જીવનનો પથ ભુલભુલામણીવાળો છે. ઘણીવાર આપણે રસ્તો ભૂલી જઈએ છે કે પછી કવિ શ્રી હરિન્દ્ર દવે કહે છે તેમ ‘મને લાગે છે ભૂલાઈને ભળતો રાહ લેવાયો’ એમ ખોટા રસ્તા પર અગ્રેસર થઈએ છીએ. ક્યારેક મંઝિલ ચૂકી જઈએ છીએ તો ક્યારેક થાકીને સફર અધવચ્ચે જ છોડી દઈએ છીએ. ત્યારે કોઈ પથ દર્શક આપણને રસ્તો બતાવો તો કેવું સારું! ગતાંકથી આપણે ઓશોના પુસ્તક ‘પથ દર્શક’ની વાત કરી રહ્યા છીએ. આ પુસ્તક હૃદયપૂર્વક જીવનારા ભાવનાપ્રધાન લોકો માટે છે.
સૂર્ય હોવા છતાં કોઈ તેની સામે આંખો બંધ કરી રહે, તેવું જ આપણે જીવન જીવવા પ્રત્યે કરીએ છીએ. પછી આપણા ચરણો ખાડામાં પડે તેમાં શું નવાઈ? આંખો ખોલો અને જાગૃત થાઓ તો બધો અંધકાર વિલીન થઈ જશે. આંખો સત્યને જોવા માટે છે. આંખો હોવા છતાં જે બંધ આંખો રાખે છે, અજાગૃત રહે છે, તે પોતે જ પોતાનું દુર્ભાગ્ય બને છે. તો જેની આંતરદ્રષ્ટિ ખુલે છે, તેને સત્ય સમજાય છે અને વીજળીના ચમકારે એક જ છલાંગમાં જીવન બદલાઈ જાય છે. અજાગૃત માણસ હજાર ડગલે પણ જ્યાં પહોંચી નથી શકતો ત્યાં સાચો જ્ઞાની અને ત્યાગી એક છલાંગે પહોંચી જાય છે. ધીમે ધીમે વ્યસન ત્યજવાનો, દુર્ગુણો ત્યજવાનો કોઈ અર્થ નથી. માણસ આગમાં પડે તો તે શું તે ધીમે ધીમે બહાર નીકળે? જો કોઈ એમ કહે કે કેમ હું ધીમે ધીમે આગમાંથી બહાર નીકળીશ તો એનો અર્થ એ કે તેને આગ દેખાતી નથી.
દ્રષ્ટિ બદલવાથી કાંટા ફૂલ જેવા લાગે છે તો ક્યારેક સુંદર ફૂલ પણ કાંટા જેવા લાગે છે. આનંદ બધે ઉપલબ્ધ છે. ઈશ્વરની સૃષ્ટિમાં બધું જ શ્રેષ્ઠ છે. પણ તેનો અનુભવ કરી શકે તેવાં મન-હૃદય બધા પાસે નથી. જીવનમાં કેવો કેવો નકામો સામાન બચાવતા લોકો અંતરઆત્માને ખોઈ બેસે છે અને સાચા આનંદને ગુમાવે છે. જે લોકો કોઈ ચોક્કસ સ્થળ કે પરિસ્થિતિના બદલે આનંદનો અનુભવ કરવાની ભાવદશા મેળવી લે છે તેમને દરેક સ્થળે ને દરેક પરિસ્થિતિમાં આનંદ મળે છે. આપણા જીવનના ચિત્રકાર કહો કે મૂર્તિકાર, આપણે પોતે જ છીએ. તમારી અંદરનું કેન્દ્ર સરોવર જેવું સ્થિર અને નિસ્પંદ રાખો તો સર્વ ઉત્તમ બાબતોનું સુંદર પ્રતિબિંબ ઝીલી શકાય. જ્યારે એવું લાગે કે તમારા માથે મોટો બોજો છે અને તમે એના ભાર તળે કચડાઇ રહ્યા છો, તો તરત બોજો ઉતારી નાખી હળવા થઈ જજો, આરામ કરજો, લગામ ઢીલી મુકજો અને તમે અનુભવશો કે તમામ તંગદિલી અને તાણ લુપ્ત થઇ ગઈ છે અને તમે આનંદ માણી રહ્યા છો.
સમજદારીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માટીના ઘર અને રેતીના મહેલમાંમાં જે આશા અપેક્ષા રાખીને બેસતા નથી તે સમજદાર છે. બીજા તો રેતીના ઘરઘર રમતા બાળકો જ છે!
પ્રેમમાં વહી જવું તે જ તેનું ફળ છે. પ્રાર્થના સ્વયં આનંદસ્વરૂપ છે. તેમાં તન્મય બનતાં જે નિજાનંદ મળે છે, એ તેનો પુરસ્કાર છે. તેમાંથી કોઈ બાહ્ય વસ્તુની પ્રાપ્તિ આશા નથી. ઓશો કહે છે કે જીવન અને મૃત્યુ એ બંને તો સિક્કાની બે બાજુ છે. જેઓ જીવનને પૂરેપૂરું જાણતા અને જીવતા નથી તેઓ જ મૃત્યુથી ભયભીત થાય છે. માટે ખુદમાં તપાસ કરો. અંતરમાં જો ક્યાંય મૃત્યુનો ભય હોય તો સમજવું કે હજી જીવનને જાણી શક્યા નથી.
જે લોકો જીવનના રસ્તા ઉપર ચાલવા માટે અસમર્થ બને છે, તે બાજુ પર ઊભા રહીને બીજા ઉપર પથ્થર ફેંકતા હોય છે. તે જ રીતે જેઓ જીવનમાં કંઈક કરી શકતા નથી તે આલોચક થઈ જાય છે અને નિંદારોગના શિકાર બને છે. જે સ્વસ્થ છે તે કદી બીજાની નિંદા કરતા નથી. જે એક આંગળી બીજા તરફ ચીંધે છે તેણે સમજવું જોઈએ કે બાકીની ત્રણ આંગળી તમારી તરફ ઊઠે છે. એવું જીવન જીવીએ કે આલોચકના કહેવા પર કોઈ વિશ્વાસ જ ન કરે.
જ્યાં સુધી આપણને અપવિત્રતા દેખાય ત્યાં સુધી માનવું જોઈએ કે દુર્ગુણોના કોઇને કોઇ અંશ આપણી અંદર છે. ઓશો સુંદર ઉદાહરણ દ્વારા આ વાત સમજાવે છે. આચાર્ય રામાનુજ પ્રભુની પ્રાર્થનામાં તલ્લીન થઈને મંદિરની પરિક્રમા કરતા હતા. ત્યાં અચાનક એક ચાંડાળ સ્ત્રી તેની સામે આવી. તેને જોઈને રામાનુજ થંભી ગયા અને તેમના મોંમાંથી અત્યંત ખરાબ શબ્દો બોલવા લાગ્યા. તેમને ક્રોધ આવ્યો અને પ્રભુગાન કરનારા હોઠો પર કુશબ્દોનું ઝેર આવ્યું. પરંતુ તે સ્ત્રી હાથ જોડીને કહેવા લાગી: હું કઈ બાજુ જાઉં? પ્રભુની પવિત્રતા ચારે બાજુ હોય તો મારી અપવિત્રતા કઈ બાજુ લઈ જાઉં? આ સાંભળી રામાનુજની આંખો ઉપરનો પડદો હટી ગયો, કઠોરતા દૂર થઈ અને તેની માફી માગી. જે બધામાં અને બધી બાજુ પવિત્રતાનો અનુભવ કરે છે તે જ પ્રભુના દરવાજાની ચાવી મેળવે છે. જેઓ ભીતરની પવિત્રતાથી આંખો આંજી લે છે તેને ચારે બાજુ પવિત્રતા જ દેખાય છે.
