બિંદુર છેલે ને એટલે કે બિન્દુનો બેટો( બિંદુનો બેટો) શરદબાબુની આ વાર્તા સામાજિક વાર્તા છે.જેમાં એક સંયુક્ત લાગણીપ્રધાન કુટુંબની વાર્તા વિણાયેલી છે વિભક્ત કુટુંબમાં આજકાલ જોઈએ છીએ તેમ ઉપર છલ્લી લાગણીઓ જોવા મળે છે.
અહીં મિત્રો ,બે સગા ભાઈની જેમ રહેતા બે ભાઈઓની આજુબાજુ વાર્તા ફર્યા કરે છે ,પણ બે સગા ભાઈઓ ન હોવા છતાં એમ જ લાગે છે કે જાણે બંને સગા જ છે .સ્વભાવે અને રહેણી કરણીમાં ફર્ક હોય છે . માનવી માનવી વચ્ચે તે અહીં ખૂબ જ ગૂઢતાથી દ્રષ્ટિમાન થાય છે .જાદવ મુકરજી અને માધવ મુકરજી સગા ભાઇ ન હતા એ વાત તેમનાં કોઈપણ વાણી-વ્યવહાર વર્તનમાં દેખાતું નહીં .તેથી આ વાત તે બંને ભાઈઓ તો ખરા જ પણ ગામમાં પણ બધાં વિસરી ગયાં હતાં .મોટાભાઈ જાદવ મુકરજી નોકરી કરતાં ને પોતાનાં નાના સરખા કુટુંબનું પેટ ભરતાં સાથે સાથે નાનાભાઈ માધવને કાયદાની એટલે કે વકીલાતની પરીક્ષા સુધી ભણાવ્યો .તેને જમીનદારની એકની એક પુત્રી બિંદુરવાસિની સાથે પરણાવ્યો પણ હતો. તેણી ખૂબ જ સુંદર હતી ,સાથે સાથે દસ હજાર રૂપિયા નકદ પણ લઈને આવી હતી. તેના રૂપને જોઈ જેઠજી એટલે માધવના મોટાભાઈ તેને મા કહી બોલાવતા તેનાં આગમનથી ઘરમાં સૌને લક્ષ્મીનું આગમન થયું હોય તેવું લાગતું હતું .અંત સુધી જાદવ તેને પ્રેમથી ને માનથી જોતો રહ્યો .
જાદવની પત્ની અન્નપૂર્ણા પણ સ્વભાવે ભોળી ને સાવકાને પોતાના ભેદ ને યાદ ન રાખનારી હતી ,તે સમજુ હતી .તેણી દેરાણી બિંદુરવાસિનીને જોઈ ખૂબ ખુશ થઈ હતી તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં,પણ ત્રણ-ચાર દિવસમાં તો તેની સમજમાં દેરાણી નો સ્વભાવ આવી જ ગયો હતો.તેણી પોતાના પતિને ઠપકો આપી ચૂકી હતી કે રૂપ ને પૈસા સાથે ચાર ગણું અભિમાન અને રૂઆબ પણ સાથે લઈને આવી છે નાનીવહુ. જાદવના માન્યામાં ન આવ્યું. તે શાંત પ્રકૃતિનો હતો કચેરીમાં કામમાં ભલો અને ઘરે સેવા પૂજામાં. નાનોભાઈ દસેક વર્ષ તેનાથી નાનો હતો .નવી નવી વકીલાત શરૂ કરી હતી તે પણ પોતાની વહુથી અસંતોષ પામ્યો હતો. ભાભીને મા સ્વરૂપ માનતો. તેથી તેણી પાસે આવી પોતાનું દુઃખ રડતા બોલ્યો,” મોટાભાઈ ને શું માત્ર રૂપિયા જ વહાલા લાગ્યા એ તો હું પણ કમાય લાવત.” ભલો લાગતો આ માનવી પણ શાંતિ ઇચ્છતો હતો.
