સંસ્પર્શ-5 –

jigisha -સંસ્પર્શ -youtube

ગીરના તળની મીઠી મધ જેવી અસલ ભાષા ધ્રુવદાદાએ અકૂપારમાં તેના એકેએક પાત્રનાં સંવાદોમાં મૂકી છે.આ તળની ભાષાનાં સંવાદો આપણને જાણે ગીરમાં સાંસાઈ,લાજો, મુસ્તફા અને વિક્રમ સાથે વાતો કરતાં કરતાં, ગીરનાં જંગલમાં ફરતાં હોઈએ તેવો અનુભવ કરાવે છે.આ પ્રવાસ વર્ણન ખાલી ગીરની જાણકારી આપતું પ્રવાસ વર્ણન નથી પણ દરેક પાત્રો વાંચતાં વાંચતાં તે આપણાં પોતીકાં બની જાય છે .આપણે ગીરનાં નેસડામાં બેસીને જાણે લાકડાનાં ચૂલેથી,માટીની કલાડીમાંથી ઉતરતાં ,ગરમ ગરમ રોટલા સાથે ભેંસનું તાજું દોહેલ દૂધનું શિરામણ કરતાં હોય તેવું લાગે છે.અને રાતની ઠંડીમાં ઠૂંઠવાતાં હોઈએ ત્યારે સાંસાંઈએ બનાવેલી ચા રકાબીમાં પીતા હોય તેવો અનુભવ કરીએ છીએ.
 
“સ્હાવજું વધી ગ્યા એટલે બારા નીકળી ગ્યા સે ઈ બધી વાંત્યું છાપાની.ગયર ક્યાં લગણ કેવા’ય ઈંની બાયરનાંવને સ્હું ખબર પડે?સ્હાસું તો ઈ સે કે ગયરની માલીકયોર આપડે રે’વા મંડ્યા;તોય ગયરના જીવ માતરે આપડી આમન્યા રાખી.ઈંની જગ્યા દબાતી ગય એમ ઈ અંદર જાતા ગ્યા.પસી વધતું જ જાય તો સ્હાવજ ક્યો કે બીજાં જીવ ,જાય ક્યાં?”
 
કોઈએ જ્યારે ગીરનાં જંગલનાં વિસ્તારની વાત કરી કે “આ ગામ જંગલની હદમાં નથી ,નકશા પ્રમાણે આ ગીર નથી લાગતી.પહેલા સાવજ અહીં સુધી નહોતા આવતાં, હવે ગીરનો વિસ્તાર વધી ગયો એટલે સાવજ બહાર આવતા થયાં.”આના જવાબમાં સાંસાઈ સાવજ એના પોતાના હોય, તેમ તેનો પક્ષ લઈ ,માણસોએ પોતાની આમન્યા ઓળંગી એટલે સિંહ અને બીજા પ્રાણીઓને બહાર આવવું જ પડે છે ,તેમ કહે છે.તેની ભાષામાં આવું પણ કહે છે કે”નક્સાવાળી ગયર આપડે નથ્ય જોતી. ઈંને ટુરિસ હારું રાખો. આપડે તો જ્યાં સ્હાવજ હાલ્યો ઈ બધીયે ગયર,પસી ભલે ઈ ઘરેડને દરિયે પોગે કે બયડાના ડુંગરે જાય”અને ગીર જાણે આખેઆખું પોતાની માલિકીનું હોય તેમ ખિજાઈને બોલતી સાંસાંઈનો આ સંવાદ ,જાણે દીકરીને તેનાં માતાપિતાને માટે કે તેના પિયરનાં ઘર માટે કોઈ બોલે અને કાળજામાં ઘા લાગ્યો હોય અને છેડાઈ જઈ હાડોહાડ લાગી આવે તેવો લાગે છે.સાંસાઈનાં મુખેથી બોલાયેલ આ સંવાદ દ્વારા ,ધ્રુવદાદાએ તળનાં લોકોનાં હ્રદયની પારદર્શકતા સાથેનાં પોતાની ભૂમિનાં જોડાણનું અદ્ભૂત આલેખન કર્યું છે.જૂઓ આ સાંસાંઈનો સંવાદ”,અને ગયરને નામે તમારી કેરીઓ વેસો,ગયરના નામે ઘી વેસો ,ત્યાં આયાં ગયર નો લાગે ઈ કેમ યાદ નથ રે’તું? “
 
