– ‘સ્નેહબંધ’ –
વાચક મિત્રો…
મિતુ અને મારી વચ્ચે સ્નેહબંધન સર્જાશે કે કેમ એનો જવાબ મળ્યો?
આજે મિતુની મસ્તી કયા મોડ પર જઈને ઊભી રહી એની વાત કરું..
તો બન્યું એમ કે એક દિવસે ઑફિસેથી આંધીની જેમ એ પાછી આવી. અમને બંનેને સાથે બેસાડીને ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. નાના છોકરાંની જેમ તાળીઓ પાડતી બોલી, “ હેપ્પી એનવર્સરી..”
અરે! અમને તો યાદ પણ નહોતું અને એને ક્યાંથી ખબર?
પછી તો અમારી આરતી ઉતારી. મારા માટે બનારસી સાડી અને એમના માટે પુલોવર લઈ આવી હતી. સ્ટુડિયોમાં જઈને ગ્રુપ ફોટો સેશન કરાવ્યું. એ પોતે પણ પારંપારિક વેશભૂષામાં માથે સાડીનો પાલવ ઢાંકીને ઊભી રહી. ‘અંગૂર’ ફિલ્મ જોઈને બ્લ્યૂ ડાયમંડમાં જમ્યા. ક્વૉલિટી આઇસ્ક્રિમ અને છેલ્લે બનારસી પાન. મિતુના ધાંધલ-ધમાલથી આખો દિવસ ખાસ બની ગયો.
મનથી તો બહુ સારું લાગ્યું છતાં કોણ જાણે કેમ પણ એ જેટલા સ્નેહથી મા કહેતી તો એવા સ્નેહથી એને પ્રતિસાદ તો ના જ આપી શકી. છોકરાઓના પપ્પાએ મા વગરની છોકરીને જેટલી સહજતાથી અપનાવી લીધી એટલી સહજતા મારામાં ન આવી.
થોડા સમય પછી છ મહિનાની ટ્રેનિંગ માટે ધ્રુવને જર્મની જવાનું થયું. હું ઇચ્છતી હતી કે ધ્રુવની સાથે એ પણ જર્મની જાય, પણ ધ્રુવનો ખર્ચો કંપની આપવાની હતી એટલે મિતુએ સાથે જવાની ના પાડી દીધી. ધ્રુવના ગયા પછી એ પોતાના પપ્પાના ઘેર જતી રહી. ખરેખર તો મારે એને રોકવી જોઈતી હતી પણ હું એમાં પાછી પડી.
ઘરમાં મારા સિવાય સૌ ધ્રુવ કરતાં એને વધુ મિસ કરતાં. એમના પપ્પા તો બે-ચાર દિવસે મિતુને મળવા વેવાઈના ઘેર પહોંચી જતા. ક્યારેક મને પણ પરાણે ઘસડી જતા. શિવ તો કેટલીય વાર મિતુ સાથે બહાર જતો, મૂવી જોઈ આવતો.
દિવસો પસાર થતા હતા. એક દિવસ એમને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો. આમ તો દસ પંદર દિવસથી તકલીફ શરૂ થઈ હતી પણ આજે તો ઘણી વધારે પીડા થતી હશે એવું લાગતું હતું.
રાતો રાત હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પ્રોસ્ટેટની તકલીફ હતી, સર્જરી કરવી જ પડે એમ હતી. સરકારી હોસ્પિટલના જનરલ રૂમની એ રાત તો જીવનભર નહીં ભૂલાય. દુર્ગંધ મારતી રૂમમાં સૂવાની વાત તો દૂર બેસવાનુંય દુષ્કર હતું.
બીજી સવારે દસ વાગે સર્જરી નક્કી થઈ. એમને ઓપરેશન માટે લઈ ગયા. બંધ આંખે હું ઈશ્વરનું નામ લેતી બેસી રહી. શિવને ઘણી દોડાદોડ પડતી હતી.
“નમસ્તે બહેન.” આંખ ખોલી તો સામે મિતુના પપ્પા.
“અમને એટલા પરાયા માની લીધા કે સમાચાર સુદ્ધાં ન આપ્યા?” એમના અવાજમાં પીડા હતી.
“શું કરું, બધું એટલું અચાનક બની ગયું . શિવ એકલો અને ઘણી દોડાદોડ પડી.”
“એટલે જ અમને કહેવાનું ને? કાલે ધ્રુવને ખબર પડે તો શું કહેશે?” એ બોલ્યા.
આટલી વાત થયા પછી પણ મને મિતુ ક્યાં છે એ પૂછવાનું યાદ ન આવ્યુ.
બે કલાક પછી એમને ઓપરેશન રૂમમાંથી બહાર લાવ્યા ત્યારે એમની નિઃસહાય અવસ્થા મારાથી જોઈ ન શકાઈ.
