રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” એટલેકે Love એક અલૌકિક અને અદભુત અહેસાસ છે.જીવનની આ સર્વશ્રેષ્ટ અનુભૂતિને આવરી લેતી અનેકાનેક રચનાઓ કવિવરની કલમ દ્વારા પ્રગટી છે. જે તેમણે પ્રેમ પારજોયની રચનાઓમાં આવરી લીધી છે.
જેમ દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે તેમ જ્યાં પ્રેમ હોય ત્યાં પીડા પણ હોય જ. When there is love, there is pain. આ પીડા અનેક કારણોસર ઉભી થઇ શકે. કોઈકવાર પ્રિયજનની ક્ષણિક ગેરહાજરી હૃદયને વિરહની વેદનાને છલકાવી મૂકે તો કોઈક વાર પ્રિયજન પાસેથી કોઈક અપેક્ષાની પૂર્તિ થવામાં ચૂક થાય તો હૃદય ખિન્ન થઇ જાય અથવા તો જેને આપણે “પ્રિયજન” માની સાચો પ્રેમ કર્યો હોય તે એ પ્રેમને ઠુકરાવીને આપણી જિંદગીમાં થી સદાને માટે દૂર થઇ જાય… કારણ ગમે તે હોય અને પીડાની માત્રા વધતી ઓછી હોય પણ આ પીડાના મૂળમાં અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” જ હોય.
ગુરુદેવના અંગત જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી જયારે તેમને પ્રેમની સાથે વણાયેલી પીડાની સ્વ-અનુભૂતિ થઇ. આ વિરહની વેદનાને કવિવરે કલમ સાથે વહાવી દીધી. આવીજ એક વિરહભરી સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે তোমার গীতি জাগালো স্মৃতি (તોમારો ગેતી જાગલો શ્રીતી) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અશ્રુના લીલેરા તોરણ…” જેનું સ્વરાંકન કવિવરે મલ્હાર રાગમાં કર્યું છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

ગુરુદેવની આ નાનકડી રચનામાં શબ્દે શબ્દે વિરહની વેદના ટપકે છે. જયારે પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી ન હોય ત્યારે અશ્રુના તોરણ તો નયનોમાં બંધાય જ પણ સાથે સાથે આસપાસની સૃષ્ટિમાં પણ સતત પ્રિયજનના જ ભણકારા સંભળાય…અને મન અને હૃદયને કાબુમાં રાખવું મુશ્કેલ બની જાય.
આપણે સૌ જાણીએ છીએ તેમ ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રિયજન પ્રત્યેના અલૌકિક પ્રેમની પરાકાષ્ટા ગણાય છે શ્રીમદ ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ગોપીઓને પોતાના પ્રેમનો સાત્વિક ઘમંડ હોય છે અને એ મદ અને મોહને તોડવા મદનમોહન મહારાસલીલા સમયે અચાનક અંતર્ધ્યાન થઇ જાય છે અને ગોપીઓ એટલી પ્રચંડ માત્રામાં વિરહની વેદના અને વિયોગની પીડા અનુભવે છે કે તેઓ બાવરી બનીને વૃંદાવનના દરેક વૃક્ષને વીંટળાઈને તેમના કનૈયાની ભાળ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે…
કદાચ પ્રેમનું જેટલું ઊંડાણ વધુ તેટલી વિરહની વેદના પણ પ્રચંડ… The deeper the love, the steeper the pangs of separation. પ્રેમમાં ઘણીવાર પ્રિયજનનું પ્રત્યક્ષ “હોવું” જ જરૂરી બનતું હોય છે. એ હાજરી જ ચાલક બળ બની રહેતી હોય છે અને પ્રિયજનની ગેરહાજરીમાં વિરહ અને વિયોગ મને અને હૃદય પર આધિપત્ય જમાવી દે છે આવાજ કોઈ સંજોગોમાં કવિવર દ્વારા આ રચનાનું સર્જન થયું હોવું જોઈએ.
તો ચાલો, વિરહની વેદના વ્યક્ત કરતી આ રચના પર મનન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
–અલ્પા શાહ