ફરી…કલરવ અને કોલાહલ – 4

પારકી થાપણ

મારી નાની દિકરી ‘ખૂબી’ એટલે જાણે વાતોનું વાવાજોડું! એક ટોપિક પરથી બીજા ટોપિક પર એટલી ઝડપથી ફરી વળે કે ઘણીવાર મગજ અને કાન બન્ને થાકી જાય. છે દસ જ વર્ષની પણ વાતો કરે ડહાપણ વાળી (ક્યારેક દોઢ ડહાપણ પણ ખરું) અને તર્કયુક્ત. હમણાં ખૂબી ઘરમાં સ્લાઇમ (બાળકોને રમવાનો એક ચીકણો પદાર્થ) બનાવી રહી હતી. સ્લાઇમને કેમ બનાવવું તે વાત પર અમારા બાપ-દીકરી વચ્ચે સરખી દલીલ થઈ અને બાપના રૌફમાં આવી મેં તેને આકરા શબ્દો કહ્યા અને ચૂપ કરી દીધી. મારા શબ્દો સાંભળી ખૂબીના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું. તેનો ઉત્સાહ શમી ગયો અને થોડી વાર પછી તે ઉભી થઈ ને પોતાના કક્ષમાં ચાલી ગઈ. મારા પત્ની અમી આ જોઈ રહી હતી અને ખૂબીના ગયા બાદ મારી તરફ ફક્ત નજર કરી, જેમ ગુનેગાર તરફ જજ જુએ તે રીતે. મને મારી ભૂલ સમજાઈ. તરત જ ઉભો થઈ ખૂબી પાસે ગયો, તેની માફી માંગી, તેને મનાવી અને સ્મિત સાથે પાછા રમવા બેઠા. એકલા પડ્યા બાદ અમીએ  મને કહ્યું, “મને ગમ્યું કે તમે ખૂબીની માફી માંગી. બાપના અહમને તમે વચ્ચે આવવા ન દીધો. તેના બાળ માનસ ઉપર કોઈ અણગમતી અસર પડે એ પહેલા જ વાત વાળી લેવી જોઈએ. આજે આપણે ભૂલની માફી માંગશું તો બાળકો આપણને જોઈને શીખશે. દિકરીઓ વધારે સંવેદનશીલ હોય એટલે બોલવામાં વધુ ધ્યાન રાખવું.” 

હું વિચારતો થઈ ગયો. આપણે ત્યાં માતૃભાષા માટે કેટલું બધું લખાયું અને ચર્ચાયું છે પણ પિતૃભાષા માટે અલ્પ વાતો સાંભળવા મળશે. પરંપરાગત પિતાની ભાષા શિસ્ત અને વ્યવહારુ સમજથી ભરપૂર હોવી એવો સ્ટીરિયોટાઇપ (stereotype) છે – એમાં લાગણીવેડા ન હોય. પણ ખરેખર તો સંવેદનશીલતા એ નબળા વ્યક્તિની નિશાની નહી, પણ પરિપક્વ પુરુષની પરિભાષા છે. જો પિતા પ્રેમ અને લાગણીની પણ અભિવ્યક્તિ કરી શકે તો તેના બાળકો સાથેનો સંબંધ ખૂબ જ ઊંડો થશે. અને ખાસ કરીને દિકરી સાથે. દિકરીને ઉછેરવી એ જવાબદારી સાથે સાથે એક વિશેષાધિકાર (privilege) છે! આપણો સમાજ ભલે દિકરીને ‘પારકી’ ગણે પણ દિકરીના પોતીકાપણા અને હૂંફ નો જોટો તમને ક્યાંય ન જડે. મારે ઉદાહરણો ગોતવા બહાર જવાની જરૂર નથી!

અમી જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. તેના ભાઈ-બહેન તેનાથી ૮-૧૦ વર્ષ નાના હતા. ઘરમાં નેવું વર્ષના દાદી હતા, બહોળો મામા-માસી-ફઈઓનો પરિવાર હતો છતાં પણ નાનપણથી અમી જવાબદાર બની ગઈ. ઘરના અને બધાના કામો પુરા કરી પછી વધ્યો સમય પોતાના ભણવામાં આપ્યો અને Interior Designer બની. તેના પિતાજી ખુબજ શાંત સ્વભાવ ના. અમી પર તેને ઘણો ભરોસો અને એનો ઘણો ટેકો પણ ખરો. અમી કહેતી કે તેના પપ્પાએ ભાઈ-બહેનોને ક્યારેપણ ઉંચા અવાજે કહ્યું નથી. અમી નવું નવું રોટલી કરતા શીખતી હતી. રોટલી ગોળ બનાવતા બનાવતા દેશ-વિદેશના નકશા બની જાય, રોટલી બળી જાય તો પણ પપ્પા ક્યારે પણ ટોકતા નહી. ઉલ્ટાનું પ્રોત્સાહન આપતા, “તારા હાથની જ બનાવેલી રોટલી જમીશ”. પોતાનો મત રાખવો હોઈ તો પપ્પા એવા હળવેથી વિચાર રજુ કરે કે છોકરાઓને વાત શીરાની જેમ ગળે ઉતરી જાય. અમી ઉપર પિતાના આ ગુણોની ખાસ્સી અસર પડી હતી.

