વિસ્તૃતિ…૧૬ જયશ્રી પટેલ,

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


‘અરક્ષણીયા’એ શરદબાબુની એક લધુ નવલકથા છે. શરદબાબુની આ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી રમણલાલ સોનીએ કર્યો છે.જેનો અર્થ થાય છે જેનું રક્ષણ જ ન કરી શકાય.
આ વાર્તા નિર્ધન પ્રિયનાથ ને દુર્ગામણિની પુત્રી જ્ઞાનદાની આસપાસ ફરે છે. અરક્ષણીયા જ્ઞાનદા બાર તેર વર્ષની અને કાળા વાનની હતી. વાર્તાનાં આંરભમાં તેના મા-બાપ માટે કેટલી અભાગી છે એ શરદબાબુએ આપણને દર્શાવ્યું છે. તેઓને કન્યા છે પોતાનાં પેટે એનું ભયંકર દુઃખ દર્શાવ્યું છે. તેણીની હયાતીમાં જ તેને માટે બોલાતા આ શબ્દો તેણીનાં હૃદયનાં તેમજ લાગણીનાં હજારો ટુકડાં થતાં બાળપણથી તે જુએ છે.
પાડોશીનો દીકરો અતુલ મહાપ્રસાદ આપવાં આવ્યો તે સમયે તે જ્ઞાનદાને જોતાં ને પાન લેવા જાય છે ત્યારની વાતચીત લાગે છે તેણીને તે ચાહી રહ્યો છે. મા તરફથી લાવેલી ચૂડીઓની ભેટ તેને આપતો હતો તે જ ક્ષણે તેણીનાં અંજલીબદ્ધ હાથ ધ્રુજી ગયાં હતાં.
વાર્તા આગળ વધતાં જ્ઞાનદાની નાની ઉંમરમાં જ પિતા પ્રિયનાથનો સાયો માથા પરથી ઊઠી ગયો, ત્યારે અતુલે તેમનાં મૃત્યું સમયે કહ્યું હતું કે આજથી જ્ઞાનદાનો ભાર તે માથે લેશે અને તે સાંભળ્યાં છતાં જ્ઞાનદાને બે સારા શબ્દ કહ્યાં વિના જ આંખો મિંચી દીધી.
અહીં નિર્ધન વિધવાની વિવાહ યોગ્ય પુત્રી બંગાળમાં પૂરો સમાજ કેવી ઘૃણાની નજરે જુએ છે એનું કથન આખી વાર્તામાં થયું છે. એ એટલું તો કરૂણ અને હૃદયદ્રાવક છે કે વાચકની વાંચતા વાંચતા આંખો વરસવા મંડે છે. કહેવાય છે સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે.સત્ય તો એ છે કે સહન કરતાં કરતાં તો એ પાષાણની મૂર્તિ બની જાય છે, પછી જ તેઓ પોતાનાં આ સ્ત્રી અવતારને અભાગિયો માની લેતી હોય છે.આ વાર્તામાં જ્ઞાનદાની સહનશીલતા અને તેનો કાતર પોકાર છે જેમાં નરી વાસ્તવિકતા દર્શાવી છે .એ જ અસંખ્ય કુલીન ઘરની કન્યાઓની અગણિત વેદનાઓનું પ્રતિક સમ દર્શાવ્યું છે લેખકે.
મા દીકરીને ઘરનાં ધણીનાં મૃત્યુબાદ સમાજનું મામાને ત્યાં ધકેલવું ને મેલેરિયા ગ્રસ્ત વિસ્તારમાં બન્ને મા દીકરીનું મેલેરિયાનો ભોગ બનવું, મામાનો ત્રાસ સહેવો
તેમાં માનસિક રૂપે હતાશ થઈ જવું હૃદય હચમચાવી નાંખે છે.બળેલા લાકડાં જેવી તુલના ને નામ પામી સાથે કુરૂપતાનાં ભોગ બની પિતાનાં ઘરમાં પાછા ફરવું એ વર્ણન વાંચક વર્ગ માટે થોડું અરેરાટી ભર્યું છે.પિતાના ઘરમાં પાછા ફર્યા પછી મોટી નાની વહુ દ્વારા માતાને અપાતો માનસિક ત્રાસ ઉપરથી અતુલ દ્વારા ઉપેક્ષિત થવું સહી લેતા જ્ઞાનદા વિચારે છે ધરતી ફાટી કેમ નથી જતી?
મા દુર્ગામણિને જેઠાણી દેરાણી બન્ને હતી.જેઠાણી સુવર્ણમંજરી પોતે સંતાન વિહોણી ને વિધવા હતી.છતાંય આ વિધવા સ્ત્રી અને દીકરીનું જીવન જીવવાનું હરામ કરી ચૂકી હતી.અતુલની સગપણે માસી હતી.આ વાર્તાનું મોટું ખલપાત્ર હતી. સત્ય તો એ છે કે વાર્તાનાં ખલપાત્ર કરતાં પણ ખરેખરો ખલપાત્ર તો આ બહુરૂપીયો સમાજ છે.
એની સામે દુર્ગાની ભાભી અને જ્ઞાનદાની મામી ભામિનીનું પાત્ર ભુલાય તેમ નથી.મામો કંશ બન્યો ત્યારે પોતાની ભાણી માટે ઉપરથી કઠોર દેખાતી એ સ્ત્રી હૃદયની ઋુજુતાનાં સુંદર દર્શન કરાવે છે. આ જ શરદબાબુની ખૂબી છે સ્ત્રીપાત્રોને તે એટલાં સુંદર રીતે ચિત્રિત કરે છે કે એકબાજું વાંચક ઘૃણાં કરે તો બીજીબાજું તે પાત્રને તે વિસરી શકતો નથી.અહીં ભામિની સ્પષ્ટવાદિતા, સ્વાભિમાની ને છે તેથી પોતાના પતિને ઠપકારી ચુપ કરી દે છે.
અતુલના લગ્ન તેની સુવર્ણામાસી પોતાના દિયરની દીકરી માધુરી સાથે નક્કી કરી દે છે. તે રૂપવતી અને ભણેલી ગણેલી છે ને મામાને ત્યાં ઉછરી છે.અતુલ પણ જ્ઞાનદા સાથેના સંબંધ કે પછી તેણીનાં પિતાને આપેલાં વચનને વિસરી જ્ઞાનદાનો ઉપહાસ કરી લે છે.ત્યારે ખૂબ જ ક્ષોભ પામી દુર્ગામણિ તેને કડવા વચન કહે છે. અતુલને માધુરીની મા પણ સમજાવે છે કે જે માણસ હીરો છોડી કાચ સ્વીકારે છે , તેને પાછળથી પસ્તાવું પડે છે.
દુર્ગામણિ દીકરીનું દુઃખ સાથે લઈ મરે છે. અનેક પ્રયત્ન છતાં તે કદરૂપી દીકરીને વિદાય નથી કરી શકતી. તેને અગ્નિદાહ દેવાનો હક જ્ઞાનદા ગુમાવી દે છે. લાડમાં મા તેણીને ગની બોલાવતી. સ્મશાને વિદાય કરવા તેણી જાય છે ફળિયાનાં પુરુષોની પાછળ તે એકલી જ જઈ નદીનાં તટ પર છેલ્લી કગાર પર જઈ બેસે છે.અતુલ તેને જોતો રહે છે વિચારે છે કે પોતે મરણ પથારીએ હતો ત્યારે તેને મોતનાં મોઢામાંથી નવું જીવન આપનારી તો એ જ શ્યામલી જ્ઞાનદા જ હતી ને! બધાં સ્મશાનેથી પાછા વળી રહ્યાં હતાં ત્યારે સ્મશાન ઘાટ પર પડેલી બે જોડ ભાંગેલી બંગડીઓના ચમકતા કાચનાં ટૂકડાંઓ પર તેની નજર પડે છે ને તે સ્તબ્ધ થઈ જાય છે.
એ બંગડીઓ બહુ તુચ્છ છતાં જ્ઞાનદા માટે મહામૂલ્યવાન અલંકારો હતાં. સેંકડો લાંછનાઓ ને હજારો ધિક્કાર સહેવા છતાં તેની માયા જ્ઞાનદા છોડી શકી નહોતી.તે તેણે આજે પોતાના હાથે જ તોડી નાંખી હતી ! આજે તેની કિંમત તેને મન કાંચનાં ભાંગેલા ટૂંકડા સમ હતી.
મિત્રો, અહીં વાર્તા મોટો વળાંક લે છે.અતુલને મન આ તુચ્છ કાંચના ટૂંકડા મૂલ્યવાન બની ગયાં હતાં.તે જ્ઞાનદા પાસે ગયો, તેણી તેને શોકાતુર નજરે જોતી રહી.
અતુલે સ્મશાનેથી આણેલા કાંચના ટૂંકડા બતાવી કહ્યું કે તેં ભાંગીને ફેંકી દીધાં હતાં તે હું પાછા ઉઠાવી લાવ્યો છું.

