મિત્રો,
અકૂપારમાં ડોકિયું કરી આપણે ગીરનાં લોકોનાં હ્રદયની સરળતા,સહજતાને પારદર્શીતાને માણી,તેમની બોલીની મીઠાશને અને ગીરની મહેમાનગતિ માણી અને સૌથી વધુ આખું ગીર જાણે એક જ કુંટુંબનું બનેલું હોય તેવું માણસોનું એકબીજા સાથેનું ,તેમજ ગીરની પ્રકૃતિ સાથેનું,સાવજ,રોઝડા,ગિરવણ ગાયો ,ભેંસોં સાથેનું અનોખું જોડાણ પણ આપણને જીવન જીવવાની જાણે નવી રીત શીખવી ગયું.આપણે પણ આ જગતને “વસુધૈવ કુટુંમ્બકમ્” ની ભાવનાથી જોતાં શીખીv જઈએ તો આ યુધ્ધો,વેરઝેર સૌ શમી જાય અને સર્વત્ર શાંતિ ફેલાઈ જાય.
ચાલો ,હવે આપણી યાત્રા આગળ વધારીએ દરિયા સાથે. હા ,વાત કરીએ સમુદ્રાન્તિકેની.
સમુદ્રાન્તિકે એટલે સમુદ્રકિનારે વસતાં લોકોની અને અગાધ,અફાટ ,નિત્ય નવીન દેખાતો,મોજ કરતો અને મોજ કરાવતો ધ્રુવદાદાનાં પ્રિય દરિયા વિશેની.ધ્રુવદાદાનું બાળપણ જાફરાબાદનાં દરિયા કિનારે થોડો સમય વિતેલું. અને દાદાને દરિયો ખૂબ ગમે. એકવાર તે તેમના પિતા સાથે દરિયા કિનારે ચાલતા ,ચાલતા જતા હતા અને બાળક ધ્રુવે વિસ્મય સાથે તેમના પિતાને પૂછ્યું કે ,પપ્પા ,આમ ચાલતા ચાલતા આગળ ચાલ્યે જ જઈએ તો ક્યાં પહોંચાય?તેમના પિતાએ કહ્યું કે એ તો જઈએ તો ખબર પડે! અને આ જઈએ તો ખબર પડે તેમાંથી જ ક્યાંક આ શરુ થઈ દરિયા કિનારાની ધ્રુવદાદાની સફર.
તેમણે તેમની દરિયા કિનારે ,દરિયાને માણતાં માણતાં ,દરિયા પાસેથી,દરિયા કિનારાનાં લોકો પાસેથી તે જે કંઈ શીખ્યા અને તે અનુભવની વાત એટલે સમુદ્રાન્તિકે.મિત્રો સાથે ,તેમણે પ્રથમ જાફરાબાદથી પૂર્વ તરફ ગોપનાથ અને તેની વિરુધ્ધ દિશામાં પશ્ચિમ તરફ દીવ,સોમનાથ,ચોરવાડ,પોરબંદર,હર્ષદ,દ્વારકા સુધી તેમણે પ્રવાસ કર્યો .તેમની પ્રવાસની શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય ત્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે ચાલવું , રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું.સમુદ્રાન્તિકેમાં દરિયો કથાનું પાત્ર કહો તો પાત્ર અને પૃષ્ઠભૂમિ કહો પૃષ્ઠભૂ છે.અને દરિયાની સાથે ચાલતા ધ્રુવદાદા તેમને દરિયા સાથે રહી શું અનુભવાય છે ?તેનું સુંદર ગીત પણ ગાયું છે, તો ચાલો સંભળાવું દરિયાનું ગીત.
દરિયાની કોઈ વાત વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોયે દરિયાની જાત એક પાકી.
કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ.
દરિયો દિલદાર તમે માનો તે સાચ કહી આવતો રહેશે રોજ રોજ.
