સ્નેહબંધ
“મા, આ મિતુ છે. મૈત્રેયી.” ધ્રુવની સાથે આવેલી એ યુવતીની ધ્રુવે ઓળખાણ કરાવી.
સામે ઊભેલી યુવતી તરફ નજર નાખી. નાના ખભા સુધી માંડ પહોંચે એવી વાળની લંબાઈ, આંખો પર ગોગલ્સ. નેવી બ્લ્યૂ જીન્સ પર યલૉ ટોપ.
એને જોઈને મને થોડી અકળામણ થઈ આવી. ધ્રુવ અને મિતુને ત્યાંજ બેસવાનું કહીને અંદર ધ્રુવના પપ્પાને બોલાવા ગઈ. ધ્રુવ એટલે મારો મોટો દીકરો. આજે એ એને ગમતી એક છોકરીને અમને મળવા લઈને આવ્યો હતો.
“બહાર તમારી પુત્રવધૂ આવી છે.” થોડા અણગમા સાથે મારાથી બોલાઈ ગયું અને પછી હું ચા અને નાસ્તો બનાવવા કિચનમાં ચાલી ગઈ.
ખાસ્સો એવો અડધો પોણો કલાકે ચા નાસ્તો લઈને બહાર આવી ત્યારે તો શિવ પણ કૉલેજથી આવી ગયો હતો. બહારનું વાતાવરણ એકદમ ખુશહાલ હતું. શિવ અને એના પપ્પા પણ જાણે મિતુને કેટલાય વર્ષોથી જાણતા હોય એમ એની સાથે ભળી ગયા હતા.
નાસ્તામાં બનાવેલા ગરમ ગરમ સમોસા, રવાના લાડુ અને ઘરનો ચેવડો જોઈને મિતુને નવાઈ લાગી.
“અરે વાહ! આવો મઝાનો નાસ્તો તમે જાતે બનાવ્યો છે. નો વંડર, એટલે જ આ તમારા બંને ચિરંજીવ મસ્ત મોટુમલ બની ગયા છે, રાઇટ મા?”
“એય, આમ ના બોલ..નજર લાગી જશે. ખબર છે, મમ્મીની આ કેટલા વર્ષોની સાધના છે? એમ કંઈ અમસ્તા કશું નથી મળતું.” ધ્રુવ બોલ્યો.
“મમ્મીએ અમને ખવડાવીને એટલે તંદુરસ્ત બનાવ્યા છે કે કોઈ કર્કશ પત્ની મળે તો અમે મેદાન છોડીને ભાગી જવાના બદલે એને પહોંચી વળીએ.” શિવ પણ એ મસ્તીમાં ભળ્યો.
વાતાવરણ આખું આનંદિત બની ગયું પણ મને મનમાં ગુસ્સો આવ્યો, “ મારાં છોકરાઓને મોટુમલ કહેવાનો હક કોણે એને આપ્યો છે?”
કલાક તો વાતોમાં ક્યાંય પસાર થઈ ગયો અને મિતુ નમસ્તે કરીને એના ઘરે જવા ઊભી થઈ
મારા સિવાય સૌ એને બહાર સુધી મૂકવા ગયા. માત્ર હું સમસમીને બેસી રહી. અમારી આ પહેલી મુલાકાતથી મિતુ માટે મારા મનમાં કડવાશ સિવાય અન્ય કોઈ ભાવ ન ઊભો થયો.
“કેમ આમ તો આખા ગામમાં સૌને કંઈકને કંઈક આપે છે તો મિતુને કેમ ખાલી હાથે પાછી જવા દીધી?” પાછા આવીને એમણે મને પૂછ્યું.
મનનો રોષ મનમાં ભંડારીને હું કિચનમાં ચાલી ગઈ. મને ખબર હતી કે ધ્રુવ મને મિતુ કેવી લાગી એ અભિપ્રાય માંગશે અને ખરેખર સાંજે જમવાના ટેબલ પર એણે પૂછ્યું.
“તને ગમીને બસ, વાત પૂરી.” મેં જવાબ આપ્યો.
