સ્પંદન-43
હર પળ જો બને રસલ્હાણ
જીવનમાં નહિ રહે તાણ
મહેકે રંગબેરંગી પુષ્પો
નવ વર્ષના નવસંકલ્પો
મહેકશે જીવન પળ પળ
પ્રેમનું છાંટીએ ગુલાબજળ.
આજે બતાવવાનું છે શૌર્ય
આજે નથી ખોવાનું ધૈર્ય
મનમાં રાખીએ ખુમારી
કરીએ વિજયની તૈયારી.

નવ વર્ષ …આસમાન વિખેરે અવનવા રંગો …અને તેની સાથે જ તાલ મિલાવે આપણું મન … માનસપટ પર આપણા સ્વપ્નોની રંગોળી હજી તાજગીની હવામાં શ્વાસ લેતી હોય …સંકલ્પોના પુષ્પો તેમાં સજાવ્યાં હોય અને હવાઓ જીવન સુવાસનો શુભ સંદેશ થાળમાં લઈને તૈયાર ઊભી હોય ત્યારે આ આનંદના અભિષેકની સાથે જ યાદ આવે આપણું કર્તવ્ય.

દિવાળી હોય દમદાર તો નવ વર્ષ પણ શાનદાર. પરંતુ શાન એમ જ નથી આવી શકતી. માર્ગ પરનો માઇલ સ્ટોન દર્શાવે છે કે મંઝિલ ક્યારેક દૂર હોઈ શકે પણ આપણે પ્રયત્નોથી આ પડકાર ઝીલ્યો છે. આપણો સંકલ્પ સિધ્ધિથી દૂર નથી. પ્રશ્ન થાય કે સંકલ્પથી સિદ્ધિનું અંતર કેટલું? આપણી શ્રદ્ધાના સામર્થ્ય અને અનિશ્ચિત ભવિષ્યની આ લડાઇ છે. ભવિષ્ય ભલે કદાચ ભવિષ્યવેત્તાઓનો વિષય હોય પણ સામર્થ્ય એ દરેક આશાવાન, શ્રદ્ધાવાન, પ્રયત્નશીલ માનવીનો વિષય છે. જે વ્યક્તિ દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેના માટે સિદ્ધિ એ સમયનો માત્ર એક માઇલ સ્ટોન છે. અશક્ય અને શક્ય વચ્ચેની ભેદરેખા સતત પ્રયત્નોથી ઓળંગી શકાય છે. કૃષ્ણ સારથી હોય તો પણ જે અર્જુન વિષાદયોગથી બેસી જાય તે મહાભારતનું યુદ્ધ ક્યારેય ન જીતી શકે. કર્મયોગની ચાવી આપનાર કૃષ્ણનું પ્રદાન જ્યારે આપણને પણ કર્મ કરવા પ્રેરે તો સિદ્ધિ દૂર નથી. ગાંડીવનો ટંકાર છે, ત્યાં વિજયનો રણકાર છે જ. જ્યાં વૃત્તિમાં પ્રવૃત્તિ છે, ત્યાં સિદ્ધિ એ આવૃત્તિ છે. એક નહિ અનેક સિદ્ધિઓ આપણી રાહ જોઈ માર્ગમાં વિજયની વરમાળા આરોપવા તૈયાર ઊભી છે. જરૂર છે માત્ર ગૌરવપથ પર કદમ માંડવાની, પ્રયત્નોના સાતત્યની. નવા વર્ષે પહેલું કદમ મંડાઈ ચૂક્યું છે. સાતત્યના સહારે મળશે જીવનપથ, એ જ બનશે વિજયપથ.

રન વે પરથી હમણાં જ ટેક-ઓફ થયેલા વિમાનના પાયલટની મનોસ્થિતિ કે કિનારો છોડી રહેલા જહાજના કેપ્ટનની મનોસ્થિતિ અને આપણી મનોસ્થિતિ વચ્ચે કદાચ બહુ અંતર રહેતું નથી. સામે અફાટ આસમાન હોય કે અમાપ સમુદ્ર, દરેક ક્ષણ એક પડકાર છે. સાથ છે માત્ર જેટ એન્જિનનો કે જે વહેતા વાયરાને નાથી શકે. લગાવવાની છે શક્તિ અને ખેડવાનું છે આસમાન. બીજી તરફ જહાજના કપ્તાનને પણ સમુદ્રના મોજાં સાથે બાથ ભીડવાની છે. આપણે પણ આવા જ પડકારની વચ્ચે આપણી જીવનનૈયાને તારવાની છે. થાય કે શું છે આપણી શક્તિ? પડકાર પહોંચી વળાશે કે કેમ?

નવું વર્ષ એટલે કઈંક નવું. કંઇક પણ નવું કરવું હોય તો નવી વિચારસરણી અને નવી દિશા જરૂરી છે. વિચાર એ કોઈ પણ આચારનો પાયો છે. પાયા વિના કોઈ ઈમારત સંભવી પણ ન શકે અને ટકી પણ ન શકે. પરંતુ વિચાર એ અડધો જ ખ્યાલ છે. વિચાર એ જ્યારે આચાર બનવા પામે ત્યારે ઉદભવ થાય છે કાર્યનો. કાર્યના તબક્કે વિચારને લઇ જવા માટે આપણે જરૂર છે સંકલ્પની. સંકલ્પ એ એવો દ્દઢ થયેલો વિચાર છે જેમાં હવે પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સંકલ્પનું આ સાચું સ્વરૂપ છે જે સિદ્ધિ સુધી પહોંચાડે છે.

