સ્પંદન-42
આજે આવી ગયું નવ વર્ષ
ઉર ઉમંગની હેલી અને હર્ષ
જીવનના સોણલાં સજાવીએ
જિંદગીની હર પળ ઉજાળીએ
દિવાળીના હર દીપકની આશા
સોનેરી પ્રભાતની અભિલાષા
જીવન છે રંગબેરંગી માળા
અનુભવના અમૃતની શાળા
તેમાં ઉત્તીર્ણ થઈને બતાવીએ
નવલા નવ વર્ષને વધાવીએ.

નવ વર્ષનું પ્રભાત ઉગે છે. દરેક પ્રભાત નિરાશાઓની ભરમારને ખંખેરી ઉગતી આશાનો પાવન સંદેશ છે. દિપાવલીની રાત્રિએ મનમાં સમાયેલાં દૃશ્યો ગમે તેટલાં સુંદર કે ભવ્ય હોય પણ આજે નવ વર્ષે તે ગઈ કાલ બનીને ઇતિહાસના ગર્ભની ટાઇમ કેપ્સ્યુલમાં દટાઈ ગયાં છે. દિપાવલીના ઝઝૂમી રહેલા કોઈ દીપકે શુભ પ્રભાતનો રાહ દેખાડતાં આપણને રાહ ચીંધ્યો છે. ઉપવનની કળીઓ પણ વીતી ચૂકેલી રાત્રિનો સંદેશ પામીને ઝાકળની ભીની ભીની કુમાશ માણતી માણતી આજે પુષ્પોમાં પરિવર્તન પામી ચૂકી છે. જીવનના ઉપવનમાં પ્રત્યેક પળે ચાલી રહેલા આપણા માટે નવ વર્ષનો શું છે સંદેશ? એક તરફ છે પુષ્પ પરિમલ સાથેની સુંદર સવાર, દિવાળીની ભવ્યતા વચ્ચે પણ ઝઝૂમી રહેલા દીવાઓએ અનુભવેલો પડકાર, આશાઓ અને અભિલાષાઓ વચ્ચે આસોપાલવના તોરણે ઝૂલી રહેલું ભવિષ્ય, અસીમ પળોનો પડકાર ને બીજી તરફ પ્રશ્નોની ભરમાર. કેવી હશે આવતી કાલ? સમયનું લોલક ક્યાં લઇ જશે સંસારસાગરમાં આપણી જીવનનૈયાને? કોઈની નૈયા સ્થિર તો કોઈની સાગરની લહેરોને માણી રહેલી તો કોઈની દરિયાના મોજાંઓની થપાટોને ઝીલતી આગળ વધી રહી છે. માર્ગ કોણ બતાવે? આપણે જ આપણી નૈયાના નાવિક. શું હોય છે નાવિકનો માર્ગ? અફાટ સમુદ્ર અને અસીમ જળરાશિથી ઘેરાયેલો નાવિક, તેનો માર્ગ છે હૈયાની હામ અને હાથમાં હલેસાંઓની શક્તિની શ્રધ્ધા અને આત્મવિશ્વાસ.

દિવાળી અને બેસતું વર્ષ એટલે વિક્રમ સંવતની યાદીમાં એક નવા વર્ષની શરૂઆત. નવું વર્ષ એટલે નવા હિસાબની શરૂઆત અને વીતેલા વર્ષના લેખાજોખા. સાથેજ ભવિષ્યની રૂપરેખા આંકવાનો સમય. ક્યારેક વીતેલા વર્ષ પર નજર જાય તો વસમી વેદનાઓના ચિત્કાર વચ્ચે દેખાય આહ, આહટ અને વેદનાની કોરોનામય વસમી પળના વમળ વચ્ચે કોઈના થીજેલાં આંસુ. તો ક્યાંક એમ્બ્યુલન્સની સાઈરન વચ્ચે છુપાયેલી સીમટી ગયેલી સાઇલેન્સ અને મર્યાદા સભર મૌન અને વેક્સિનની વિમાસણ વચ્ચે ફસાયેલી માનવજાત અને તેનું સાક્ષી આ આકાશ. ચાલો, આપણે પણ એક નજર કરીએ આપણી આ વર્ષની આશા, અપેક્ષા અને ઉપલબ્ધિઓ પર.

