ઓશો દર્શન -17. રીટા જાની

wp-1644023900666
સાગર કિનારે નિરંતર આવતાં મોજાંઓની વચ્ચે મનમાં છવાય છે સાગરની વિશાળતા, અફાટ મોજાંના ઘૂઘવાટ વચ્ચે માણસનું મન વહેંચાય છે જળ અને સ્થળ વચ્ચે. દૃષ્ટિમાં છે પાણી પણ જેના પર ઊભા છીએ તે છે જમીન. જળ અને સ્થળના અનુભવ વચ્ચે ઊભેલો માણસ પણ વિચારોના વૃંદાવનની વાટે ખોવાય છે. આકાંક્ષા હોય મોતીની, પણ મુઠ્ઠીમાં પકડાય છે રેતીની ઢગલી અને મન આશા નિરાશાના આટાપાટા રમતું ક્યારેક અને ક્યાંક મોતી જુએ તો કેવો આનંદ થાય? આજે ઓશોના પુસ્તકમાં કંઇક નવા વિચારો જોઈને લાગ્યું કે નવીનતાની આ ક્ષણોનો પમરાટ સહુ વચ્ચે વહેંચાય અને આજની વિચાર કણિકાઓ ક્યાંક વિચાર પુષ્પ બનીને પ્રગટ થાય અને પોતાની સુગંધ પ્રસરાવે. પુષ્પ એ બીજનું અંતિમ ચરણ છે, જ્યાં બીજનું પ્રાગટ્ય એક છોડ બનીને વિકસે છે અને વિકસતાં વિકસતાં એ તબક્કે પહોંચે છે જ્યાં એક નવો પમરાટ, નવી સુગંધ હવાને મહેકાવવા આતુર બની વિકાસગાથાને અગ્રેસર બનાવી રહી છે. આજનો પ્રવાસ એ વૈચારિક સજ્જતાને વિકસાવવાનો છે. ‘ઓશો દર્શન’ એ કેલીડોસ્કોપ છે, જ્યાં નવું વિશ્વ શક્યતાના આકાશમાં ડોકિયાં કરી રહ્યું છે. તો આજનું ‘ઓશો દર્શન’ નવી શક્યતાઓના સંદર્ભમાં માણીએ નવા વિચારોની વાટે.

કોઈએ મહત્વાકાંક્ષા વિશે ઓશોને તેમના વિચાર પૂછ્યા. તેમનો જવાબ હતો કે બહુ જ જૂજ માણસો સાચા અર્થમાં મહત્વાકાંક્ષી હોય છે. ક્ષુલ્લકથી તૃપ્ત થઈ જાય તે ખરા મહત્વાકાંક્ષી નથી. જે વિરાટને મેળવવા માંગે છે તે ખરેખર મહત્વાકાંક્ષી છે. જો કોઈ વિચારે કે મહત્વાકાંક્ષા ખરાબ કે અશુભ છે તો એવું નથી, તે તો માણસને ભગવાન તરફ લઈ જાય છે. જીવનને ધ્યેય આપો અને હૃદયને મહત્વાકાંક્ષા આપો. પોતાની જાતને ઊંચાઈના સ્વપ્નથી ભરપૂર કરો. એક લક્ષ્ય રાખો. એમ નહીં કરો તો તમારું વ્યક્તિત્વ વિકાસશે નહીં. જ્યારે વ્યક્તિ પોતાની શક્તિઓને એકત્રિત કરીને કોઈ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત અને સમર્પિત કરે છે ત્યારે તે સફળ વ્યક્તિત્વ મેળવે છે, તેના જીવનમાં સંગીત પેદા થાય છે. તેથી વિપરીત જે પોતાનામાં જ સંગીન ન હોય તે શક્તિ, શાંતિ કાંઈ મેળવી શકે નહીં. શાંતિ અને શક્તિ એક જ સત્યના બે નામ છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે નોંધ્યું છે કે વરસાદના બિંદુએ ચમેલીના કાનમાં કહ્યું કે પ્રિય, મને હંમેશા તારા હૃદયમાં રાખજે. ચમેલી કંઈ કહે ન કહે ત્યાં બિંદુ જમીન પર પડે છે! જીવનના કહેવાતા સુખોની ક્ષણભંગુરતા સમજાવતી એક માર્મિક લોકકથા ઓશો કહે છે. એક ચકલી આકાશમાં ઉડી રહી હતી. તેને દૂર એક ચમકતું વાદળ દેખાયું. તે વાદળને લક્ષ્ય બનાવી પૂરી તાકાતથી ઉડવા લાગી. વાદળ ક્યારેક પૂર્વમાં તો ક્યારેક પશ્ચિમમાં જતું, ક્યારેક ઊભું રહી જતું તો ક્યારેક પોતાનામાં જ ફેલાઇ જતું. બહુ મહેનત કરવા છતાં ચકલી તેને પકડી ન શકી અને અચાનક એ વાદળનો છંટકાવ થઈ ગયો. મહાપ્રયત્ને ચકલીએ તેની પાસે પહોંચીને એટલું જ જાણ્યું કે ત્યાં તો કંઈ જ ન હતું! તેને મનમાં થયું કે મારે ક્ષણભંગુર વાદળને પકડવાનું લક્ષ્ય રાખવાના બદલે અનાદિ, સ્થિર અને અનંત એવા પર્વતના ઊંચા શિખરે પહોંચવાનું લક્ષ્ય રાખવાનું હતું. આપણામાંથી ઘણા એવા છીએ, જે ક્ષણભંગુર વાદળ જેવા સુખો પાછળ જવામાં જ જીવન લક્ષ્ય રાખે છે અને ભ્રમમાં પડે છે. આપણી નજીકમાં જ અનાદિ, અનંત આત્મા- પર્વત રહેલો છે. તેને પરમ લક્ષ્ય બનાવીએ તો જીવન કૃતાર્થ અને ધન્ય બને.

