .એની બુદ્ધિની તેજસ્વીતાથી તેના પતિ શૈલેષ ,નણંદ વિભા અને નણદોઈ ક્ષેત્રમોહન ભણેલા હોવા છતાં તેનાથી પ્રભાવિત થઈ જાય છે.
ઘરમાં આવતા જ પતિની ગેરહાજરીમાં સર્વે નોકરો,કરિયાણા, તેમજ પુત્ર સોમેનને બરાબર સંભાળી લે છે. ફાટેલાં મોજાંને સિવવાથી લઈને વધારાનાં નોકર-ચાકરને બાકી રહેલો પગાર ચૂકવી વિદાય કરે છે અને પુરતું અન્ન ભોજન સ્વાસ્થ્ય ને અનુરૂપ બનાવી શૈલેષના દેવાને પૂર્ણ કરવાનું વચન તે આપી દે છે. ચિંતામુક્ત શૈલેષ શાંતિથી ચાલતાં ઘર સંસારથી સુખી થાય છે. ત્યાં અચાનક બેનના વર્તનથી કે વાતોથી ઘવાઈને ઉષાને કડવા વચન કહે છે. ઉષા ફરી પાછી ઘરની વ્યવસ્થામાં બદલાવ લાવી દે છે .મન મક્કમ કરી મુસલમાન ખાનસામાને રસોઈ માટે રાખી દે છે અને એક દિવસ નિર્ણય પણ લઇ લેજે કે પાછી તે દાદાને ત્યાં પિયર ચાલી જશે.
નાનો ભાઈ અવિનાશ આવીને તેડી જાય છે. શૈલેષ તેને રોકતો પણ નથી. ક્ષેત્રમાહને ફરી ભવાનીપુર વાળા ની વાત છેડી પણ તેનો ઇનકાર કરી દેવામાં આવ્યો. ક્ષેત્ર મોહનને ઉષા માટે માન હતું ,પણ તેના ચાલી જવાથી તે પણ પત્ની વિભાનાં અને બેન ઉમા જેવી વિચારસરણી ધરાવતો થઈ ગયો. તેને હમણાં હમણાં બહાર જવાનું થતું તેથી શૈલેષ પાસે જઈ શકતો નહોતો. અચાનક અલ્હાબાદથી સમાચાર આવ્યા કે સોમનને કાચી ઉંમરમાં જ શૈલેષ જનોઈ દઈ દીધી અને પોતે પણ એક ભક્ત વૈષ્ણવની પાસે દીક્ષા લીધી. એક પણ દિવસ બંને પિતા-પુત્ર ગંગા સ્નાન કર્યા વગર રહેતા નથી અને માંસ માછલી જે રસ્તે થઈને આવતા હોય તે મહોલ્લામાં કદી જતા નથી.
જુવો મિત્રો ,કેવો વળાંક જે મુસલમાન ખાનસામાના હાથનું ખાવાનું જ સ્વાદિષ્ટ લાગતું ,જેને માટે કે જે વિલાયતી વાતાવરણને તે છોડી નહોતો શકતો ,જેને માટે તેણે ઉષા ને જતા ન રોકી તે શૈલેષ માટે આવી વાતો
ક્ષેત્રમોહન માનવા તૈયાર નહોતો. યોગેશ બાબુ મારફત મળેલા આ સમાચાર તેઓ માટે આઘાત જનક હતાં. વિભાએ ક્ષેત્રમોહન ને સમજાવી તેને ત્યાં મોકલ્યો તે જે સમાચાર લઈને આવ્યો તે ખૂબ દુઃખદ વિભા સહન કરી ન શકી .તેને ભાઈના પુત્ર માટે સ્નેહ હતો. ધીરે ધીરે શૈલેશે પત્ર વ્યવહાર અને બીજો વ્યવહાર બંધ કરી દીધો. એક દિવસ અચાનક શૈલેષનો જૂનો નોકર બંધુ વિભાને ત્યાં કાર્પેટ લેવા આવ્યો અને ખબર પડી કે શૈલેષ પાછો આવ્યો છે આથી એક દિવસ રહીને બંને પતિ-પત્ની અને ઉમા તેને ત્યાં જવા નીકળ્યા ઘરે આવીને જુએ છે તો ઘર આખું ખેદાન-મેદાન થઇ ગયું છે બે સાધુ ગોળ મટોળ ગોસાઈ જીઓ તેના ઘરમાં હરીફરી રહ્યાં હતાં.સોમેનની દશા જોઈને વિભા રડી પડી. શરીર પર હરી નામની છાપો ગળામાં તુલસીની માળા અને સફેદ ધોતલી ઉધાડું શરીર ,માથામાં ચોટલી રાખેલી .આ ભત્રીજો તેમને જોઈને રડી પડ્યો .દૂરથી પ્રણામ કર્યા. શૈલેષ મળ્યો તો તેમણે પૂછ્યું ,”બેસવાની જગ્યા ક્યાં છે?ન હોય તો અમે જઈએ .”શૈલેષ એ કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં . આથી અપમાન સહી તેઓ નીકળી ગયા.
