મુક્તિ
અંતે બ્રાહ્મ મુરતમાં બાબુએ અંતિમ શ્વાસ લીધો. છેલ્લા આઠ-દસ દિવસથી એમની પીડા જોઈને ડૉક્ટરે પરિવારજનોને કહી દીધું, “ હવે તો પ્રાર્થના જ કરવી રહી કે ઈશ્વર એમને પીડામુક્ત મૃત્યુ આપે. જો કેન્સરનું દર્દ શરૂ થયું તો એ સહન કરવું કપરું બની જશે.”
જો કે સૌ સમજતાં હતાં કે આનાથી વધુ સુખદ મૃત્યુ ન જ હોઈ શકે. ચારે સંતાનો સેટલ થઈ ગયાં હતાં. પિતાનું ખૂબ ધ્યાન રાખતા. પરિવારના સભ્યો એક જ શહેરમાં અને એકમેક સાથે સ્નેહથી સંકળાયેલા છે. ક્યાંય કોઈ કમી નહોતી.
અને એમની પત્ની? આવી સેવાપરાયણ પત્ની હોવી એ પણ નસીબની વાત હતી. ઉંમર તો એમનીય થઈ હતી છતાં દિવસ રાત જોયા વગર, રાતોની રાતો જાગીને છેલ્લા આઠ મહિનાથી બસ લગાતાર…..
બાબુજીને આ બધું ધ્યાન પર નહીં આવતું હોય કે પછી અમ્મા પાસે સેવા કરાવવાનો પોતાનો અધિકાર અને સેવા કરવાની અમ્માની ફરજ છે એમ માની લીધું હશે?
જો કે આ સેવાને કોઈએ અમ્માની ફરજ, દિનચર્યા કે સ્વભાવની સારપના નામે કરી દીધી સૌના ધ્યાનનું કેન્દ્ર હતા બીમાર બાબુ અને એમની બીમારી કે જે મોતનો સંદેશો લઈને આવી હતી.
ત્રણ મહીના પહેલાં બાબુને નર્સિંગ-હોમમાં શિફ્ટ કર્યા તો મેં રાહતનો શ્વાસ લીધો કે હાંશ હવે એમની દેખરેખ નર્સ રાખશે તો અમ્માને થોડી શાંતિ મળશે. પણ એમ ન બન્યું અને સેવા-ચાકરીની જવાબદારી તો અમ્માની જ રહી. જરૂર પડે તો અમ્માની સાથે રહેવા પરિવારમાંથી કોઈ આવી જતું પણ સેવાનો ભાર તો અમ્માના માથે જ રહ્યો.
કાલે રાત્રે નર્સિંગ હોમમાંથી ડૉક્ટરનો ફોન આવ્યો કે, “જેને બોલાવવા હોય એમને બોલાવી લો. બાબુજી ભાન ખોઈ રહ્યા છે. એવું લાગે છે કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.”
“મુંબઈ મોટાભાઈ, લખનૌ દીદી અને અમેરિકા નમનને જાણ કરી દેવાઈ.
ડોક્ટરની સૂચનાથી જાણે મારું હૃદય બેસી ગયું જાણે ઊંડા પાતાળ કૂવામાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું. રવિ સ્નેહથી સંભાળી લેવા મથ્યા.
“શિવાની, તું તારી જાતની સંભાળ લે નહીંતર અમ્માને કેવી રીતે સાચવીશ?” રવિએ મને હિંમત આપવાનો પ્રયાસ કર્યો પણ અમ્મા પર શું વીતશે એ વિચારે હું વધુ વિચલિત થઈ.
મુંબઈ મોટાભાઈને ફોન કર્યો તો એ એકદમ સ્વસ્થતાથી બોલ્યા, “થેન્ક ગોડ…બાબુજીનો તકલીફ વગર શાંતિથી જવાનો સમય આવી ગયો. હું સવારની ફ્લાઇટમાં નીકળું છું પણ બંને છોકરાઓને બોર્ડની એક્ઝામ છે એટલે સુષ્માથી તો નહીં આવી શકાય. અને બધા એક સામટા આવીને કરશે શું?”
