વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો,
“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. લગભગ એકાદ મહિના પછી આપ સૌને આ લેખમાળા થકી મળી રહી છું. જે લોકો નિયમિત લખતા હશે તેમને અનુભવ હશે જ કે ક્યારેક કલમથી લખતા લખતા એવા મુકામે પહોંચી જવાય અને કલમ જ અજનબી લાગવા માંડે… એવુજ કંઈક મારી સાથે સંજોગોવશાત થયું.ખેર, ફરી એક વાર કલમે મને પોતાની કરી લીધી છે એટલે એક નવી કવિતાના ભાવાનુવાદને આજે તમારી સાથે વહેંચવો છે.

છેલ્લા એક મહિનાના મારા વાંચન દરમિયાન મને એક એવા પ્રાચીન કવિની કવિતાઓને માણવાનો લ્હાવો મળ્યો કે જે કવિની સાથે સાથે એક આધ્યાત્મિક દ્રષ્ટા અને કંઈક અંશે ફિલસૂફ પણ હતા. આ આધ્યાત્મિક ગુરુ જેવા કવિ હતા જલાલુદ્દીન રુમી.બારમી સદીમાં થઇ ગયેલા આ આધ્યાત્મિક કવિની કવિતાઓ સામાન્યતઃ પ્રેમની અગાધતા, જીવનની વિલક્ષણતાઓ અને એ દિવ્યશક્તિની અનંતતાની આજુબાજુ રચાયેલી હોય છે. હાલના અફઘાનિસ્તાનમાં જન્મેલા આ સંત કવિની મોટાભાગની રચનાઓ દારી ભાષા કે જે બારમી સદીના પર્શિયાની લોકબોલી હતી તેમાં રચાયેલી છે. રુમીની કવિતાઓ વાંચતા એવો અહેસાસ થાય કે આ કવિએ જિંદગીની વિલક્ષણતાઓને પચાવી છે અને પોતાની ભીતર સાથે અનુસંધાન સાધીને પોતાની અંદર રહેલા પરમાત્માને ખુબ નિકટથી નિહાળ્યો છે. જિંદગીના અનેકવિધ પાસાઓને ખુબ સાહજીકતાથી રજુ કરતી આ કવિતા રુમી ની પ્રખ્યાત કવિતાઓમાની એક છે જેનું શીર્ષક છે “The Guest House” એટલેકે “અતિથિગૃહ”. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપણે આ કવિતાના ભાવાનુવાદને જાણીશું અને માણીશું. દારી ભાષાની આ મૂળ રચનાનો અંગ્રેજી ભાવાનુવાદ તમે આ લિંક પર જોઈ શકશો. https://www.soulfularogya.com/guest-house-poem-rumi/

Maulana Jalaluddin Rumi was a 13th century Persian poet, and a Sufi mystic. He is regarded as one of the greatest spiritual masters and poetical intellects. He made use of everyday life’s circumstances to describe the spiritual world. Numerous poems written by the great poet have been translated to different languages.
“The Guest House” એટલેકે અતિથિગૃહ કવિતામાં રુમીએ માનવજીવનને એક અતિથિગૃહના રૂપક દ્વારા રજુ કરેલ છે. આ જીવનમાં દરેક પ્રભાત એક નવો પડકાર લઈને ઉગે છે. વિવિધ માનવ સહજ સંવેદનાઓનું આગમન અને અવગમન આપણા જીવનમાં સ્થળ અને સંજોગો પ્રમાણે થતુંજ રહેવાનું છે. આ સર્વે સારી-નરસી વેદના-સંવેદનાઓને આવકારી તેને સાક્ષીભાવે નીરખી તેમાંથી કંઈક શીખવાનું છે તે આ કવિતા દ્વારા કવિ રજુ કરે છે.
રુમી વિષે અને તેની કવિતાઓ વિષે મેં જેટલું વાંચ્યું છે તેના પરથી એક સ્પષ્ટ તારણ કાઢી શકાય કે રુમી પોતાના ભીતર સાથે અભિન્ન રીતે વણાઈ ગયા છે. તેમનો તેમના અંતઃકરણ સાથે એક સ્પષ્ટ સંવાદ રચાયેલો છે. “The very center of your heart is where life begins – the most beautiful place on earth” – Rumi. રુમીએ આ quoteને સમગ્ર રીતે પોતાના જીવનમાં ઘૂંટ્યો હોય તેમ લાગે છે. અને તેથીજ કદાચ કવિ માનવજીવન માં માનવ મનની સંવેદનાઓ અને અહેસાસોને સહજ રીતે આવકારી સાક્ષી ભાવે પસાર થતી જોવાની શિખામણ આપે છે. મનની સંવેદનાઓ અને મન:સ્તિથિને પારખવી, ઓળખવી અને નિર્લેપ ભાવે તેને પસાર થતી જોવી એ સ્થિતપ્રજ્ઞતાની દિશામાં પગલાં ભરવા બરાબર છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે કે…
सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो: |
शीतोष्णसुखदु:खेषु सम: सङ्गविवर्जित: || 18||
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् |
अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: || 19||
આજ ભાવને કવિએ થોડી અલગ રૂપે આ કવિતામાં રજુ કર્યો છે. આ સર્વે સંવેદનાઓને મન પર હાવી થવા ન દેતા તેને સાહજિકતાથી પસાર થતી નિહાળીએ તો જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું આપોઆપ નિવારણ થઇ જાય એવું મારુ મંતવ્ય છે. This very poem is widely used in mindfulness circles and meditation circles around the world as the basis of their learnings. Being mindful and aware about our feelings is the best gift we can give to ourselves. રુમીએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ 5000 થી વધુ કવિતાઓ અને દોહાઓની રચના કરી છે. આપણે તેમાંથી અમૂક ચૂંટેલી કવિતાઓ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત જાણીશું અને માણીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
–અલ્પા શાહ