
જીવનને કોઈ ફૂલોનો ગુલદસ્તો કહે તો કોઈ તેને પુષ્પોનું ઉદ્યાન કહે અને કોઈને તેમાં મેઘધનુષી રંગો પણ દેખાય. પરંતુ જીવન એ સત્યનું નિરૂપણ કરતો આયનો છે અને તેમાં વિવિધ અનુભૂતિઓ અને અદભુતતાઓનો સંયોગ અને સમન્વય છે. પણ જો આ અદભુત જીવનનું સત્ય ન જાણીએ તો તે માત્ર સપનું જ બની રહે છે.
સત્યની ખોજનો મહિમા ગાતા કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે –
‘એ સત્ય કાજે ન ધડીય જંપવું,
જ્વાલામુખીના મુખમાં પ્રવેશવું;
ખૂંદી રણો, ભેદી વનો બિહામણાં,
ઢંઢોળવા ઉન્નત શૃંગ અદરિનાં.’
ઓશો એ દાર્શનિક અને વિચારક છે અને ક્રાંતિકારી વિચારક છે. આજે ઓશોનું સત્ય તેમની વિચાર કણિકાઓ દ્વારા માણીએ.
સ્વાભાવિકપણે જ આપણને પ્રશ્ન થાય કે સત્યને કઈ રીતે ઓળખી શકાય? કઈ રીતે મેળવી શકાય? કોણ મેળવી શકે? જેના પ્રત્યેક શ્વાસ સત્યની આરાધનારૂપ બની જાય તે જ સત્યને મેળવી શકે. કારણ કે આ તો સતત ચાલતી સાધના છે, નિરંતર પ્રક્રિયા છે. માટે તેને આંશિક પ્રાપ્ત કરવા જાય તો સફળતા નહિ મળે. અગમ્યની ખોજ માનવીની આંતર ચેતનામાં પડેલી ચિનગારી સમાન હોય છે. તેને સમગ્રતયા પ્રાપ્ત કરવા પ્રજ્વલિત ઈચ્છા હોવી જોઈએ, જે પરમાત્મા તરફ જવાનું પ્રથમ સોપાન છે.
ઓશો કહે છે કે આ જગતમાં સત્ય સર્વત્ર છે, પરંતુ તે જુદી જુદી રીતે અભિવ્યક્ત થયા કરે છે. એક રીતે જોઈએ તો સત્ય સૌંદર્ય જેવું છે, જે કેટલાય રૂપોમાં દ્રષ્ટિગોચર થતું અનુભવી શકાય છે. સત્ય એક છે, પણ તેના સુધી જવા માટે અનેક દરવાજા છે. જે લોકો દરવાજાના મોહમાં જ અટકી જાય છે, તેના માટે સત્યની પ્રાપ્તિ મુશ્કેલ છે. સત્ય ફૂલમાં સુગંધ બનીને નિખરે છે, માનવીની આંખોમાં પ્રેમ બનીને છલકે છે, હોઠ પર સ્મિત બની મલકે છે, રાતે નભના તારાઓમાં ચમકે છે. એ બધાના રૂપ ભલે જુદા જુદા હોય પણ તેમાં જે સ્થાપિત થયેલું હોય છે તે તો એક જ છે. રૂપમાં મોહિત થનારા, આત્માનું સૌંદર્ય જોઈ શકતા નથી. તેને શબ્દોમાં શોધનારા પણ સત્યથી વંચિત રહે છે. જેઓ આ જાણે છે તેઓ સત્ય શોધવાના માર્ગમાં આવતાં અવરોધોને પગથિયાં બનાવીને આગળ ચાલે છે. અને જે નથી જાણતાં તેના માટે પગથિયા પણ અવરોધ બની જાય છે.
પશ્ચિમ અને પૂર્વ બંનેની વિચારધારાઓનું સ્વરૂપ અલગ છે. પૂર્વ માને છે કે જીવન એ અનંત જન્મોની શૃંખલાનો એક ભાગ છે. આત્મા અમર છે અને જેમ વસ્ત્ર બદલાય તે રીતે જીર્ણ થયે તે શરીરો બદલે છે. શરીર નાશવંત છે અને તેથી તેને શણગારવું કે તેની ક્ષમતાઓની પૂર્તિ માટે શ્રમ કરવો વ્યર્થ છે. તેથી પૂર્વ શરીરસુખથી વિરુદ્ધ આત્માને મહત્વ આપે છે. ક્ષમતાઓની પૂર્તિ માટે શ્રમ કરવો વ્યર્થ છે.