દીદીને ફોન કર્યો તો એમણે પણ જલ્દી આવવાનો પ્રયાસ કરશે એમ જણાવ્યું. ન તો બાબુજી માટે કંઈ પૂછ્યું કે ન તો અમ્મા માટે. જાણે સૌ એક રસમ પૂરી કરવા આવી રહ્યાં હોય એવો તાલ હતો. હું અવાક હતી. મોટાભાઈ કે દીદીના અવાજની સ્વસ્થતા મને અકળાવતી હતી. જાણે આવા કોઈ સમાચારની રાહ જોતાં હોય એમ જરા સરખો પણ આઘાત કોઈના અવાજમાં ન સંભળાયો.
મારી અકળામણ રવિ સમજતો હતો. મને સાંત્વન આપતા સૂરે એ બોલ્યો, “ તું ખોટા વિચારે ના ચઢીશ. યાદ છે ને પહેલી વાર બાબુજીને કેન્સર થયું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે કેટલા મહિનાઓ સુધી બાબુજીનું ધ્યાન રાખવાની દોડધામ ચાલી હતી? શરૂઆતના ચાર મહિનામાં મોટાભાઈ બે વાર દોડ્યા દોડ્યા આવ્યા હતા. અમેરિકાથી નમન પણ આવી ગયો હતો. એણે જ તો બાબુજીની બીમારીનો ખર્ચો ઉપાડી લીધો નહીંતર નર્સિંગ હોમનો ખર્ચો કેટલો ભારે પડી જાત? અને અહીંયા છે એ બધાએ અવારનવાર સમય સાચવી જ લીધો હતો ને? અને લાંબો સમય બીમારી ચાલે પછી સૌ પોતાના કામે લાગે એ બહુ સ્વાભાવિક છે.”
હવે આ વાત મને સમજાતી હતી. બીજા તો ઠીક હું પણ હવે ક્યાં પહેલાંની જેમ બાબુજી પાસે ચાર- પાંચ કલાક બેસતી હતી? ક્યારેક તો બે-બે દિવસના અંતરે આવતી હતી. કદાચ આ જ જીવનની સચ્ચાઈ હતી. બીમારી લાંબી ચાલે ત્યારે સૌ્ માત્ર ફરજ નિભાવતા હોય એમ સમય સાચવે પણ મનથી તો જે અત્યારે આવીને ઊભી હતી.એ ક્ષણની પ્રતીક્ષા જ કરવા માંડે. એટલે જ કદાચ સૌને આઘાત ઓછો અને રાહત વધુ લાગી હશે.
“શિવાની થોડી રિલેક્સ થા અને અમ્માનો વિચાર કર. સૌ બાબુજીમાં લાગી જશે પણ અમ્માને કોણ સાચવશે?” રવિ મારી પીઠ પસવારતા બોલ્યા.
“જાણું છું. એક માત્ર અમ્મા બાબુજી સાથે જોડાયેલી રહી છે બાકી તો લાંબી બીમારીએ અંતરંગ સંબંધોના તાર વેરવિખેર કરી નાખ્યા છે. સાચે જ અમ્મા બહુ એકલી પડી જશે. એ કેવી રીતે આ આઘાત સહી શકશે?” મેં ઊંડો નિસાસો નાખ્યો.
સમજણ નહોતી પડતી કે નર્સિંગ હોમમાં અમ્માનો સામનો કેવી રીતે કરીશ. પણ અમ્મા તો રોજની જેમ બાબુજીના પગ દબાવતી બેઠી હતી. મને જોઈને બોલી,
“અરે ! તું અત્યારે સમયે ક્યાંથી?”
હું સમજી ગઈ કે અમ્માને હજુ પરિસ્થિતિની જાણ નથી. મારા અવાજને સ્વસ્થ રાખીને પૂછ્યું, “બપોરનું ટિફિન હજુ કેમ અકબંધ જ પડ્યું છે?”
