
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.
‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -14 એની 13મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
માત્ર મનમાં ઈચ્છા કરીએ કે મારે જવું છે. અને પછી ઘરમાં જ બેસી રહીએ તો ક્યાંય જવાય ખરું? ના, એને માટે તો ક્યાં જવું છે તે નક્કી કરીને નિકળી પડવું જોઈએ. ઘર સાથે જોડાયેલા રસ્તા પર ચાલતા જઈએ તે પણ આપણાં ગંતવ્ય સ્થાનની દિશા પકડીને ચાલીએ ત્યારે એવું પણ બને કે, કેટલીક કેડીઓ નજરે પડે. એમાંની એક પણ કેડી પર ચાલવું હોય તો ચલાય. પણ તેને બદલે જો ખુદ ચાલીને, નવો રસ્તો કંડારીએ તો? કરી શકાય. હા, એને માટે હિંમત અને સાહસ જોઈએ. કાચાપોચાનું એ કામ નથી. નિરંતર થતી રહેતી નવી નવી શોધો વિશે વિચારીએ તો એ નવી શોધ કરનારની મહત્તા સમજાય. પછી તો એનો ઉપયોગ કરનારાં અનેક હોય.
ખલીલ સાહેબની ગઝલો પણ અનેક ગઝલકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની ગઝલો વાંચીને, સમજીને, નવોદિતો ગઝલની દુનિયામાં પગલાં પાડી શકે છે. તેમની ગઝલમાં રદિફ અને કાફિયાની પસંદગી ગજબની હોય! જાણે તેમને માટે રમત હોય તેવી સહજતાથી તેઓ આખી વાતને ઊંડાણથી રજુ કરે છે. સાદી વાત લાગતી હોય પણ તેમાં રહેલો ગુઢાર્થ શેરિયત બનીને આપણને ચોંકાવી દે.
મુશાયરામાં ગઝલ કહેવાની તેમની અનોખી અદા પણ આપણને માર્ગદર્શન આપે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. જોઈએ આ શેર.
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
આખી ગઝલમાં એકાદ શેર નબળો જણાતો હોય તેવી શક્યતા છે. પરંતુ એને નજરઅંદાજ કરીને ગઝલનો અભ્યાસ કરીએ તો ઘણું શીખવા મળે. ઘણીવાર તો આપણને કોઈએ કહેલી એકાદ વાત, મન પર એટલી ઉંડી અસર છોડે છે કે, વારંવાર એ પડઘાતી રહે અને એટલે કદી ભુલાય પણ નહીં. આમાંની કેટલીક વાતો એવી હોય જે આપણને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. આપણાં મનને હકારાત્મકતાથી ભરી દે. તો વળી કોઈએ કહેલી વાત આપણાં આત્મવિશ્વાસને ડગમગાવે એવી પણ હોય છે. તે આપણી પ્રગતિમાં અંતરાય રૂપ હોય એટલું જ નહીં, તે ઘુમ્મટમાં પડતા પડઘાની જેમ મનમાં સતત ઘુમરાયા કરે છે. એટલે એવી વાતને ભૂલવી જેટલી અઘરી તેટલી જ જરૂરી હોય છે. ભૂલતાં પહેલાં તો તે મનને નિરાશાથી ઘેરી લે છે. આપણી વાતો અને વર્તનમાં પણ હતાશા સ્પષ્ટ દેખાય છે. અને કદાચ એટલે જ આવા શેર રચાઈ જતા હશે! કે,
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
આ ગઝલના મક્તાના શેરમાં કવિ એક સનાતન સત્યનો નિર્દેશ કરે છે. ગમે તેવા મોટા શાયર હોય, મહેફિલો ગજવતા હોય, એટલે સુધી કે, તેમની રજૂઆત થાય પછી બીજા કોઈની રજુઆત કરવાની હિંમત પણ ના હોય, આવા આલા ગજાના શાયર પણ જ્યારે હાજર ન હોય ત્યારે? ત્યારે તો કવિ માની લે છે કે, આ ફાની દુનિયાને કોઈના હોવા કે, ના હોવાથી ક્યારેય કોઈ ફેર પડતો જ નથી. અને એટલે મહેફિલો તો રાબેતા મુજબ ચાલવાની, ચાલતી જ રહેવાની. અહીં આપણને આ ગીત યાદ આવી જાય,ખરુને?
મૈં પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ,
પલ દો પલ મેરી હસ્તિ હૈ, પલ દો પલ મેરી જવાની હૈ.
મિત્રો, આપણું આ જગત, આપણું અસ્તિત્વ અને આપણાં સંબંધો બધું જ અનિશ્ચિતતાના અગમ ઘેરામાં છે તેનો અહેસાસ કરાવતી આ ગઝલ આપ સોને કેવી લાગી? બીજી એક અનોખી ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
સત્ય હયાતી આજે છે ને કાલે નથી કાર્ય કોઈના વિના અટકતું નથી અવિરત ચાલ્યા જ કરે છે.
સરસ👌👍
જયશ્રી પટેલ
LikeLiked by 1 person