૨૩મેં વર્ષે અમી અને મારા લગ્ન થયા ત્યારે તેના ભાઈ-બહેન હજી નાના અને ભણતા હતા. દાદી ગુજરી ગયા હતા. પપ્પા કઈ રીતે ઘરની જવાબદારી સંભાળશે તેની ચિંતા અમીને સતત રહે. લગ્નજીવનનો ઉત્સાહ તો ખરો પણ મન પિયરમાં ખેંચાય અને ત્યાંના નાના મોટા કામોમાં બનતી સહાયતા તે કરે. જ્યારે તેના પિતાના ફરી લગ્ન કરાવવાંનો પ્રસ્તાવ મુકાયો ત્યારે અમીએ પપ્પાને મનાવવાનું મોટું કામ કર્યું. તેમના પાછલા જીવન અને ભાઈ-બહેનના ઉછેરને ધ્યાનમાં રાખી તેના પિતાને પરણાવ્યા. વર્ષોબાદ બંને ભાઈ-બહેનનો ભણી, પરણીને સારી રીતે સેટ્ટલ થઇ ગયા. ગત વર્ષે અમી ના પિતાજીની તબિયત નાદુરસ્ત થઈ. દરોજ્જ સિંગાપોરથી વિડિઓ કૉલ કરી પપ્પાને નવકાર અને વિધિ કરાવે. તબિયત વધારે લથડી તો તરતજ અમી મુંબઈ પહોંચી ગઈ. ICU માં પપ્પાને છેલ્લી વાર નવકાર સંભળાવ્યો. અંતિમયાત્રામાં પિતાના નશ્વર દેહને તેણે કાંધો આપ્યો, અને ત્રણેવ ભાઈ-બહેનોએ પિતાને અગ્નિદાહ આપી દેવોને સુપ્રત કર્યા. સમાજમાં કેટલાકને આ જોઈને અજુગતું લાગ્યું હશે કે દિકરી થઈ ને સ્મશાને ગઈ ને અગ્નિદાહ આપ્યો પણ દિકરીને મન તો આ બાપને વળાવવાની વેળા હતી – તેનો પ્રત્યક્ષ ઋણસ્વીકાર કરવાની આખરી તક હતી. 

બધાના અનુભવો ભિન્ન-ભિન્ન હશે પણ પ્રત્યેક દિકરીને તેના માવતાર માટે અને ભાઈ-ભાંડુઓ માટે આવીજ લાગણી હશે. આવી દિકરીઓને ઉછેરવાનું સૌભાગ્ય આપણને આવ્યું હોય તે આપણા સુકર્મ. તો સમર્પણ અને પ્રેમની એ કાચી માટીમાં આપણી લાગણી અને સંવેદનાનું જળ છાંટીએ તો આ મૂર્તિ કેવી અદભુત તૈયાર થશે!

રવિવારે બપોરે જમીને લંબાવ્યું ત્યાં ફોનની ઘંટડી રણકી. કોલ કરનારનું નામ પરિચિત ન હતું. થોડા અણગમા સાથે ફોન ઉપાડ્યો. સામે છેડે અવાજ આવ્યો: “મિહિરભાઈ, હું કિશોર બોલું છું. આપણા સમગ્ર કુટુંબનું એક ‘પરિવાર વૃક્ષ’ (family tree) બની રહ્યું છે અને તેના માટે થોડી માહિતી જોઈએ છે.” નાનપણમાં પિતાજીએ મને સાત પેઢીના નામ મોઢે કરાવ્યા હતા એટલે હું તો કડકડાટ બોલી ગયો અને પછી અભિવાદન માટે થોભ્યો હોય એમ નાટકીય વિરામ આપ્યો. ત્યાં સામેથી બીજો પ્રશ્ન આવ્યો “બહુ સરસ. મેં બધાજ નામો નોંધી લીધા છે. હવે તમારે અને ભાઈને શું સંતાનો છે?” મેં કહ્યું અમારે બન્નેને બે દિકરીઓ છે. થોડી ક્ષણો માટે કોઈ પ્રતિસાદ ના આવ્યો. પછી કિશોરભાઈએ  ટૂંકમાં પતાવ્યું “કાંઈ વાંધો નહિ. વંશ વૃક્ષ તમારા સુધી રહેશે  – તમને ડ્રાફ્ટ થોડા સમયમાં મોકલાવશું. જય શ્રી કૃષ્ણ”.  મારો ચહેરો ગંભીર થઈ ગયો. મનમાં આવ્યું કે હજી પણ આ જ વિચારધારા છે? વંશ વધારવો એ ફક્ત શું પરિવારના નામને કે ‘અટક’ને જીવતી રાખવા પૂરતું સિમિત છે? કેટલો સંકુચિત દૃષ્ટિકોણ! વંશ વધારવો એટલે તેની વિચારધારા, તેના સંસ્કારો અને તેના ગુણોનો વધારો કરવો હોવો જોઈએ.

