સ્પંદન-49
આવ્યું નવલું નવ વર્ષ , લઈ આશાનો ચમકાર
નવ સંદેશ સાથે કરીએ નવ વર્ષનો સત્કાર
થાય હૂંફાળો સ્નેહ સ્પર્શ ને પ્રેમ સમંદર છલકે
જામ્યો હર હૈયે હર્ષ, માનવ હૈયું મલકે.

હર માનવ હૈયાનો મલકાટ, આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2021ની વિદાય અને 2022ના આગમનની તૈયારી. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?

સુખ એ અદભુત શબ્દ છે. તે સરળતાથી માણી શકાય છે પણ સમજવું અઘરું છે કે સુખ શું છે. વિજ્ઞાન અને વિકાસના પગલે આપણે સુખનું શિખર સિદ્ધ કરી શક્યા છીએ કે કેમ તે કોયડો છે અને હજુ ઉકેલવાનો બાકી છે. આપણને થાય કે હજુ શું ખૂટે છે? પ્રાચીન સમયથી માનવ આ પ્રશ્ન સાથે ઝઝૂમતો રહ્યો છે. એક મત પ્રમાણે ધર્મના પુસ્તકોમાં રહેલ સ્વર્ગનો ખ્યાલ પણ માનવની સદા સુખી રહેવાની આકાંક્ષામાંથી જ ઉદભવ્યો છે. પરંતુ વિશ્વ એ દ્વંદ્વ છે. જ્યાં રાત્રિ છે ત્યાં દિવસ પણ છે, પ્રકાશ છે ત્યાં અંધકારનું સામ્રાજ્ય પણ દૂર નથી. જ્યાં સ્વર્ગની કલ્પના છે ત્યાં નરક પણ માનવ કલ્પનાને માટે બિહામણું સત્ય બનીને ઉભું છે.

સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. આપણા ભક્તકવિ નરસિંહ મહેતાનું પદ યાદ કરીએ. ‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ એટલે કે સુખ અને દુઃખ તો વિધિનું વિધાન છે અને કંઇક અંશે માનસિક છે તેવો સૂર આ કાવ્યપંક્તિ આપે છે. વૈદિક વિચારધારામાં પણ કઈંક આવું જ છે. યાદ આવે આપણા મહાન અવતારો રામ અને કૃષ્ણ. બંનેના જીવનમાં સુખ અને દુઃખનો સંગમ છે. અયોધ્યાના રાજકુમાર રામને રાજ્યાભિષેકના બદલે વનવાસ અને વનમાં સીતાજી ગુમ થતાં તેને શોધવા રામનું કલ્પાંત. લાગે કે સમયની પરિવર્તનશીલતા અને માનવ લાગણીઓનું સંગમસ્થાન રામના જીવનમાં પણ છે.

માનવ માત્ર સુખનો આકાંક્ષી છે. આપણે ત્યાં રૂઢિ પ્રયોગ છે કે ‘પારકે ભાણે લાડુ મોટો લાગે’. પરંતુ હકીકત એ છે કે જે સુખ પામે છે તેણે પ્રયત્ન પણ એવો જ કર્યો હોય છે. હકીકતે તો સુખ એ તેણે ઉઠાવેલી જવાબદારીઓનો પરિપાક હોય છે. યાદ આવે એક રોમન કહાની ડેમોક્લિસની તલવારની. વાર્તા કંઇક આવી છે. ડાયોનિસિયસના રાજ્યમાં તેનો દરબારી ડેમોક્લિસ છે જે હંમેશા રાજાની કંઇક વધુ પડતી ખુશામત કરે છે. તેને થાય છે કે રાજા જેવું સુખી કોઈ નથી. તેના જેવું ધન અને મહત્તા સાથેનું જીવન એટલે સુખ. રાજા ડાયોનિસિયસ તેને ભોજન સમારંભમાં નિમંત્રણ આપે છે અને તેના આસન પર એક તલવાર કાચા તાંતણે લટકતી હોય તેવો પ્રબંધ કરે છે. સ્પષ્ટ છે કે લટકતી તલવાર હોય ત્યાં માણસ સુખ માણી શકતો નથી. ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’. સુખની પાછળ જ દુઃખ છુપાયું હોય છે અને લટકતી તલવાર માણસને ચિંતાગ્રસ્ત રાખે છે. સંસાર એ અનિશ્ચિત ભાવિનું બીજું નામ છે. આ અનિશ્ચિતતા પ્રાચીન યુગમાં વિકાસના અભાવ તરીકે હતી અને પાડોશી રાજાઓનું આક્રમણ સહુએ સહન કરવું પડતું. રોમ અને કાર્થેજની લડાઇ હોય કે એથેન્સ અને સ્પાર્ટાની લડાઇ હોય રાજાનું અને પ્રજાજનોનું સુખ અનિશ્ચિતતાથી જોડાયેલું હતું. મધ્યયુગમાં પણ વિદેશી આક્રમણો થતાં. ગઇ સદીનો ઇતિહાસ પણ બબ્બે વિશ્વયુદ્ધનો સાક્ષી છે. આ ઉપરાંત પ્લેગ, ફ્લૂ જેવા રોગો તો જુદા. તો વર્તમાન વર્ષો સાક્ષી છે કોરોના મહામારીના. આર્થિક વિકાસ અને વૈશ્વિક અર્થતંત્રોને હચમચાવી દેનાર કોરોનાથી અને તેના અવનવાં સ્વરૂપોથી સહુ પરિચિત છે જ. અને તેથી જ સુખ હાથતાળી દઈને નાસી જતું હોય તેમ લાગે છે.

