સ્પંદન-44
સંસાર ભલે સુખદુઃખનું વમળ
તેમાં પણ ઉગે સુંદર કમળ
નિર્દોષ આંખોમાં સુરક્ષિત કાલ
આજે મોજ મસ્તીભર્યું આ બાળ
બાળક છે સંસ્કૃતિનો સહારો
બાળક છે ખુશીનો ફુવારો
વ્હાલે ઉછેરી સહુ નાના બાળ
આનંદે વધાવીએ આવતી કાલ.

વિશ્વની અગ્રગણ્ય અવકાશી સંસ્થા નાસા, G -7, G-20 કે પછી COP26 જેવાં આંતરરાષ્ટ્રીય સંમેલનો કે પછી નેતાઓના વચનો હોય અથવા પ્રાચીનથી અર્વાચીન સુધીની માનવસંસ્કૃતિની યાત્રા – દરેકનો પાયો છે વિકાસ. વિજ્ઞાનની ક્ષિતિજો પર છે વિકાસ. કલા કે સંસ્કૃતિનું હાર્દ છે વિકાસ. પરંતુ આ વિકાસની વાતો ખરેખર કોના માટે? વિકાસની બાગડોરનો સૂત્રધાર કહો કે અંતિમ લાભાર્થી કોણ? એ તો છે પા પા પગલીનો પાડનાર, નાનો શો પ્રેમાળ બાળક, જેની મુઠ્ઠીમાં છે વિશ્વની તકદીર, આપણી સહુની તકદીર કે ભવિષ્ય. ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં કયા હૈ?’ પ્રશ્ન સનાતન અને જવાબ પણ સનાતન. મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી, હમને કિસ્મતકો બસમેં કિયા હૈ. પણ કૈસે?

શૈલેન્દ્રના ગીતનો સૂર છે બાળક, પંડિત નેહરુના જન્મદિન તરીકે ઉજવાતા બાળદિનનો નાયક છે બાળક, રાજા દુષ્યંતના ભૂતકાળને શકુંતલા સુધી દોરી જનાર અને સિંહના દાંત ગણનાર ભરત પણ એક બાળક, રાક્ષસરાજ હિરણ્યકશિપુને શ્રધ્ધાનો ચમત્કાર દેખાડનાર અને હોલિકાના દહનનું નિમિત્ત ભક્ત પ્રહલાદ પણ બાળક, યમરાજને પ્રશ્ન પુછી મૃત્યુનું રહસ્ય અને તત્વજ્ઞાન જાણનાર નચિકેતા પણ બાળક, રોમની સ્થાપના સાથે સંકળાયેલ રોમુલસ પણ બાળક. આ નિર્દોષ આંખોના સ્વપ્નોનો વિસ્તાર ક્યાં નથી? ધર્મ, સાહિત્ય, દેશ કે વિદેશ – બાળક છે અત્ર તત્ર સર્વત્ર.

માનવજાતિ એટલે કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિકાસની ગાથા. પરંતુ માનવજાતિના આ બધા જ ગુણોનું પ્રાગટ્ય થાય છે બાળપણમાં. જેમ સુંદર ઈમારતનો પાયો એ પાયાની ઈંટ છે તેમ માનવ જાતિનું ભવિષ્ય એ બાળક છે અને આજનો બાળક એ જ આવતી કાલનો નાગરિક પણ છે, નાવિક પણ છે, વૈજ્ઞાનિક પણ છે અને સફળ ઉદ્યોગપતિ પણ. ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એવી કહેવત જેણે પણ બનાવી હશે તેણે બાળકમાં અપાર શક્યતાઓ જોઈ હશે. બાળપણના ગુણોનું વર્ણન રસપ્રદ તો હોય જ છે અને તેનો પુરાવો આપણા મહાપુરુષોના બાળપણમાંથી પ્રાપ્ત થાય છે. બાલવયના પ્રસંગોમાંથી જ માનવીનું વ્યક્તિત્વ ઘડાય છે. આજે સત્ય અને અહિંસાના પૂજારી તરીકે પૂજાતા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના બાળપણને યાદ કરીએ તો તેમના પર ‘રાજા હરિશ્ચંદ્ર’ના નાટક જોવાની કેવી અસર પડેલી તે જાણવા મળે છે. કદાચ તેમની સત્ય પ્રત્યેની આસ્થા આવા પ્રસંગોથી જ દ્રઢ થયેલી. કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું આરોપણ બાળપણમાં સાંદિપની આશ્રમમાં જ થયેલું.

