ઓશો દર્શન-8. રીટા જાનીજીવનની હર પળ એક રંગછટા પ્રસ્તુત કરે છે. આ રંગછટાઓ એકત્ર થઇને આપણા જીવનને આનંદથી પૂર્ણ અને જીવંત રાખે છે. કોઈને ઉષા અને સંધ્યાના સંગમાં આ વૈભવનો અનુભવ થાય તો કોઈને નદી અને સાગરના સંગમના સંગાથમાં પૂર્ણતા દેખાય. આવી જ પૂર્ણતા એટલે ધરતી અને આકાશનો મિલાપ, જે ક્ષિતિજ પર જોવા મળે અને મનમાં પ્રશ્ન ઉઠે કે આકાશની મહત્તાના ગુણગાન કરીએ કે ધરતીએ આપેલા અવિરત આધારને વખાણીએ …દર્શનની ભિન્નતા છે પણ વિશ્વની પૂર્ણતાને પામવી હોય તો મનનું ખુલ્લાપણું પણ જોઈએ અને હૃદયની સંવેદના પણ. આવી સંવેદના અને વિશાળ મનની સાથે જો આસપાસ નજર કરીએ તો એક …ના.. ના અનેક વ્યક્તિઓના આપણા જીવનમાં યોગદાન છે. પુષ્પોનો પરિમલ કદાચ માણી શકાય છે પણ આ સુવાસનું મૂળ પકડી શકાય નહિ. સુવાસ વહે અને અવિરત વહે…આવી જ સુવાસ આપણા સહુના જીવનને પ્રેમસભર, ગુણસભર અને જીવંત બનાવે તો તે હશે …એક સ્ત્રી …સ્વરૂપ ગમે તે હોય – માતા, બહેન કે પત્ની-મહત્તાનું ગુણગાન કદાચ અધૂરું રહેશે, શબ્દો ખૂટશે પણ અનુભવોની કિતાબના પર્ણો નહિ ખૂટે. અને આ અનુભવ, આ જીવંતતા એટલે જ સ્ત્રી.

8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં મહિલાઓ વિશેષ ચર્ચામાં રહી. ઓશોએ પણ સ્ત્રી માટે ઘણું કહ્યું છે. ઓશો કહે છે સ્ત્રી અને પુરુષ સાથે જ રહે છે છતાં એવું કશું સ્ત્રીની ભીતર રહેલું છે જે હંમેશા અપરિચિત રહી જાય છે. આ જ છે સ્ત્રીનું રહસ્ય. મોટા ભાગે સ્ત્રી પ્રતીક્ષા કરે છે, આક્રમણ નથી કરતી. સ્ત્રી નિમંત્રણ આપે છે, પણ તેની કોઈ રૂપરેખા જોવા મળતી નથી. સ્ત્રી હાથ ફેલાવે છે, પણ એ હાથ દેખાતા નથી. સ્ત્રી આકર્ષે છે, પણ એ ફક્ત અહેસાસ છે. સ્ત્રી અને પુરુષના ના પાડવામાં ફેર છે. સ્ત્રીના વ્યક્તિત્વમાં ઘણું ઊંડાણ છે. સ્ત્રી ઘણી શક્તિશાળી છે, એટલે જ કદાચ પ્રકૃતિએ જન્મ અને પાલન પોષણની જવાબદારી સ્ત્રીને આપી છે, જે તે બખૂબી નિભાવે છે. સ્ત્રી કમજોર નથી ખૂબ શક્તિશાળી છે. પરંતુ વિશ્વભરમાં વર્ષો સુધી તેને દબાવવામાં આવી, તેની શક્તિઓને પ્રગટ થતા રોકવામાં આવી અને તેને એવું કહેવામાં આવ્યું હંમેશા તેને પુરૂષના ખભાની જરૂર છે. ખરેખર તો પુરુષ કરતાં સ્ત્રી વધુ શક્તિશાળી છે. ઓશો કહે છે જેણે સ્ત્રીના રહસ્યને જાણ્યું અને સમજ્યું, જેણે સ્ત્રીના સમર્પણને સમજ્યું તે વ્યક્તિ જગતના સત્યને પામી શકે છે, પરમાત્માને પામી શકે છે. સ્ત્રીની શ્રેષ્ઠતમ ગરિમા મા તરીકે છે. પત્ની બનવા કંઇક કરવું પડે છે. મા બનવા કાંઈ કરવું નથી પડતું, એ જાતે જ પ્રગટે છે. વિશ્વનો સૌથી નિસ્વાર્થ, સુંદરતમ સંબંધ મા છે.

