
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -16 એની 15મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ
જન્મ પછી હર પળે આપણી વય વધતી જાય અને જિંદગી ઘટતી જાય. તો દરેક વખતે કોઈ ને કોઈ નાની મોટી જવાબદારી આપણી સમક્ષ આવીને ઉભી રહેતી હોય. જેને જવાબદારી નિભાવવાની ટેવ હશે તેને તો ખબર હશે જ કે, કેટલાંય મચી પડીએ છતાં દરેક વખતે કામો બાકી રહી જતાં હોય છે. એક બાજુ વધતી જવાબદારીઓ અને બીજી બાજુ ઘટતી જિંદગી, એ સ્પર્ધામાં જિંદગી ટુંકી પડી જતી હોય છે. દોડી દોડીને પહોંચી વળવા પ્રયત્ન કરીએ ત્યારે પણ કેટલીકવાર સમયસર પહોંચી ના વળાય તો કેટલીકવાર ખબર જ મોડી પડે અને આમ એ જરૂરી કામો કરવાનાં રહી જાય.
વસ્તુઓનો બાહ્ય દેખાવ જોઈને આપણને આકર્ષક લાગે અને તે ખરીદી લઈએ પણ તે પાછળથી તકલાદી નિકળે, એવું બનતું હોય છે. મિત્રતામાં પણ આવા અનુભવ થતા હોય છે. ઉપરછલ્લી વર્તણૂક જોઈને કોઈ સાથે સંબંધ વધારીએ ત્યારે જેમ જેમ સમય જાય તેમ અસલ જાત દેખાતી જાય ત્યારે આપણને લાગે, અરે! છેક આવું? ખલીલ સાહેબનો આ શેર એ જ સમજાવે છે.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પડોસી, સગાંસંબંધીઓ કે મિત્રો સાથે ઘરોબો કેળવવાની આપણી ઈચ્છા પણ હોય અને જરૂરીયાત પણ હોય છે. આમ કરવામાં જો આપણે ફાવી જઈએ તો આપણે નસીબદાર. નહીં તો એવું બને કે, એક કે બે નહીં ચાર પાંચ વાર જુદા જુદા લોકોને અજમાવી જોઈએ છતાં એક માટે પણ અનુકૂળતા ના લાગે અને આપણે સંબંધોની એ મીઠાશને ઝંખતાં જ રહી જઈએ! ઘણીવાર વ્યક્તિને જોતાં જ લાગે કે, આપણને તે માફક નહીં આવે. આવી વ્યક્તિઓથી દુર રહીને આપણે ભાવી તકલીફોથી બચી શકીએ. પણ કેટલીક વ્યક્તિઓ એવું પારદર્શક વ્યક્તિત્વ ન ધરાવતી હોય તેમની સાથે ઘરોબો થયા પછી ધીમે રહીને, અનુભવે સમજાય કે, આ પણ પેલા લોકોની કાર્બન કોપી જ છે. જેનાથી આપણે બચતા રહ્યા!
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
આ શેરમાં કવિ સુંદર વાત કહી જાય છે કે, મિત્રતા માટે મારે માણસ જોઈએ પણ આ દુનિયામાં તો કોઈ દાઢીવાળો મુસ્લિમ, કોઈ ચોટી અને તિલકધારી બ્રાહ્મણ તો કોઈ ટોપીધારી રાજકારણી મળે છે. બોલો હવે દોસ્તી કેમ કરવી? કોની સાથે કરવી? અને મિત્રતાની એ મિરાત વગર તો જીવવું કપરું બની જાય. એટલે શોધ તો ચાલુ જ રહે પણ જાણે પુરી ના થાય. એમ કરતાં કરતાં ઘટતી જતી જિંદગી એ પડાવ પર આવીને ઉભી રહે, જ્યાં સૌ સગા સંબંધીઓ પોતાનાં કામમાં, પોતપોતાના સંસારમાં વ્યસ્ત હોય. ત્યારે આપણા એ સૌ સાથીઓની ગેરહાજરી, ‘બિછડે સભી બારી બારી’ જેવી વાસ્તવિકતા સાથે, આપણી સામે મોં ફાડીને ઉભી રહી હોય ત્યારે કેવી કરૂણતા સર્જાય છે! પહેલાં દરેક વખતે ખુટી પડતો અને હંમેશાં ભાગતો રહેતો સમય પણ હવે જાણે સ્થગિત થઈ જાય છે. અને સમય વ્યતીત કરવો સજા રૂપ લાગે છે. મનના આ ભાવને આ શેરમાં ચોટદાર રીતે રજુ કરવામાં આવ્યો છે.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
સાચે જ આવી એકલતામાં તો એક એક ક્ષણ, જાણે સદી કરતાંય લાંબી લાગે છે. અને ત્યારે પસાર ન થતા સમયને, મારવો પડે છે!
મિત્રો, છે ને મઝાની વાત! આપણાં મનમાં ઉભરાતી આવી વાતોને કવિ એક જ ચોટદાર શેરમાં શણગારીને મુકી દે છે. અને એ જ તો કમાલ છે ખલીલ સાહેબની!
આવી જ મઝાની ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર