આપણે ધ્રુવદાદાની સમુદ્રાન્તિકે,અકુપાર અને અતરાપી નવલકથાની ગમતી અને મનને સ્પર્શી જાય એવી ઘણી વાતો કરી જેમાં દાદાના માનવીય પ્રેમ,પ્રકૃતિ પ્રેમ ,માનવસંબંધો વિગેરે વિશેનાં ઉત્તમ વિચારો જાણ્યા.તેમની નવલકથા લખવાની એક નોખી જ ભાત પણ જાણી. પરતું આજે આપણે જે ધ્રુવદાદાની નવલકથાની વાત કરવાનાં છીએ તેનો તો વિષય જ સાવ નોખો છે. આપણે વાત કરવાના છીએ ‘તિમિરપંથી’ નવલકથાની. તિમિરપંથી એટલે અંધારાનાં સફરી કે અંધારામાં ફરનાર એટલે સામાન્યભાષામાં આપણે જેને ચોર કહીએ તેની. તિમિરપંથીનો એક મને સમજાતો બીજો અર્થ એટલે જે જીવનસફરમાં ભટકી ગયાં છે તેવા લોકો અથવા જેને સાચો કે અજવાળાવાળો રસ્તો ખબર નથી. જે અંધકારમાં પંથ ખેડી રહ્યાં છે અથવા જેને જીવનમાં જીવવા માટે અંધકારમાં જ ફરવાની ફરજ પડી છે.
આ નવલકથામાં ધ્રુવદાદાએ વાત કરી છે એવી જાતિનાં લોકોની જેમને તેમનાં ગુજરાન માટે કે જીવન જીવવા માટે ચોરી,લૂંટ કે ડકૈતનો જ આશરો લેવો પડે. આ જાતિ એટલે છારા,વણજારા,ડફેર,સાંસી,પારધી,અડોડિયા લોકો,જે આખી જાતિ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેરા-તંબુ લઈને વિચરતી હોય છે.તેમનો જીવનનિર્વાહ તેઓ ખૂબ કુશળતા પૂર્વક ચોરી કરી,ખિસ્સા કાપી,દુકાનમાંથી સંતાડીને માલ ચોરીને કે ખેતરમાંથી અનાજ ચોરીને કરે છે.
તિમિરપંથી નવલકથામાં ધ્રુવદાદાએ આ દરેક જુદીજુદી જાતિનાં લોકો કેવી કુશળતા પૂર્વક ચોરી કરે છે ,તેમનાં ચોરીમાં પણ કેવા નિતી નિયમો છે,પેઢી દર પેઢી આ ચોરી કરવાની રીત તેઓ કેવીરીતે તેમના બાળકોને શિખવાડે છે આ બધી ઝીણી ઝીણી વિગતો ,લોકો પાસેથી,પોલીસ અધિકારીઓ પાસેથી,જુદાજુદા લોકોનાં જાત અનુભવ જાણીને રજૂ કરી છે.તિમિરપંથીઓની વાત જ્યારે વાંચીએ ત્યારે કેટલીયે વાર તેમની દયનીય જીવનસફર સાંભળી હ્રદય કંપી જાય. વનવગડામાં કે રેતીનાં રણમાં જીવજંતુ,જંગલી રાની બિલાડાં કે સાપ,ઉંદર અને વીંછીની સાથે જ જમીન પર સૂવાનું.ન ઘરનાં કે ગામનાં ઠેકાણાં, ખાવાપીવાનાં કે જીવનનિર્વાહ માટે કોઈ આવકનું ઠેકાણું નહીં. ચોરી કરીને કે ભીખ માંગીને ધુતકાર પૂર્વક જે મળે તે ખાઈને જીવન જીવવાનું.આ સરનામા વગરનાં માણસ પણ આપણાં જેવા માણસ જ છે તો ભગવાને આમને કેમ આવો જન્મ આપ્યો હશે ! !એવો વિચાર પણ મનને સતાવે.ધ્રુવદાદાનું આ પુસ્તક વાંચીએ તો જ તમને તેમની જિંદગી કેવી હોય છે? તે સમજાય.તેમનાં ઉતારાનાં નજીકનાં ગામમાં કોઈપણ ચોરી ચપાટી થાય તો આ લોકોનાં આખા દંગાંનાં લોકોને પોલીસ જાણ્યાબૂઝ્યા વગર ઢોર માર મારે અને પકડીને જેલમાં પણ પૂરી દે. આ લોકોનાં જીવન વિશે જ્યારે જાણીએ ત્યારે આપણાં જેવાંજ માણસો એવા આ તિમિરપંથીઓ માટે આપણે પણ કંઈ વિચારવું જોઈએ તેમ જરૂર વિચાર આવે. આપણું મન પણ તેમની દયનીય દશા માટે વિચારનાં વંટોળે ચડે.
