સંસ્પર્શ -૬

jigisha -સંસ્પર્શ -youtube
મિત્રો,
ધ્રુવદાદાની નવલકથાને નવલકથા કહેવી,પ્રવાસકથા,અનુભવકથા,ચિંતનાત્મક કથા,કે પ્રકૃતિ નાં પ્રેમની પરિભાષાની કથા કે પૃથ્વી પર જીવતાં જીવની સત્યકથા કે આ બધું જ. મને તો તેમના પુસ્તકોમાં આ બધુંજ દેખાય છે. અને એટલે જ સાહિત્યકારો પણ તેમના પુસ્તકનું વિવેચન કરી એમને પારિતોષક આપી નવાજે છે અને એટલે જ એક જ પુસ્તકને બે જુદી કેટેગરીમાં એવોર્ડ મળે છે. તેમનું “ઊંધું વિચારવાની કળા “એટલે કે બીજા કરતાં અલગ વિચારવાનો નજરિયો એમને બીજાથી ઊફરા લેખક તરીકે ઓળખ આપે છે.
 
તેમનાં પુસ્તકોનાં નામ પણ ખૂબ ગુઢાર્થ ધરાવતાં અને સામાન્ય પુસ્તકો કે નવલકથાઓ કરતાં એકદમ જુદાં જ છે.અકૂપાર,તત્વમસિ,ન ઈતિ,અતરાપી,તિમિરપંથી,લવલી પાન હાઉસ,પ્રતિશ્રુતિ – બધાં જ નામમાં એક ગુઢાર્થ છુપાએલ હોય છે.તેનો અર્થ પણ નવલકથાનાં નિચોડને પીરસતો હોય છે.તેમજ તેમાંથી પણ જીવન જીવવાનો એક જરૂરી સિધ્ધાંત તેની આધ્યાત્મિકતા સાથે દર્શાવાતો હોય છે.થોડું અઘરું લાગ્યું ને,આવો અત્યારે આપણે પહેલા વાત કરીએ અકૂપારની.
 
અકૂપાર એટલે જે કૂપ ભાવને પામતો નથી તે.જે કૂવા જેવો નથી ,વિશાળ દરિયા જેવો છે. અકૂપાર એટલે જ સૂર્ય અને દરિયાને પણ અકૂપાર કહેવાય અને અકૂપાર નામનો કાચબો છે. જૂની માન્યતા મુજબ પૃથ્વી એ કાચબા પર સ્થિત છે. જેમ અકૂપાર કાચબા પર સ્થિત પૃથ્વી છે ,તે કાચબો ચિરંજીવ છે તેવીજ રીતે ગીર પણ ચિરંજીવ છે. આ અકૂપાર કાચબો ચિરંજીવ છે તેની મહાભારતમાં આવતી સુંદર કથાને આવરી લઈ ધ્રુવદાદાએ અકૂપાર કાચબાની ચિંરંજીવતાની સુંદર વાત અકૂપાર પુસ્તકનાં છેલ્લા પ્રકરણમાં કહી અકૂપારનો અર્થ શાસ્ત્રોક્ત રીતે સમજાવી દીધો છે.
 
મહાભારતનાં વનપર્વમાં જ્યારે માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને ઈન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવે છે,ત્યારે કહે છે કે ઈન્દ્રધુમ્ન રાજાને દેવદૂતો તેમનાં પુણ્યનો ક્ષય થયો હોવાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલે છે.રાજાએ પોતાના પુણ્યોની પુરાંત હોવાનું જણાવ્યું પણ તેની સાબિતી કોણ આપે ? તે સમયે રાજા પૃથ્વી પર આવે છે.હિમાલય નિવાસી પ્રાવારકર્ણ ધૂવડ અને નાડીજંઘ બગલો તેની સાબીતિ નથી આપી શકતા ત્યારે ચક્રમણ સરોવર એટલે કે ગાયોની ખરીઓથી ખોદાએલ સરોવરમાં રહેલ ચિરંજીવ કાચબો અકૂપાર ,રાજાનાં પુણ્યોની સાબિતી ભાવવિભોર થઈ આપે છે.
 
આમ અકૂપાર કાચબા જેટલું જ ગીર પણ ચિરંજીવ રહેશે અને આપણી સંસ્કૃતિની રક્ષા કરતું રહેશે,તેમ તેમનાં નવલકથાનાં નામમાં જ આપણને ધ્રુવદાદા સમજાવી દે છે.
 
