ઓશો દર્શન -7. રીટા જાની

wp-1644023900666જીવન અનેક અદ્ભુતતાઓનો સમન્વય છે. એ અદ્ભુત જીવનનું સત્ય ન જાણીએ ત્યાં સુધી એ માત્ર સપનું જ છે. આપણે શંકા અને અવિશ્વાસમાં કેટલો બધો સમય વ્યર્થ ગુમાવીએ છીએ. સત્ય ત્યારે જ તમને મુક્ત કરી શકે જ્યારે તમે એ સત્યને જાણો. એના વિશે સાંભળવાથી, વાતો કરવાથી, વાંચવાથી એ બનતું નથી. સત્ય તમારી અંદર જીવતું, ગતિ કરતું થવું જોઈએ. એની હસ્તી તમારી અંદર હોવી જોઈએ તો એ તમને અવશ્ય મુક્ત કરે અને તમે મન – હ્રુદય – પ્રાણની મુક્તિનો સાચો અર્થ જાણી શકો. આ માટે ચાલો, આપણે ઓશોના જીવન દર્શનને જાણીએ.

ઓશો કહે છે – સંત પલટૂનું એક સૂત્ર છે – ‘બહુ છે તારા ઘાટ’. અહી વાત નદી અને તેના અનેક ઘાટની છે. જરા વિસ્તારથી સમજીએ. જેમ નદી એક છે પણ એના ઘાટ ઘણા છે. માણસનું મન એક નહીં, પણ અનેક છે. મનની પાર જઈએ એટલે અનેકની પાસે જઈએ. મન છૂટશે તો દ્વૈત પણ છૂટી જશે. મનની પાર ‘હું ‘ નથી, ‘તું ‘ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, ઈસાઈ નથી. પરંતુ ત્યાં તો છે અમૃત, ભાગવત્ત, સત્ય અને એનો સ્વાદ એક છે. તો મનની આવી દશા કઈ રીતે પ્રાપ્ત થાય? તેના અનેક માર્ગ હોઇ શકે. બુદ્ધ પોતાની રીતે પહોંચે, મહાવીર પોતાની રીતે પહોંચે તો જીસસ અને જરથુસ્ટ પોતાની રીતે પહોંચશે. આ રસ્તો ત્યાં સુધી છે, જ્યાં સુધી મંઝિલ ન આવી જાય, જ્યાં સુધી મંદિરનું દ્વાર ન આવી જાય. જ્યારે મંઝિલ આવે છે ત્યારે રસ્તો મટી જાય છે, મુસાફર પણ મટી જાય છે. નદી આમ તો સીમિત છે, બાંધેલી છે, કીનારાથી બંધાયેલી છે, પરંતુ જેવી સાગરને મળે છે, ત્યારે નદી ખોવાઇને સાગર બની જાય છે. તેને મળી જાય છે જીવનની બધી જ મિલકત, સત્ય અને સામ્રાજ્ય.

ઓશો ખુબ સુંદર દ્રષ્ટાંત આપે છે. કેટલાક લોકો દારૂના નશામાં ચાંદની રાતે નૌકાવિહાર માટે ગયા. કેટલાક પાગલોને પણ આ વાત ગમી. નદી કિનારે નાવિક પોતાની નાવ કિનારા પર બાંધીને ઘેર જઈ ચૂક્યો હતો. એ લોકો એક સુંદર નાવમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. છેક પરોઢ થાય ત્યાં સુધી હલેસા માર્યા. સવારની ઠંડી હવાથી જ્યારે થોડો નશો ઓછો થયો તો એક જણે પૂછ્યું કે આપણે ક્યાં પહોંચ્યા અને કઈ દિશામાં આવ્યા. નીચે ઉતરીને જોયું તો એ લોકો ત્યાંના ત્યાં જ હતા. નાવને કિનારેથી ખોલવાનું જ ભૂલી ગયા હતા. રાતભર હલેસા જોરજોરથી મારતા રહ્યા પણ ક્યાંય પહોચ્યા જ નહિ. આવું જ લોકો મંદિર, મસ્જિદ, કાબા અને કાશીના ચક્કર પર ચક્કર લગાવી રહ્યા છે, શાસ્ત્રાર્થ કરી એકબીજાની ખોટા સાબિત કરવામાં લાગી ગયા છે, વિધિને પકડી રહ્યા છે પણ ચાલી નથી રહ્યા. આ અસ્તિત્વ એક છે. તેમાં કોઈ મુસાની જેમ, કોઈ ઇસાની જેમ, કોઈક કબીરની જેમ તો કોઈ નાનકની જેમ- અલગ રસ્તાઓથી, અલગ-અલગ વિધિઓથી સત્ય સુધી પહોંચી ગયા છે. પરંતુ સમજવાનું એ છે કે વિધિઓને પકડવાથી કોઈ નથી પહોંચતો, વિધિઓ પર ચાલવાથી પહોંચે છે. નાવને બાંધીને ફરવાથી કોઈ નથી પહોંચતું, નાવમાં યાત્રા કરવી પડે છે.