જીવનના રસ્તા પર ફૂલો અને કાંટા બંને છે, એ સાચું છે. ફૂલોને જોવાનું જેને આવડી જાય તેને માટે પછી કાંટા પણ ફૂલ બની જાય છે. જીવનમાં આવતા સુખ- દુખ અને આનંદના અનુભવનો સ્વાદ માણસની પોતાની દ્રષ્ટિ ઉપર નિર્ભર છે. કોઈ બે અંધારી રાત વચ્ચે એક નાનો દિવસ જોઈ શકે છે તો કોઈ બે પ્રકાશિત દિવસ વચ્ચે એક નાની રાત જોઈ શકે છે. પહેલી દ્રષ્ટિમાં એક નાનો દિવસ પણ અંધકારભર્યો થઈ જતો હોય છે અને બીજી દ્રષ્ટિમાં રાત્રિ પણ રાત્રિ રહેતી નથી!

ઓશો શ્વાઈત્ઝરની વાત ટાંકીને આદર્શની અમાપ તાકાતનો પરિચય આપે છે. જીવન નૈયાને પાર ઉતારવા આપણો દરેક વ્યવહાર આદર્શ પ્રેરિત હોય તે જરૂરી છે. પાણીના ટીપામાં આપણને કોઈ તાકાત ન દેખાય, પણ એ જ પાણી જમીનની તિરાડમાં બરફ બનાવી દેવાય તો તે જમીનને તોડી નાખે છે. જરા જેટલા પરિવર્તનથી પાણીના ટીપાની શક્તિ અમાપ બને છે. આ વાત આદર્શ માટે પણ લાગુ પડે છે. આદર્શ અંધકાર તરફથી અજવાળા તરફ જવાની પ્રક્રિયા છે. આદર્શ માત્ર વિચાર કે આકાંક્ષા નથી, સાથે સાથે સંકલ્પ અને વ્યવહારુ પ્રયત્ન પણ છે, જે જીવન નૈયાનો નાવિક પણ છે.

મનની શાંતિને પકડી લેનાર ખુદમાં પ્રવેશ પામે છે અને આત્મામાં પ્રવેશ એ તો સત્યની પ્રાપ્તિ છે. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞેયની પાછળ ન જાઓ. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાતાની પાછળ ચાલવું જરૂરી છે. સત્યની શોધ કરનારે આત્મપરિવર્તન માટે તૈયાર રહેવું પડે કારણ તે પોતાની અંદર રહેલા સંસ્કાર અને શુદ્ધિની અંતિમ ચેતન અવસ્થા છે.

