વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એક વાર સ્વાગત છે. હમણાં મેં એક બહુ ગૂઢ અર્થ ધરાવતું વાક્ય વાંચ્યું. “Every Breath possesses infinite possibilities”. અર્થાત આપણા દરેક શ્વાસમાં અનંત શક્યતાઓ છુપાયેલી છે. આ શ્વાસ-ઉચ્છવાસની ઘટમાળ માતાના ગર્ભમાંથી ચાલુ થાય છે જે છેક અંત કાળ સુધી નિરંતર ચાલુ રહે છે. ના, આ શ્વાસ-ઉચ્છવાસની આ નિરંતર લયમાળા જ જિંદગીને વ્યાખ્યાયિત કરે છે એમ કહેવું વધુ યોગ્ય છે. આ શ્વાસ અને ઉચ્છવાસ એ તો “છે” અને “હતા” વચ્ચેની ભેદરેખા છે.

આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત જલાલુદ્દીન રૂમી દ્વારા રચિત શ્વાસ પરની એક બીજી સુંદર કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.આ કવિતા પણ મૂળ પર્શિયન (ફારસી) ભાષામાં રચાયેલી છે. પણ તેનો અંગ્રેજી અનુવાદ તમે આ લિક પર વાંચી શકશો. https://allpoetry.com/Only-Breath

જલાલુદ્દીન રૂમી વિષે હું જેટલું વધારે જાણું છું તેટલી હું તેમની વિચારધારા તરફ અને તેમની કવિતાઓ વધારે આકર્ષિત થઉં છું. તેમની કવિતાઓમાં શબ્દે શબ્દે આધ્યાત્મિકતા પ્રગટે છે અને એ દિવ્ય શક્તિ તરફનું તેમનું ખેંચાણ નિખરે છે. દિવ્યશક્તિને કોઈ રૂપ કે નામમાં બાંધ્યા સિવાય રૂમીએ ખુબ નિકટથી પરમાત્માને નિહાળ્યા હોય તેવું તેમની કવિતાઓ પરથી ફલિત થાય છે. તેમને ભીતર સાથે સચોટ અનુસંધાન સાધી ભીતરના ભગવાન સાથે નાતો બાંધ્યો છે. તેમની કવિતાઓની એક બીજી ખાસ વાત મને સ્પર્શી તે છે વાચકની વિચારશક્તિને ઢંઢોળવાનું. તેમની કવિતાઓ એક ચોક્કસ વિચારસરણી ધરાવતા વાચકોને જ આકર્ષે છે. તેમની કવિતાઓનો ભાવ વાચકના અભિગમને આધારે બદલાઈ શકે છે. ટુંકાણમાં રૂમીની કવિતાઓ વાચકને એટલેજ પોતીકી લાગે છે કારણકે તેમાં તેનો પોતાનો અભિગમ ઉમેરાય છે. જેમકે આજની કવિતા “ફક્ત શ્વાસ”માં કવિ લખે કે આ શ્વાસને નથી કોઈ જાતિ કે ધર્મ, નથી કોઈ તત્વ કે મર્મ. કોઈ પણ જાતના ભેદભાવ વગર આ શ્વાસ તો સર્વે જીવોમાં સમાન પણે શ્વસી રહ્યો છે. અને આ શ્વાસજ તો જીવને જીવિત ગણાવે છે.
એક દ્રષ્ટિએ વિચારીએ તો આ કવિતા સમગ્ર જીવોને એક સમાન ફલક પર લાવીને મૂકે છે. ભલે આપણા રૂપ, રંગ,ગુણ, દેશ, પ્રદેશ અલગ અલગ હોય પણ અંતે તો સમગ્ર જીવશ્રુષ્ટિ એક તાંતણે બંધાયેલી છે. All living beings are interdependent, connected and one and we must learn to coexist. આ સહઅસ્તિત્વના સીમાડાથી થોડું આગળ વિચારીએ તો એમ પણ વિચારી શકાય કે રૂમી આ શ્વાસ-ઉચ્છવાસ દ્વારા આપણને એ દિવ્યશક્તિની ઓળખાણ કરાવી રહ્યા છે. એક ખુબ સરસ ગીતની બે પંક્તિ મેં સાંભળી છે તે અહીં રજુ કરું છું. “શ્વાસની આ તો આવન-જાવન, એને તારું નામ દીધું છે”. આ શ્વાસ સ્વરૂપે જ તો એ દિવ્ય ચેતના – મારો શ્યામ આપણી સાથે સતત નિરંતર રહે છે. જે દિવસે આ શ્વાસની ધમણ અટકશે તે દિવસે આપણું સૂક્ષ્મ શરીર એ દિવ્ય ચેતનામાં ભળી જશે અને સૂક્ષ્મ શરીર તેની અંતિમ ગતિ પ્રાપ્ત કરશે.
આ શ્વાસ-ઉચ્છવાસની પ્રક્રિયાનો પણ બહુ ગૂઢ અર્થ ધરાવતી ક્રિયા છે. અપાન (અંદર આવતો શ્વાસ) આપણી ભીતર પ્રવેશે તે પહેલા આપણે પ્રાણ (બહાર જતો શ્વાસ – ઉચ્છવાસ)ને બહાર ધકેલવો પડે છે. જૂનો શ્વાસ ત્યજીને જ નવા શ્વાસનો સંચાર શરીરમાં કરી શકીએ છીએ… કંઈક મેળવવા માટે અહીં પણ પહેલા કંઈક છોડવું પડે છે, ભીતર થી હલકા થવું પડે છે અને તોજ એક નવો શ્વાસ ભીતર પ્રવેશે છે, જે એક અનંત શક્યતાઓ થી ભરેલો હોય છે. Afterall, every breath possesses infinite possibilities…
તો ચાલો આજે આ શ્વાસની આવન-જાવન રૂપે રહેલ પરમ ચેતનાને વંદન કરતા હું મારી કલમને વિરામ આપું છે. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
- અલ્પા શાહ