સુખ એ એક ત્રિવેણી સંગમ છે – માનસિકતા, પરિસ્થિતિજન્ય પરિબળો અને પડકાર સામે પ્રતિકારની સજ્જતાનો. સુખ શોધવાનો પ્રયાસ દરેકનો હોય છે, પણ માનસિક રીતે જે લોકો હકારાત્મક વલણ ધરાવે તેને સુખનો એહસાસ દૂર હોતો નથી. સુખ એ એક એહસાસ છે પણ માત્ર એહસાસ નથી. કારણ કે ભૌતિક પરિસ્થિતિ પ્રમાણે સુખ બદલાઈ શકે છે. વૈજ્ઞાનિક સગવડો કે સુવિધાના સાધનો વધવાથી આવાં પરિબળો બદલી શકાય છે. જેમ કે શારીરિક રોગ કે પરિસ્થિતિ દવાથી બદલી શકાય. કદાચ વધુ તાજું ઉદાહરણ લઈએ તો કોરોનાને લીધે ડરેલો માનવ વેક્સિન લીધા પછી વધુ સુરક્ષિત બનતાં પોતાને સ્વસ્થ અને સુખી અનુભવે છે. પરંતુ અનિશ્ચિત ભાવિ સામે બાથ ભીડવા જે તૈયાર છે, જે નીડર રહીને કર્મયોગ આચરે છે તે સફળ પણ થાય છે અને સુખી પણ. જો સજ્જતા હોય તો સુખ દૂર હોતું નથી. સજ્જતાનો અભાવ એ દુઃખનું કારણ છે અને તેથી જ જ્યારે માનસિકતા, પરિસ્થિતિ અને સજ્જતા એમ બધી જ વસ્તુઓ એકત્ર થાય ત્યારે સુખનો સોનેરી સૂરજ ઊગે.

આવી સજ્જતા સદીઓથી માનવજાત કેળવતી આવી છે. યાદ કરીએ ગુફાવાસી વનવાસી માનવને અને તેના પડકારોને કે જેમાં હિંસક વિશાળ પ્રાણીઓનો, કુદરતી પરિબળોનો સામનો કરતો માણસ આજે સિદ્ધિના શિખરે બેઠો છે. આ સિદ્ધિ અનેક લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સામર્થ્યથી સિદ્ધ થઈ છે. જ્યારે વર્ષ બદલાય ત્યારે એક સીમાચિહ્ન કે માઇલસ્ટોન પ્રાપ્ત થાય છે, જે આપણને વધુ સુસજ્જ બનાવવા તરફ અને આપણી આત્મશક્તિને વિકસાવવા તરફ પ્રેરણા આપે છે. આમ નવું વર્ષ એ આપણી પ્રેરણાનો સ્ત્રોત બની શકે અને આ પ્રેરણા જ આપણી સજ્જતા વધારી સુખી બનાવી શકે. દરેક પડકારને પ્રેરણા બનાવી સજ્જતાની સીડી બનાવીએ તો સુખ હોય કે સફળતા કંઇ જ દૂર નથી. આ સફળતાના સોપાનના શ્રીગણેશ કરીએ નવી આશા અને આત્મવિશ્વાસ સાથે એક નવા નક્કોર વર્ષ તરફ આગળ વધીએ. શિશિરની ઠંડીને સ્નેહની હૂંફથી ઉજવીએ. સાંતાકલોઝ બની અદૃશ્યરૂપે ભેટ આપી ખુશીઓને વહેંચીએ. જીવનનું ગીત ગાઇએ અને ઈસુ ખ્રિસ્તને યાદ કરી પ્રેમ અને ક્ષમાનો આદર કરી જીવનને ભારથી મુક્ત કરીએ. જીવનની પ્રકાશમય બાજુ જોઇએ અને અનુભવીએ. જીવન તો ખૂબ તરલ છે. તેને સપ્તરંગી મેઘધનુષ બનાવીએ, જીવનના બાગને સુગંધી ફૂલોની મહેક થકી સુંદર અને સુગંધિત બનાવીએ એ જ નવા વર્ષની સિદ્ધિ અને શુભેચ્છા.

રીટા જાની
24/12/2021

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.