ઓશો દર્શન -11. રીટા જાની

wp-1644023900666

કવિ મનોજ ખંડેરિયા કહે છે-
‘બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’
અનુભવના ઉંબરે પદાર્પણ કરી સત્યને જુદી જુદી રીતે મુલવવાના પ્રયાસ આજ સુધીમાં અનેક વિદ્વાનો, સંતો અને મહાત્માઓએ કરેલો છે. જાણીતી વ્યક્તિઓએ પોતપોતાની રીતે જીવેલો, પરખેલો, ઓળખેલો સત્યના અનુભવનો અર્ક   ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. ગૌતમ બુદ્ધે તેમના જીવનના સત્યને ધમ્મપદમાં સૂત્રરૂપે આલેખ્યું છે. ચેતનાના શિખરે પહોંચેલા, પ્રભુત્વની પેલે પાર પહોંચેલા ઓશોએ બુદ્ધના જ્વલંત વ્યક્તિત્વને  ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. બુદ્ધના શબ્દોનો વર્તમાન સમય સાથે તાલ મેળવવામાં, સાક્ષાત્કારના એ સુંદર અનુભવની ઝલક આપણને ઓશોના પ્રવચનોમાં અસાધારણ સ્પષ્ટતા અને આનંદની ચરમસીમાની સાથે  છલકતી  જોવા મળે છે.

ઓશો સૂચવે છે  કે  પુસ્તકોનો આસ્વાદ માણવાની એક ખાસ રીત છે. અરીસાની જેમ ફક્ત તેને પ્રતિબિંબિત થવા દો, કોઈ અર્થઘટન ન કરો, તો જ એનો સાચો અર્થ તમે જાણી શકશો. ઓશો આપણી સાથે જે વહેંચવા માંગે છે તેના હાર્દ સુધી આપણને લઈ જાય છે. અવિક્ષિપ્ત શાંતિનો અનુભવ કરવા જેટલા આપણે પાત્ર બનીએ ત્યારે જ શબ્દો અને નિ:શબ્દતા વચ્ચેની ખીણ પુરાશે.

આપણા વિચારોથી જ આપણું વિશ્વ બને છે આપણે જેવું વિચારીએ તેવા આપણે બનીએ છીએ. સ્વચ્છ મનથી બોલશો તો સુખ પડછાયાની જેમ તમને અનુસરશે. તિરસ્કારને પ્રેમથી જીતી શકાય. જો તમે વિષયોમાં, ખોરાકમાં, ઊંઘમાં સુખ શોધો તો તમે ચોક્કસ નાશ પામશો. એવું લાગે છે કે જુઠ્ઠાણાઓ બહુ સુંદર તક આપે છે, મનગમતા સ્વપ્નો દેખાડે છે, પણ છેવટે હતાશા અને નિષ્ફળતાના આપે છે. ધમ્મપદ, બુદ્ધનો ઉપદેશ ફક્ત બૌદ્ધિસત્વોને શીખવી શકાય કારણ કોઈ સામાન્ય માણસ એને સમજી ન શકે. પ્રશ્ન થાય કે બોધિસત્વ કોણ છે? પ્રકાશની શોધ જેમણે શરૂ કરી હોય, પ્રભાતની પ્યાસ જેનામાં ઉઠી હોય, જેના હૃદયનું બીજ અંકુરિત થવા લાગ્યું હોય, જે જાગૃત અને સચેત હોય, સત્યની ખોજ કરી રહ્યા હોય તેને બોધિસત્વ કહી શકાય.

બુદ્ધના શબ્દો શાશ્વત મૌનમાંથી આવે છે પરંતુ તે સમજવા માટે હૃદયની સરળતાની જરૂર પડે છે. એક વિનમ્ર, નિરાભિમાની, સચેત, જાગૃત અને શુદ્ધ વ્યક્તિ જ તત્વને સમજી શકે છે, સત્યને સમજી શકે છે. આ શબ્દોને દિમાગથી નહિ દિલથી સાંભળજો તો તમારા અસ્તિત્વના અણુએ અણુને એ ઝંઝોડી નાખશે.