ઉપલબ્ધિની વાત આવતા સાથે જ આપણું મન આકલન કરવા લાગશે કે આપણી સંપત્તિમાં કેટલો વધારો થયો, નોકરીમાં પ્રમોશન મળ્યું, કેટલાં સુખ સગવડોના સાધનો વસાવ્યા વગેરે વગેરે. જરા થોભો, તમારી ગાડી ખોટા પાટા પર જઈ રહી છે. બહિરંગ ઉપલબ્ધિઓનું આકલન કરવાનું ખૂબ સરળ છે. પણ આ પ્રસંગે સરવૈયું કાઢવાનું છે અંતરંગ ઉપલબ્ધિઓનું. આ મહામૂલ્યવાન માનવજીવનને સફળ બનાવવું હોય તો હંમેશા આપણી અંતરંગ બાજુને ઉજાળવા તરફ જાગૃત રહીએ. આ બાબતોને વિગતવાર સમજીએ. આપણે જાતને પ્રશ્ન કરીએ કે આ વર્ષમાં આપણો અહંકાર વધ્યો કે ઘટયો, આપણે અન્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી? આપણે અન્ય પ્રત્યે કેવી કરુણામય દૃષ્ટિ રાખી….

* અહંકાર
આ વર્ષમાં આપણે આપણા અહંકાર પર કેટલો કાબૂ મેળવ્યો? અહંકાર વ્યક્તિને એ હદે ગ્રસી લે છે જેની ન તો કોઈ સીમા છે ન કોઈ સંતોષ. જાણે અજાણે તેની લાલસા વધતી જ રહે છે. અહંકાર ફક્ત સંપત્તિ કે સત્તાનો જ હોય એવું નથી. સંપત્તિ કે ધનદોલત મળતાં જ ગર્વનો પર ન રહે. જેમ જેમ ધન કે નફો વધે એમ અહંકારમાં પણ વૃદ્ધિ થાય. અહંકારી વ્યક્તિ સહુને પોતાની ગૌરવ ગાથા સંભળાવતો રહે છે પરંતુ અન્યની અભિવ્યક્તિ સાંભળી કે સમજી શકતો નથી.

સાચું જ્ઞાન હોય તેનો અહંકાર ન હોય. પણ મન જાગૃત ન હોય તો જ્ઞાનનો પણ અહંકાર આવે. જ્ઞાનની વૃદ્ધિ સાથે ગર્વની પણ વૃદ્ધિ થતી રહે. સત્તાનો અહંકાર તો નશાકારક હોય છે. પોતાની સત્તાનું પ્રદર્શન કરવાનો મોહ રોકી શકાતો નથી. અહંકારનો વ્યાપ સત્તાની વૃદ્ધિ સાથે વધતો રહે છે.

કેટલાક લોકોને સિદ્ધિનો પણ અહંકાર હોય છે. જ્યાં અને ત્યાં પોતાની સિદ્ધિના ગુણગાન ગાયા કરે છે. તેઓ એવા જ મિત્રો પસંદ કરે છે જે તેની પ્રશંસા કરે અને તેનો અહંકાર પોષે. એટલું જ નહિ પણ પૈસા ખર્ચીને સિદ્ધિ ખરીદનાર પણ જોવા મળે. જેમકે ડોનેશન આપી એવોર્ડ મેળવવો, પુસ્તક પબ્લિશ કરવું, સભામાં મુખ્ય મહેમાન બનવું વગેરે આજકાલ સામાન્ય બાબત છે.

એક વર્ગ એવો પણ છે કે જે સેવા, દાન અને ત્યાગ જેવા ઉમદા કાર્યનો પણ અહંકાર કરે. દાન સાથે તેની તેની જાહેરાત કરવી, તકતી લગાડવી એ ખૂબ સામાન્ય વાત છે. તો જે લોકો ત્યાગ કરે એ પણ ઘણી વાર પોતાના ત્યાગ વિશે ઢોલ નગારાં વગાડતાં જોવા મળે છે, જેનાથી તેમનો અહંકાર સ્પષ્ટ નજરે પડે છે.

આમ વાત સંપત્તિ, જ્ઞાન, સત્તા, દાન, ત્યાગ કે સિદ્ધિની હોય, પરિણામે ગર્વ અને અહંકારની વૃદ્ધિ થાય છે અને અંતે તે ક્યારે એનો ગુલામ બની જાય તેની ખબર પણ પડતી નથી. આપણે એનાથી બચીએ.