“અરે! કેટલા દિવસ પછી એ ઘેરી ઊંઘમાં છે. પગ દબાવવાનું બંધ કરું તો ઊઠી જાય અને ઊઠી જાય ત્યારે એમનો ગુસ્સો કેવો હોય છે એની તને ખબર તો છે. ઊઠતાની સાથે કેવી લાતો મારે છે એ તેં જોયું છે. ખાવાનું તો ઠીક છે મારા ભઈ, પેટમાં પડ્યું હોય કે ટિફિનમાં શું ફરક પડે છે?”
અમ્મા સતત કેવા ભયમાં જીવતી હતી એ મને સમજાયું. છેલ્લા કેટલાય સમયથી અમ્માનું આ જીવન હતું. ખાવાનીય સુધ નહોતી રહેતી. પણ ક્યારેય નથી કોઈના માટે ફરિયાદ કરી કે નથી કોઈની પર ગુસ્સો કર્યો. અને ગુસ્સો કરે તો કોના પર?
પણ આશ્ચર્ય મને એ વાતનું હતું કે અનુભવી એવા અમ્માને બાબુજી ઘેરી નિંદ્રામાં છે કે બેહોશીમાં એની ખબર નહોતી પડી. બાબુજીની આઠ મહિનાની બીમારીએ અમ્માની ઊંઘ-ભૂખની સાથે એમની ઇંન્દ્રિયો પણ સાવ સુન્ન કરી દીધી હતી?
એક બાજુ બાબુજીના જીવનના ગણેલા કલાકો, એ પછીની અમ્માની પ્રતિક્રિયા, આ બધા વિચારોની સાથે સહજ રહેવાનો ડોળ કરવાનું મને અઘરું પડતું હતું.
સવારે પાંચ વાગે બાબુજીએ અંતિમ શ્વાસ લીધો. અમ્મા સિવાય સૌ આ પરિસ્થિતિ માટે તૈયાર હતા. બાબુજીની ઠંડા પડી ગયેલા પગને પકડીને હૈયાફાટ રૂદન કરતી અમ્માને સંભાળવાનું દુષ્કર હતુ. અમ્માને સાંત્વન આપવાના પ્રયાસો વિફળ જતા હતા. પણ પછી જાણે આંસુ જ ખૂટી ગયા હોય એમ એ એકદમ શાંત થઈ ગઈ.
બાબુજીની સાથે એમનોય જીવ નીકળી ગયો હોય એટલી હદે એકદમ જડ બની ગયેલી અમ્માને બાબુજી પાસેથી ઊભી કરવી કઠિન હતું.
માંડ ઘર સુધી પહોંચીને એમને બાબુજીની રૂમમાં બેસાડી દીધાં. બહાર ચાલતી ગતિવિધિથી બેખબર અમ્માની સાથે હું બેસી રહી. બાર વાગતામાં બાબુજીનો નિર્જિવ દેહ ઘરે લવાયો ત્યારે ફરી રોક્કળ શરૂ થઈ. અમ્માને પરાણે બાબુજીના દર્શન માટે બહાર લઈ જવાઈ. આ તે કેવી વિડંબના? આજ સુધી અમ્મા બાબુજીના ક્રોધથી કાંપતી જ રહી છે. બાબુજીની નાની મોટી ઇચ્છાપૂર્તિમાં જ એના દિવસ-રાત પસાર થયા હતા.
અંતિમ ક્રિયા પતાવીને સૌ પાછા આવ્યા. એક પછી એક અમ્મા પાસે આવીને એમને ધીરજ અને હિંમત રાખવાનું આશ્વાસન આપતા રહ્યાં. સાંજે દીદી આવી. ફરી રોક્કળ શરૂ થઈ. અમ્મા કંઈ ન બોલ્યાં. રાત્રે સૌ જમ્યાં પણ અમ્માએ અન્નનો દાણો મ્હોંમાં ન મૂક્યો કે ન ઊંઘ્યાં.