મૌનનું સૌંદર્ય એ છે કે તેના વિશે ગેરસમજ કરવી અઘરી છે. શબ્દોમાં ઘણીવાર ફક્ત શબ્દો જ બીજા સુધી પહોંચે છે અને અર્થ જ્યાં નો ત્યાં રહી જાય છે.  શબ્દોને તોડી મરોડી પણ શકાય છે, મૌન તોડી મરોડી શકાતું નથી. માટે ફક્ત તમારા હૃદયના ધબકારને સાંભળતા રહો, પક્ષીઓને અને એમના ગીતોને સાંભળતા રહો અને મૌનમાં બેસો.

‘ધમ્મપદ’નો શાબ્દિક અર્થ છે અંતિમ નિયમ. એ નિયમ જે અદ્રશ્ય છે, અસ્પર્શ્ય છે; છતાં આખા બ્રહ્માંડને જોડે છે જેથી આ બ્રહ્માંડ આટલી સરળતાથી અને સંવાદિતાથી ચાલ્યા કરે છે. ધમ્મ શબ્દનો બીજો અર્થ છે ન્યાય, સમાનતા. અસ્તિત્વમાં સંપૂર્ણ સામ્યવાદ છે, તમામ એકસરખું, ઊંચનીચ વિનાનું અસ્તિત્વ. તેનો ત્રીજો અર્થ છે સચ્ચાઈ અને સદગુણ. તમે જો પૂર્વગ્રહ વિના જોશો તો ખબર પડશે કશું જ ખોટું નથી, બધું જ સાચું છે, જન્મ સાચો છે, મૃત્યુ સાચું છે, સૌંદર્ય સાચું છે અને કુરૂપતા પણ સાચી છે. પરંતુ આપણે કીહોલમાંથી શેરીનું દ્રશ્ય જોવા ટેવાયેલા છીએ. સમગ્રને બદલે એક નાનકડા ભાગને નિહાળીએ છીએ. જ્યારે કીહોલમાંથી જોવાનું છોડી દઈશું અને સમગ્રને નિહાળીશું તો ખબર પડશે કે અસત્યનું અસ્તિત્વ જ નથી. ફક્ત ઇશ્વર અસ્તિત્વ ધરાવે છે, શેતાન તો આપણું સર્જન છે. ધર્મનો અર્થ શિસ્ત પણ છે. શિસ્ત એટલે પોતાના પૂર્વગ્રહો ત્યજીને શીખવાની પાત્રતા, શીખવાની તત્પરતા, શિક્ષણને સ્વીકારવાની તૈયારી, જેના ઉપરથી શિષ્ય શબ્દ બન્યો છે. ‘ધમ્મ’નો અંતિમ અર્થ છે ‘ તમારું અંત: સ્તલ, તમારું મૂળ તત્વ, તમારું સત્ય. જ્યારે મન અદ્રશ્ય થઇ જાય છે, અહંકાર અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે બચે છે અંતિમ સત્ય.

સત્ય એ એક અનુભવ છે, કોઈ સિદ્ધાંત કે પરિકલ્પના નથી. તેથી મારું સત્ય એ તમારું સત્ય ન બની શકે, તેને વહેંચી કે આપી ન શકાય કહી કે વ્યક્ત પણ ન કરી શકાય. સત્ય મેળવવાની રીત બતાવી શકાય પણ એ શું છે તે સમજાવી ન શકાય. દરેકે પોતાની રીતે જ એને સિદ્ધ કરવું પડે.

‘ધમ્મપદ’માં બીજો શબ્દ છે પદ, જેના ઘણા અર્થો છે. પદનો સૌથી મૂળભૂત અર્થ છે – માર્ગ. હું તમને રસ્તો ચીંધી શકું તેમ છું, હું એ બતાવી શકું કે મેં કઈ રીતે મારી મુસાફરી કરી, તેના આરોહ અવરોહ વિશે કહી શકું,  તેનો નકશો આપી શકું, પણ ત્યાં પહોંચ્યા પછી કેવી લાગણી થાય છે એવું તમને ન કહી શકું.

