ઓશો દર્શન- 18. રીટા જાની

wp-1644023900666આપણે જોઈએ છીએ માણસ માટે અંતરીક્ષના દ્વાર ખુલી ગયા છે. આકાશમાં દૂર-સુદૂર હવાઈ મુસાફરી થઇ શકે છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેના પોતાના અંતરના દ્વાર બંધ થઈ ગયા છે. તે આંતરયાત્રા પણ કરી શકે છે એવું તેને યાદ જ નથી . જો સ્વયંને ખોઈને બધું મેળવી લીધું તો પણ તેનું મૂલ્ય શું? માણસ પોતાના અસ્તિત્વની આત્મસત્તા ખોઈ બેસે પછી આખા બ્રહ્માંડનો વિજય મળે તોપણ તે ખોટ પૂરી શકવાને સમર્થ નથી. તમારા ભીતર પ્રકાશનું એક નાનકડું કિરણ પણ હશે તો આખા સંસારના અંધારાને દૂર કરી શકશે અને જો સ્વયંના આ કેન્દ્રમાં અંધારું હશે તો બાહ્ય આકાશના કરોડો સૂર્ય પણ તે અંધારાને હટાવી નહીં શકે.

ભય એ અજ્ઞાન છે. જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં જીવન છે, ત્યાં જ પરમાત્મા પણ છે. જીવનને જોડવાવાળો સેતુ ધર્મ છે. જે ભયના આધારે ધર્મને સમજે છે તે ધર્મને સમજતા જ નથી. અથવા તો તેઓ જે સમજે છે તે ધર્મ નથી. ભય એ જ અધર્મ છે. કારણ કે જીવનને જાણી ન શકાય તેથી વધુ અધર્મ બીજો શું હોઈ શકે? સત્ય ઉપરનો વિશ્વાસ સત્યના બીજ ઉપર અંકુરણ માટેનો વરસાદ બની જાય છે. સૌંદર્ય ઉપરની નિષ્ઠા સુષુપ્ત સૌંદર્યને જાગૃત કરવાનો સૂર્યોદય બની જાય છે. અશુભ એ કોઈનો સ્વભાવ નથી, દુર્ઘટના છે. સૂર્ય વાદળોમાં છુપાઈ જાય તેથી પોતે વાદળ બની જતો નથી. વાદળ સૂર્યને ઢાંકી દે તો પણ થોડી વાર માટે. કારણ વાદળ હંમેશા છવાયેલા રહેતા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં સૂર્ય ઉપર જ ધ્યાન રહે તો તેનો ઉદય ઝડપથી થતો જોવાય છે. ‘ન દેખાવું’ તેનો અર્થ ‘ન હોવું’ નથી. વાદળથી ઘેરાયેલા સૂર્ય કે ચંદ્રને જોઈ નથી શકાતો, આંખ બંધ હોય તો દિવસનું અજવાળું પણ દેખાતું નથી. પૂર્ણ રીતે અભય જ સત્યને જોવા માટે આંખ ખોલી નાખે છે. અભય સિવાય ધર્મનું બીજું કોઈ દ્વાર નથી.

વિચાર આચારનું બીજ છે, જે અનુકૂળ વાતાવરણ મળતા અંકુરિત બને છે. માટે પોતાના પ્રાણને રાખવા માટે સમ્યક સ્થળ પસંદ કરવું ખૂબ જરૂરી છે. જે અવિવેક અને આળસને ત્યજીને આંખો ખોલે છે તે જીવનના એવા હિમાચ્છાદિત શિખરોને જુએ છે જે સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે. જો તમે હૃદયપૂર્વક તેમની પાસે જવાની ઈચ્છા રાખશો તો તે તમારાથી જરા પણ દૂર નથી. જ્ઞાન નિર્વિવાદ છે. જેઓ વિવાદ કરે છે તે ચોક્કસપણે અજ્ઞાનમાં હોય છે. આથી સત્યની બાબત નિર્વિવાદ સાંભળવા મળે ત્યારે આશ્ચર્ય થાય છે. આ તો પાંચ અંધ અને હાથીની વાર્તા જેવું છે. જેણે જે ભાગ પકડ્યો- સુંઢ, પગ, પુછડી – તેનું વર્ણન કર્યું અને બધા પોતાના મતને જ સત્ય માનતા હતા અને મનાવી રહ્યા હતા. સત્યને ઓળખવું હોય તો સિદ્ધાંતની સાથે અજવાળાને રાખવું જરૂરી છે. પ્રશ્ન વિચારોનો નથી, પ્રકાશની ઉપલબ્ધિનો છે. પ્રકાશ તો ભીતર છે તેથી તે એવી ચિન્મય જ્યોતિને મેળવી લે છે જે હંમેશ માટે તેની ભીતર પ્રજ્વલિત જ રહેલી હોય છે. સંપત્તિ અને સમૃદ્ધિમાં ફેર છે. જે સંપત્તિ માત્ર બાહ્ય સંગ્રહથી જ ઊભી થાય છે તે હકીકતમાં ક્યારેક વિપરીત બને છે. જે ભય પમાડે તે વિપત્તિ છે અને અભય આપે તે સમૃદ્ધિ છે. વાસ્તવિક સમૃદ્ધિ અંતરઆત્માના ઉઘાડથી જ મળે છે.