ઓશો નારી અને ક્રાંતિની વાત કરતાં કહે છે કે ઉછેર સમયે જ સમાન વાતાવરણ મળે એ જોવું જરૂરી છે. ખાસ કરીને ભારતમાં તો એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે ફક્ત મિત્રતાનો સંબંધ હોય તો એ શંકાની નજરે જોવાય છે. સહશિક્ષણ આપતી શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અલગ બેસાડવામાં આવે છે. નારી ફક્ત તેના સ્ત્રી હોવાના કારણે પોતાના અધિકારથી વંચિત ન રહે એ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી એ છે કે નારી હોવાના કારણે તેને પ્રાથમિકતા મળવી જોઈએ એ અધિકાર પણ છોડવો જોઈએ. એ માટે નારીએ સૌથી પહેલા પોતાના તમામ વિશેષાધિકારો છોડવા પડશે. જેમ ચમેલીએ ગુલાબ બનવાની જરૂર નથી તેમ નારીએ ન તો પુરૂષ સમોવડી બનવાની જરૂર છે કે ન પુરુષ સાથે કોઈ હરીફાઈની જરૂર છે. નારીએ તેનું સ્વત્વ, પોતાપણું, તેનું મૂળભૂત ઉમદા વ્યક્તિત્વ જાળવવાનું છે અને તેને મુક્તપણે ખીલવવાનું છે. જરૂર છે ફક્ત એટલી કે તેણે પોતાના અસ્તિત્વની ઘોષણા કરવાની છે. સમાજે પણ સાચા અર્થમાં તેના અસ્તિત્વને સ્વીકારવાનું છે. નારી કમજોર નથી. એ રસ્તા પર નીકળે ત્યારે કોઈ અપશબ્દો બોલી જાય, છેડતી કરે, બળાત્કાર કરે એવા ડરમાંથી મુક્તિ મળે ત્યારે સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ યથાર્થ બનશે. આ માટે સમાજે બાળપણથી જ જે અદૃશ્ય ભેદરેખા ખેંચી છે તેને ભૂંસી નાખવી પડશે. સંસ્કાર અને સંસ્કૃતિના ઓઠા હેઠળ પોતાનો હક દાવો જતો કરવો એ સ્ત્રી માટે મહાનતા છે એવું સ્ત્રી પોતે પણ માનવા લાગે છે અને દીકરાનો જન્મ થાય તો હજુ પણ પરિવાર માટે એ વિશેષ આનંદ કે ગૌરવનો વિષય છે એ માન્યતા ધરમૂળથી બદલવી પડશે.