પદનો બીજો અર્થ છે -પગલું,પગ,પાયો. ‘ધમ્મપદ’ તરીકે સંચિત કરાયેલા સુત્રો બૌધ્ધિક રીતે નહીં પણ અસ્તિત્વની રીતે સમજવાના છે. તેનો ન્યાય તોળવાને બદલે તેને સમજવાની જરૂર છે. જ્યારે તમને એનું સત્ય સમજાઈ જશે ત્યારે બીજા પુરાવાની જરૂર નહીં રહે.  સત્ય ક્યારેય  દલીલ કરતું નથી કે નથી એ કોઈ ચર્ચાનો વિષય. મનથી અ-મન જવાનું પગલું એ જ  છે એક પદ અને એ જ છે ધમ્મપદનું રહસ્ય. અશુદ્ધતાનો અર્થ છે મન અને શુદ્ધતાનો અર્થ છે અ-મન. દુઃખ  સુષુપ્તાવસ્થાની આડ પેદાશ છે તો પરમ સુખ એ જાગૃતિની. જ્યારે જાગૃતિ આવે છે ત્યારે પરમસુખ પડછાયાની જેમ એની મેળે જ આવે છે.

જીવન વિચારવા માટે નથી જીવવા માટે છે. તમારે અનુમાન લગાવવાની જરૂર નથી, ફક્ત આંખો બંધ કરી એના સ્પંદનો અનુભવી શકો છો.  દુનિયાનો ત્યાગ કરવાની કે વિશ્વથી ભાગવાની જરૂર નથી, ઈશ્વર તરફ જવાનું છે, સત્યને પામવાનું છે. જુઠાણા તો લાખો છે એની સામે લડવામાં જિંદગી વેડફવાની નથી. સત્ય એક છે એટલે સત્યને તરત જ પામી શકાય તેમ છે. આ જીવન એટલું ક્ષણિક છે ત્યારે તમારી શક્તિઓ ઝઘડાઓમાં ગુમાવવાને બદલે તેના દ્વારા જીવનને પ્રકાશમય બનાવવું છે. ધ્યાન તમને જગાડશે, મજબૂત અને વિનમ્ર બનાવશે જ્યારે સાક્ષીરૂપ ચેતનાને સ્પર્શ કરવામાં આવે ત્યારે તમને તમારા અસ્તિત્વનું સત્ય આવીને મળે છે અને પ્રતીતિ થાય છે કે સાક્ષીભાવે રહેલો એ જ આત્મા દરેકમાં રહેલો છે -, પક્ષીઓ, વૃક્ષો અને ખડકોમાં પણ. જીવનને એટલી હદે ચાહો કે તમારી ચાહ તમને જાગૃત બનાવે.

‘ધમ્મપદ’નું શિક્ષણ માનવીયતાના કેન્દ્રને જગાડી શકે છે. પરિઘ ઉપર સરેરાશ મન ભલે સુતા રહે, પણ કેન્દ્રમાં જ્યાં બુદ્ધિ અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પ્રકાશ પ્રગટાવી શકાય તેમ છે. સમય પાકી ગયો છે, જ્યારે બુદ્ધ ક્ષેત્રનું સર્જન કરવાનું છે, એક એવું શક્તિનું ક્ષેત્ર જ્યાં શાશ્વત સત્યો ફરીથી ઉચ્ચારી શકાય. સત્યનું આ ચિંતન સૌના જીવનમાં પ્રકાશ પાથરે એ અભ્યર્થના સાથે આ વિશે વિશેષ ચિંતન આવતા અંકે….

રીટા જાની
08/04/2022

2 thoughts on “ઓશો દર્શન -11. રીટા જાની

  1. ઓશોદર્શન થકી ઘમ્મપદની અને સત્ય અનુભવવાની ચીજ છે ,ખૂબ સરસ રીતે સમજાવ્યું. અભિનંદન દિલથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.