ઓશો કહે છે જ્યારે સ્વયંના પ્રકાશમાં કોઈ ચાલે છે તો કોઈ સંદેહ નથી હોતો. જો કર્મ અને આચરણ તમારી પોતાની અનુભૂતિ,પ્રજ્ઞા અને બોધથી જન્મ્યા હોય તો કેવો સંદેહ? પરંતુ જ્યારે કર્મ અને આચરણ ઉધાર હોય, તમે બીજાને જોઇને ચાલતા હોય, બીજાના જીવનને જો તમે આદર્શ બનાવ્યો હોય તો એ સંદેહ લાવે છે. બીજાં પાછળ ચાલવું એ આત્મહત્યા છે. સંદેહ અંધારું છે. જેની અંદરનો દીવો સળગ્યો છે, એની અંદરના બધા અંધારા મટી જાય છે. બ્રાહ્મણનો મતલબ જન્મથી નથી, શાસ્ત્ર એની સંસ્કૃતિ છે, યાદ છે, સ્મૃતિ છે, પરંતુ તેનો બોધ કે બુદ્ધત્વ નથી. પોપટની જેમ શાસ્ત્રો કંઠસ્થ કરવાથી બ્રહ્મજ્ઞાની ન બની શકાય. સિકંદરનું સુંદર ઉદાહરણ આપે છે. સિકંદર જ્યારે વિશ્વવિજય કરવા નીકળ્યો ત્યારે તેના ગુરુ એરિસ્ટોટલે કહ્યું હતું કે મારા માટે ઋગ્વેદની એક પ્રત લઈ આવજે અને બની શકે, સંભવ થઈ શકે, કોઈ સન્યાસી રાજી થઈ શકે, તો કોઈ સંન્યાસીને પણ લઈ આવજે. સિકંદર સોનું, ચાંદી, હીરા ઝવેરાત હજારો હાથી અને ઊંટો પર નાખી લઈ આવ્યો, પરંતુ જે બે ચીજ એરિસ્ટોટલે મંગાવી હતી તેમાં અસફળ રહ્યો. આ વાત જ અસંભવ છે કે કોઈ સન્યાસી આવવા રાજી થાય અને જો રાજી થાય તો એ સંન્યાસી શાનો?

સાચો બ્રાહ્મણ કે સદગુરુ કોણ છે તે સમજાવતા ઓશો કહે છે કે વિચાર તો ઉપદ્રવ છે, વિશિષ્ટતા નિર્વિચારમાં જ છે, શૂન્યમાં પૂર્ણનું અવતરણ થાય છે. જ્યાં સુધી તમે શૂન્ય નથી થયા, ત્યાં સુધી પૂર્ણ સહન કરવાની તમારી ક્ષમતા નથી. જ્યાં સુધી તમારી પોતાની અંદર નિર્વિચારના આકાશનું દ્વાર નથી ખૂલ્યું, શ્રદ્ધાનું કમળ નથી ખીલ્યું, ત્યાં સુધી શંકા પેદા થશે. એ જ ઊર્જા જે ફુલ બનાવવાની છે બીજાની પાછળ ચાલીને કાંટા બની જાય છે અને જ્યારે પોતાની તરફ ફરે છે તો એ જે ઝેર હતું તે અમૃત બની જાય છે. જે કાંટાને ફૂલોમાં ફેરવી દેવાનું શીખવી દે, જે મનને અમનમાં બદલવાનું વિજ્ઞાન આપી દે, જે ઈશારા કરી દે કે વિચારથી કેવી રીતે નિર્વિચાર થઈ શકાય છે એ જ સદગુરુ, એ જ બ્રાહ્મણ.