આપણે શું કરીએ છીએ તે મહત્વનું નથી પણ કેવી રીતે કરીએ છીએ તે ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે ‘હું’ને વિસર્જિત કરી ચિત્તને કોઈ સર્જનમાં તલ્લીન કરીએ, સમગ્ર અસ્તિત્વ કારીગરીમાં ઓતપ્રોત કરીએ, સમગ્ર કૌશલ્ય એકાગ્ર કરીએ, એ સર્જનમાંથી પ્રાપ્ત થનાર કમાણી, યશનું પણ વિસ્મરણ કરીએ ત્યારે જે કૃતિ બને તે દિવ્ય લાગે છે.
પાયાના ઊંડાણને આધારે જ શિખર મજબૂત બને છે. હિમશિખરો સમુદ્રમાં જેટલા ઊંડા હોય એટલી જ ઉંચાઈ મેળવતા હોય છે. ટૂંકમાં ઊંચા હોવા કે થવા માટે ઊંડાણનું મૂલ્ય ચૂકવવું પડે છે. જીવનમાં મૂલ્ય ચૂકવ્યા વગર કંઈ મળતું નથી. જેનું ઊંડાણ અમાપ હોય તેની ઊંચાઈ અગોચર થઈ જાય છે. હંમેશા ઊંડાણ અસલી તપ, અસલી વસ્તુ, મહામૂલું તત્વ છે. સ્વામી રામતીર્થ કહેતા હતા કે તેમણે જાપાનમાં 300 વર્ષ જૂના દેવદાર અને તાડના ઝાડ જોયા હતા જે માત્ર એક જ વેંત ઊંચા હતા. કારણ કે ત્યાંના લોકો એ ઝાડના ડાળી કે પાંદડાને કંઈ કરતા ન હતા, પણ તેના મૂળ કાપી નાખતા હતા. તેથી જીવનમાં કોઈપણ ઊંચાઈએ પહોંચવા માગતા હોય તેમણે પોતાના આત્માના મૂળને, ભીતરની જડને મજબૂત બનાવવી પડશે. નહિતર જે જીવન દેવદારના ઝાડની જેમ ઊંચા થઈ શકતા હતા તે વામણા બની જશે. જે માત્ર શરીરમાં જીવે છે તે આત્માને કઈ રીતે જાણી શકે? શરીરને જુદું રાખી, તેના ઉપર કંઇક વિચારો, બોલો અને કરો. તેનાથી ધીમે ધીમે આત્માનું મૂળ મળે છે અને પછી ઊંડાણ પ્રાપ્ત થાય છે. જમીનને ખોદવાથી પાણીનો સ્ત્રોત મળી રહે છે. ખુદને ખોદી શકે તે જાણી શકે કે પોતાની અંદર અનંત શક્તિ ભરી પડી છે. પણ તેના માટે સક્રિય અને સર્જનાત્મક થવું જરૂરી છે.
પ્રેમ અભય છે. જેને ભયથી ઉપર ઊઠી જવું છે, મુક્ત થઈ જવું છે, તેણે સમસ્ત સૃષ્ટિ પ્રત્યે પ્રેમ રાખવો પડશે. ચેતનાના આ દરવાજેથી જ પ્રેમ અંદર આવે છે અને ત્યાંથી ડર બહાર નીકળે છે. જમીનમાં દટાયેલું બીજ પોતાની બધી શક્તિ એકઠી કરીને પથરાળ જમીનમાંથી પણ બહાર આવે છે. સૂર્યને જોવાની પ્રબળ ઈચ્છા તેને અંકુરિત બનાવે છે. આપણે પણ આવા બીજ જેવા બનીએ, વિરાટને પામવા માટે બધી શક્તિઓને એકત્રિત કરી ઉપર ઉઠીએ, તો એવી એક પળ આવશે જ્યારે વ્યક્તિ સ્વયંને તોડીને ખુદને મેળવી લેશે. સ્વયંને અને સત્યને પામવું તે દરેકના જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. આ પથ ઉપર અગ્રેસર થઈએ અને જીવાતા જીવન સાથે ધબકતો સંબંધ કેળવીએ.
રીટા જાની
13/05/2022