સૌથી પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે સંકલ્પ દ્વારા આપણે શું પ્રાપ્ત કરવું છે. માટે સંકલ્પ વાસ્તવિક હોય અને આપણી વિઝન કેટલા સમય માટે છે તેની જાણકારી હોય તે જરૂરી છે. એમ કહેવાય કે જો ફૂલછોડ ઉગાડવા હોય તો 1વર્ષ ચાલે પણ જો વૃક્ષો ઉગાડવા હોય તો 10વર્ષનું કમિટમેન્ટ જોઈએ. સંકલ્પ દેખાદેખીથી કે દુનિયાને બતાવવા લઈએ તો સફળતા ન મળે. માટે સંકલ્પ પોતાનો અને અર્થપૂર્ણ હોય એ જરૂરી છે. સ્વની પ્રગતિ, વિકાસ કે સફળતા માટે સંકલ્પ કરવો સામાન્ય છે. સંકલ્પ એવો હોય જેમાં taker નહિ પણ giver બનીએ. આજે 66વર્ષની ઉંમરનો અશિક્ષિત હરેકલા હજાબ્બા મેંગલોરના બસ સ્ટેન્ડ પર 1977થી સંતરા વેચતો. એક વિદેશીએ એક વાર 1978માં તેને સંતરાનો ભાવ પૂછ્યો. પણ તેને અંગ્રેજી ન આવડતું હોવાથી સંવાદ શક્ય ન હતો. તેણે ત્યારે જ સંકલ્પ કર્યો કે તેના ગામમાં એક શાળા બંધાવવી. આ માટે તેણે રોજના 150 રૂપિયા બાજુમાં મૂકવાનું શરૂ કર્યું. તેનો આ સંકલ્પ બે દસકા બાદ પૂર્ણ કર્યો. આજે આ શાળામાં 175 વિદ્યાર્થીઓ ભણે છે. તેને 2021માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા. જ્યારે અધિકારીઓએ આ સમાચાર આપ્યા ત્યારે હજાબ્બા રેશનીંગની લાઇનમાં ઊભો હતો. પગમાં જૂતા પણ ન પહેરનાર આ નિસ્વાર્થ આદમીએ પોતાના ઇનામની રકમ પણ ગામમાં નવી શાળા અને શિક્ષણ માટે વાપરવાનો ઉમદા સંકલ્પ કર્યો. વિચારીએ, જો દરેક વ્યક્તિ પોતાનાથી શક્ય એવું કંઈ આપવાનો સંકલ્પ કરે તો આ વિશ્વ કેવું સુંદર બને! બીજા વિશે તો આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ. પરંતુ, આપણો એક દીવો તો જરૂર પ્રગટાવી શકીએ.

સંકલ્પ સિદ્ધ કરવાની તાલાવેલી એવી હોય કે બધું જ ભૂલી જવાય – કામ કાજ, દુઃખ દર્દનો અહેસાસ, ક્યારેક ભૂખ અને તરસ પણ. તેમાં પરોવાઈને ઓતપ્રોત થઈ જવાય. હવે પ્રશ્ન એ થાય કે આ સંકલ્પ પાર પાડવા કેવી સ્ટ્રેટેજી જોઈએ? કોઈ પણ પડકાર સુસજ્જતા માગે છે. આ સુસજ્જપણું એટલે આપણી શક્તિઓ-તન, મન અને ધન. આ એવી ક્ષણોનો પડકાર છે જ્યાં જમાના સાથે રહીને પણ જમાના સાથે જ બાથ ભીડવાની છે. જાણે કે મહાભારતના યુદ્ધમાં અર્જુન. ઢીલાશ નહિ પાલવે. વિજયની કામના સાથે યાદ કરીએ યાદ કરીએ શ્રીકૃષ્ણને અને તેમના કર્મયોગને. આપણી શક્તિઓ એકત્ર કરી કર્મયોગના માર્ગે આગળ વધવાનું છે.

આ માટે William Arthur Ward કહે છે તેમ
Plan purposefully
Prepare prayerfully
Proceed positively
અને તકલીફ આવે તો પણ અટકવાનું નહીં, માટે
Pursue persistantly.

દિવાળી સાથે જોડાયેલો એક ઉત્સવ છે બલી પ્રતિપદા. પુરાણો અનુસાર બલી રાજાએ દાનનો સંકલ્પ કરીને વામન દેખાતા વિષ્ણુ ભગવાનને પૃથ્વી દાનમાં આપેલી. તેમના ગુરુ શુક્રાચાર્યને ખ્યાલ આવે છે કે આ વામન એ બીજું કોઈ નથી પણ ભગવાન વિષ્ણુ છે. તે પ્રયત્ન કરે છે કે વિધી પૂર્ણ ન થાય. પરંતુ આ છે રાજા બલીનો સંકલ્પ. વામન બને વિરાટ પણ જે અચલ રહે, અફર રહે – તે જ સાચો સંકલ્પ.
ચાલો, આપણે પણ આવો સંકલ્પ કરી સિદ્ધિ આત્મસાત કરીએ. નવ વર્ષે અવિચળ સંકલ્પથી સોનેરી ભવિષ્યના દ્વાર ખોલીએ.

રીટા જાની
12/11/2021

2 thoughts on “સ્પંદન-43

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.