પીર છે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
દરેક માનવ પોતાના મનનાં પ્રતિબિંબની જેમ પ્રકૃતિને નિહાળે છે. દરિયાનાં મોજાંને ઉછળતું ,કૂદતું કિનારા તરફ આવી રહેલું જોઈને કોઈક દુ:ખીયારાને દરિયો પોતાની વેદના ઉલેચતો ખારું ફીણ ઓકી રહેતો લાગે છે,તો મનમોજી ઇન્સાનને દરિયામાં મોજ ઊભરાતી દેખાય છે.આપણા ધ્રુવદાદાનાં પેલા ઓચિંતા મળેલા માણસને જીવનમાં લાગે છે તેવી.ધ્રુવદાદાને દરિયાની એટલે કે દરિયા કિનારે વસતાં લોકોની કોઈ વાત સામાન્ય વાયકા નહીં પણ દરેક વાત સાચી લાગે છે……
સમુદ્રાન્તિકેની વાત ટાંકીને કહું તો,તેનો નાયક એક સરકારી ઓફીસરના પરિવેશમાં ,કેમિકલની ફેક્ટરી કરવા દરિયા કિનારે જમીન જોવા આવ્યો છે અને મહાનગરની સભ્યતા નિભાવતો ,નાનકડી બાળકી જાનકીને તેની નાની અમથી વાડીનાં કૂવા પરની ડોલ ,પાણી કાઢવાં લેવા પૂછે છે કે “બહેન,તારી ડોલ લઉં?”અને એ દરિયાપાટની સભ્યતા સમજાવતી ન હોય તેમ જાનકી બોલે છે ,” તે લૈ લે ને ,આંય તને કોઈ ના નો પાડે.”અને એ બાળકીનાં તુંકારામાં નાયક તેની પદવી,તેની શહેરી સભ્યતા,કેળવણી બધું ભૂલી ,જાણે ઘોડિયે સૂતેલા બાળક જેવો બની જાય છે.નાયક રૂપે રહેલા ધ્રુવદાદા સમગ્ર ચેતનામાંથી મુક્ત ,નિર્બંધ બની વાડીનાં લીલાંછમ પર્ણોની લીલાશમાં ભળી લીલોછમ્મ આનંદ મનભરી માણે છે.કૂવામાંથી કાઢેલા પાણી જેવા પાણીનું દર્શન અને સ્પર્શમાં પણ તેમને કોઈ અલૌકિક સુખ અનુભવાય છે.
જ્યારે મહેમાન નાયકનાં જાનકીની મા દુ:ખણાં લે છે ત્યારે દરિયાપાટનાં ,આ અત્યંત ગરીબ પણ દિલનાં અમીર લોકોની શહેરનાં લોકો સાથે સરખામણી કરતાં ધ્રુવદાદા તેમનાં હ્રદયની પ્રેમ નીતરતી સચ્ચાઈ પર વારી જાય છે. જેની સાથે કોઈ લેવાદેવા નથી એવી વ્યક્તિનાં દુ:ખ પણ દુ:ખણા લઈ પોતાને શીરે લઈ લેતાં આ માનવીઓની માનવતાથી દાદા પ્રભાવિત થઈ તેમનાં હ્રદયની ભાવના પર ઓવારી જાય છે.અને તેમના મુખમાંથી ગીત સરી પડે છે…..દરિયાની વાત કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
આગળ ધ્રુવદાદા ગાય છે,”પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.”
પથ્થરમાં પીર કે ભગવાન જોનાર માણસ પણ એ ભગવાનને પોતાની ભીતર જોતાં શીખી લે છે ત્યારે તે જીવનની સચ્ચાઈને જાણી લે છે.આમ દરિયા સાથે ,તેના મોજ ભરેલા મોજા સાથે એકમેક બની દાદા તેમનાં જીવનચિંતન ,મનનનાં હિલોળાં લે છે તેમાં અદીઠ , અગમ્ય અનાહતનો અનુભવ કરી આપણને પણ તે અનુભવ કરવા પ્રેરે છે.
આપણે જે આજકાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજૂનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
દરિયા કિનારે રહેતાં ખારવાઓ દરિયાને દેવ ગણે છે અને તેમને તેમના દેવ પર અતૂટ વિશ્વાસ હોય છે.દાદા તે વિશ્વાસને અકબંધ રાખતાં ખૂબ સરસ વાત કરે છે. દરિયાને જૂનો જોગી કહી કહે છે.જન્માંતરથી અવિચળ,અનંત વહેતો હાજરાહજૂર દરિયો અવિનાશી છે ,આપણી આવરદા તો સાવ તેના પ્રમાણમાં ઓછી કે સાવ કાચી છે તો આ જોગંદરની બધી વાતોતો સાચી જ હોયને? ધ્રુવદાદાની સાથે આ સમુદ્રની સફર કરતાં તેમના ગીતોને સાંભળતાં આપણે પણ ચિંતનનાં દરિયે પહોંચી કોઈ મૌનની ભાષાને ઉકેલવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. સાગરની સાથે ભીતરમાં રહેલી કોઈ અનોખી સંવેદનાઓની મોજને અનુભવી ,અવિનાશી અહાલેક સાંભળી તરબતર થઈ જઈએ છીએ.દરિયો આપણને પણ સાદ કરી બોલાવતો સંભળાય છે. આપને પણ આવો અનુભવ કરવો હોય તો વાંચો તેમના પુસ્તક અને ગાઓ તેમના ગીત.
જિગીષા દિલીપ
૯ મી માર્ચ ૨૦૨૨