એમને લઈને જે રૂમમાં પહોંચ્યા એ કાલનો જનરલ વૉર્ડ નહોતો.
“જનરલ વૉર્ડમાંથી ડીલક્સ રૂમમાં ક્યારે કોણે બધું શિફ્ટ કરાવ્યું?” સ્ટ્રેચરની સાથે ચાલતા શિવને પૂછ્યું.
“ભાભીએ..”
“આ કામ એના વગર કોઈનાથી થાય એમ નહોતું. લડી બાખડીને ઊભાઊભ સુપ્રિટેન્ડટ સાથે રહીને આ રૂમ તૈયાર કરાવ્યો.” મિતુના પપ્પાના અવાજમાં દીકરી માટેનો ગર્વ છલકાયો.
રૂમ એકદમ સાફસૂથરો. બંને પલંગ પર સાફ ચાદરો, સફેદ ટેબલ ક્લૉથ. રૂમના કબાટમાં વ્યવસ્થિત ગોઠવાયેલા અમારા કપડાં, એક તરફની પેન્ટ્રીમાં પ્લેટો, ચા, ખાંડ વગેરે જરૂરી ચીજો નજરે પડી.
થોડી વારમાં મિતુ ચા લઈને આવી. સારું લાગ્યું.
જ્યારે એ થોડા ભાનમાં આવ્યા ત્યારે એમને જોઈને ખાતરી થઈ કે સાચે એમની પીડા અસહ્ય હશે નહીંતર એમની લાડકી મિતુને યાદ કર્યા વગર ના રહેત.
પછી તો મિતુએ એક પછી એક ફરમાન બહાર પાડ્યાં.
“પપ્પા તમે અને ભાઈ ઘેર જાવ. ભાઈ સાથે મારા અને મા માટે જમવાનું મોકલી દેજો. શિવ સાથે બેસીને દવાઓનું લિસ્ટ ચેક કરીને શિવને પણ એના પપ્પા સાથે ઘેર જવાનું અને બીજા દિવસનું પેપર પણ ત્યાંથી જ આપવા જવાનું કહી દીધું.
થાક અને ઉજાગરાથી મારી આંખો ઘેરાવા લાગી. સાંજે આંખ ખુલી ત્યારે મિતુ્ને એમના પલંગ પાસે બેઠેલી જોઈ. સાંજનું જમવાનું આવી ગયું હતું. મારા માટે પાન મંગાવવાનું એ ભૂલી નહોતી. જમ્યા પછી મને હેરાનગતિ ન થાય એવી રીતે રાત્રે જાગવા માટે એનો અને એના ભાઈનો વારો નક્કી કરી લીધો.
એક આરામ ખુરશી પર હાથનો તકિયો બનાવીને એણે સૂવાની તૈયારી કરી.
“ત્યાં ભાઈને બેસવા દે, તું અહીં મારી પાસે પલંગ પર આવી જા. આખો દિવસ પગ વાળીને બેઠી નથી..”
એક શબ્દ બોલ્યા વગર આવીને પલંગ પર નાના બાળકની જેમ ટૂંટિયું વાળીની સૂતી. દિવસભર દૃઢતા અને ઉગ્રતાથી કામ લેતી છોકરી અત્યારે એવી તો નિર્દોષ લાગતી હતી કે મને એને મારી બાથમાં લેવાની ઇચ્છા થઈ આવી.
એનેય મા યાદ આવતી હશે. ભાભી તો સાવ નાની છે. મોટી બહેન તો પરદેશમાં છે, ક્યારેક રડી લેવું હોય ત્યારે કોનો પાલવ શોધતી હશે! પહેલી વાર દીકરી જેવું વહાલ ઉમટ્યું.
બીજી તરફ પડખું ફેરવીને સૂતેલી મિતુના માથે હાથ ફેરવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. એમ કરવા જતાં મારી આંગળીઓ એની પાંપણોને અડકી. ભીની લાગતી પાંપણોનો સ્પર્શ થતાં પૂછ્યું,
“શું થયું દીકરા, પાપાજીની ચિંતા કરે છે ને પણ ડૉક્ટરોએ કહ્યું છે કે બે દિવસમાં ઠીક થઈ જશે.”
એ એકદમ મારા તરફ ફરી. ક્ષણભર મને જોઈ રહી પછી મને વળગીને એકદમ રડી પડી.
“પહેલાં મને એ કહો કે, તમે અમને ખબર કેમ ના આપી? પાપાજી આટલા બીમાર હતા અને મારી યાદ પણ ના આવી?”
એ ક્ષણથી હું મારી જાતને અપરાધીના કઠેરામાં ઊભેલી જોઉં છું અને પૂછું છું, “ કેમ તારી દીકરીની યાદ ન આવી?”
માલતી જોશીની વાર્તા ‘સ્નેહબંધ’ને આધારિત અનુવાદ.
રાજુલ કૌશિક
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com