ઓશો દર્શન -13. રીટા જાની

wp-1644023900666
કવિ ભગવતીકુમાર શર્મા કહે છે…

ધૂમ્ર ગોટો બન્યું જગત જાણે,
એક ચલમ- ફુંકની રમત જાણે!
આમ સદીઓનો બોજ લાગે છે,
આમ પળમાં વીત્યો વખત જાણે!

કાળની ગતિ અકળ છે. અકળમાંથી સકળને પામવાની સૂઝ આ જીવનમાં પ્રાપ્ત કરતાં સમય પળમાં વહી જતો હોય એમ લાગે છે. આ કપૂર કાયા ધૂમ્રસેર બની ઉડી જાય એ પહેલાં મનભરીને જીવી લઈએ, ક્ષણે ક્ષણને શક્ય એટલી પૂર્ણતાથી જીવી લઈએ અને જીવનના રહસ્યને પામી લઈએ. આપણને મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો એ સૌથી મહાન ઘટના છે. દીવામાંથી દીવો પ્રગટે એમ જીવ તો પ્રગટ્યો પણ જન્મ્યા બાદ જીવન પ્રગટાવવાનું કામ આપણે કરવાનું છે. આ જીવનબોધ ‘ધમ્મપદ’ના માધ્યમથી ઓશોદર્શન દ્વારા પામવાનો આ ત્રીજો અને અંતિમ પડાવ છે.

જ્યારે આપણે સાક્ષીભાવમાં હોઈએ, ત્યારે મન ઓગળી જાય છે અને તમે ફક્ત શુદ્ધ તત્વ, એક શુદ્ધ અસ્તિત્વ રહો છો, એક શ્વાસ, હ્રદયમાં ધબકાર, ત્રણેય કાળથી પર અને ત્યારે બધા જ પ્રશ્નોનો લોપ થાય છે. જ્યારે એક નિરીક્ષક બનીને મનને ખીણોના અંધકારમાં છોડી દઈએ, ત્યારે સૂર્યપ્રકાશિત શિખરો ઉપર પહોંચી શકાય છે. મન ખૂબ જ છેતરામણું છે. એ તમને જ્ઞાનમાં પણ છેતરી શકે છે. તે નવા નવા ભ્રમ સર્જવામાં ખૂબ કાબેલ છે. માટે મનના મૂળને કાપી નાખીએ પછી પ્રશ્નોરૂપી પાન ફૂટતા નથી. શાંત થવું એટલે ઉત્તર હોવો. શાંત થવું એટલે પ્રશ્નો વિનાના હોવું. બુદ્ધ બધા પ્રશ્નોના તારણ પર પહોંચી ગયા છે એવું નથી. ખરેખર તો એમને કોઈ પ્રશ્ન જ નથી. માટે જ, એમનું આખું અસ્તિત્વ એક ઉત્તર બની ગયું છે. આ વાત અશક્ય જણાતી હોય પણ એ ક્ષણ શક્ય છે. તમે શાંત હો, તમારી અંદર કોઈ જ્ઞાન કોલાહલ ન કરતું હોય, તમારી દ્રષ્ટિ સ્વચ્છ હોય, અરીસા પર કોઈ ધૂળ ના હોય તો એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. સંપૂર્ણ મૌન, શાંતિ અને નિર્વિચાર એ ખરા મનની સ્થિતિ છે.

ઓશો ‘શિસ્ત’ શબ્દ સુંદર રીતે ચર્ચે છે. વ્યક્તિ હંમેશા એક શિસ્તબદ્ધ ઘટના છે. જે શિસ્તબદ્ધ નથી, તે વ્યક્તિ જ નથી, એ ફક્ત એક અંધાધૂંધી છે, એ ઘણા ટુકડાઓ છે – એક ભાગ દક્ષિણ તરફ જાય તો બીજો ઉત્તર તરફ જાય. સામાન્ય રીતે, લોકો આવા જ હોય છે. વ્યક્તિ એટલે એ કે જે સમગ્રતાથી કામ કરી શકે, એક ઐક્ય ધરાવતા એકમ તરીકે. આ વાત ફક્ત સજાગ શિસ્તથી જ શક્ય બને. માટે બુદ્ધ વારંવાર કહે છે કે સતત પરિશ્રમ, વિકસવાનો એક જાગૃત ઇરાદાપૂર્વક પ્રયત્ન અને સંપૂર્ણ પ્રયત્ન જરૂરી છે, ભલે એ દુઃખદાયી પણ હોય. જો તમે ખરેખર વિકાસ કરવા માંગતા હોય તો એ આનંદદાયક છે. શિસ્ત તરફ ભરેલું એકે એક પગલું વધુ ને વધુ આનંદ આપે છે, કારણ એ તમને વધુ ને વધુ આત્મા આપે છે, અસ્તિત્વ આપે છે. શિસ્તનો અર્થ છે શીખવાની તૈયારી, ખુલ્લાપણું અને તત્પરતા. શિસ્ત એટલે તમારા પર ઠોકી બેસાડાયેલું કશું નહીં. એ તમારી પસંદગી છે, વ્યક્તિપણું સર્જવાનો રસ્તો છે. વ્યક્તિ બનવા કડક શિસ્તની જરૂર છે, જે કઠોર પરિશ્રમ, જાગૃતિ અને ધ્યાનના વર્ષો પછી જ આવે છે.