ઐતરેય ઉપનિષદમાં એક સૂત્ર ક્રાંતિકારી છે જેમાં કહે છે – ચરૈવેતિ ચરૈવેતિ. એટલે કે ચાલતા રહો. જે સૂઈ રહ્યા છે તે કલિયુગ છે, નિદ્રાથી ઊઠીને બેસવાવાળા દ્વાપર છે, ઊઠીને ઊભા થઈ જવાવાળા ત્રેતા છે, પરંતુ જે ચાલી નીકળે છે તે કૃત્ય યોગ સત્ય સુવર્ણયુગ બની જાય છે, માટે ચાલતા રહો, ચાલતા રહો. ઓશો આ સૂત્રથી સંપૂર્ણ સહમત છે. આ સૂત્ર સતયુગથી લઈને કલિયુગ સુધીની ધારણાને સમયથી મુક્ત કરે છે, સમાજથી મુક્ત કરી લે છે, અતીત, ભવિષ્ય, વર્તમાનથી મુક્ત કરી દે છે અને એને પ્રતિષ્ઠિત કરી દે છે વ્યક્તિની ચેતનામાં, જાગરણમાં. અતીતનું કોઈ અસ્તિત્વ જ નથી. મંદિરની ઘંટી વાગી ગઈ હોય અને સન્નાટામાં એની ગૂંજ થોડીવાર સુધી છવાઈ રહે, તેવી તમારી સ્મૃતિ છે. ભવિષ્યનું કોઈ અસ્તિત્વ જ નથી . ભૂતકાળ સ્મૃતિ છે તો ભવિષ્ય છે વાસના, કલ્પના. જે તેથી અળગો છે તે વર્તમાનમાં જીવે છે. તેને નથી સ્મૃતિ કે નથી કોઈ સંબંધ વાસનાથી. આ સૂત્ર સમજમાં આવી જાય તો તમને ધર્મની નવી પરિભાષા મળે, એક નવો બૌદ્ધ પેદા થાય, એક નવું કિરણ જાગે.

પોતાનાથી પરિચિત હોવાનું પહેલું કિરણ આ તમારી ચેતના, ચરણો છે. ચાલી નીકળ્યો છે તે સતયુગ છે, જેનામાં ગતિ આવી ગઈ તો જીવન આવી ગયું. ઉષાનો ઉદય થાય તો રાત જતી રહે છે. રોકાવાનું જ નહીં, અનંત યાત્રા છે. યાત્રાનું દરેક પગલું મંઝિલ છે. જો તમે દરેક પગલાને એની પૂર્ણતથી જીવો તો મંઝિલ બીજે ક્યાંય નથી – આજ છે, અત્યારે છે, વર્તમાનમાં છે. ભવિષ્યમાં નથી, ભૂતકાળમાં નથી, તમારી સમગ્રતામાં છે. વહેતા રહો તો સ્વચ્છ રહેશો, ગતિમાં થાઓ, ભૂતકાળની સાંકળોને તોડો, મૂર્છા છોડો, થોડા હોશમાં આવો. ધ્યાનથી આ સૂત્ર પૂરું થઈ શકે છે. આ વિચારોની તંદ્રા ત્યારે જ તૂટશે, જ્યારે ત્યાંથી તમે ઉત્સવ અનુભવશો. જેની આંખ ખુલી એને દેખાવા માંડશે, ફૂલ ખીલી ગયા, સુરજ નીકળી આવ્યો, પક્ષી ગીત ગાઈ રહ્યા છે, હવે પડી રહેવું મુશ્કેલ થઈ જશે. આજે જીવનનું આકર્ષણ અને જીવનનું સૌંદર્ય, આજે પરમાત્માની તમને બોલાવવાની રીત, એમનું નિમંત્રણ, જે ચાલી નીકળ્યો સત્યની શોધમાં, સૌંદર્યની શોધમાં એ જ ભગવદ્ ગીતાને ઉપલબ્ધ છે.

કિનારો બીજો કંઈ બહાર નથી આજે ઘણા બધા ઘાટ છે. એટલા માટે ઘણા છે કે તમે બહારની યાત્રા પર નીકળી ગયા છો. તમે પોતાનાથી બહુ જ દૂર નીકળી ગયા છો અને પોતાને ભૂલી આવ્યા છો. તમે ક્યાં ખોવાઈ ગયા છો એ તમને ખુદને ખબર નથી. તમારી નજર ચેતન ઉપર, ધન દોલત ઉપર, પરમાત્મા પર, સ્વર્ગ પર, મોક્ષ પર છે. પણ મામલો કંઈક બીજો જ છે. જ્યાં તમે છો ત્યાં જ પહોંચવાનું છે. ક્રમશઃ એ બિંદુ પર પાછા પહોંચવાનું છે, જે આપણું કેન્દ્ર છે. એના પર આવતાં બધા જ ભેદ ખુલી જાય છે, બધા છુપાયેલા રહસ્યો છે તે ઉઘડી જાય છે. ઓશો દર્શન આ રહસ્યોને ઉદઘાટિત કરવાનો રાહ ચીંધે છે.

રીટા જાની
04/02/2022

6 thoughts on “ઓશો દર્શન -7. રીટા જાની

  1. સંદેહ અંધારું છે. જેની અંદરનો દીવો સળગ્યો છે, એની અંદરના બધા અંધારા મટી જાય છે.

    વાહ બેના ખૂબ જ સુંદર
    નત મસ્તક વંદન

    જયશ્રી પટેલ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.