ધ્રુવદાદાનાં બધાં પુસ્તકોની જેમ જ આ નવલકથાની નાયિકા પણ સરસતિ એટલે સતિ છે. દાદાની બધીજ નાયિકાની જેમ સતિ પણ ચતુર,બાહોશ,કુશળ અને બધાં કરતાં સાવ જુદીજ સ્ત્રી છે.તેના બાળપણથી લઈને લગ્નજીવન સુધીની તેનાં જીવનની આસપાસની વાતો આ નવલકથામાં ગુંથાએલી છે. માનવ સંવેદનાનું સચોટ આલેખન તો કોઈ ધ્રુવદાદા પાસેથી શીખે. સતિએ બખૂબીથી કરેલી ચોરીઓ તેમજ તેમનાં ચોરી માટેનાં નીતિનિયમોની વાત પણ છે. સતિને આ જીવનસફરની વાતો સાથે આપણને દાદાએ ઊંડાં તત્વજ્ઞાનની કેટલીએ વાતો સમજાવી છે.સતિને તેની નાની નાનકી અનેક વાર્તાઓ દ્વારા જ્ઞાન આપે છે અને કુશળતા શીખવે છે. પોતાની કુશળતાની અને વિદ્યાની વાત કરતા નાનકીનાની કહે છે,” આપણા વિશે લોકો માને છે તે આપણે પણ માનવા માંડીએ ત્યારે વિદ્યા આપણને છોડી જવાની”એટલે આપણી આવડત કે કુશળતાનું અભિમાન ન કરવું તેમ સમજાવે છે.અને મહાગુરુનાં નામે નાનકી કહે છે,” તમારા વિશે જે કહેવાતું હોય તે ભલે ,પણ તમે પોતાની આવડત,મનની સ્વસ્થતા,હાથપગના હુન્નર,ગતિ, પોતાના શ્વાસ અને વિશ્વાસ સિવાય કશા પર નિર્ભર રહેશો નહીં.” આમ કહી આત્મનિર્ભરતાની વાત કરે છે.
એક ખૂબ સરસ વાત આ નવલકથામાં મને સમજાઈ તે એ છે કે જીવનમાં દરેકે દરેક માણસ તે મોટું કામ કરતો હોય કે નાનું પણ તે ક્યાંક ને ક્યાંક કશીક ચોરી તો કરે જ છે. આ તિમિરપંથીઓ સમાજમાં જાણીતાં,વગોઆયેલા ચોર છે અને બીજા અનેક લોકો ઉજળિયાત સફેદ વસ્ત્રોમાં ફરતાં ,મોટા ધંધા કરતાં,સમાજનાં મોભી બનીને ફરતાં સફેદ કપડાંમાં છુપાએલાં સફેદ ચોર છે. પણ તે ચોર પકડાતાં નથી પણ એકવાર આંખ બંધ કરી જન્મેલ દરેક માણસ પોતાની જાતને પૂછે ,કે તેપણ ક્યાંક,કશીક ચોરી તો કરે જ છેને? હા ,તેમાં કોઈક અપવાદ હોઈ શકે ,પણ કેટલાં ? તેતો દરેકનાં મન જ બતાવે! અને ભગવાન જાણે!
બદલાતાં સમય સાથે વહી સતિને તેનાં આખા સમાજને ભણતર આપવા સ્કુલ કરવી છે.અને પ્રકાશમય સવાર તિમિરપંથીઓને બતાવવી છે .દાદાએ સમગ્ર સમાજને તેમની પણ આ કાર્ય માટે જવાબદારી છે તેમ આડકતરી રીતે સૂચવ્યું છે.
આ સાથે મને યાદ આવ્યું આ ધ્રુવગીત-
આખો અવતાર અમે શોઘતા રહ્યા ને એક સંસ્કારી ઝાડવું ભળાયું નહીં.
હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે ભણતી મિજાજને કળાયું નહીં.
માન્યું ‘તું જુગ જૂના વરસાદી જંગલમાં એકાદું ઝાડવું તો ભણતું હશે
ભેગા થઈ એક ગુરુ પાળીને રોજ કોઈ ગરબડિયા ધ્યાન-બ્યાન કરતું હશે
ચોર્યાશી લાખમાંથી ઝાડવાંનો શ્રેષ્ઠ એવું મૂળમાંથી કેમ સમજાયું નહીં.
હોઈ શકે મારા ટેવાયેલા જ્ઞાનને કે ગણતા દિમાગને કળાયું નહીં.
એકાદા મોરલાને થાવું તો જોઈએ કે ચાલ કંઈક સદભાષા બોલીએ
પોપટ જો પટ્ટ દઈ શીખે છે રામ અને આપણે આ ટહુકા નવ છોડીએ
એકએક મોર અમે ગણતા જઈ સાંભળ્યું ને તોય સીતારામ સંભળાયું નહીં.
હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે જાણતલ જાતને કળાયું નહીં.
જિગીષા દિલીપ
૨૭ એપ્રિલ ૨૦૨૨
ક્યારેક સાવ ઉપરછલ્લી રીતે આપણે માનવીને સાચા કે ખોટા કહીને મૂલવીએ છીએ. માણસ સારા કે ખોટા નથી હોતા. એમનો સમય કે સંજોગો સારા કે ખોટા હોય છે, અને એ લોકો પોતાનું જીવન જીવવા એ સમય કે સંજોગો સામે ઝઝૂમતા રહેતા હોય છે. ધ્રુવદાદાની તિમિરપંથી જેવી નવલક્થાઓ જ આપણને આ શીખવી જશે.
LikeLike