બીજી સવારે સૌ ખરખરો કરવા આવ્યાં. બાબુજીની બીમારીની વાતો, થોડું રૂદન અને વચ્ચે આશ્વાસનનાં ઠાલાં શબ્દો…કોઈ કહેતું હતુ કે, “આને મૃત્યુ ન કહેવાય. આને તો મુક્તિ કહેવાય. કેવી બીમારી હતી અને કેવી શાંતિથી મોત થયું એ તો વિચારો. વળી કેવા નસીબદાર કે સવારના શુભ મુરતમાં પ્રાણ ગયા. આવું મોત કોના નસીબમાં હોય છે?”
વળી કોઈ અમ્માને કહેતા, “તમને તો સંતોષ હોવો જોઈએ કે ન કોઈ તકલીફ, ન પીડા અને બસ જંજાળમાંથી મુકત થઈ ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.”
અમ્માની માંડ આંખ મળી હતી. આ કંઈ સૂવાનો સમય હતો, લોકો શું કહેશે એ વિચારે દીદી એમને ઊઠાડી દેતી હતી, પણ થાકેલા અમ્મા આંખ ઊંચી કરી શકતા નહોતાં. ભીંતને ટેકે બેઠેલાં અમ્માને ભાભીના મદદથી પલંગ પર સુવડાવ્યા અને બાજુમાં બેસીને હળવેથી હું માથે હાથ ફેરવવા લાગી. સાચે જ અમ્માને કેટલા વખતે આમ ઘેરી નિંદ્રા લેતાં જોયા. પણ એ જોઈને દીદી ભડકી.
“બહાર આમ લોકો માતમ મનાવવા આવ્યા છે અને તેં એમને સુવડાવી દીધાં? હજુ તો બાબુજીની ચિતા નથી ઠરી અને અમ્મા આમ….?”
“દીદી, તમને લખનૌમાં બેઠા ક્યાંથી ખબર હોય કે અમ્માએ આઠ મહિનામાં કેટલા દિવસ ખાધા કે ઊંઘ્યા વગર કાઢ્યા છે. બાબુજી પાછળ દિવસ-રાત એક કર્યા છે. બાબુજીએ પણ ક્યારેય નથી વિચાર્યું કે અમ્માની શી હાલત હતી. અરે, એમના ગુસ્સાથી અમ્મા કેટલા ડરતાં હતાં એનીય ક્યાં ખબર હતી એમને? આઠ મહિનામાં અમ્મા પૂરેપૂરા નિચોવાઈ ગયા છે. એક કામ કરો તમે જ બહાર જઈને એ સૌની સાથે બેસો. કહી દો કે અમ્માની તબિયત ખરાબ છે.” જરા ઊંચા અવાજે મારાથી દીદી પાસે અકળામણ ઠલવાઈ.
મારી વાત, મારા તેવર જોઈને દીદી સડક થઈ ગયા અને એક અક્ષર બોલ્યા વગર બારણું ખોલીને બહાર ચાલ્યા ગયાં. એ ગયાં ત્યારે ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાતા હતા,“ જે થયું એ સારું થયું કે ભગવાને એમને સમયસર મુક્તિ આપી દીધી.”
બહારના આ અવાજોથી અમ્મા જાગી ન જાય એની ચિંતામાં હું ઝડપથી બારણું બંધ કરી આવી. પાછી ફરી ત્યારે જોયું તો અમ્મા ઘેરી નિંદ્રામાં હતાં. એકદમ શાંત…નિશ્ચિંત …
મને એ ક્ષણે વિચાર આવ્યો કે ખરેખર મુક્તિ મળી કોને, બાબુજીને કે અમ્માને ?
મન્નૂ ભંડારીને વાર્તા ‘મુક્તિ’ પર આધારિત ભાવાનુવાદ.
Top of Form
રાજુલ કૌશિક Rajul Kaushik http://www.rajul54.wordpress.com |