નાનીવહુ એટલે બિંદુરવાસિની ઉપર મુજબ રૂપે રૂપાળી પૈસે ટકે સુખી ને જમીનદારની એકની એક દીકરી હતી .તેણીને રૂપ સાથે જ ભગવાને એક શ્રાપ અર્પ્યો હતો .તેણીને કોઈ ઊંચે સાદે વઢતું નહિ, કારણ તેણીને ફીટ જેવું ભયંકર દર્દ હતું.એ જોઈ ઘરનાં બધાં ડરતા હતાં. ડોક્ટર બોલાવ્યા વિના છૂટકો જ નહોતો . નોકર ચાકર, બ્રાહ્મણી તો દૂર જ રહેતાં.તેથી હોશથી કરેલા આ લગ્નમાં મોટી ભૂલ થઈ ગઈ હતી એવું સર્વે જાણતા હતા.માત્ર તેના જેઠ તેણીને જગદંબા મા લક્ષ્મી કહેતા અને અંતે બધું આગળ જતાં સારું જ થશે એમ કહેતાં.
અન્નપૂર્ણા અને જાદવને એક દોઢ વર્ષનો પુત્ર હતો ,તેનું નામ હતું અમૂલ્યચરણ એકવાર નાનીવહુ કોઈ વાતે નારાજ થઈ ગઈ અને તેને ફીટ આવવાની તૈયારી જ હતી ને અન્નપૂર્ણા ને શું સૂઝ્યું કે પોતાના દીકરાને ઊંઘતો જ ઉપાડી લાવી ને તેણીનાં ખોળામાં નાંખી ત્યાંથી ચાલી ગઇ. અમૂલ્ય કાચી ઊંઘમાંથી જાગી ગયો અને ચીસો પાડી રડી ઊઠયો .બિંદુ મહા મહેનતે આંખો ઊંચી કરી બાળક ને જોતી રહી ને પછી પોતાની છાતી એ વળગાડ્યો અને ઘરમાં ચાલી ગઈ .ઘરનાં બધાં એ આ જોયું ને અન્નપૂર્ણાને તો દેરાણી માટે ફીટની અમોધ ઔષધિ જ મળી ગઈ .
અહીંથી આ બધાં પાત્રો વચ્ચે મૂળ વાર્તા શરૂ થાય છે .અન્નપૂર્ણા ઘરનાં બધાં કામને લીધે દીકરાને સંભાળી નહોતી શકતી . તેથી અમૂલ્યને ઉછેરવાનું કામ નાનીવહુ બિંદુરવાસિનીએ ઉપાડી લીધું. તેથીજ વાર્તાનું નામ શરદબાબુ એ રાખ્યું બિંદુર છેલે એટલે કે બિંદુનો બેટો . બિંદુ દીકરાને ઉછેરવામાં એવી પડી ગઈ કે તે ભૂલી જ ગઈ કે આ અન્નપૂર્ણાનો દીકરો છે .તેને દૂધ આપવાથી લઈ જમવાનું ,રમવાનું બધું જ સમય પત્રક મુજબ ચાલવા લાગ્યું.અન્નપૂર્ણાનો કોઈ હક્ક જાણે રહ્યો જ નહિ અને પરિણામે મોટો થતો અમૂલ્ય કાકીને મા અને મા ને દીદી કહી બોલવા લાગ્યો .
સમય જતા બિંદુરવાસિની દીકરામાં ઓતપ્રોત રહેવા લાગી ને તેની ફીટ આવવાની બંધ થઈ ગઈ .તેની ઇચ્છા મુજબ દીકરો શાળાએ બંગાળી છોકરાઓ ને શોભે તેવા વસ્ત્રો પહેરી જવા લાગ્યો. ક્યારેક તેનો નાનો મોટો ઝગડો ,બોલાચાલી અન્નપૂર્ણા સાથે થઈ જતી . અન્નપૂર્ણા તેને નાની સમજી માફ પણ કરી દેતી. તેના જેઠની તે લાડકી વહુ મા હતી.તેનો પતિ પણ તેને બહુ દુઃખી ન કરતો .બિંદુરવાસિનીએ જેઠજીની નોકરી છોડાવી તેઓને આરામની જિંદગી જીવવા પણ પ્રેરી દીધાં.નવું મોટું ઘર બનાવવા પણ ઉત્સાહિત કર્યા .
