સંસ્પર્શ -૧૧ -જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

યોન્ત: પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ્
સજ્જીવયત્ અખિલશક્તિધર: સ્વધામ્ના |
અન્યશ્ચહસ્ત ચરણશ્રવણ ત્વ ગાદીન્
પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ્ ॥
 
આવા ખૂબ સરસ અર્થવાળા શ્લોક થકી પરમને નમન કરી ,ધ્રુવદાદા તેમની અતરાપી નવલકથાની શરુઆત કરે છે.સામાજિક બંધનો,રીતરિવાજો,માન્યતાઓ,ધારણાઓ આ બધું એકબાજુ રાખીને પણ કંઈ સત્ય છે ,અને તે સત્ય શું છે તે જાણવું હોય તો સૌએ અતરાપી વાંચવી પડે.

ઉપરોક્ત શ્લોકનો અર્થ છે.સ્વધામ એટલેકે પોતાની જગ્યાએથી જે મારામાં પ્રવેશે છે.તે ભગવાન આપણે જેને માનીએ છીએ તે, પ્રસુપ્તામ એટલે સૂતેલા નહીં ,સુષુપ્ત નહીં,જાગવાની તૈયારી સાથે એટલે જમીનમાં પાણી નાંખો અને બીજ નાંખો એટલે તરત ફાટે એટલેકે જે જીવંત છે.સમય મળતાં,અનુકુળ વાતાવરણ મળતાં જે પ્રગટવાનું છે ,તે પ્રગટવા માટે તૈયાર મારી પ્રસુપ્ત વાણીને,મારી ત્વચાને,પ્રાણને,હાથ ,પગને આંખોને જે જાગૃત કરે છે ,તે પરમશક્તિને હું નમન કરું છું.આ શક્તિ આપણા સૌમાં એક જ છે.પૃથ્વી પરનાં બધાં જીવોમાં પણ તે પરમશક્તિ છે જ..એમ કહી નવલકથાની શરુઆતમાં જ ખાસ સંદેશ દાદા આપી દે છે કે દરેકે દરેક જીવમાં એક જ પરમનો વાસ છે તે તું સમજી લે.

ધ્રુવદાદાનાં દરેક નવલકથાનાં નામની જેમ અતરાપી પણ એક સાવ ન સાંભળેલું ,જુદું જ નામ છે. આ તળપદો શબ્દ ગામડામાં રોજનો બોલાતો શબ્દ છે. પહેલાંનાં સમયમાં ગામમાં કે પોતાનાં ફળિયામાં કોઈનાં પણ ત્યાં મહેમાન આવે તો પડોશીઓ તે મહેમાનને પોતાના ઘેર જમવા કે ચા પીવા બોલાવવા પોતાના બાળકને મોકલે. જાણીતો,પોતાનો ઓળખીતો,ગોળનો,કુટુંબનો હોય તો બાળક તેને પોતાના પિતાનું નામ દઈ મહેમાનને કહે કે ‘મારા ઘેર જમવા કે ચા પીવા આવજો ‘તેમ મારાં પિતાએ કહ્યું છે.પરતું કોઈ અજાણ્યો હોય તો બાળક કહે ,’અતરાપી છે. ‘એટલે તે આપણા ગોળનો કે આપણામાનો નથી. એટલે જે આપણો નથી તે અતરાપી.ઘ્રુવદાદાનું નવલકથાનું નામ પણ આપણે નજાણતાં હોઈએ તેવું અતરાપી એટલે આપણાથી અજાણ્યું છે. 

વાર્તાનો નાયક કોણ છે ? ખબર છે ? કૂતરો.એક કૂતરાનાં સંવાદ અને જીવન દ્વારા ધ્રુવદાદાએ બહુ બધું કહી દીધું છે. નવલકથામાં ગર્ભશ્રીમંતનાં ત્યાં રહેતી સદભાવિની કૂતરીને બે ગલૂડિયાં જન્મે છે. દયાળુ માલિકણ પૃથાના ભત્રીજાને આ તાજાં જન્મેલા બચ્ચાં બહુ ગમે છે ,તે એમને પોતાની સાથે લઈ જવાનું કહે છે પણ બચ્ચાંએ હજુ આંખ પણ નથી ખોલી એટલે ફોઈ ના પાડે છે. ભત્રીજો તેના નામ પાડે છે. સારમેય ,નાનાં ગલૂંડિયાનું નામ અને મોટાનું નામ

