સંસ્પર્શ-૧૦-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtubeસમુદ્રાન્તિકે જ્યારે હું વાંચું છું ,ત્યારે તેમાં બધાંની જેમ મને ધ્રુવદાદાની નવલકથામાં ,અનુભવકથા,આત્મકથા કે પ્રવાસવર્ણન તો જણાય જ છે પણ મને સૌથી વધુ દેખાય છે ભારતનાં જ જુદાજુદા પ્રાંતમાં રહેતાં લોકોની સંસ્કૃતિભેદ.બે સાવ વિભિન્ન સંસ્કૃતિ – એક શહેરી ભણેલી ગણેલી સંસ્કૃતિ -જે પોતાની જાતને ,પોતાના વિચારોને,પોતાની માન્યતાઓને,પોતાની સમૃદ્ધિ અને જ્ઞાનને વિશેષ સમજી, અહંકારમાં મસ્ત છે.
તો બીજી દરિયાનાં ખારાપાટની અભણ,ગરીબ પ્રજા જે અંધ્ધશ્રધ્ધા સાથે પોતાની પરંપરાગત માન્યતાથી પોતાની મસ્તીમાં જીવતી પછાત પ્રજા છે.પરતું તેની સચ્ચાઈ અને પ્રેમસભર માનવતાવાદી નિર્મળ સંસ્કૃતિ કાબિલેદાદ છે.
નવલકથાનો નાયક કેમિકલની ફેક્ટરી નાંખવાનાં સરકારી પ્રોજેક્ટનાં કામે થોડા સમય માટે દરિયાકિનારાનાં લોકો સાથે રહે છે.બહારથી અભણ,અજ્ઞાન,ગરીબ અંધશ્રદ્ધાથી ભરપૂર લાગતા લોકોનાં ,ભીતરથી ચળકતાં હીરા જેવા હ્રદય, સંતોને શરમાવે તેવો પ્રેમથી ભરપૂર માનવતાવાદી વ્યવહાર,નાયકને પોતાની અંદર ઝાંખવાં પ્રેરે છે.
અવલ જેવી દરિયા કાંઠે રહેતી સામાન્ય સ્ત્રીનાં અસામાન્ય અદના વ્યક્તિત્વથી નાયક બેઘડી વિચારનાં વંટોળમાં ખોવાઈ જાય છે.એક અભણ સ્ત્રીનું વ્યક્તિત્વ આટલું સબળ? દરિયાકાંઠાનાં એક એક પાત્રો,અવલ,નુરભાઈ,ક્રિષ્ના,બંગાળીબાબુ,દરિયે ન્હાવા આવનાર માજી- દરેકે દરેકનાં નોખા વ્યક્તિત્વોની સાથે રહી નાયક છેવાડાનાં માણસોની જીવનરીતી અને વિચારોની ઊંચાઈથી અભિભૂત થઈ જાય છે.નાની બાળકીઓ દેવકી અને જાનકીનાં એક એક વાક્યમાં જાણે એકએક ઉપનિષદનાં વાક્યો અને શાસ્ત્રોનું ગર્ભિત જ્ઞાન નાયકને દેખાય છે.તેમનાં વાણી અને વર્તનની સચ્ચાઈ ,મેલા હ્રદયનાં શહેરી સમૃધ્ધ અને સાવ શુષ્ક હ્રદયનાં માનવ-માનવ વચ્ચેનાં ઝેર-વેર ઈર્ષા અને દેખાડાથી ભરપૂર લોકો કરતાં સાવ જ જુદાં છે તે સમજાઈ જાય છે.અને એક તોફાન ઊઠે છે તેનાં ઉરમાં.
અફાટ સમુદ્રનાં ભરતીનાં મોજાંનું પાણી ,વિચારોનું એક ધસમસતું ટોળું બનીને આવી નાયકનાં મનને આમથી તેમ ફંગોળી વિચલિત કરી મૂકે છે.નાયકની શહેરી સંસ્કૃતિના વામણા વિચારોનાં અંધકાર પર ખારાપાટનાં અભણ ,પરતું નિર્મળ હ્રદયનાં લોકોનાં અભિભૂત કરી નાંખતાં વિચારોનો અજવાસ કબજો કરી લે છે.શહેરી સંસ્કૃતિમાં મિલકત માટે સગીમાનાં પેટે જન્મેલ દીકરાઓ પણ કોર્ટે જાય છે ,અંદરોઅંદર મારામારી કરે છે.જ્યારે અહીં તો હાદા ભટ્ટ તેના ભાઈનાં દીકરા કેશા ભટ્ટને,જેને મરતાં સમયે તેના ભાઈએ હાદાની પત્ની ઉમાગોરાણીને સોંપેલો.હાદાએ પત્ની ઉમાગોરાણીની વાત સાંભળી સુલતાને આપેલ હવેલી,કૂવા સાથેની વાડીઓ,વજીફાં,જમીનો,ખેતરો બધુંજ કેશોને આપી દીધું.આવા ઈલમી આદમી ,નાયકે શહેરમાં સપનામાં પણ ક્યાં જોયા હતાં!બંગાળીબાબુનું કાંકરાં હાથમાં લઈ કહેવું,’ તેરી યા મેરી કિંમત ઈસે જ્યાદા નહીં હૈ’
સાંભળી કબીરવાણી યાદ આવી જાય છે,
“ મત કર માયા કા અહંકાર ,મતકર કાયા કા અહંકાર ,કાયા ગારસે કાચી” આખા જગતને જીતવા નીકળેલ સિકંદર છેવટે ખાલી હાથે નનામી પર ચડે છે અને માટીમાં ભળે છે.આટલી સાવ સાદીસીધી વાત નાના માણસો જેટલી સરસ રીતે જાણે છે એટલી ભણેલા દંભી લોકો,એ વાત જાણવા છતાં નાસમજની જેમ જીવન જીવે છે. આ છે એક જ પૃથ્વી પર વસતાં જુદાજુદાં લોકોનાં વિચારભેદ.દરિયાને માત્ર દરિયો નહીં પણ દેવ સમજનાર આ અભણ લોકોનું ગણિત તો જૂઓ ,”લાખો કરોડો જીવોને પોતાના પેટાળમાં પોશનાર દરિયો દેવ નહીં તો બીજું શું? “તેમનાં આવા ડગલે અને પગલે રજૂ થતાં વિચારો બેઘડી આપણને વિચારતાં કરી મૂકે છે!
