અધખૂલી આંખમાં સોનેરી શમણાં
મીઠી યાદો માણી લઇએ હમણાં
હસીખુશીની સાંજના રેલાતા રંગો
યાદોમાં જીવંત કંઈ ઉમંગો તરંગો
યાદોના ઝરૂખે આજ કોનો પોકાર
જીવન યાદોની અતૂટ વણઝાર
કૈંક વીતી વેળાઓ કરતી તકાદો
આજ માણવી છે જીવનની યાદો.
મનના ઝરૂખે ઊભા હોઈએ અને યાદો ઘેરી વળે. સમી સાંજની વેળાએ કંઇક આવ્યું, કંઇક ગયું. કદાચ હવાની લહેરખી, પણ આ લહેરખી લઈને આવે છે જીવનની યાદોને. માનવમન તો એક અજબ ભુલભુલામણી છે. કેટલીયે યાદો તેમાં સમાયેલી પણ હોય અને છુપાયેલી પણ હોય, કેટલીયે યાદોને સંઘરીને બેઠા હોઈએ, ન આવે તેવી ઈચ્છા હોય પણ યાદો ક્યાં કોઈનું સાંભળે છે? એ તો માનસપટ પર આવીને ઉભી જ હોય છે. સ્મૃતિ એ વરદાન પણ છે અને અભિશાપ પણ.
સ્મૃતિ એટલે યાદ કરવાની શક્તિ. માણસ એટલે તન અને મન; પણ ક્યારેક યાદો એ જ એનું ધન. જીવનભર માણસ ઘણી તસવીરો મનમાં લઇ ઘૂમતો હોય છે. આ તસવીરોમાં કંઈ કેટલાયે લોકો, પ્રસંગો, સુખ અને દુઃખ, સુખ અને દુઃખના સાથીઓ, માત્ર વ્યક્તિઓ જ નહિ ક્યારેક પ્રાણીઓ અને વાતાવરણ પણ તેની યાદોને જીવંત બનાવે છે. યાદોમાં માણસ ખોવાઈ જાય છે એટલું જ નહિ તેને આ રીતે ખોવાઈ જવાનું પસંદ પણ છે. ક્યારેક કોઈ આપ્તજનની યાદો આપણને વિહ્વળ બનાવી દે છે. કંઈ યાદ નથી રહેતું એવું કહેનાર લોકોને પણ યાદ આવતાં લોકો પણ હોય છે અને પ્રસંગો પણ. આપણું જીવન આમ તો એક નાટક હોય તેમ લાગે છે પણ યાદો તેને ફિલ્મમય બનાવી દે છે. યાદોમાં ક્યારેક આંસુ પણ છુપાયેલાં હોય છે. ક્યારેક કોઈ સ્નેહીજન યાદ આવે અને આંખમાંથી આંસુ ટપકે. દરેક આંસુમાં એક છબી જીવંત હોય અને આ છબીઓમાં ક્યારેક જીવનના અદભુત રંગો પણ છુપાયેલ હોય. યાદો એ માનસપટ પરનું મેઘધનુષ છે. જુદા જુદા રંગોની યાદો તેમાં વિખરાઈ ગયેલા રંગોથી ચિત્ર બનાવે છે અને આ ચિત્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ.