કૌલેયક.ફરી પાછી દેખાય ,ધ્રુવદાદાનાં નામની કમાલ.સારમેય કેટલું સરસ નામ છે નહીં? હા,પણ તમારા દીકરા કે દીકરીનું નામ ન પાડતાં કારણ એનો અર્થ છે ઈન્દ્રીયોનો કૂતરો એટલેકે ઈન્દ્રીયો રૂપી કૂતરો.કૌલેયક એટલે મોટો ઈન્દ્રીયોનો કૂતરો.

આમ એક કૂતરાને નાયક બનાવી દાદા વ્યંગાત્મક રીતે સૂચવે છે કે આપણે કેવી માન્યતાઓ,વાણી અને વર્તનનાં આપણાં સાવ અલગ અભિગમ,લોકોની એકબીજા પ્રત્યેની ચોક્કસ સંવાદો દ્વારા દર્શાવાતી લાગણીઓનું દર્શન,પશુ-પંખીની જેમ ઝાડ-પાનની પણ ભાષા હોય છે ,જે આપણે ક્યારેય સમજ્યાં જ નથી – જેવી અનેક વાતો ધ્રુવદાદા સારમેય જેવાં પરાણે વહાલાં લાગે તેવાં ગલૂડિયાનાં એક વાક્યનાં સંવાદમાં સમજાવી દે છે.નવલકથાનાં એક એક સંવાદમાં છૂપો ગૂઢાર્થ રહેલો છે.મીઠો સારમેય માલિકણ પૃથાને કહે છે,”માળીને ત્યાં ખાઉં છું તો તે મને પૂંછડી હલાવવાનું નથી કહેતો.અને અહીં તો પૂંછડી હલાવો નહીં તો ખાવાનું ન મળે ,આવું કેમ?”આ સંવાદ મૂકી દુનિયાનાં દરેક શ્રીમંત કે વગદારને ખુશ રાખવા નાના માણસોને કરવી પડતી ખુશામતની વાત કરી છે.

તોફાની સારમેય દોડતાં દોડતાં એક નાના છોડનું કૂંડું તોડી નાંખે છે.અને માળી સારમેયને કહે છે કે,”યે પૌંધે ક્યા કહતે હૈ સુન” ત્યારે તે પૂછે છે ,ફૂલ-ઝાડ બોલે છે? “ એની મા અને ભાઈ ના પાડે છે પણ માળી કહે છે કે તેઓ બોલે.સારમેય પૃથાને પૂછે છે.અને પૃથા કહે છે “જેવો જેનો અનુભવ.”સારમેય પૂછે છે અનુભવ એટલે શું? પૃથા કહે છે “,પોતે જાણવું,પોતે સમજવું તેવું કંઈક.”અને સારમેય પોતાનો અનુભવ પોતે જાતે અનુભવીને લેવાનું નક્કી કરે છે. આમ જીવનનો ,પરમનો,પ્રકૃતિ સાથેનાં સંવાદનો અનુભવ બીજાનું કહેલું સાંભળીને કે ધર્મગુરુઓની કરેલ કોઈ પોકળ વાત પરથી કે માત્ર શ્લોકો રટીને નહીં ,પરતું તેનો જાત અનુભવ કરીને જાણવી તેમ ધ્રુવદાદા મને કહેતા સંભળાય છે.