 
કદાચ ધ્રુવદાદાનાં આવા મીઠાં,ચોંટદાર ,હ્રદયસ્પર્શી સંવાદ અને પાત્રાલેખનને કારણે જ શ્રી અદિતિ દેસાઈને ‘અકૂપાર ‘ નાટક તરીકે ભજવવાનું મન થયું હશે! અને સાંસાંઈનાં પાત્રને દેવકીએ એટલું અદ્ભૂત રીતે ભજવ્યું છે કે સાંસાઈ નામ આવતા દેવકી જ સાંસાઈનાં પાત્રમાં આપણી નજર સમક્ષ રજૂ થઈ જાય છે.
 
લાજોની અને સાંસાઈની સખીઓની વાતોથી ,તળની સ્ત્રીઓની વ્હાલપથી ભરપૂર મિત્રતા,લાજોની પિયરની આપેલ ગાય સાથેની લાજોની નિ:શબ્દ થઈ જઈએ તેવી પ્રીતિ અને ગિરવાણ ગાયને સાવજે ગળેથી પકડી છે અને ગાય ,લાજો સામે તેને છોડાવવા લાજોને વિનંતી કરતી હોય તેવી ગાયની આંખોનું વર્ણન આપણને તે વાત વાંચતાં જ ગાયની આંખોનાં દર્દ અને વિનવણીનું ચિત્ર ,મનોપટ પર અંકાઈ આંખને ભીની કરી દે છે. એકવાર જે ગાયનાં ગળા પર સાવજનાં દાંત પડ્યા હોય તે ,લાજો તેને સાવજનાં મોંમાંથી છોડાવે તો પણ તેનું મોત હેરાન થઈને થાય તેના કરતાં તેને ખાઈને સાવજનાં બચ્ચાં નું પેટ ગાયને ખાઈ ને ભરાયની વાત ,સાંભળીએ ત્યારે લાજોની વાત ન્યાયાધીશ જેવી લાગે છે. તેમજ ગાયને સાવજનાં મોંમાંથી નહીં છોડાવવાની વાત ,દર્દીને કોઈપણ હિસાબે સારું થાય એવું ન હોય અને તેનાં સ્નેહીઓ વેન્ટીલેટર પરથી દર્દીને ઉતારી લેવાની ડોક્ટરને મંજૂરી આપતા હોય તેવું લાગે છે.
 
મને તો ગીરનાં પ્રેમાળ લોકોની મહેમાનગતિ,તેમનો મહેમાનનો સાથેનો પ્રેમસભર અહોભાવ,ગીરની ભૂમિ તેનાં ઝાંડવા,ડુંગરોની સાથેનો પ્રેમ ,સાથેસાથે વ્હાલાં ગીરનાં સાવજ અને ગિરવણની ગાય ,ભેંસ,રોઝડા સાથેનો પ્રેમ જે સહજતાથી છલકાતો દેખાય છે.તળનાં લોકો જાણે આપણાં શહેરનાં માણસો કરતાં કંઈ જુદી જ માટીનાં બનેલ હોય તેવાં નિસ્વાર્થી,નિર્દોષ અને એકદમ સાચાં માણસાઈથી ભરપૂર માણસો લાગે છે.માણસ માણસને તો પ્રેમ કરે પણ તેમનો પ્રાણીઓ અને પ્રકૃતિપ્રત્યેનો અને ગીરની ધરા પ્રત્યેનો પ્રેમ પણ ધ્રુવદાદાએ એટલો સહજ,સરળ રીતે દર્શાવ્યો છે કે તે લોકોની સરળતા આગળ શહેરનાં દરેક માનવી આપણને સાવ દંભી અને સ્વાર્થી લાગે છે.
 
