‘મંઝિલનો રાહ લીધો, સહારા મળી ગયા;
મેં આદરી સફર ને કિનારા મળી ગયા.’
– હરીન્દ્ર દવે
અહીં તો કવિને સહારો પણ મળે છે અને કિનારો પણ. પરંતુ દરેક વ્યક્તિ શું એટલા ખુશનસીબ હોય છે કે જે રળિયામણું અને સોહામણું લાગે તેની પ્રાપ્તિ પણ થાય? મહિમા અલ્પવિરામનો નથી, પૂર્ણવિરામનો છે. આદરેલા કામો પુરા કરવાનાં છે, યત્નો થકી રત્નોને શોધવાના છે, પ્રયત્ન અને પુરુષાર્થની પાંખે પથ કાપવો છે, ગરુડની જેમ આકાશમાં ઊંચે ને ઊંચે ઊડી વાદળના વન વીંધવા છે. તેવામાં કોઈ પથ દર્શક મળી જાય તો કેવું? જી હા, આજે આપણે ઓશો દર્શનમાં વાત કરીશું પત્રોના સ્વરૂપે લખાયેલા ઓશોના પુસ્તક ‘પથ દર્શક’ ની, જે ખરેખર જીવનના રાહ પર જીવનનું સાર તત્વ પામવા માટે વિચાર-દીપ પ્રગટાવે છે.
જ્ઞાનની પહેલી આકાંક્ષા આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. માણસની સૌથી મોટી મુશ્કેલી છે પોતાના આત્માનું જ્ઞાન પામવા માટેનું અજ્ઞાન. જેમ દીવા તળે અંધારું હોય છે, તેમ માણસ પોતાના સત્ તત્વ પ્રત્યે અજ્ઞાનના અંધકારમાં હોય છે. માણસે પોતાને શું થવું છે તે વિચારતાં પહેલા એ જાણવું જરૂરી છે કે પોતે શું છે? આ આત્મ જાગૃતિ આવશે, તો જ જીવનની નૌકાને પૂર્ણતાનો કિનારો મળશે. માણસે પશુતાને પાછળ છોડવાની છે અને આગળ જતાં પ્રભુતાને પ્રાપ્ત કરવાની છે, માર્ગમાં રોકાવાનું નથી. અંધકાર એ પ્રકાશનો અભાવ છે માટે અંધકાર સામે લડવાનું નથી, પ્રકાશ પ્રગટાવવાનો છે. આ જ રીતે અશુભ, અનીતિ અને અધર્મનો નાશ કરવાનો નથી, પણ નીતિનો, શુભત્વનો અને ધર્મનો દીવો કરવાનો છે.
સત્ય, સંયમ અને સંગીત જીવનમાં સમતોલન લાવે છે. અતિની વચ્ચે મધ્યમ રહેવું તેનું નામ સંયમ. રાગ અને વૈરાગ્યની વચ્ચે સ્થિરતા પ્રાપ્ત કરીએ તો વિતરાગનો સંયમ મળે. સંસાર પ્રત્યે આસક્તિ અને વિરક્તિના વિકલ્પો વચ્ચે મધ્યમ માર્ગ શોધી સ્થિર થવાથી સંન્યાસનો સંયમ પ્રાપ્ત થાય. આવો સંયમ હોય, ત્યાં સંગીતની સુરાવલી ઊઠે છે. બધો જ કોલાહલ શાંત થતા અંતરમાં સહજ સંગીત સ્ફુરિત થાય છે. પોતાનું આ સંગીત જ નિર્વાણ છે, મોક્ષ છે, પરબ્રહ્મ છે.
ઓશો કહે છે મૃત્યુ તો એનું જ સુંદર હોઈ શકે જેનું જીવન પરમ સુંદર રહ્યું હોય. મૃત્યુ એ અફર સત્ય છે. મૃત્યુ એ જીવનની પરાકાષ્ઠા છે, એ તો અંતિમ સ્વર છે બંસીનો. એને મળવા માટે કોઈ આયોજન કરવાની જરૂર નથી. પરંતુ જેણે જીવનભર બંસીને સાધી હોય, સુરતાલમાં જેના છંદ મળ્યા હોય, એ જ મોતને ગાતા, નૃત્ય કરતા કરતા અંગીકાર કરી શકશે.
સૂર્ય સુધી પહોંચવા માટે પ્રકાશનું એક કિરણ મળે તે પણ પૂરતું છે. અને આ કિરણ બધાની પાસે ઉપલબ્ધ છે, ભલે આપણને તેની જાણ ન હોય. જે આ કિરણને શોધી લે છે તે સૂર્યને મેળવી છે. માણસના ભીતરમાં જે જીવન છે, તે અમૃતત્વનું કિરણ છે; જે જ્ઞાન છે તે બુદ્ધત્વનું બિંદુ છે અને જે આનંદ છે તે સચ્ચિદાનંદની ઝલક છે. જ્યારે અંતરયાત્રા શરૂ થાય છે ત્યારે નિજ તત્વ અને સત્વની ઓળખ થાય છે. માટે ભીતર જઇ ચિત્તની સફાઈ રોજ કરવી જરૂરી છે. તેના પર જીવનની નિર્મળતાનો આધાર છે.