આસ્થા અને શ્રદ્ધા એ સફળતાની એક બાજુ છે પણ ક્યારેક પ્રશ્ન હોય છે સામર્થ્ય કે શક્તિનો. આપણને થાય કે એક નાજુક, નિર્દોષ બાળક વિશ્વમાં શું કરી શકે? વિશ્વ એ બાળક માટે ક્યારેક વ્હાલ તો ક્યારેક વિપત્તિઓ અને વિમાસણનું સંયુક્ત નામ છે. ક્યારેક સૂર્યપુત્ર કર્ણ બની તેણે જીવનભર પોતાની ઓળખ માટે ઝઝૂમવું પણ પડે છે. કહેવાય છે કે રોમની સ્થાપના સાથે સંકળાયેલ ત્યજાયેલા બાળક રોમુલસને પણ માદા વરુએ ઉછેરેલો. ઇતિહાસ કદાચ વિવિધ સ્વરૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય પણ ગોવર્ધનધારી તરીકે ઓળખાતા શ્રીકૃષ્ણએ બાળવયમાં જ ગોવર્ધન પર્વત ઉપાડીને ગોકુળનું રક્ષણ કરેલું તે દરેક ભારતીય શ્રદ્ધાપૂર્વક જાણે છે. આ સામર્થ્ય અશક્ય નથી પણ અદ્વિતીય છે.

બાળક વામન દેખાય પણ શક્યતાઓની રીતે વિરાટ છે. બલિરાજા પાસેથી વામન અવતાર વિષ્ણુએ ત્રણ ડગલાં પૃથ્વી માગી અને પછી બલિરાજાએ કરેલા દાનને યાદ કરી એટલું તો જરૂર કહી શકીએ કે વામન ક્યારેક વિરાટનું સ્વરૂપ લઇ શકે તેવી અપાર શક્યતાઓ ધરાવી શકે. આનું કારણ એ છે કે બાળકનું મૂલ્યાંકન તેની શક્યતાઓને આધારે કરીએ તો બાળક એ વિરાટ શક્તિમાં પરિવર્તિત થઈ શકે તેવો પરમાણુ છે. બાળકનું મન એટલે કલ્પનાઓની સૃષ્ટિ. બાળક અરેબિયન નાઇટ્સની સોનેરી શેતરંજી પર સવાર થઈ શકે છે, પંચતંત્રના પ્રાણીઓની સાથે વાત કરીને જીવનના રહસ્યો રસમય રીતે સમજી શકે છે તો ઈસપની બાલકથાઓનો નાયક પણ બની શકે છે. બાળક માટે કોઈ દેશ કે વિદેશ નથી કે નથી કોઈ ભેદભાવ. આ એવું આસમાન છે જ્યાંની મુક્ત કલ્પનાઓની સૃષ્ટિ ક્યારેક ડિઝનીલેન્ડ બની આશ્ચર્ય સર્જી શકે છે. ક્યારેક બાળકની મનોસૃષ્ટિમાં તે મિકી કે મીની માઉસ કે પ્લુટો સાથે ગેલ કરતાં આનંદ અનુભવે છે તો ક્યારેક તે સિન્ડ્રેલાના મહેલમાં પોતાની કલ્પનાસૃષ્ટિ વસાવે છે.

જે બાળકને આપણે ફૂલની ઉપમા આપીએ છીએ તે બાળકની કલ્પનાઓનું વિશ્વ એ કદાચ પત્તાંનો મહેલ છે. વાસ્તવ સાથે સંસર્ગમાં આવતાં જ તેના કાંગરા ખરવા લાગે છે. સમાજ તેને પોતાની રીતે ઘડવા કમર કસે છે. ફૂલની પાંખડીઓ જોર કરી ઉઘાડવાનો પ્રયત્ન કરીએ તો આપણી અઘીરાઈના કારણે ફૂલની પૂર્ણતા અને સુંદરતા બંને નષ્ટ થાય. એ યાદ રાખવું ઘટે કે ફૂલ સમાન બાળકને આપણી પૂરી ન થયેલી અપેક્ષાઓના ભાર તળે કચડી ન નાખીએ. આપણાં સ્વપ્નો અને ઈચ્છાઓની જંજીરોમાં બાળકને બંધક ન બનાવીએ.

બાળક એટલે મસ્તી અને મોજનો નિર્ભેળ આનંદ. બાળકની ખાસિયત એટલે નિર્દોષતા, કુતૂહલ, સહજતા, પ્રેમ અને વિશ્વાસ. તેને કોઈ આપણું કે પરાયું નથી. બાળક એ સમાનતાનો સંદેશ છે. વાસ્તવિકતાની લડાઇનો પડકાર ઝીલતાં માતાપિતા ક્યારેક સમય પણ આપી શકતાં નથી. ક્યારેક આ ખોટ પૂરવા તે રમકડાં, સાધનો કે ગેજેટ્સના ખડકલા કરે તો ક્યારેક ખોટી જીદ પણ પૂરી કરે છે. પણ આ બધામાં બચપણ ખોવાય છે. ભૂમિને હરિયાળી દેખાડવાના મોહમાં પ્લાસ્ટીકની લોન પાથરીએ તો સુંદર દેખાય પણ જમીનના જીવંતપણાનો ભોગ દેવાય, તેવો જ ઘાટ અહીંયા થાય. પરિણામ? શક્યતાઓ અને વાસ્તવિકતાઓની ઘંટીમાં બાળપણ પીસાય.

આજે એકવીસમી સદીનું બાળક …તેની માસૂમ નિર્દોષ આંખો…આપણને પ્રશ્ન કરી રહી છે કે શું તમે મારા માટે આવતી કાલ સુરક્ષિત રહેવા દેશો? આજે જે વિશ્વ વિભાજિત છે, ત્યાં શું સુરક્ષિત ખુશહાલ ભવિષ્યનો સોનેરી સૂર્ય ઉગશે ખરો? આપણે બાળકને ઘણું બધું શીખવવા માગીએ છીએ. પણ હકીકતે આપણે પણ બાળક પાસેથી ઘણું શીખવાનું છે. ચાલો, આપણે પણ આપણી અંદરના બાળકને જીવંત અને કાર્યરત રાખીએ.

મોબાઈલ અને ઓટોમોબાઇલ વચ્ચે અટવાતા આ બાળકને આજે જરૂર છે સાચી દિશાની. જ્યાં શક્યતાઓ અપાર છે, ત્યાં શક્તિ અને સાહસનો સમન્વય થાય તે જરૂરી છે. તનની તંદુરસ્તી, મનની મસ્તી અને સાહસિકતાથી ઘડાયેલ બાળપણ જ ભવિષ્યના પડકારો ઝીલી શકશે. ભવિષ્ય ક્યારેક રણમેદાન પણ બને તો ક્યારેક પર્યાવરણની અનિશ્ચિતતાઓનો પડકાર. બાલદિનની ઉજવણીના સંદર્ભમાં યાદ આવે એ ગુલાબ જે કાંટા સાથે જ ઉગીને પણ સુવાસ ફેલાવે છે. બાળકના વિકાસનું વિશ્વ એ રીતે ઘડાય કે પડકારો વચ્ચે પણ આ જ સુવાસ દરેક બાળકમાં પ્રગટે અને માનવજાત માટે એ ગર્વની પળ સિદ્ધ થાય જ્યારે ગીત ગુંજે…’હમને કિસ્મત કો બસમેં કિયા હૈ’…

રીટા જાની
19/11/2021

https://youtu.be/9pfczsgtQEM


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.