તેના મોટા ઉદાહરણો આપણી સમક્ષ છે : ઇંગ્લેન્ડનો રજવાડી પરિવાર (Royal Family) – તે પરિવારની દીકરી અને હાલની મહારાણી (Queen of England) દ્વારા ટકી રહી સમૃદ્ધ થયો છે. પંડિત નહેરુનો વંશ આજની તારિખમાં તેની પુત્રી ઇન્દિરા દ્વારા જીવંત છે. અને આવા તો કેટલાય દાખલાઓ આપણને મળશે. તો કેમ ફર્ક છે તેમના અને આપણા વિચારો માં? આપણી માનસિકતા ક્યાં અટકી ગઈ છે?

બહુજ પ્રચલિત અને જુનું ગુજરાતી લગ્નગીત છે :  “દિકરીને ગાય દોરે ત્યાં જાય … દિકરી તો પારકી થાપણ કહેવાય”. મારુ વિનમ્રપણે માનવું છે કે હવે આ ગીતના શબ્દો બદલવાની જરૂર છે: “દિકરી જોતા દેવો હરખાય … દિકરી તો કુળનું ડહાપણ કહેવાય”.

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (22-Feb-2022)

6 thoughts on “ફરી…કલરવ અને કોલાહલ – 4

 1. Very well written Mihir. It is said that a daughter grows up to be her mother’s best friend. This beautiful narrative truly brings about the essence of a daughters relationship with her parents. Also irrespective of her age, she still looks forward to her parental home visits & the warmth of her old home filled with loving childhood memories!

  Liked by 1 person

 2. પપ્પા અને દીકરી વચ્ચે નો સંબંધ કેટલો પ્રેમાળ હોય છે તે ખૂબ જ સરસ રીતે વર્ણવ્યું છે દીકરી પપ્પાના ખભાને ઝૂકવા નથી દેતી અને સાસરે જઈને પણ બે કુળનું નામ રોશન કરે છે પોતાના પિયરનુ પણ અને સાસરાનુ પણ. છતાં પણ આજની એકવીસમી સદીમાં રહેતો આ સમાજ દીકરીને આજની તારીખમાં પણ ભાર ગણે છે

  Liked by 1 person

 3. …દિકરીઓ વધારે સંવેદનશીલ હોય એટલે બોલવામાં વધુ ધ્યાન રાખવું.”

  Liked by 1 person

 4. Very well written brother…
  Gujarati parnu prabhutva khubaj sundar.
  Vichoro ni dhara pan sahaj che.
  Keep expressing.
  I have been fortunate to be raised by a father who had the same sensitivity as yours.
  A daughter is a fathers pride and will remain so always.

  Liked by 1 person

 5. ઈશ્વરે દિકરી ઘડીને મા-બાપ ઉપર ઉપકાર કર્યો છે,
  ……..ક્યારેય  તમે તમારી જાત ને દુનિયાભરના તમામ દૂ:ખોથી ઘેરાયેલા મહેસૂસ કરો, ત્યારે દિલથી તમારી દિકરી સાથે વિતાવજો, તમને હિમાલય થી પણ વધારે ઠંડક થશે અને હળવા ફૂલ જેવા મહેસૂસ કરશો,અહી હૂ મારો જાત અનુભવ શેર કરુ છુ, જયારે પપ્પા એમના અંતિમ દિવસોમા હોસ્પિટલમાં ત્રણ દિવસથી અસમંજસતામા હતા અને શ્વાસો શ્વાસમા ખૂબ જ તકલીફ થતી હતી,તેમના અંતિમ વિદાય આગળના દિવસે મે તેમને યાસિકા સાથે વિડિયો કોલ પર વાત કરાવી અને યાસિકા માત્ર એટલુ જ કીધુ પપ્પા તમે જરા પણ ચિંતા ના કરો હુ છુ ને,તમે માત્ર ઞિરીરાજજી નુ સ્મરણ કરો, અને બીજે દિવસે સવારના સાતથી સાડા સાત વચ્ચે ઞિરીરાજ ચરણ પામી ઞયા.
        મિહીરભાઈ તમારી વિચારધારા સહહ્દયે સ્વીકાર કરતા મને પણ જરા વાચા મળી છે
  “દિકરી સૌની વહારે ધાય,દિકરી તો મા-બાપનો આત્મા કહેવાય”
       ખૂબ જ સરસ અને હ્રદયને સ્પર્શ કરતો આર્ટિકલ મિહીરભાઈ….
    અને અંતમા…
        ભાગ્યશાળી છે એ જેમના ઘરે દિકરી જન્મી છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.