ત્યારબાદ એક મહિનો માસ વીતી ગયો હશે વિભાએ ફરી ભાઈ ને મળવા માટે નક્કી કર્યું ,કારણ આખા શહેરમાં વાત થઈ ગઈ હતી અને તેને ક્યાંય મોં બતાવા જેવું પણ રહ્યું ન હતું .ઉષા જો આ બધું સાંભળી પાછી આવશે તો ખૂબ જ અનિષ્ટ થશે .એમ તે વિચારવા લાગી ક્ષેત્ર મોહનને પણ લાગ્યું કે આ બધું ઉષા ને કારણે જ થયું છે .બહારથી સાંભળ્યું કે શૈલેષ નવદ્વીપમાં જમીન ખરીદી ગુરુદેવને માટે આશ્રમ ઊભો કરી રહ્યો છે. વિભા રડમસ થઇ ગઈ ક્ષેત્રમોહન ને આજીજી કરવા લાગી.મારાં ભાઈ ને બચાવી લો !ફરી બંને શૈલેષ ને ત્યાં ગયાં ઉમા ને જોડે ના લઈ ગયા કારણ એવું લાગ્યું કે ફરી અપમાન સહન કરવું પડે તો તેને ખરાબ લાગશે .
ઘરે પહોંચ્યા તો બંનેને આશ્ચર્ય થયું! અરે !શૈલેષમાં બુદ્ધિ આવી ગઈ લાગે છે આ સાંભળી પાછળથી સોમેન બોલ્યો અને તેને જોઈને બંને આભા બની ગયા તે રબરનો દડો ઉછાળતો આવતો હતો .શરીર ખુલ્લું હતું પણ સરસ લાલ રંગની જરીની કિનારી વાળી ધોતલી પહેરી હતી .માથાના વાળ બંગાળી છોકરાઓની પેઠે ભાગ પાડી હોળેલા હતા .ગળામાંથી તુલસીની માળા અલોપ હતી.પોલીસ કરેલા પંપશૂં પહેરેલા હતા .દોડતો આવી ફોઈને વળગી પડ્યો.બોલ્યો,” મા આવ્યા છે ,ફોઈબા રસોડામાં રાંધે છે ! “ ક્ષેત્રમોહન અને વિભાનાં આશ્ચર્યનો પાર ન રહ્યો .આજે વિભાએ પગના જુતા કાઢી ઉષા ને પ્રણામ કર્યા. ઉષાએ ચિબુક પકડી અને સ્પર્શ કરી ચુંબન કર્યું નણંદને ,હસીને વિભાએ કહ્યું ,” કેવું બની ગયું !ભાભી જોયું ને !”
ઉષા એ જવાબ આપ્યો ,”હા ,છોકરાની શિકલ જોઈ આંસુ નીકળી પડ્યાં,માળા બાળા તોડીને ફેંકી ,હજામને બોલાવી વાળ કપાવી નાંખ્યાં ,નવું ધોતિયું પહેરણ અને જોડા લાવી પહેરાવ્યાં ત્યારે તો હું એની સામે જોઈ શકી.હા ,પણ તમે શું કરતા હતા ?આટલું થયું તો ?
ક્ષેત્રમોહન અસલ મિજાજમાં આવી બોલી ઊઠ્યો ,”બધું હમણાં કહેવાની ઉતાવળ નથી . બંને પ્રભુપાદ ઉપર તો નથી ને ?ભૂખ લાગી છે ,ખાવાનું આપો .
ઉષા એ હસીને નણંદોઈ ને કહ્યું, “ડરવાની જરૂર નથી તે નવદ્વિપધામમાં ગયાં છે .
ક્ષેત્ર મોહન ડરથી પૂછે છે,”પાછા નહીં આવે ને ?”
અંતમાં ક્ષેત્રમોહન ઉષા ને કહે છે કે વહુઠાકુરન તમને આવી સુબુદ્ધિ આવશે એવું અમે સ્વપ્ને પણ ધાર્યું નહોતું .બ્રહ્મચારી બ્રાહ્મણની તુલસીમાળા તમારા હાથે તોડી નાંખી ,ચોટલી કાપી નાંખી આ બધું શું કહો છો ઉષાએ હસતે મોઢે વાત ઉડાડી જવાબ આપ્યો ,”બધું હમણાં કહેવાની શી ઉતાવળ છે,ચાલો ખાવાનું આપું.”
શરદબાબુએ ફરી વાર્તાને વળાંક આપી દીધો એક એવી સ્ત્રી ને હાથે મહાન કાર્ય કરાવી દીધું .કહેવાય છે ને બધાં સુખને એક ચોક્કસ સીમા હોય છે .પોતાનું એવું એક પણ માણસ જો ન હોય તો જિંદગી આકરી થઈ જાય છે ,ખાસ કરીને પાછલી અવસ્થામાં ,શૈલેષને તેની જરૂર હતી .ઉષાની માન્યતાઓમાં સાધારણ પ્રચલિત અંધવિશ્વાસ અને રુઢીઓને સ્થાન નહોતું. તેથી અંતમા આવી તે પુત્રની ડોકમાંથી તુલસીની માળા તોડી શકી અને ચોટલી પણ કાપી નાખી શકી.
આમ સુખદ અંત સાથે પણ વિલાયતી કે અંગ્રેજી સંસ્કાર કે રહેણીકરણી પ્રાચીન સંસ્કૃતિને બદલાવી નથી શકતી .તે વાત તે જમાનામાં લેખક સમજાવી ગયા આપણને.
મિત્રો, ફરી આવતા અંકે મળીશું શરદચંદ્રની નવી કથા વાર્તા લઈને .
અસ્તું,
જયશ્રી પટેલ
૨૯/૫/૨૨