જીવન આમ આનંદ મંગલમાં ચાલી રહ્યું હતું.નવાં ઘરમાં સગાવાલા ને આમંત્રણ મોકલાય રહ્યાં હતાં .ત્યાં જાદવે તેની ફોઈયાત બહેનને જેનું નામ એલોકેશી હતું ,તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે બોલાવી .તેણી તેના પતિ અને પુત્ર નરેન સાથે આવી પહોંચી .નરેન અમૂલ્ય કરતા મોટો હતો .તેનામાં સંસ્કાર ની ખામી હતી .એ તોફાની ,ઘમંડી અને નાના-મોટાનું માન
ન રાખતો. ઘરની પૂજા વગેરે માટે આવેલી એલોકેશી ધામા નાખી ભાઈઓની ભલમનસાઈનો લાભ લઇ રહી હતી .દીકરાને ત્યાં પાઠશાળામાં દાખલો લઈએ ભણવા પણ મૂકી દીધો.નરેનના લક્ષણો જોઈને બિંદુરવાસિની પોતાના પુત્ર અમૂલ્યને દૂર રાખવા ઈચ્છતી .
એકવાર નરેન સાથે તોફાન કરતા અમૂલ્ય શાળામાં પકડાયો, તેને રૂપિયા બેનો દંડ થયો પોતાની માથી તે ડરતો હતો,તેથી તેણે દીદી પાસેથી રૂપિયા લીધાં. દંડ ભર્યો. આ બનાવ ઘરની પૂજા પહેલાં જ બનેલો સ્વભાવગત બિંદુરવાસીની અન્નપૂર્ણા ને જે તે સંભળાવી ગઈ એટલે સુધી કે પિતા સમાન જેઠજી ઘરમાં બેસીને ખાય છે સંભળાવી દીધું .અન્નપૂર્ણા સ્વમાની હતી ,તેણીએ મનોમન નક્કી કરી દીધું કે પતિ નોકરી કરી લાવશે તોજ તે જમશે .દિયરની કમાણીનો એક દાણો પણ મોંમા નહિ મૂકે .આખરે જાવેદે નોકરી શરૂ કરી . પૂજાને દિવસે બિંદુરવાસિની હસતું મોઢું રાખી બધાંની
આવભગત ભારી મને કરતી રહી,કારણ જેઠજી, અન્નપૂર્ણા અને ત્યાં સુધી કે જેને દોઢ વર્ષથી આટલો મોટો કરેલો અમૂલ્ય પણ આ પૂજાનાં સમયે હાજર ન હતા . એકદમ આઘાતથી તેણી બોખલાય ગઈ હતી. બિન્દુરવાસિની બધું જ અસમંજસમાં કરતી રહી.તેનો પતિ માધવ ભાભી ને લઈ આવ્યો તેણી આવી પણ અન્નનો એક દાણો કે પાણી તેણે મોઢામાં ન નાખ્યાં ને રાત્રે પાછી ગઈ .
અમૂલ્ય શાળાએ નવા ઘરવાળા રસ્તે થઈને જ હતો ,પણ લાલ છત્રી આડી રાખીને બિંદુરવાસિની તેને દૂરથી જોતી રહેતી. થોડા દિવસથી તે પણ ત્યાંથી નહોતો જતો નરેન ને પૂછતાં તેને ખબર પડી કે તે શરમનો માર્યો અહીંથી પસાર નથી થતો .તેના થર્ડમાસ્તરે તેનો કાન આમળ્યો હતો .બિંદુથી રહેવાયું નહિ તે ભડકી ઊઠી કે કોઈએ તેને હાથ કેમ લગાડ્યો? તેની મનાઈ હોવા છતાં. અમૂલ્ય માટે કોઈ ખાવાનું નથી આવતું એ જાણી તેણીએ પણ જાણે જમવાનું છોડી દીધું તેને જાદવ નોકરી કરે છે એ જાણીને આઘાત લાગ્યો તેને લાગ્યું પતિથી માડી સર્વેએ તેનો જાણે ત્યાગ કર્યો છે .બિંદુનાં પિતાના ગંભીર માંદગીનાં સમાચાર આવ્યા. તેણી પિયર જવા માંગતી હતી ,તેને જવું પડે તેમ હતું .તે કદી જેઠ જેઠાણીની મંજૂરી વગર કે અમૂલ્યને મૂકી ગઈ નહોતી .જાદવે પોતાની મંજૂરીનો પત્ર મોકલ્યો. તે પાલખીમાં બેસી જતાં જતાં બોલી ગઈ ,”આ જાત્રા છેલ્લી થાય તો સારું .” એ અન્નપૂર્ણા ને દુખમાં ધકેલીને ગઈ.જાદવને ન ગમ્યું ,તેણે અન્નપૂર્ણાને સંભળાવ્યું,”મોટી થઈ તેં એની ભૂલ માફ ન કરી ,તું મોટી શાની?”