આથી જેટલા પ્રબુદ્ધ પુરુષો પૂર્વમાં છે તેટલા પશ્ચિમમાં નથી. પશ્ચિમ પાસે સોક્રેટિસ, ઇસુ ખ્રિસ્ત જેવા આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. પૂર્વમાં કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, કબીર, મીરાં, ગોરખ, પતંજલિ, મહંમદ, લા ઓત્સે, રામકૃષ્ણ વગેરે અનેકાનેક બુદ્ધ પુરુષો થાય છે. પૂર્વની શરીર વિરોધી કે સુખ વિરોધી કે બાહ્ય જગત વિરોધી દ્રષ્ટિના કારણે ધર્મ તો વિકસ્યો પણ વિજ્ઞાન ન વિકસ્યું. પરમાત્મા તો ખીલ્યો, પણ પદાર્થ વંચિત રહ્યો.
આથી વિરુદ્ધ પશ્ચિમની ધારણા એ છે કે આ જ જન્મ છે. મૃત્યુની સાથે શરીર ખતમ થાય છે, અંદરનું બધું પણ. એટલે મળેલી તકનો ઉપયોગ કરી લઈ શરીર અને મનની ઈચ્છાઓની પૂર્તિ કરી સંતોષ સાથે મરવું. આ દૃષ્ટિ કે બાહ્ય દ્રષ્ટિના લીધે વિજ્ઞાનનો જન્મ થયો અને તેણે હરણફાળ ભરી. માનવજાતની મદદ માટે આજનું વિજ્ઞાન ને ટેકનોલોજી એ પશ્ચિમની દેન છે.
પરંતું દરેકના લાભ પણ છે અને ગેરલાભ પણ. પુર્વની દ્રષ્ટિના કારણે પ્રેમ સમજાયો, કળા વિકસી, સમજ વિકસી, પણ વિજ્ઞાન ખોવાયું. સાથે સમૃદ્ધિ પણ ખોવાઈ અને સમૃદ્ધિના અભાવમાં ગરીબી, બિમારી અને હાડમરીએ ભરડો લીધો.
એથી વિરુદ્ધ પશ્ચિમમાં અંતઃ કરણ ન વિકસ્યું. સમજ, પ્રેમ અને કળાનો વિકાસ ન થયો. સમૃધ્ધિ સાથે આનંદથી પણ હાથ ધોવા પડ્યા.
ઓશો કહેતા કે મારા પ્રવચનોનો હેતુ તમને ઢંઢોળવાનો છે. તમારા મનને આઘાત આપવાનો છે. તમને તમારી માન્યતાઓ, સંસ્કારો અને ભૂતકાળથી જગાડવાનો છે.
ઓશો કહેતા કે હું તમને સંમત કરવા આ પ્રવચનો નથી આપતો. મને તમે સહમતિથી કે અસહમતીથી ના સાંભળો. માત્ર સાંભળો. પછી ચિંતન કરો. મારી સાથે સહમત થવું જરૂરી નથી. ઓશો શંકાઓ કરવાની છૂટ આપે છે. શંકાના મૂળિયાં પૂરેપૂરા નાશ ન થાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા જાગતી નથી. થોપેલી શ્રદ્ધાનું કોઈ મૂલ્ય નથી. પાણી ૧૦૦ ડિગ્રી સેંટીગ્રેડ પર વરાળ બને છે તે શ્રધ્ધા કે માનવાનો પ્રશ્ન નથી. તે હકીકત છે જે આપણે જોઇએ છીએ, અનુભવીએ છીએ. એ જ રીતે ધર્મ પણ અનુભવગમ્ય હોવો ઘટે નહિ કે માનવાનો.
ઓશો કહે છે એક માણસને જાનથી મારી નાખવો એ હિંસા છે, તો એક માણસના વિચારોને પોતાની અનુકૂળતા પ્રમાણે ઢાળવા એ પણ હિંસા છે.
પિકાસો એક ચિત્ર બનાવી રહ્યા હતા તેમના મિત્ર એ પૂછ્યું કે તમે 2000 ચિત્ર બનાવ્યા તેમાં બધાથી સુંદર ચિત્ર ક્યું? તો એમણે કહ્યું જે અત્યારે બની રહ્યું છે તે, અને આ પણ ત્યાં સુધી જ્યાં સુધી બની નથી ગયું, પછી હું બીજું બનાવીશ અને નિશ્ચિત જ બીજું મારુ શ્રેષ્ઠતમ હશે. કેમકે આને બનાવવામાં હું કંઈક બીજું શીખ્યો, મારા રંગોમાં વધારે નિખાર આવ્યો, મને વધારે સૂઝબુઝ આવી.