આજના સ્વપ્ન જ આવતી કાલનું સત્ય બની જતા હોય છે. એવું કોઈ સત્ય નથી જેનો જન્મ સ્વપ્નની જેમ ન થયો હોય. આપણો કેટલો બધો સમય સાવ નજીવી બાબતોમાં લડાઈ અને અહંકારથી થતા વાદવિવાદ, નિંદા અને ટીકા કરવામાં વેડફાઈ જતો હોય છે. આ સમયને જો શિક્ષણ, ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ગાળીએ તો તે ખૂબ મૂલ્યવાન બની જશે. તેનાથી એવાં ફૂલો ખીલે છે, જેની સુગંધ અલૌકિક હોય, એવું સંગીત નીપજે જે દિવ્ય હોય. માટે એ લોકો ધન્ય છે જે ખીણમાં રહીને પર્વતના શિખરના સ્વપ્ન જોઈ શકે છે, જે તેમને ઉંચાઈએ પહોંચવાનો સંકલ્પ અને શક્તિ બંને આપે છે. જીવનની દરેક ક્ષણ કેટકેટલી સંભાવનાઓથી ભરપૂર હોય છે અને તે ફરી પાછી આવતી નથી. માટે સ્વપ્ન માટે અમારી પાસે સમય નથી એમ કહી પોતાના હાથેથી પગ બાંધવાની જરૂર નથી. તમારી પાસે અપ્રતિમ સ્વતંત્રતા છે જે દ્વારા તમે સ્વપ્નને આંતરમાંથી બાહ્ય જગતમાં રૂપાંતરિત કરી શકો છો.

ઓશો કહે છે કે અહંકાર બહુ અટપટો છે. ધન, પદ, સત્તા મળે કે પછી ઈચ્છા અને વાસના કોઈપણ સ્વરૂપે તૃપ્ત થાય ત્યારે આંખમાં જે ચમક આવે છે તે અહંકાર છે. એવી ખોટી માન્યતા છે કે બહાર કોઈ પરિગ્રહ નહીં હોય તો ભીતર અહંકાર નહીં હોય. જે લોકો ખૂબ ધર્મ કરે છે, જ્ઞાન પ્રાપ્ત છે કે અપરિગ્રહ કરે છે તે દરેકને અહંકાર હોઈ શકે છે, કારણ કે તેઓ ‘હજુ વધારે’ની ગુલામીથી પીડાતા હોય છે.

સત્ય માત્ર શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં નથી. તેનો સાચો પાર પામવા માટે ભીતરનું દ્વાર ખોલવું પડે. જ્ઞાન પોતાની આંખ છે. જે અંદર શોધે છે, તેને સત્ય મળે છે. સવારે ઉઠીને આશા રાખો કે આજનો દિવસ સત્યમ, શિવમ, સુંદરમની દિશામાં શુભફળદાયી બને. એવું કદી ન વિચારતા કે આવા થોડા બીમાં શું વળે, કારણ કે એક બીજમાંથી આખું ઉપવન ઊભું થઈ શકે છે. માટે પોતાની શક્તિ અને સમયનો થોડો ભાગ સત્ય, શાંતિ અને સુંદરતા માટે આપો તો જોઈ શકશો કે જિંદગીની એક અપ્રતિમ ઊંચાઈ તમારી પાસે આવી રહી છે, એક અભિનવ જગત પોતાનો દરવાજો ખોલી રહેલ છે. દરરોજ રાત્રે આત્મનિરીક્ષણ કરો કે ગઈ કાલ કરતા આજે તમે જીવન ઊંચાઇની વધુ નજીક જઇ શક્યા છો કે નહીં. જો આપણે સત્યના શિખરે પહોંચવું હોય તો એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા દરેક ભાવ, વિચાર અને કર્મનું જોડાણ શુભ અને સુંદર સાથે હોય. સત્ય, સુંદર અને શુભની એક જ અનુભૂતિ સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકે છે.

રીટા જાની
20/05/2022

1 thought on “ઓશો દર્શન -17. રીટા જાની

  1. જો આપણે સત્યના શિખરે પહોંચવું હોય તો એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણા દરેક ભાવ, વિચાર અને કર્મનું જોડાણ શુભ અને સુંદર સાથે હોય. સત્ય, સુંદર અને શુભની એક જ અનુભૂતિ સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકે છે.
    વાહ મને સવારનો મંત્ર મળી ગયો

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.