ઓશો દર્શન એ વિચારોની ચિનગારી છે. ઓશો એ ચિંતન અને વિચાર પ્રેરનાર છે. વર્ષો સુધી સ્ત્રી પતિ પાછળ સતી તરીકે આગમાં હોમાઈ, પવિત્રતા સિદ્ધ કરવા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી, ધર્મરાજ દ્રૌપદીને દ્યુતમાં હારી ગયા, આજે પણ વિધવાઓની સ્થિતિ શોચનીય છે અને પતિ સ્ત્રીનો સ્વામી છે! જીવન એ દરેક વ્યક્તિનો આગવો અને અંગત અધિકાર છે – સ્ત્રી હોય કે પુરુષ. સમાન તકો પ્રાપ્ત કરીને શક્તિને ખીલવવાની છે અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને માનવજાતિને અદભુત ક્ષણો તરફ અગ્રેસર કરવાની છે. આ પ્રાપ્ત કરવું હશે તો સ્ત્રીને ઘૃણિત માનીને નહિ થઈ શકે પણ સન્માનની પાત્રતા સાથે જ થઈ શકે. વળી આ સન્માન એ કોઈની પાસેની યાચના નથી. આ સન્માન એ એક સ્વત્વની, સ્વતંત્રતાની ભાવના છે અને આ ભાવનાના વિકાસ માટે સમાજનાં ધોરણોની સુયોગ્ય જાળવણી જરૂરી છે. આ સુયોગ્યતા વિકાસની સુયોજિત તકો પ્રગટ કરશે. આ ક્યારે થઈ શકે? જ્યારે સમાજ સ્ત્રીની શક્તિનો સુયોગ્ય પરિચય પામે ત્યારે. સ્ત્રી એ પરિચિત છતાં અપરિચિત છે. જ્યારે તમે સ્ત્રીની જીવંતતા એક માતા તરીકે, પત્ની તરીકે કે બહેન તરીકે અનુભવો ત્યારે સ્ત્રીનું જીવંતપણું પ્રગટ થાય છે. તમે અપરિચિતપણામાં કંઇક પ્રગટ કરો છો અને પૂર્ણતા તરફ ગતિની શરૂઆત થાય છે. જે બાલિકા ગઈ કાલ સુધી તમારી પુત્રી તરીકે પ્રેમને પાત્ર હતી તે હવે ક્યાંક કોઈના જીવનસાથી તરીકે પ્રેમની નીતનવી રંગોળી પૂરી કોઈ સંસારને મહેકાવવા સજ્જ છે. આ સજ્જતામાં જ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતૃવાત્સલ્ય પ્રગટ થાય છે. આ અનુભવની ગંગોત્રીની અનુભુતિ જો તમને ક્યારેક માતાના હાલરડાંમાં થઈ હોય તો જીવનને સફળ ગણવા કોઈ પણ સમૃધ્ધિ કે દોલતની જરૂરત નથી. આવું જ અમૃત ક્યારેક કૌટુંબિક પ્રેમના પાયામાં હોય તો જીવન પૂર્ણતાની કક્ષાથી દુર નહિ હોય. શું આ બધાનો ઇન્કાર કરીને માનવજાત વિકાસ કરી શકે ખરી? વિદ્રોહ ક્યારેય તૃપ્તિ નહિ આપી શકે. જ્યારે સ્ત્રીના આત્માનો સ્વીકાર થશે, ક્રાંતિ થશે ત્યારે જ સ્ત્રીને તૃપ્તિ મળશે. પ્રેમ હંમેશા સમાન સ્તર પર સંભવી શકે. ત્યારે જ મકાન એક ઘર બનશે, જીવન એક સુગંધ બનશે, પ્રાર્થના બનશે, સંગીત બનશે. સૂર્ય રોશની અને પ્રકાશ છે તો ચંદ્ર શીતળતાનો એહસાસ છે. સમાનતાના સૂત્રો કરતાં સભાનતાની ક્ષણો વધુ પરિણામદાયી બનશે. સ્ત્રીનું સ્વાતંત્ર્ય એ સમાનતાના પશ્ચિમી ખ્યાલના બદલે વિકાસના સોપાન તરીકે જોવામાં આવે તો સફળતાનું રહસ્ય એ રહસ્ય નથી પણ જીવન મંત્ર છે.

આ જીવન મંત્ર સાથે જીવન એક અનુભવ બને. અનુભવ એ દર્શન પણ નથી અને પ્રદર્શન પણ નથી. એ છે સાક્ષાત્કાર. સ્ત્રીનો સાક્ષાત્કાર એ છે જીવનનો ઝંકાર. દરેક ઝંકાર સુરોની મહેફીલનો અનુભવ છે, ઉપવનમાં વહેતા મંદ મલયાનિલની સુવાસ છે, ઘર એ સ્ત્રી અને પુરુષના સંવાદી સુરોની જુગલબંદી છે, આશા અને અરમાનોની પ્રાર્થના છે.
સંવાદિતા સજાવીએ , જીવનમાં પુષ્પ પરાગ મહેકાવીએ, સાર્વત્રિક વિકાસના સ્વપ્ન સોપાન પર સહપંથી બનીને જીવનની પ્રત્યેક પળ ઉજ્જવળ બનાવીએ તો યુગો સુધી આ સુવાસની મહેક રહેશે. નારી બને પ્રેરણાવારિ તો મહેકે જીવન ફૂલવારી.

રીટા જાની
18/03/2022

4 thoughts on “ઓશો દર્શન-8. રીટા જાની

 1. જેમ ચમેલીએ ગુલાબ બનવાની જરૂર નથી તેમ નારીએ ન તો પુરૂષ સમોવડી બનવાની જરૂર છે કે ન પુરુષ સાથે કોઈ હરીફાઈની જરૂર છે. નારીએ તેનું સ્વત્વ, પોતાપણું, તેનું મૂળભૂત ઉમદા વ્યક્તિત્વ જાળવવાનું છે અને તેને મુક્તપણે ખીલવવાનું છે.

  વાહ બહેન ઓશોના શબ્દો ને
  તમારું શબ્દાંકન અને નારીની ગદ્ય નહિ જાણે પદ્યમાં અભિવ્યક્તિ🌹

  જયશ્રી પટેલ

  Liked by 1 person

  • ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ અને પ્રોત્સાહન માટે.

   Like

 2. સ્ત્રી સ્વાતંત્ર્ય અને નારી શક્તિનો સાચો અર્થ ઓશોદર્શન દ્વારા આપે સરસ રીતે સમજાવ્યો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.