ઓશો કહે છે લોકો શાસ્ત્રો વાંચે છે અને એને સમજવા પ્રયત્ન કરે છે. તેઓ ખૂબ જ્ઞાની અને કાર્યક્ષમ પણ બની જાય છે. એનો પુનરોચ્ચાર કરવામાં ત્યાં જ તેની પૂર્ણાહુતિ કરે છે. તેઓ પોપટ જ રહે છે. શાસ્ત્રોને તો જ સમજી શકાય જો પહેલા આપણે તેનો અમલ કરીએ. નહી તો એ તમારા મનની સ્થિતિનું પ્રતિબિંબ પાડશે, જેણે આ શબ્દો કહ્યા હશે એના મનની સ્થિતિનું નહીં. પ્રાર્થના પણ કહેવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. પ્રાર્થના વાંચવાની નહીં પણ જીવવાની વસ્તુ છે. જો તમે પ્રાર્થનાને તમારા હૃદયનો ભાગ બનાવશો, તમે એને શ્વસશો, એને જીવશો, તો તમારી નજીક જે કોઈ આવશે તેને પણ એની ઝલક મળશે, તે દરેકના માર્ગમાં થોડો પ્રકાશ રેલાશે. તમે પ્રેમ વિશે વિચારી શકો, કલ્પનાનાં ઘોડા દોડાવી શકો, પણ તમારું મૂળભૂત અસ્તિત્વ પ્રેમ બનવું જોઈએ.

ધર્મની વાત કરતાં ઓશો કહે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ અંતિમ સત્યનો સાક્ષી પોતે નહી બની જાય, ત્યાં સુધી એ એવું જ વિચાર્યા કરશે કે બુદ્ધ એક વાત કહે છે અને ઈશુ કંઈક જુદું કહે છે; કે બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ કરતા જુદો છે, હિન્દુ ધર્મ જૈન ધર્મની વિરુદ્ધ છે કે જૈન ધર્મ ઇસ્લામની વિરુદ્ધ છે. તમે પોતે સાક્ષી નહીં બનો ત્યાં સુધી તમે આ ત્રણસો ધર્મોમાં માન્યા કરશો અને આ ધર્મો વચ્ચે સતત ચાલતા સંઘર્ષ, ઝગડા, વિરોધનો ભાગ બની રહેશો. પરંતુ જે દિવસે તમે તમારા અસ્તિત્વના સત્યને જાણશો તે દિવસે આ ત્રણસો એ ત્રણસો ધર્મો વરાળ બનીને ઉડી જશે, અદ્રશ્ય થઈ જશે. અર્થઘટન હંમેશા તમારું જ રહેશે. તમે બુદ્ધને વાંચો, ઈશુને વાંચો કે મહાવીરને વાંચો, જ્યાં સુધી એ તમારો ખુદનો અનુભવ ન બને, જ્યાં સુધી તમે શાસ્ત્રોના સાક્ષી ન બનો, ત્યાં સુધી એ તમને મુક્ત ન કરી શકે, એ માત્ર સુંદર નિરર્થક કથન જ રહેશે. એવી એક પણ જગ્યા નથી જ્યાં ઈશ્વર નથી. આપણે હંમેશા એનામાં છીએ અને એ હંમેશા આપણામાં છે. પણ એના માટે જાગૃતિની જરૂર છે.