યાદોનો ખજાનો ખોલીએ અને ક્યાંક આપણને કોઈનું બચપણ હસતું રમતું દેખાય. બચપણની સ્મૃતિઓ ઘણા બધા લોકોની યાદોમાં જીવંત હોય છે. બચપણની પ્રીત ઉપર બનેલી ફિલ્મો ટંકશાળ સાબિત થતી હોય છે કારણ કે યાદો બચપણ અને યુવાનીની પ્રીતને સાંકળતી કડી છે. પરંતુ ફિલ્મો સિવાય સાહિત્ય અને કાવ્યમાં પણ યાદો પ્રદર્શિત થતી હોય છે. કૃષ્ણ અને સુદામાની બાળપણની દોસ્તીને સાંકળતી કાવ્યરચના …
‘તને સાંભરે રે….મને કેમ વીસરે રે’ આજે પણ કેટલાયે લોકોને યાદ હશે જ. ઘણાયે લોકોની મૈત્રીનો પાયો હોય છે તેમની બાળપણની મૈત્રી કે શાળાની યાદો. યાદોની આ એવી દુનિયા છે, જેમાં ઘણા બધા ચેહરાઓ ડોકિયું કરે છે પણ કેટલાક રહી જતા હોય છે સ્મૃતિચિહ્ન બનીને. આ સ્મૃતિચિહ્ન ક્યારેક તાજમહાલ બને છે. યાદ કરીએ શાહજહાં અને મુમતાઝના અદભુત પ્રેમને તો યાદોમાં ખોવાયેલ બાદશાહ તાજમહલ બનાવી ઇતિહાસ રચે છે. બાદશાહ ન હોય તેવા કેટલાયે લોકોની યાદોમાં પણ તેમનાં પ્રિય પાત્રો સચવાયેલાં જ હોય છે. પ્રેરણામૂર્તિ પ્રેરણા હોય તે જરૂરી, મૂર્તિમંત બનવું કદાચ ભાગ્ય છે, નસીબ છે પણ યાદો તેને સજીવ બનાવવા હર પળ હાજર હોય છે.
પ્રેમમાં ગૂંથાયેલી પળોની યાદો સ્થાપત્ય બને તો સર્જાય તાજમહાલ, પરંતુ કોઈના અભિશાપ કે શાપનું કારણ બને તો સર્જાય કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ. જ્યારે શકુંતલા રાજા દુષ્યંતની યાદોમાં ખોવાઈને ઋષિ દુર્વાસાનો યોગ્ય સત્કાર કરવાનું ભૂલે છે ત્યારે ક્રોધિત ઋષિ દુર્વાસા શાપ આપે છે. પરિણામે, જેની સાથે ગાંધર્વ વિવાહ થયા છે તે રાજા દુષ્યંત શકુન્તલાને વીસરી જાય છે. કયારેક યુગો અને સદીઓનું અંતર હોય પણ પ્રેમની યાદો અંતરથી, દિલથી જોડાયેલી હોય છે. તેથી આવી યાદો જ્યારે પણ માનસપટ પર ઉભરે ત્યારે અસ્ખલિત પ્રવાહ વહે છે, સુખદ યાદોનો ખજાનો ખૂટતો નથી. માનવીનું મન હોય કે ઇતિહાસની ટાઇમ કેપ્સ્યુલ; ક્યાંક સોનાની દ્વારિકા તો ક્યાંક સોનાની લંકા તો ક્યાંક હેલન ઓફ ટ્રોય…યાદોનો ઝબકાર સોનાના ચળકાટને પણ ફિક્કો પાડે. ઇતિહાસ, પુરાણો કે સાહિત્ય, વિવિધતાની વાટે સૈકાઓની યાદો ખોલતો ઇતિહાસ, રાજા દુષ્યંત અને શકુંતલા કે પછી સીઝર અને ક્લિયોપેટ્રા…ભૂમિ કોઈ પણ હોય, યાદોનો ઈતિહાસ છે અમર.
