વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો,
“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત પ્રભુનો મહિમા અને પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા(Gratitude), અહોભાવ વ્યક્ત કરતી કવિતાઓનો ભાવાનુવાદ જાણી રહ્યા છીએ .

ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો છેલ્લો મહિનો. થોડા દિવસમાં 2021 વિદાય લેશે અને 2022 કે જે આવાગમન કરવા થનગની રહ્યું છે તે દબદબાપૂર્વક આવી પહોંચશે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય વર્ષ બદલાય, પણ મનુષ્યની આનંદ અને ખુશી મેળવવાની મૂળભૂત ઝંખના અકબંધ રહેશે. દલાઈ લામાએ ખુબ સરસ કહ્યું છે “The purpose of our lives is to be happy” અને અને આ આનંદનો આવિષ્કાર કરવાનો સમગ્ર આધાર આપણા જીવન પરત્વના દ્રષ્ટિકોણ પર છે,આપણી મનઃસ્થિતિ પર છે અને એ સત-ચિત્ત-આનંદ સમાન દિવ્ય શક્તિએ વરસાવેલ આશીર્વાદનો અનુભવ કરવામાં છે. ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર રચિત એક ખુબ પ્રખ્યાત રચના আনন্দলোকে মঙ্গলালোকে અથવા “આનંદનો આવિષ્કાર” કે જે આ દિવ્ય શક્તિના મહિમાને ઉજાગર કરે છે તેનો ભાવાનુવાદ આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં જાણીશું અને માણીશું. તમે આ રચનાનો અંગ્રેજી અનુવાદ આ લિંક પર માણી શકશો. http://gitabitan-en.blogspot.com/2011/10/

ગુરુદેવ રચિત આ રચના એ રબીન્દ્રસંગીતની અતિ પ્રખ્યાત રચનાઓમાંની એક છે. ગુરુદેવના ગીતાંજલિ કાવ્યસંગ્રહના પૂજા વિભાગમાંની આ રચનામાં દિવ્યશક્તિ એ આપણી આજુબાજુ રચેલી દિવ્યતાને ગુરુદેવે ખુબ ભાવપૂર્ણ શબ્દો થી નવાજી છે. આ કાવ્ય મૈસુર રાજ્યમાં નિત્ય ગવાતા એક ભજન પર આધારીત છે અને ગુરુદેવે પોતે તેનું સ્વરાંકન તેજ રાગ પર કરેલું છે. આ રચનામાં ગુરુદેવ એ દિવ્ય ચેતના કે જે સમગ્ર સૃષ્ટિ પર પોતાની સમષ્ટિ અને કૃપાદ્રષ્ટિ વરસાવે છે તેનો મહિમા વર્ણવ્યો છે તેમના શરણમાંજ અદભુત અદ્વિતીય આનંદનો આવિષ્કાર થાય છે તે વાત શબ્દો દ્વારા વહેતી મૂકી છે. આ રચનાને બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. આજે જયારે સમગ્ર વિશ્વ કોરોના ના સકંજામાં ફરી એક વાર આવી રહ્યું છે ત્યારે એ દિવ્ય શક્તિના ચરણોમાં આ શબ્દો થકી સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરતા કરતા મારી કલમને આજે વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળાની છેલ્લી કવિતા સાથે…તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
–અલ્પા શાહ