*કૃતજ્ઞતા
અનેક નાના મોટા પ્રસંગો એવાં બને છે, જેમાં આપણે બીજાની મદદ કે સેવા મેળવીએ છીએ પણ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં નથી. જેમ કે કોઈએ આપણને રસ્તો બતાવ્યો, રેસ્ટોરન્ટમાં, ઓફિસમાં સારી સર્વિસ આપી, કોઈ ટોપિક સમજાતો ન હતો તેની સરળતાથી સમાજ આપી, લિફ્ટ આપી, કોઈએ કામમાં મદદ કરી વગેરે વગેરે. જાતને પ્રશ્ન કરીએ કે શું આવા પ્રસંગોએ હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ?

*કરુણા
દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ કે ક્ષમતા જરૂર હોય છે જે સામેની વ્યક્તિની તકલીફ સમજી શકે અને યથાશક્તિ મદદ કરી શકે. એમાં પણ ખાસ કરીને કોરોના કાળ બાદ આપણે અનુભવ્યું કે કરુણા બતાવી મદદ અર્થે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી દૃષ્ટિમાં અન્ય પ્રત્યે કરુણા હશે તો આપણી આસપાસ જ અનેક વ્યકિત એવી હશે જેને મદદની જરૂર હોય. છતાં સંજોગોને આધીન મદદ માગતાં સંકોચ થતો હોય. ત્યારે આવી વ્યક્તિઓને ઉપકારનો ભાર ન લાગે એ રીતે મદદ કરીએ છીએ?

ઘણી વાર આપણે સમસ્યાના મૂળ સુધી જતાં જ નથી અને થાગડ થીગડ કરીને ઉકેલના બદલે નવા પ્રશ્નોને જન્મ આપીને છીએ. જેમ ટાયરમાં પંચર કરીએ એમ જીવનના પ્રશ્નોનો ઉકેલ ન મળે. એથી ગૂંચ ઉકેલાય નહીં પણ કોકડું વધુ ગૂંચવાય. પરિણામે જીવનની વ્યથા અને વ્યગ્રતા વધે. કારણ કે બહારથી દેખાડો કરવાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે અંદરથી પરિવર્તન આવે તો જીવન પણ બદલાઈ શકે છે. જ્યારે સત્ય અને શ્રદ્ધાથી આપણી સીમાને લાંઘીએ તો આપણી ક્ષમતા કરતાં પણ વધુ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ દીપાવલીએ આપણે આંતરખોજ કરીએ અને એક વધુ ઉમદા માનવી બનીએ. અહંકારનો ત્યાગ કરીએ અને નવા વર્ષે કૃતજ્ઞતા અને કરુણાના નવા દીપ પ્રગટાવીએ.

દરેક નવ વર્ષ નફા નુકસાનનો હિસાબ કરવા પ્રેરે. પરંતુ જીવનના યુદ્ધમાં આપણા સંગાથે કોણ? આપણા આપ્તજનો અને મિત્રો સહુની શુભેચ્છાઓ અને ઈશ્વરના આશિષ તો ખરા જ. પરંતુ આપણી જીવન નૈયાના હલેસાં એટલે આપણા તન અને મન. તનને સશક્ત રાખવાની જવાબદારી સમજીને નિયમ અને સંયમને જીવનમાં વણી લઈએ. મનને નિરર્થક આચાર, વિચાર, પ્રચાર અને સંચારના માધ્યમોથી દૂર એક પ્રફુલ્લિત મન તરીકે વિકસાવીને શુભ સંકલ્પો સાથે નવ વર્ષને વધાવીએ. મંગલ ક્ષણો સાથે ઊગ્યો છે નવો સોનેરી સૂરજ. સુખ અને શાંતિની અપેક્ષા સાથે નવી આશા, અરમાનો અને સંકલ્પોથી શોભી રહેલી આ ઘડીઓ છે રળિયામણી. તેને જાણી લઈએ, માણી લઈએ. ચાલો, આપણે પણ શહેનાઈના સૂરો સાથે નવ વર્ષનું મંગલાચરણ કરીએ. નૂતન વર્ષાભિનંદન.

રીટા જાની
05/11/2021

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.