ગીરનું વર્ણન કરતાં તેમણે કેવી સરસ વાત કહી કે ગીર જંગલ,વન,અરણ્ય,અરે! વિપિન,ગહન,ગેહિની,કાનન,ભિરુક,વિકૃત,પ્રાન્તર નથી તો શું છે ગીર???
“આ ગીર છે .માત્ર ગીર. રૈવતાચલની પરમ મનોહર પુત્રી,જગતના તમામ ભૂ-ભાગોથી અલગ, આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી,હંમેશા જીવતી ,સદાસોહાગણ સદા મોહક ગીર,સાંસાઈની ગાંડી ગીર,જગસમસ્તમાં નારીવાચક નામે ઓળખાતી આ એકમાત્ર વિકટ-ભૂ ને પોતાના નામ સિવાયનાં બધાં જ વર્ણનો,બધાં જ સંબોધનો અધૂરાં પડે.”અનેક પ્રકારનાં ભૂપૃષ્ઠ ધરાવતી ગીરની ધરા પર પ્રકૃતિનાં અનેક સ્વરૂપો,તત્વો એક જ સ્થળે પરિશુદ્ધ સ્વરુપે વિકસ્યા છે તેનું આબેહૂબ વર્ણન કરી દાદાએ આપણને ગીરની ધરતીનાં ધબકાર સંભળાવ્યા છે .અને ગીરનાં ગીતો પણ, લો સાંભળો આ ગીરની લોકસંસ્કૃતિનું દર્શન કરાવતું ગીત,”
 
શિયાળાની ટાઢ્યું હું ખડ કેમ વાઢું
સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.
ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા
સોમાસાના ગારા મારે માથે ખડના ભારા
સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા
 
અને જાણે ગીરનાં એમ્બેસેડર ન હોય તેમ સૌને ગીર જીવનમાં એકવાર તો જોવા અને સાવજની ત્રાડ સાંભળવા તેમજ વનકેસરીનાં દિદાર કરવા જવું પડે તેવો ઘ્રુવદાદાએ અનુભવ કરાવ્યો છે.
 
અને મને ધ્રુવદાદાનું ગીત કાનમાં ગુંજે છે,
 
લીલાં લીલાં જંગલ જેવું કંઈક હતું અહીં કાલ,આજે નગર વસે છે.
કોઈ જનમની લેણદેણથી બધ્ધ હવાને ધીરે ધીરે નગર શ્વસે છે.
સાગરમાંથી પર્વત ઉપર જઈ રડી છે નદીઓ એવું કોને કહેવું
કહેવા કહેવા કરવા જેવું કંઈક હતું અહીં કાલ આજે નગર વસે છે.
 
શહેરનાં ધસી આવતાં પ્રવાહની વચ્ચે જ્યારે ગીર જેવા રમ્ય પ્રદેશો,વન્ય સૃષ્ટિ,અને વન્યજીવો ઘટતાં જશે ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણ અને તેમાં જીવતાં વન્યપ્રાણીઓ માટેની સહજ ચિંતા દાદાનાં શબ્દોમાં ટપકતી દેખાય છે!
 
જિગીષા દિલીપ
૨૩ફેબ્રુઆરી ૨૦૨૨
 

3 thoughts on “સંસ્પર્શ-5 –

  1. સુંદર અભિવ્યક્તિ ગીરની ને ચેના વન્યપ્રદેશની.. ધ્રુવદાદાને નજીકથી ઓળખવાની આવી તક આપવા બદલ આભાર બેન🙏👍👌

    જયશ્રી પટેલ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.