માનવીને પસંદગીની સ્વતંત્રતા છે. એ ઉપર ઉઠવાનું કે નીચે પડવાનું પસંદ કરી શકે છે, અંધકારનો કે પ્રકાશનો રસ્તો પસંદ કરી શકે છે. જીવન ત્રિપરિમાણીય છે. જો માણસે આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા રહેવું હોય તો આપણે આ ત્રણ પરિમાણ વચ્ચે મેળ બેસાડવો પડશે, તેનું સંયોજન કરવો પડશે. એક પાસે વિજ્ઞાનને જોઈએ તેવું તર્કબદ્ધ મન છે, બીજો સૌંદર્યશાસ્ત્રને જોઈએ તેવો કાવ્યમય છે અને ત્રીજો બુદ્ધોના કહ્યા પ્રમાણે ધ્યાનસ્થ અને જાગૃત છે. આ ત્રણેયનું સંયોજન ધરાવતો ચોથો માણસ વિશ્વની આશા છે.


ધ્યાન એ યાંત્રિકતા દૂર કરવાની પદ્ધતિ છે. જાગૃતિનો પ્રકાશ વસ્તુઓને કિંમતી અને અસાધારણ બનાવે છે. ઈચ્છા એટલે ભવિષ્યમાં હોવું. ભવિષ્યમાં જીવવું એટલે ખોટું જીવવું, બનાવટી જીવવું. ધ્યાન તમને વર્તમાનમાં લાવે છે. બારી ખૂલે છે અને પહેલી જ વખત આકાશ જેવું છે એવું તમે એને જુઓ છો. તમે જીવનને સ્પર્શ કરવા લાગો છો. પછી જીવન એક શબ્દ નથી રહેતો પણ વાસ્તવિકતા બની જાય છે. ધ્યાન તમને મનને પેલે પાર લઈ જઈ શકે છે. ધ્યાન એ ન માંગવાની, ન પૂછવાની, ન વિચારવાની સ્થિતિ છે. બુદ્ધ ધ્યાન માટે ‘સમ્માસતિ’ શબ્દનો ઉપયોગ કરે છે. એ ચેતના છે; પરંતુ એમાં કોઈ વિચાર, કોઈ ઈચ્છા રહેતી નથી, કોઈ પ્રયત્ન તમે કરતા નથી, કોઈ વિશેષ પદાર્થ પર ધ્યાન પણ કેન્દ્રિત કરતા નથી, કોઈ મંત્ર જાપ કરતા નથી. મન સાવ ખાલી છે. એ છે પોતાનામાં સંપૂર્ણપણે હળવાશ અનુભવતી એક શુદ્ધ ઉપસ્થિતિ, જેને ક્યાંય જવું નથી. એ જ પરમ સુખ છે – મન પર વિજય, સમય પર વિજય, અહંકારને પેલે પાર.

ધમ્મપદમાં બે વિધાનોનો એકથી વધુ વાર ઉલ્લેખ છે. એક છે- ‘એસ્સ ધમ્મો સનાતન’. જીવનનો અંતિમ નિયમ છે કે તમે અદ્રશ્ય થઈ જાઓ અને તમે તમારી જાતની શોધી શકશો. બીજું વિધાન છે- ‘એસ્સ ધમ્મો વિશુદ્ધા’. નિર્દોષ, શુદ્ધ બનવાનો આ નિયમ છે. જીવનનું ધ્યેય સ્વતંત્રતા છે. અહીં રાજકીય, સામાજિક કે આર્થિક સ્વાતંત્ર્યની વાત નથી. સ્વતંત્રતા એટલે સમયથી મુક્તિ, મનથી મુક્તિ, ઇચ્છાથી મુક્તિ – જ્યારે તમે બ્રહ્માંડ સાથે એકાકાર થઈ બ્રહ્માંડ જેટલા જ વિશાળ થઈ જાવ છો. જ્યારે તમે તાણયુક્ત હો ત્યારે નરક છે અને જ્યારે તમે એકદમ હળવા હો ત્યારે સ્વર્ગ છે. તમે આ ક્ષણને નરક કે સ્વર્ગ બનાવી શકો છો. ધ્યાન એ અગ્નિ છે, જે તમારા વિચારોને, તમારી ઇચ્છાઓને, તમારી યાદોને, ભૂતકાળ અને ભવિષ્યને પણ બાળી નાખે છે, તમારા મનના અહંકારને બાળી નાખે છે, જે તમે છો એવું તમે માનો છો એ બધું જ લઈ લે છે. તમે પુનર્જન્મ પામો છો, તમારી ઓળખ સાવ ભૂલીને એક નવી જીવનદૃષ્ટિ મેળવો છો. એ જીવનદ્રષ્ટિ જ ઈશ્વર, ધમ્મ, તાઓ છે. એ મુક્તિ છે, મોક્ષ છે, નિર્વાણ છે.

રીટા જાની
22/02/2022

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.