જીવન એક કલા છે અને માણસ એક કલાકાર છે. માણસ માટે કલા સાધન અને સાધ્ય બને છે. જન્મથી તો માણસ વણઘડાયેલા પથ્થર જેવો હોય છે. તેમાંથી કુરૂપ કે સુંદર મૂર્તિનું નિર્માણ માણસ પોતે જ કરે છે. તેનામાં આત્મવિશ્વાસ અને આત્મધ્વંસ બંને શક્તિ છે. પોતે જે કર્તવ્યભાન ઊભું કરે છે તેનાથી વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી પહોંચવાની આ વાત છે. પોતાની સત્તા અને તેની સંભાવનાઓના વિકાસ માટે પ્રેમનો અભાવ જ પાપ બને છે. આ રીતે જ પાપ અને પુણ્ય, શુભ અને અશુભ, ધર્મ અને અધર્મના પ્રવાહો માણસની અંદર જ છે. આ સત્યની તીવ્ર અનુભૂતિ જ માણસમાં પરિવર્તન લાવે છે, જેનાથી તે આંતરિક રીતે સતત સર્જન કાર્ય કરી ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે. ત્યારે પ્રાણને એવો લય અને છંદ મળે છે જેથી તે ધીમે ધીમે પર્વત, ખીણ કે ધુમ્મસને પેલે પાર ઉઠી મનની આંખોથી સૂર્યના દર્શન કરી શકે છે.

પોતાની જાતમાં વિશેષ ગહન બનવું એનો અર્થ જીવનની વૃદ્ધિ છે. વૃક્ષનું ઉદાહરણ લઈએ તો વૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામતું જાય છે તેમ તેમ તેના મૂળ જમીનમાં ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. વૃક્ષ જેટલું ઊંચું હશે તેટલા તેના મૂળ ઊંડા હશે. ઓશોના મતે ધ્યાન એ જીવનનો પ્રથમ સિદ્ધાંત છે. ધ્યાનનો અર્થ છે અમરત્વમાં ઉતરવું, શાશ્વતતામાં ઉતરવું, પ્રભુતામાં ઉતરવું. નિર્દોષતાને સમર્થન આપવું જોઈએ. એ ઈચ્છા વિહિનતાની અવસ્થા છે, તેમાં જ્ઞાન નથી, છતાં અજ્ઞાન એ નિર્દોષતા નથી. આ બંને વચ્ચેના ભેદને સમજવો એ જીવનની કળાનું પ્રથમ પગલું છે.

ધ્યાન એ એવી શસ્ત્રક્રિયા છે જે તમારા પોતાના અસ્તિત્વને જાળવી રાખી જે તમારું નથી તેનાથી તમને કાપીને અળગા કરે છે. અસ્તિત્વની શોધ જીવનનો પ્રારંભ છે. ત્યારબાદ પ્રત્યેક ક્ષણ નવો આનંદ, નવા રહસ્યોનું ઉદ્ઘાટન, નવો પ્રેમ, અનુકંપા અને સંવેદનશીલતા લઈને આવે છે. આ સંવેદનશીલતા વ્યક્તિ, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, પર્વતો, નદીઓ, સમુદ્ર, તારાઓ સાથેની મિત્રતા ઉભી કરી જીવનને સમૃદ્ધ બનાવે છે. જીવન અસીમિત બની જાય છે અને સમગ્ર વિશ્વ મારું છે એવી ઉદ્દાત ભાવના આવે છે. જીવનમાંથી સાચો ઉત્સવ પ્રગટે છે.

બીમારીમાં દુઃખને વળગી રહેવાની જરૂર નથી. જો તમે પથારીવશ છો તો ડોક્ટરને બોલાવો, પરંતુ જે લોકો તમને ચાહે છે એ લોકોને બોલાવો તે વધુ અગત્યનું છે. જે લોકો તમારી આસપાસ સુંદરતા, કવિતા, સંગીતનું સર્જન કરી શકે એવા લોકોને નિમંત્રણ આપો. કારણ કે દવા નિમ્ન પ્રકારનો ઇલાજ છે. જ્યારે પ્રેમ અને ઉત્સવના ભાવ જેવો બીજો કોઈ ઉપચાર નથી. તમારી પથારીવશ ક્ષણોને સુંદરતા અને આનંદની ક્ષણમાં, રાહત અને આરામની ક્ષણમાં, ધ્યાનની ક્ષણમાં, સંગીત અને કવિતાના શ્રવણમાં બદલી શકો છો. દરેક ચીજને સર્જનાત્મક બનાવવી, ખરાબમાંથી સર્વોત્તમ બનાવવી તેને ઓશો જીવવાની કળા કહે છે.

ધ્યાનનો મહિમા કરતાં ઓશો કહે છે કે ધ્યાન સાથે અંદર કશુંક સંભવવાનું શરૂ થશે -મૌન, શાલીનતા, પરમાનંદમયતા, સંવેદનશીલતા. તેને જીવનમાં અભિવ્યક્ત કરો. જાતે બુદ્ધિમાન બનો અને મગજમાં જે નકામો કચરો વેંઢારી રહ્યા છો તેને બહાર ફગાવી દો. જીવન ખૂબ સરળ છે. આનંદમાં રહેવું એ તમારો અધિકાર છે. સમગ્ર પૃથ્વી આનંદ અને નૃત્યમય બની શકે છે. તમે તેને વિશેષ સુંદર બનાવો, વિશેષ સુખી બનાવો, વિશેષ સુગંધિત બનાવો.

સુપ્રસિદ્ધ લેખક અને કોલમ રાઇટર શ્રી એમ.બી કામથ કહે છે તેમ ઓશો નવીન યુગના ઉદ્ગાતા અને યુગપુરુષ છે. તેમનું દર્શન એવું છે જે તમને વિચારવા માટે બાધ્ય કરે. તેઓ એવા દાર્શનિક છે, જે તમારા માટે એક પડકાર છે. અને ત્યાં જ એમની સાર્થકતા પણ છે. પરિપક્વતાના વિષય પર ઓશોના ચિંતન સાથે મળીશું આવતા અંકે….

રીટા જાની
27/05/2022

2 thoughts on “ઓશો દર્શન- 18. રીટા જાની

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.