પ્રાર્થના એટલે પ્રેમ અને સમર્પણ. તેની કોઈ રીત કે પદ્ધતિ હોતી નથી. જેવી રીતે પર્વત ઉપરથી કલકલ નાદે ઝરણું વહેતું હોય છે, તે રીતે પ્રેમપૂર્ણ હૃદયમાંથી પ્રાર્થનાનો સહજ આવિર્ભાવ થાય છે. પાણીની એક એક બુંદથી જ દરિયો બને છે. જે બિંદુને ઓળખે તે દરિયાને જાણી શકે છે. એ જ રીતે પળ પળથી જીવન બને છે. જે પળને ઓળખે તે જીવનને પામે છે. કોઈ એક પળનું મહત્વ બીજી પળ કરતાં વધુ પણ નથી અને ઓછું પણ નથી. માટે દરેક ક્ષણને આનંદમય બનાવીએ. પળમાં છુપાયેલા શાશ્વતને શોધીએ તો પરમ ઉપલબ્ધ થશે અને જીવન કૃતાર્થ બનશે.
બીજ જ્યારે પોતાની જાતને જમીનમાં દટાઇ જવા દે છે, ત્યારે જ તે અંકુરિત થઈને વૃક્ષ બને છે અસ્તિત્વની ઓગાળવાની કિંમત ચૂકવ્યા વગર સત્ય તરફ ગતિ થશે નહીં. જે લોકો જીવનનો સાચો હેતુ સમજ્યા નથી તે એવા માળી છે, જેની પાસે ફૂલો છે, તેની માળા બનાવવી છે, પણ તેની પાસે એવો દોરો નથી જેમાં બધા ફૂલો પરોવાઈ જાય. તેનું જીવન પછી એવું વૃક્ષ બની જાય છે, જેમાં ફળ કે ફૂલ ઉગતાં નથી. જીવનના અનુભવોને એક લક્ષ્યના દોરામાં પરોવીને એક સાથે જોડીએ ત્યારે સાર્થકતા અને કૃતાર્થતા પામી શકાય.
મોટા બારણાં નાનાં મિજાગરા પર જ ઝૂલતા હોય છે. તે રીતે જીવનમાં મૂલ્યોનું સ્થાન ભલે નાનું લાગતું હોય પણ જીવન એ મૂલ્યો પર જ આધારિત છે. ચિત્તની પૂર્ણ સ્વતંત્રતા એ સત્યના આગમનની પૂર્વશરત છે. જિજ્ઞાસા શોધ તરફની ગતિ છે. તેના માધ્યમથી જ વિવેક જાગે છે અને ચેતના ઊર્ધ્વ બને છે. આ જિંદગી એક વિદ્યાલય છે. જેને શીખવાની તાલાવેલી હોય, પોતે જાગૃત હોય, આંખો ખુલ્લી હોય, તે દરેક વ્યક્તિ પાસેથી અને દરેક ઘટનામાંથી કંઈ ને કંઈ શીખે છે.
જાગૃત ચિત્તદશામાં પાપ ક્યારેય સંભવિત નથી. જાગૃત માણસ જેમ અગ્નિમાં હાથ નાખતો નથી, એ જ રીતે જે જાગૃત અવસ્થા મેળવી લે છે તેને સહજ રીતે જ ધર્મ મળી જાય છે. જે વિચારોના તરંગમાંથી મુક્ત થઈ શકે છે, તે જ્યાં પણ રહે ત્યાં મંદિર છે. તે જે કાર્ય કરે તે પ્રાર્થના, માળા અને જપ છે. જ્યાં હૃદયનો નિખાલસ પોકાર હશે, ત્યાં પ્રભુ સામેથી આવશે. જેના આંતરચક્ષુ ખુલી જાય છે, તેના જીવનની દિશા અને અર્થનું પરિવર્તન થઈ જાય છે. જાગૃત થાઓ તો બધો અંધકાર વિલીન થઇ જશે.
જીવનમાંથી અંધકારને હટાવી શકાતો નથી, પ્રકાશનું પ્રજ્વલન કરી શકાય છે. ઓશો કહે છે કે ફૂલોને માટે આખું જગત ફૂલસ્વરૂપ છે અને કાંટાને માટે કાંટારૂપ છે. સંસાર તો અરીસો છે. તમે બીજામાં જે જુઓ છો તે તમારી જ પ્રતિક્રિયા છે. જો તમારી દ્રષ્ટિ અને સમજણ સાચી હશે તો બીજામાં શિવ અને સુંદર જોઈ શકશો. આપણે પણ નિષેધાત્મક પલાયનવાદના અંધારા સામે લડવાનું છોડી દઈએ અને જીવનને સકારાત્મક દિશા આપે એવો દીવો પ્રગટાવી લઈએ. ‘પથ દર્શક’ના વધુ પ્રકાશમય રસ્તાની સફર કરીશું આવતા અંકે.,.
રીટા જાની
06/05/2022