
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.
‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -15 એની 14મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.
કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!
રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!
મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.
કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.
ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ
આપણે ચકડોળમાં બેસીએ ત્યારે આપણી એ સફરમાં અંતર તો કપાતું જ હોય છે. જેમ ઘાંચીની ઘાણીએ, તેલીબિયાં પિસવા માટે બળદ, એકની એક પરીઘ પર સતત ગોળ ફરતો રહે છે તેમ. ઘણીવાર તે આખો દિવસ ફરતો રહે છે. ઘણું અંતર ચાલી નાખે છે. પણ શું તે સ્થળેથી આગળ વધે છે? તે તો ફરી ફરીને પાછો ત્યાં જ આવે છે જ્યાંથી, તેણે ચાલવાનું શરૂ કર્યું હોય. કોઈ ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી કર્યા વિના ચાલવું કે, કોઈ લક્ષ્ય ધાર્યા વિના દોડવું, કેટલું વ્યર્થ છે. એની સમજ આપવા માટે આનાથી વધુ બંધબેસતું ઉદાહરણ બીજું ભાગ્યે જ મળે.
ક્યારેક આપણને એવો વિચાર જરૂર આવી જાય કે, ભવ્ય આવાસોમાં રહેનાર કેવીરીતે રહેતા હશે? કેટલા સુખી હશે! દુઃખ તો ત્યાં ડોકીયું પણ નહીં કરતું હોય. અને તે વિશેની કલ્પનાઓ પણ મનમાં ઉદ્ભવતી હોય છે. અને કલ્પના કરવામાં તો કંજુસાઈ કેવી? આવામાં ઘણીવાર ધારણાઓ એટલી બધી ઊંચી થઈ જાય છે કે, જ્યારે ત્યાં પહોંચીને જોઈએ અને વરવી વાસ્તવિકતાના દર્શન થાય ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય. એ મહાલયમાં રહેનારને એમના પોતાના પ્રશ્નો હોય છે, તકલીફો હોય છે, પોતાનાં દુઃખો હોય છે. તે બધું જોઈને એ કાચના મહેલના પથ્થરો પણ જાણે રડી ઉઠે છે. અને આવી કડવી વાસ્તવિકતાથી દ્રવી ઉઠેલું આપણું દિલ પણ કવિની સાથે જ જાણે બોલી ઉઠે છે.
કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!
બીજી એક વરવી વાસ્તવિકતા પણ અહીં ઉલ્લેખનીય છે. ચુંટણી ટાણે ઉભેલા તમામ પક્ષના સભ્યો, પોતે ચુંટાશે તો દેશનો અને દેશવાસીઓનો ઉધ્ધાર કરવા, શું શું કરશે તેના કેટકેટલાં વચનો આપે છે. પ્રજાનું જીવન અને દેશની ભુગોળ ફેરવી નાખવાની વાતો દરેક પક્ષ પોતપોતાની રીતે કરે છે પણ પછી શું હારેલો પક્ષ કે શું સત્તાધારી પક્ષ સૌ નિરાંતે આરામ પર ઉતરી જાય છે અને ભુગોળ ત્યાંની ત્યાં જ રહી જાય છે. પ્રજા પણ જ્યાં હોય ત્યાં રહી જાય. છેવાડાના ગામોમાં તો કોઈ ફેર પડતો જ નથી. બધું જેમનુ તેમ જ રહે છે. કવિ આ શેરમાં કહે છે,
કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.
મન રૂપી એરણ પર ક્યારેક એવા ઉંડા ઘા પડી જાય છે કે, વરસોના વહાણાં પણ એ ઘાને રૂઝાવી શકતા નથી. અને એ હોલવાયા વગરની, જીવતી ચિનગારી બનીને દઝાડ્યા કરે છે. આવામાં કેટલાંક વિઘ્નસંતોષીઓ વંટોળ બનીને આવે છે અને આપણાં ઘાને શબ્દો દ્વારા કે વર્તન દ્વારા, ફરીથી દુઝતા કરી દે છે. હવા આપીને જાણે બળતા કરી દે છે.
મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.
આ ગઝલમાં સજાગ થયા વગર, સમજ્યા વગર, સ્થળ નક્કી કર્યા વગર, દોડવું કેટલું વ્યર્થ છે! એ કેટલી સરળ રીતે ઠસાવી દીધું મનમાં! ખરુંને મિત્રો?
આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને ખલીલ સાહેબની શેરિયતને માણીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર
મન રૂપી એરણ પર ક્યારેક એવા ઉંડા ઘા પડી જાય છે કે, વરસોના વહાણાં પણ એ ઘાને રૂઝાવી શકતા નથી.
સો ટકા સાચી વાત છે ખરેખર ઉમદા ગઝલનાં ઉમદા કવિ। ને આપનાં આસ્વાદમાં સુંદર શબ્દાંકન👌💐
LikeLiked by 1 person
મન રૂપી એરણ પર ક્યારેક એવા ઉંડા ઘા પડી જાય છે કે, વરસોના વહાણાં પણ એ ઘાને રૂઝાવી શકતા નથી.
સો ટકા સાચી વાત છે ખરેખર ઉમદા ગઝલનાં ઉમદા કવિ। ને આપનાં આસ્વાદમાં સુંદર શબ્દાંકન👌💐
LikeLike