સારમેય એક નાનું ગલૂડિયું ,પોતાના સ્વભાવ વિરુધ્ધ ધ્યાનસ્થ થઈ પરમને અનુભવવાનો પ્રયત્ન કરે છે.અને ધ્યાન કરવાનાં સમય અને પરમનો અવાજ કેવીરીતે સાંભળવો તે દાદા સમજાવે છે આ વર્ણનમાં” પરોઢની નીરવ શાંતિમાં સારમેયે અચાનક ક્યાંકથી કોઈક અજાણ્યો ,સૂક્ષ્મ સ્પંદન સમો ,અશ્રાવ્ય સ્વર આવતો અનુભવ્યો. તે સ્વરને કોઈ ભાષા કે દિશા ન હતી. છતાં પણ સારમેયને લાગ્યું કે કોઈક તેની સાથે વાત કરવા માંગે છે.ક્યાંય સુધી તે પેલા સ્વરને સાંભળતો રહ્યો. પૂર્વમાં ઉજાસ પથરાયો.સારમેય પેલા કૂંડાંઓને સ્પષ્ટ જોઈ શક્યો. મૂરઝાએલા હતા તે બધાં જ છોડવાઓ ફરી તાજા થઈ મ્હોરી ઊઠ્યાં હતા.”જાણે સૂરજના એ પહેલા કિરણે છોડવાંઓને પ્રાણ પૂર્યા અને પરમનાં આ અનુભવને જોઈ સારમેય આનંદિત થઈ છોડવાઓને વહાલ કરવા ગળું લંબાવી તેમને વહાલ કરી પોતાની નાનકડી પૂંછડી હલાવવા લાગ્યો.

આવા સંવાદ વાંચી મારું રોમરોમ, કોઈ અનોખું સ્પંદન અનુભવી સારમેયની જેમજ પરમનો અનુભવ લેવા ઉત્સુક બને છે. સારમેયને હવે આ ઘરની બહાર નીકળી બહારની દુનિયા જોઈ તેનો અનુભવ લેવા જવાનું મન થાય છે. મા સદભાવિની અને ભાઈ,કૌલેયક તેને ના પાડે છે પણ સારમેય તો જુદીજ માટીનો બનેલો છે ,તે તો ઘરની બહાર નીકળી જાય છે.તેને આ બંધિયાર ઘરમાં શ્વાન થઈને રહેવામાં રસ નથી. અને ધ્રુવદાદા ગાઈ ઊઠે છે.

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા

જોતી રહી બજાર અમે ચાલતા થયા

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત

હર પળ દરેક હાલ અમે ચાલતા થયા

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે

એ પી લીધી શરાબ અમે ચાલતા થયા

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી

પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા

કોઈ મજાની રાત અજાણ્યા સ્થળે જડી

ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયા

આ હાથની લકીર હજી રોકતી હતી

પગનો હતો મિજાજ અમે ચાલતા થયા

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી

મંજિલની છોડ વાત અમે ચાલતા થયા

ધ્રુવદાદા જીવનસફરમાં ઘરની બહાર નીકળી ડુંગર પર,દરિયા કિનારે,ગિરનાં જંગલમાં જઈ પ્રકૃતિ સાથે રહી,તેની સાથે વાત કરી પરમને પામવાની કોશિશ કરે છે.અને ક્યાંય બંધાએલ રહ્યા વગર ,મુક્તિનો અનુભવ લેવા બંધનમુક્ત થઈએ તો જ પરમને ઓળખવાની કોશિશ થાય તેમ કહી ગાય છે,”રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત,હર પળ દરેક પળ ચાલતા થયા”કોઈની સાથે ક્યાં જવું છે ?તેની ચર્ચા કર્યા વગર,મંજિલ અંગે વાત પણ કર્યા વગર ,બસ પોતાની મસ્તીમાં પરમની શોધમાં ,ચાલતા રહેવાનું કહે છે.તેમની દરેક નવલકથા બીજા લેખકોની નવલકથા કરતાં એકદમ નોખી હોય છે.પ્રેમની વાત ખરી ,પણ લૌકિકપ્રેમ નહીં.તમે જેટલી વાર નવલકથા વાંચો ,તો દરેક વખતે કંઈ નવું પામો.તેમના ગીતો પણ સાવ અલગ, અલગારી તેમનાં જેવાંજ.

જિગીષા દિલીપ 

એપ્રિલ ૬ ,૨૦૦૨

1 thought on “સંસ્પર્શ -૧૧ -જિગીષા દિલીપ

  1. શહેરીજનો માટે સાવ અજાણ્યું અને ભાગ્યેજ વપરાશમાં આવતું નામ અતરાપી , નવી ઓળખ અને અવનવા અર્થ સાથે મૂકાય ત્યારે એ વિચાર, એ દૃષ્ટિ માટે ધ્રુવદાદા માટે વધુ ને વધુ અહોભાવ થાય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.