“મા તને ગમે એ પણ જરૂરી છે.” ધ્રુવે ભોંઠા પડીને જવાબ આપ્યો.
શું જવાબ આપું? પહેલી વાર મળવા આવી હતી તો કેવા કપડાં પહેરવા જોઈને એની પણ એને ખબર ના હોય તે આમ સર્કસ-સુંદરી જેવા કપડાંમાં આવી ગઈ? એવું કહેવાનું મન થયું પણ હું ચૂપ રહી.
મા વગરની મિતુ હોસ્ટેલમાં રહીને ભણી હતી. એની મોટી બહેન પરણીને અમેરિકા સેટલ થઈ ગઈ હતી. બે વર્ષ પહેલા એના ભાઈના લગ્ન થયાં પછી ઘરમાં થોડી વ્યવસ્થા ગોઠવાતી જતી હતી એમ ધ્રુવે જણાવ્યું.
એક નિશ્ચિત દિવસે મિતુના પપ્પા લગ્નનું નક્કી કરી ગયા. એ દિવસે મિતુ માટેની આચાર સંહિતાનું લિસ્ટ મેં ધ્રુવને પકડાવી દીધું.
‘પરણીની આવ્યા પછી મિતુએ વાળ નહીં કપાવાના.
‘હાથમાં બંગડીઓ પહેરવાની..
‘લગ્નમાં અને ઘરમાં મહેમાન હશે ત્યાં સુધી માથે ઓઢવું પડશે.
‘મહેમાનોની સામે ધ્રુવને નામ લઈને નહીં બોલાવાનું….’
લિસ્ટ એટલું લાંબુ હતું કે શિવે તો એને વીસસૂત્રી કાર્યક્ર્મ નામ આપી દીધું. થોડી થોડી વારે એ ધ્રુવને પૂછી લેતો કે એણે કેટલાં સૂત્રો મિતુને ગોખાવી દીધાં?
અંતે મિતુ પરણીને મારા ઘરમાં આવી. એના પપ્પાએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન મંડપમાં મિતુને જોઈને મારી નજર એની પર ખોડાઈ ગઈ. ક્યાં પહેલી વાર જોયેલી મિતુ અને ક્યાં આજની મિતુ! લાલ બનારસી સાડીમાં લપેટાયેલી મિતુ સાચે જ લાવણ્યમયી લાગતી હતી.
આર્કિટેક્ટ વહુ મળતી હતી. કરિયાવર લેવાનો હતો નહીં. અન્ય જર-જવેરાતના બદલે પપ્પા પાસે મિતુએ પોતાના માટે લ્યૂના માંગી લીધુ હતું.
લગ્ન પછી આઠ-દસ દિવસ માટે ધ્રુવ અને મિતુ મસૂરી ફરવા ચાલ્યાં ગયાં. પાછા આવીને ફરી એની એ જ મિતુ. એના માટે આપેલી આચાર સંહિતાનું મહેમાનો હતા ત્યાં સુધી પાલન કર્યું પણ પાછી એ એના અસલ મૂડમાં આવી ગઈ. ઘરમાં કે બહાર સાડી પહેરવાની બંધ કરી દીધી. કહેતી હતી કે ચાલતા અને કામ કરતાં નથી ફાવતું. ધ્રુવને નામથી કે ડાર્લિંગ કહીને બોલાવતી. શિવ સાથે તોફાન મસ્તી કર્યા કરતી. ભૂખ લાગે તો ડબ્બા ખોલીને નાસ્તાના બૂકડા મારતી. વાતે વાતે મને વળગી પડતી. આ બધું મને અકારું લાગતું, મારા સિવાય સૌને ગમતું અને એ તો એની મસ્તીમાં જ રહેતી. …….
શું લાગે છે? મિતુની મસ્તી મારા માટે ક્યાં સુધી સહ્ય બનશે અરે બનશે કે કેમ?
જવાબ મળે તો જણાવજો અને ન મળે તો આવતા અંકે જણાવીશ.
માલતી જોશીની વાર્તા ‘સ્નેહબંધ’ને આધારિત અનુવાદ.
રાજુલ કૌશિક
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com