અમરત્વ એ માનવ, દાનવ કે દેવ સહુની આકાંક્ષા છે. પણ સત્ય એટલું જ કે નામ તેનો નાશ. વિશ્વ પણ નાશવંત છે તેમ ધર્મ પણ કહે છે અને વિજ્ઞાન પણ. પરંતુ યાદોના સમુદ્રમાં સહુ કોઈ અમર છે. જીવન ભલે સમુદ્રની ભીની રેતીમાં માનવના પગલાંની ઉપમા ધરાવતું હોય પણ કોઈની યાદોમાં તે અમર છે. માત્ર બચપણની મૈત્રી કે પ્રેમની જ અભિવ્યક્તિ યાદોમાં થાય તેમ નથી. યાદ કરીએ HMVના લોગોમાંના શ્વાનને, MGMના ફિલ્મના લોગો તરીકે આવતા સિંહને, દૂરદર્શનના પ્રતીકને અને વિવિધભારતી પરના સવારના અવિસ્મરણીય ટ્યુનને તો લાગશે કે યાદોનું વિશ્વ જીવંત પણ છે અને અમર પણ. યાદો કોઈના જીવનનો સહારો છે તો ક્યારેક જીવનનો કિનારો. જૈફ વયના લોકોને યાદોમાં ખોવાયેલ જોઈએ તો લાગે કે અનંતમાં ખોવાઈ જનાર માણસને પણ યાદોનો અનંત સહારો છે.
યાદો એ જીવનના મહાસાગરના મોતી છે. યાદોના મોતી, ક્યારેક સરે છે, આંસુઓમાં છલકાતી છબીઓ બનીને તો ક્યારેક સમી સાંજે હવાની લહેરખી બનીને આવે છે. યાદો શું છે? યાદો એ મનમાં ઉદભવતું પણ દિલને સ્પર્શતું એક કંપન છે, જે કંપ ક્યારેક અનુભવ્યો હોય છે આપણા હૃદયે. યાદો એ સુરાવલીઓ છે જેનું ગુંજન આપણા હૃદયમાં સૂરનો ઝંકાર પ્રગટાવે છે. યાદો એ જીવાયેલા જીવનમાં પ્રગટ થયેલો એ પ્રાણ છે જેના મૂલ્યને સમકક્ષ વિશ્વનું કશું જ નથી. જીવંત પળોમાંથી ટપકતો જીવનરસ છે યાદોનું આ વિશ્વ.
યાદો, કોની હોય છે? આપણા પ્રિય પાત્રોની કે જેમણે તેમના જીવનનો એક ટુકડો, એક હિસ્સો આપણને આપ્યો. સમય, પ્રેમ કે પ્રયત્નોનું આપણા શ્રેય માટે સમર્પણ કર્યું. યાદો એ અમર ક્ષણોની કૃતજ્ઞતાનું પ્રતીક છે. જ્યાં જ્યાં ઉદાત્ત ભાવનાઓ પ્રગટ થાય છે, ત્યાં યાદો સમયનું અમર પદચિહ્ન બની જડાઈ જાય છે આપણાં માનસપટ પર, સ્મૃતિપથ પર, ગૌરવપથ પર. આવી યાદો ક્યારેક વ્યક્તિના જીવનમાં પણ હોય અને રાષ્ટ્ર તરીકે પણ આપણા દિલમાં જીવંત હોય. યાદ કરીએ એ અમર જવાનને જેણે રાષ્ટ્રની એકતા અખંડતા અને આપણા સુખશાંતિ માટે વીરતા અને શૌર્ય સાથે રક્ત વહાવ્યું. ક્યારેક સિયાચીનની દુર્ગમ ઉંચાઈઓ પર, ક્યારેક હિમાલયની બર્ફીલી ધરતી પર. સમર્પણ કર્યું મૂલ્યવાન જીવન અને સજળ નેત્રે દરેક દેશપ્રેમીની યાદોના ઝરૂખે અર્પિત થઈ અંજલિ, પુષ્પાંજલિ, શ્રધ્ધાંજલી. કૃતજ્ઞતાના આંગણે, સ્નેહના તાંતણે, દેશપ્રેમની વેદી પર શહીદોની યાદ હવાઓમાં ગૂંજી ઊઠે…’જો શહીદ હુએ હૈં ઉનકી …જરા યાદ કરો કુરબાની’.
આવી યાદો એ જ અમરતા…
આવી યાદો એ જ જીવન સર્વસ્વ …
આવી યાદો એ જ જીવન સાફલ્ય…
રીટા જાની
03/12/21