બીજું ,આ અકૂપાર નવલકથાનાં બધાંજ પાત્રો આઈમા,સાંસાઈ, લાજો,મુસ્તફા,આબીદા,ધાનુ હોય કે પછી રતનબા ,બધાંનાં સંવાદોમાં તેમનાં જીવનમાં અંતરની અને અનંતની વિશાળતાની ઝાંખી થાય છે, તેમના વિચારોમાં કે વર્તનમાં ક્યાંય સંકુંચિત માનસિકતા દેખાતી નથી.ધાનુ સિંહની તરાપથી , ગીરને જોવા આવનાર પ્રવાસી કિરણને બચાવવા વચ્ચે ઊભો રહી સિંહનાં પંજાનો શિકાર બને છે .કિરણને બચાવવા ધાનુ ઘવાઈને લોહીલુહાણ પડ્યો હોય તેને દવાખાને લઈ જઈ ,બચાવવાને બદલે કિરણ અને દોશીસાહેબ ગાડી ભગાવી ભાગી જાય છે .ત્યારે પણ આ વિશાળ દિલનાં ગીરવાસી ધાનુની મા રતનબા કહે છે,”જીનેં જી પરમાણ.” એટલે જેના જેવા વિચારો તેવીરીતે તે વર્તે.અને વળતો જવાબ આપતા વેદનાભર્યું હસીને કહે છે ,” સિકારી તો ટુરિસને બસાવે જ ને! આવે ટાણે સિકારી પાસો પડે તો તો કાસબો હલી જાય.”અને તેનો અર્થ સમજાવતાં કહે છે” જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ.પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ,ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય?” તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા,અને હ્રદયની સચ્ચાઈ સાથેની વિશાળતા નીતરે છે .
 
તો સંધ્યાટાણાંનાં આછા અજવાસમાં રાજકોટનાં પ્રદર્શન માટે ,જૈફ ઉંમરે પોતાની દ્રષ્ટિની કે આંખોની ચિંતા કર્યા વગર કેટલા બધાં લોકોની આંખો તેમના ચિત્રોને જોઈને ખુશ થશે તેમ વિચારી આઈમા કહે છે,”હજાર આંખને જોવું જડે એમાં મારી એકની આંખ દુ:ખાડું તોય સ્હું? કીધું સે ને કે જોણું સે તો આંખ્યું સે.”આંખ છે તો જોવાનું છે તેમ નહીં.
 
અને ધ્રુવદાદા જાણે અનંત આકાશમાંથી ઉદ્દભવી દોટ મૂકતાં હોય તેવા ,એક પછી એક ઘસી આવતાં મોજાં પર ચિત્રોનાં દ્રશ્યોની જેમ ,ગાઈ ઊઠતાં સંભળાય છે,
‘દ્રશ્ય છે તો દ્રષ્ટિ છે’
‘શબ્દ છે તો વાચા છે’
‘નાદ છે તો શ્રવણ છે’
‘રસ છે તો સ્વાદ છે.’
‘સ્પર્શ છે તો સ્વાદ છે’
‘સૌરભ છે તો…..
તેમજ આઈમા સંધ્યા ટાણે બહાર બેસીને ચિત્ર કરતાં હતાં ત્યારે તેમને પૂછ્યું કે મા રાત્રે બહાર બેસીને કામ કરશો તો કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો ,રાતના બહાર સિંહ-બિંબ આવશે તો ! ત્યારે પણ આઈમા હસીને કહે છે,”કોયને બરક્યા નથ્ય,સ્હાવજ મને ક્યાંય નંઈ કરે,ઈય જાણે કે આ ડોહી આપડી વૈડ નંઈ.મારી હારે બાંધીને સ્હાવજની આબરૂ જાય,ઈનાં ભાયબંધું ખીજવે કે તને કોય તારી વૈડનું મળ્યું નંઈ?મારી મારીને એક ડોસીને મારી?ભલે સારપગો ,પણ હંધુંય સ્હમજે.”
આમ ગીરનાં સાવજની વફાદારી પર ગીરનાં લોકોમાં અભૂતપૂર્વ વિશ્વાસ હોય છે તેમજ ગીરવાસીઓનો સાવજપ્રેમ અને પ્રાણીપ્રેમ પણ ઠેરઠેર દર્શાવ્યો છે.
 
આમ જીવનનાં અણમોલ સિધ્ધાંતો સમજાવતાં અકૂપારનાં સંવાદો અને આમ જોઈએ તો અકૂપાર દ્વારા તેના લેખક ધ્રુવદાદાએ સમજાવેલ વાતો,અંતરની વિશાળતા,પ્રેમની પરિભાષા અને અકૂપારતાને સમજાવી જાય છે.અને દાદાનું જ એક સરસ ગીત વાંચો,”
 
ક્યાં કહું છું હું ને તું એક હોવા જોઈએ.
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.
 
એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી.
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.
 
સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે
પણ બધાંની દ્રષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
 
જિગીષા દિલીપ
ર મા્ર

2 thoughts on “સંસ્પર્શ -૬

  1. જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ.પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ,ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય?” તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા,અને હ્રદયની સચ્ચાઈ સાથેની વિશાળતા નીતરે છે .

    વાહ વંદન ધ્રુવદાદાની શૈલી ને અને અમારા સુધી તેને હૃદયસ્પર્શી બનાવવા માટે અદ્ભૂત અભિવ્યક્તિ👌 સુંદર 👍

    જયશ્રી પટેલ

    Like

  2. આ પુસ્તક તો વાંચેલું પણ ફરી તમારી કલમે તેનો રસાસ્વાદ અનેરો જ લાગ્યો. ખૂબ સરસ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.