એક પ્રશ્નના જવાબમાં ઓશો કહે છે હું ધર્મની વિરુદ્ધમાં એટલા માટે બોલું છું કે માણસોને ટુકડા ટુકડા નથી જોવા માગતો. માણસ જ્યાં સુધી ટુકડામાં વહેંચાયેલો છે, ત્યાં સુધી તેના જીવનમાં સુરજ નથી ઉગી શકતો. જેમ સામાન ઉપર લેબલ લાગેલું હોય તે રીતે દરેક માણસની છાતી પર ચિઠ્ઠી ચિપકાવી છે – હિંદુ, મુસલમાન, જૈન, ઈસાઈ વગેરે. ધર્મ પ્રેમ છે, પરંતુ છેક પ્રેમ સમાપ્ત થાય ત્યાંથી જ શરુ થાય છે. ધર્મ દોસ્તી છે, પરંતુ દુશ્મની આવે તે ધર્મ નથી.
ધર્મ તો કોઈ અનોખી ક્ષણમાં ક્યારે ઘટી જાય તે કોઈ કહી શકતું નથી. જે બુદ્ધ છે તેને એ જ ક્ષણે તાલ બેસી જાય છે, સંગતિ બેસી જાય છે, બંસીની સાથે તબલા વાગવા લાગે લાગે છે. આ સંગત તમારી અંદર ગુંજી જાય, પછી એને ભૂલવાનો કોઈ ઉપાય નથી. જેની હવામાં ધર્મ ન હોય, જેના ઊઠવા – બેસવામાં ધર્મ ના હોય, જેની આંખોની ઝલકમાં ધર્મ ન હોય, જેના હાથોના ઈશારામાં ધર્મ ન હોય, જેની પાસે બેસીને જ ધર્મની મદીરામાં ડૂબી ન જાવ, મસ્તી ના આવી જાય તો એ ધર્મ નથી. ઓશો કહે છે કે સહજાનંદ હું એને કહીશ, બુદ્ધ હું એને કહીશ, જેની હાજરીમાં આંખથી આંખ મળી જાય તો નશો થઇ જાય, જેના હાથમાં હાથ આવી જાય તો જીવનમાં નવી પુલક આવી જાય, જેનું હ્રુદય નવી ધડકન લઈ લે, નવું નૃત્ય લઈ લે અને જેની પાસે ધર્મ જ જીવંત થઇ ઊઠે. સત્ય અને ધર્મ પર્યાયવાચી છે. ધર્મનો અર્થ જ છે જીવનનો મૂળ આધાર, જીવન જેનાથી ધારણ કરવામાં આવ્યું છે, જીવનશૈલી પર ટકેલું છે, જીવનની આધારશિલા છે, જેના વગર જીવન નથી. સત્ય અને ધર્મ એક જ છે.
સત્યનો સંબંધ હૃદય સાથે છે, આત્મા સાથે છે, બુદ્ધિ સાથે નથી. સત્ય અપ્રિય નથી કે કડવું પણ નથી. શક્ય છે કે એ કહેવાની રીત અપ્રિય કે કડવી હોઇ શકે. સત્ય માણસની શોભા નહિ પણ આભા છે. સત્ય માણસના લોહીમાં વહેતું હોય ત્યારે વાણીનું તેજ અલગ જ હોય છે. ધર્મરાજ યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર અને ગાંધી બાપુની સત્યપ્રિયતા ઉદાહરણરૂપ છે. સત્ય કદી મિથ્યા થતું નથી. સત્યને પરમ સાથે નિસ્બત છે. સત્ય જ્વાલા સાથે સંકળાયેલ જ્યોતિ છે, જીવનનો તેજપુંજ છે, ઊર્જા સાથેની ઉષ્મા છે, જગતના ધર્મોનો પ્રાણ છે. તેથી જ સત્ય એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ સત્ય છે.
રીટા જાની
29/04/2022
ઓશો કહે છે એક માણસને જાનથી મારી નાખવો એ હિંસા છે, તો એક માણસના વિચારોને પોતાની અનુકૂળતા પ્રમાણે ઢાળવા એ પણ હિંસા છે.
વાહ સરસ આલેખન ને અભિવ્યક્તિ જો સમજમાં આવી જાય તો માનસિક હિંસામાંથી બચી જવાય
જયશ્રી પટેલ
LikeLike
આભાર, જયશ્રીબેન.
LikeLike
ઓશોએ સમજાવેલ ધર્મ અને સત્ય એકજ છે તેવાત સરસ રીતે સમજાવી. રીટાબહેન સરસ ઓશો દર્શન
LikeLike
આભાર, સખી.
LikeLike