ત્યારબાદ સમાચાર આવ્યા બિંદુરવાસિનીને ત્યાંથી ,તેણીએ અન્નજળ ત્યાગ્યા છે .અંતિમ દિવસો છે. માધવ જઈ પહોંચ્યો હતો તેણે તેને પૂછ્યું ,”તારે કોઈ ને મળવું છે ?”પણ એક ખોટો અહંકાર ગળે વિંટાળી લઈ તેણીએ મક્કમ મને ને દ્રઢતાથી ના કહી દીધી. છતાંય સમજદારી દાખવી માધવ પાછો ઘરે આવી દાદા ,ભાભી અને અમૂલ્યને લઈને આવ્યો. માધવે બધાં આવ્યાના સમાચાર આપ્યાં. અન્નપૂર્ણા તેની પાસે તેના માથા આગળ બેઠી તેણીએ મોં ફેરવી લેતા અન્નપૂર્ણા એ કહ્યું ,”જો જેઠજી જાતે તને લેવા આવ્યા છે.”
બિંદુરવાસીનીને તાવ હતો .તેણી દીદી ને પહેલાં માફી આપવાનું કહેતી કહેતી અટકી ગઈ .જાદવે ને અન્નપૂર્ણાએ તેને ઘરે આવવા આગ્રહ કર્યો. મોંઢાપર ઓઢેલી ચાદર અને તેના કૃશ ચહેરાને જોઈ જાદવે કહ્યું કે આમજ એક દિવસ જ્યારે તમે આવડા એક હતાં ને ત્યારે હું જ આવીને તમને મારા સંસારની મા લક્ષ્મીને લઈ ગયો હતો. ફરી તેડવા આવવું પડશે તે નહોતું ધાર્યું ,પણ મા તેડવા આવ્યો છું તો લઈને જઈશ,નહિ તો ફરી ઘરમાં પગ નહિ મૂકું ,તમે જાણો છો હું કદી જૂઠ્ઠું નથી બોલતો. આ વાક્યો સાંભળી શરદબાબુની એ નાદાન નાયિકા બિંદુરવાસિની અન્નપૂર્ણા ને બોલી ઊઠી ,”લાવો દીદી શું ખવડાવવું છે?અને અમૂલ્યને મારી સોડમાં સુવડાવી દો તમે બધાં જઈને આરામ કરો .હવે ભાઈ હું નથી મરવાની .”
મિત્રો આમ સુખદ અંતવાળી આ નવલકથા લોકોને એટલી પસંદ આવી કે શરદબાબુ પણ એકવાર આશ્ચર્યચકિત થઈ ગયા હતાં, કારણ કરૂણાંતવાળી વાર્તાઓ રચનારે એક સુખાંત વાર્તા રચી હતી.નાના અહંકારના ટકરાવમાં કુટુંબ વિખરાયું પણ મોટીવહુ
અન્નપૂર્ણાનાં ઝૂકાવે ફરી પાત્રોને હસતાં રમતાં કરી દીધાં, માધવની જીદ હારી ,તો અમૂલ્યની મૂંઝવણ દૂર થઈ નાદાન બિંદુરવાસિનીની અંતિમ સમજદારી દ્વારા એક સામાજિક વાર્તાનો સુંદર અંત દર્શાવી શરદબાબુની બિંદુર છેલે એટલે બિન્દુનો બેટો અમર થઈ ગઈ .
અસ્તુ.
જયશ્રી પટેલ
૨૭/૩/૨૨
સુંદર ભાવસભર વાર્તા… જુદાં જુદાં વિચારો ધરાવતી વ્યકિત ઓની સરસ કથા… અભિનંદન 💐
LikeLiked by 1 person
ખૂબ સરસ શબ્દોમાં છણાવટ બહેન…ખૂબ ગમ્યું.વંદન
LikeLike
સુખાંત વાર્તાઓ મને પ્રિય છે. ખૂબ સુંદર! અભિનંદન જયશ્રીબેન.
LikeLike
જયશ્રીબહેન,બિંદુર છેલે વાર્તાનાં કેટલાય સબળ પાસાને આલેખી રસપ્રદ રજૂઆત કરી છે.
LikeLike
I enjoyed katha, simple n very nicely written
LikeLike