આટલી લાંછના છતાં જ્ઞાનદા તેને મૃદુ સ્વરે પૂછે છે,”કેમ?”
માસીમાની આગમાંથી જે મેળવ્યું ને કાચની તૂટેલી બંગડીઓએ જે જોડ્યું તે હતું બન્નેના હૃદયનું જોડાવું. અતુલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.એ જ ક્ષણે બન્યું અતુલે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત અને કૃષ રંગેરૂપે થયેલી કુરૂપ જ્ઞાનદાની સહૃદયતાનું સ્નેહમિલન.
અંત આખી વાર્તાના નિચોડ સમો સુખાકારી સુંદરવાર્તા. મારા હૃદયની સૌથી નજીક વારંવાર વળી વળીને મારો હાથ આ જ વાર્તા તરફ વળે કારણ જાણો છો મિત્રો ,ગરમીની ઋતુમાં સુકાયેલું ઘાસ કે તૃણ વરસાદના એક જ છંટકાવથી ફરી હરિયાળું બની જાય છે ને તેમ જ નિર્જીવ બની ગયેલી એ આશા કોઈવાર અંકુરિત બની જાય છે તેવો ભાસ કરાવે છે આ વાર્તા મને.
આ છે આ વાર્તાનો સાર ને આસ્વાદ આ “અરક્ષણીયા” લઘુનવલકથાનો.
મિત્રો, આવતા અંકે ફરી નવી વાર્તા સાથે મળીએ


શરદબાબુની ઉત્કૃષ્ટ નવલકથાઓ માણીએ.
અસ્તુ.
જયશ્રી. પટેલ.
૨૧/૫/૨૨

3 thoughts on “વિસ્તૃતિ…૧૬ જયશ્રી પટેલ,

  1. ખૂબ સરસ આલેખન .. શરદબાબુની આ સુંદર વાર્તા સુખદ અંત હોવાથી દિલથી નજીક રહે છે.👌🏻👌🏻

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.