આમ સમુદ્રાન્તિકેનાં એક એક પાત્ર દ્વારા બોલાએલ સંવાદો આપણને તેમની ભીતરની નિર્મળતા ,વિચારોની ઊચ્ચતા અને ચારિત્ર્યની સ્વચ્છતાથી નાયકનાં દિલોદિમાગની જેમ આપણને પણ પલાળી દે છે. શહેરી અને છેવાડાનાં લોકોની સાંસ્કૃતિક ભેદરેખાનાં છેદ ઉડાંડતાં હું શહેરી સંસ્કૃતિની વામણાઈથી શરમિંદગી અનુભવું છું અને નાયકની જેમ જ દરિયાને અને તેના પટ પર રહેતા ભોળાં માનવીઓને સલામ કરું છું.
અને હા, દરિયાકાંઠાંનાં લોકોની આવી આવી વાતો કરતાં ધ્રુવદાદા ગાઈ ઉઠે છે.
દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેના સરનામા હોય એવાં વણજાણ્યાં નામ છીએ આપણે
હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત એની ધરતીને સાંપડી સુગંધ
આપણો તો ક્લબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે
પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતાં કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકાં રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે
ધ્રુવદાદાએ આ ધ્રુવગીતમાં માનવ જાતને દરિયાની છાતી પર ઢોળાતાં યાયાવર પક્ષીનાં ગાન સાથે સરખાવ્યાં છે. યાયાવર પક્ષી એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ ખેડતાં,ટોળાંમાં ચિચિયારીઓ કરીને દરિયા પર ઊડતાં પક્ષીઓ છે.આપણે પણ ટોળાંમાં રહીને જીવન પસાર કરી એક જન્મ થી બીજા જન્મનાં ૮૪૦૦૦૦ લાખ ફેરાઓની ભવાટવીમાં પ્રવાસમાં મોજથી ફરી રહ્યાં છીએ. આપણાં જીવનસમદરની પારનાં સરનામા આપણી પાસે નથી.આપણે કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? ક્યાં જવાનાં છીએ ? એની કોઈ સાચી જાણ આપણને નથી.નથી આપણી પાસે ક્યાં જવાનાં છીએ તેનાં સાચાં સરનામા કે સાચા નામઠામ.
સમંદરની છોળો જેમ સમંદરમાં જ સમાઈ જાય છે તેમ આપણે આપણો મુકામ આપણી અંદર જ શોધવાનો છે.આપણું આ પૃથ્વી પરનું રોકાણ ,આપણો પ્રવાસ સાવ ટૂંકો છે તો જીવન આનંદનાં પ્રેમભરેલ આકાશને પાંખમાં ભરીને ચાલવાનું દાદા કહે છે.આ જીવન સાવ ટૂંકો પ્રવાસ છે તો તેના કિનારે બેસી મૌનનાં એકાંતને મોજનાં કલબલાટ થકી ,ટૂંકા રોકાણને યાદગાર બનાવી ,યાયાવર પક્ષીઓની જેમ દરિયાનાં પાણીની મસ્તી માણતાં માણતાં જીવનપ્રવાસ ઉજાળીએ.
જિગીષા દિલીપ
૩૦ મી માર્ચ ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૧૦-જિગીષા દિલીપ

  1. સમંદરની છોળો જેમ સમંદરમાં જ સમાઈ જાય છે તેમ આપણે આપણો મુકામ આપણી અંદર જ શોધવાનો છે…..કેવી સુંદર વાત! ધ્રુવ દાદાની કથા અને તમારી કલમે તેનો આસ્વાદ એક લ્હાવો છે , જિગીષાબેન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.